આમ તો `વિશ્વ હાસ્ય દિન' ગયા મહિનાના પહેલા રવિવારે ઉજવાઈ ગયો, પણ આટલાં વર્ષેય લગ્નની કળ વળી નથી, એટલે દોઢેક મહિના પછી હિંમત કરીને આ `દિન' વિશે લખવાનું વિચાર્યું. જોકે, માણસ જ્યારે માણસની અવસ્થામાં હોય છે ત્યારે તો એ બેરોકટોક - ખુલ્લા મને હસી શકે છે, પણ જ્યારથી એ લગ્નના ચાળે ચડીને પોતાનું માણસપણું ભૂલવા લાગ્યો અને વાનરવેડા કરવા લાગ્યો ત્યારથી હસવાનું ભૂલી ગયો. `વો ભી ક્યા દિન થે' એમ જૂનું પુરાણું ગીત ગાઈ જૂના પુરાણા દિવસો યાદ કરીને એ, વાઇફ જુએ નહીં એમ કોક ખૂણામાં જઈ છાનુંછપનું હસી લે. બાકી તો હસવાનું એને યાદ જ નથી આવતું અને જોકે આ રીતે છાનુંછપનું હસતાં એની વાઇફ ભૂલેચૂકેય જોઈ ગઈ, તો એ તો એમ જ વિચારવાની કે `હાઇ લ્યા, એના પપ્પા હસવાની શક્તિ હજુ પણ ધરાવે છે? આ માણસ હજુ પણ હસવાનું સાહસ કરી શકે છે? ચોક્કસ, મારા ઉછેરમાં ક્યાંક કચાશ રહી ગઈ હશે, એ સિવાય આ માણસ આ રીતે હસી ન શકે.'


પ્રખ્યાત હાસ્યલેખક માર્ક ટ્વેઇન કહે છે, `માણસે માત્ર સામાન્ય માણસ તરીકે જિંદગી પૂરી કરી નાખવી હોય તો લગ્ન ન કરવાં, પણ ફિલસૂફ બનીને નામ અમર કરી જવું હોય તો એણે વેળાસર લગ્ન કરી લેવાં જોઈએ!' આ રીતે મારા અને માર્ક ટ્વેઇનના વિચારો મળતા આવે છે. ફરક એટલો કે એને લગ્ન પહેલાં ફિલસૂફી સમજાઈ ગયેલી, મને લગ્ન પછી સમજાઈ પણ સમજાઈ ખરી.

મારા અભિન્ન મિત્ર એવા મારા `હમઅકલ' બાબુ બૉસે મને લાખ રૂપિયાનો સવાલ કર્યો, `લોકો ઉનાળામાં જ કેમ લગ્ન કરતાં હોય છે?' આ સવાલ એણે મારી ઑફિસમાં, એના ઘરમાં કે બહાર બીજે ક્યાંય કર્યો હોત તો મેં એને કહી જ દીધું હોત, પણ એણે મારા ઘરમાં બેસીને આવો જીવલેણ બોમ્બ ફેંક્યો અને એય તે વાઇફની હાજરીમાં, એટલે હું માત્ર સુરસુરિયું થઈને બેસી રહ્યો, બાકી હમણાં કહ્યું એમ જો એણે ઘરબહાર આ સવાલ પૂછ્યો હોત તો હું કહી દેત કે ભઈ બાબુ, આપણામાં કહેવત છે કે લોઢું જ લોઢાને કાપે અને કાંટો જ કાંટાને કાઢે. એમ ગરમી જ ગરમીને ઠારે. બસ, આ કારણે જ લોકો ઉનાળામાં લગ્ન કરવાનું વધારે પસંદ કરે છે.' ખરેખર પરણેલા પુરુષની અવદશાનું શું વર્ણન કરું. બાબુ, આપણા જ ઘરમાં, આપણા જ માણસની સામે લાચાર થઈને બેસવું પડે એવા દિવસો આવી ગયા છે. બાકી યાદ કરો, આપણે જ્યારે માણસમાં હતા, મતલબ કે કુંવારા હતા ત્યારે જિંદગી જીવવાનો કેવો અલગ અંદાજ હતો! આપણે ઇચ્છીએ ત્યારે હસી શકતા, ઇચ્છીએ ત્યાં જઈ શકતાં, ઇચ્છીએ એમ રહી શકતા, પણ જ્યારથી આપણે `માણસપણું' ખોયું ત્યારથી ઇચ્છા પ્રમાણે જીવવાનું તો ઠીક ઇચ્છા મુજબનું હસવાનુંય ભૂલી ગયા.   

યાદ છે, લગ્ન પહેલાં આપણે મમ્મી-પપ્પા આગળ કેટલી બધી દાદાગીરી કરતા'તા? યાદ કરો આપણી આઝાદીના એ ભવ્ય, દિવ્ય અને સૌમ્ય એવા રમ્ય દિવસો ને પેલા ગીતકારે કંઈ અમથું નહીં લખ્યું હોય, એ પણ આપણી જેમ પત્નીપીડિત હોવો જોઈએ. નહીંતર આટલું વાસ્તવિક ગીત લખવાની તાકાત જ નથી કે, `વો ભી ક્યા દિન થે'   

એ તો સારું છે કે દર વર્ષે ભલે એક દિવસ તો એક દિવસ, પણ `વિશ્વ હાસ્ય દિન' તરીકે ઉજવાય છે, તો આપણે એક દિવસ પૂરતુંય હસી શકીએ છીએ. કહેવત છેને કે, `સો દહાડા સાસુના, તો એક દહાડો વહુનો.' એમ દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારે આપણે સૌ એક અવાજે એટલી તો ઘોષણા કરી શકીએ કે `ત્રણસો ચોસઠ દહાડા વાઇફના તે એક દહાડો આપણો.'   

ગયા રવિવારે મને એકલો હસતાં જોઈને વાઇફે કહ્યું, `આમ ગાંડાની જેમ એકલા એકલા કેમ હસો છો? ખસી તો નથી ગયુંને?'   

`આજથી 51 વર્ષ પહેલાં મારું ખસી ગયું'તું, જેની આપણે ગયા વરસે રજત જયંતી પણ ઊજવી નાખી.'   

`કંઈક સમજાય એવું બોલોને.' વાઇફે કહ્યું, `આજે એકાએક હસવાનું કેમ યાદ આવ્યું?'   

`આજે રવિવાર છે.' મેં ખડખડાટ હસવાનું ચાલુ રાખતાં કહ્યું, `ગયા મહિનાના પહેલા રવિવારે આખા વિશ્વએ હાસ્યદિન તરીકે ઊજવેલો.'   

`તો, એનું આજે શું છે?'   

`આજે?' મેં હસતાં હસતાં કહ્યું, `યાદ કર, આપણાં લગ્ન પણ મેં મહિનાના પહેલા રવિવારે થયેલાં, બસ ત્યારથી એ દિવસ `વિશ્વ હાસ્ય દિન' તરીકે ઉજવાય છે.'   

`પણ એમાં આટલું બધું હસવાનું?'   

`આ તો કંઈ નથી,' મેં અટ્ટહાસ્ય કરતાં કહ્યું, `કેટલાક તો આટલા તાપમાંય છેક ધાબે ચડીને હસવાનો પ્રોગ્રામ રાખવાના. માણસે કરેલી પોતાની મૂર્ખામીને યાદ કરીને આજે પ્રત્યેક પરણેલો પુરુષ પોતાની સદ્ગત બુદ્ધિને આ રીતે હાસ્યાંજલિ આપશે. આવતી કાલે પાછું હસવા મળ્યું કે ન મળ્યું'   

`આવતી કાલે તમે નહીં હસો એમ કેવી રીતે માની લીધું?'   

`ગઈ કાલ સુધી મને તેં હસતાં જોયો'તો? આજે તો મારો લગ્નસિદ્ધ અધિકાર છે. આજે મને હસતાં કોઈ જ નહીં રોકી શકે.' 

સુગર ક્યૂબ 

જ્યારે વૃક્ષ તૂટતું હોય છે ત્યારે વાંદરાં ભાગી જતાં હોય છે. - ચાઇનીઝ કહેવત [email protected]

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: