‘1980નું વર્ષ છે. એક સ્કૂલમાં બહુ બધી છોકરીઓ છે. બધી છોકરીઓના માથા પર હિજાબ છે, પણ કોઈ છોકરી એ હિજાબનો પંખો બનાવીને હવામાં ઉડાડી રહી છે, કોઈ છોકરી બહુ બધા હિજાબને બાંધીને તેનું દોરડું બનાવીને કૂદી રહી છે, કોઈ છોકરી તેને મોઢા પર નાખીને પાતાળની શેતાન બની ગઈ છે, તો કોઈ છોકરીએ એવું કહીને તેને મોઢા પરથી ઉતારી રાખ્યો છે કે `બહુ ગરમી છે.'
ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઇ હતી. નાની બાળકીઓનું જીવન અચાનક બદલાઈ ગયું હતું, પણ તેમને જૂના દિવસો સારી રીતે યાદ આવતા હતા. ત્યારે તેઓ ફ્રેંચ મીડિયમની સ્કૂલમાં ભણતી હતી. ત્યાં છોકરા-છોકરીઓ એક જ ક્લાસમાં બેસતાં હતાં. ધર્મની કોઈ વાતો ન તો પુસ્તકોમાં લખેલી હતી કે ન તો ટીચર ભણાવતા હતા.
છોકરીઓએ સ્કૂલ જવાના રસ્તા પર ઠેર-ઠેર લોકોને હિજાબના સમર્થનમાં જુલૂસ કાઢતા અને નારા લગાવતા જોયા હતા. એક નાનકડી છોકરીને હિજાબ વગર સ્કૂલ જતી જોઇને ભીડે તેને પકડી અને જબરદસ્તી કાળા કપડાથી તેનું મોઢું ઢાંકી દીધું. બાકી છોકરીઓ ડરીને સ્કૂલ તરફ દોડી.'
ઈરાનની લેખિકા અને એનિમેશન આર્ટિસ્ટ મરજાની સતરાપીની 2000ની સાલમાં પ્રગટ થયેલી ગ્રાફિક નવલકથા `પર્સેપોલિસ'ની શરૂઆત આ રીતે થાય છે. આ નવલકથાની કહાની 1979 પછી છોકરીઓ અને સ્ત્રીઓ માટે રાતોરાત બદલાઈ ગયેલા દેશની કહાની છે. એમાં પીડા હતી અને વિદ્રોહ માટેની મૂંગી ચીસ હતી.
તેણે તેની લેખિકા મરજાની સતરાપીને રાતોરાત દુનિયાભરના ઉદારવાદી, સ્ત્રી-સ્વાતંત્ર્યવાદી અને સમાનતાવાદીઓની હિરોઈન બનાવી દીધી. ઈરાનની આઝાદ ખયાલી સ્ત્રીઓનો એક મજબૂત અવાજ બનેલી આ સતરાપી 4 જૂનના રોજ 56 વર્ષની વયે શાંત થઇ ગઈ. 2025માં તેના પતિનું અવસાન થયું હતું. એ વિરહ અને એકલતા તે જીરવી ન શકી. એક જ વર્ષમાં સતરાપી પણ અનંતની યાત્રાએ નીકળી ગઈ.
તેનું જવું કેવળ એક લેખિકાનું જ જવું નથી, પણ એ અનોખી વિઝ્યુઅલ લેંગ્વેજનું અવસાન છે, જેણે વીસમી અને એકવીસમી સદીની વચ્ચે ફેલાયેલી રાજકીય ઊથલપાથલ, અંગત સ્મૃતિઓ અને સાંસ્કૃતિક ટકરાવોને એક નવી સાહિત્યિક અભિવ્યક્તિ આપી હતી. `પર્સેપોલિસ' જેવી કૃતિએ તેને વિશ્વ સાહિત્યમાં એ સ્થાન અપાવ્યું હતું જ્યાં તે માત્ર લેખિકા જ નહીં, પણ એક સાંસ્કૃતિક સેતુ બની ગઈ હતી - ઈરાન અને પશ્ચિમની વચ્ચે, સ્મૃતિ અને ઈતિહાસની વચ્ચે અને વ્યક્તિગત અનુભવ અને સામૂહિક ચેતના વચ્ચે.
મરજાની સતરાપીનું બાળપણ એ દેશમાં વીત્યું હતું, જે આકરી રાજનૈતિક પ્રક્રિયાઓ વચ્ચેથી પસાર થઇ રહ્યો હતો. ઇસ્લામિક ક્રાંતિએ દેશની રાજકીય વ્યવસ્થા જ બદલી નહોતી, પણ સામાજિક જીવન, વિશેષ કરીને સ્ત્રીઓના જીવન પર પણ ઊંડી અસર છોડી હતી. અનુભવની આ પૃષ્ઠભૂમિએ સતરાપીના લેખન અને કલાત્મક દૃષ્ટિકોણને આકાર આપ્યો હતો. સતરાપીએ તે અનુભવને રાજકીય ચર્ચા તરીકે જોયો નહોતો, પણ એક જીવંત, વ્યક્તિગત અને અત્યંત માનવીય કથાના રૂપમાં પ્રસ્તુત કર્યો હતો. એટલા માટે તેમની રચનાઓ કોઈ પણ વિચારધારાના પ્રચારથી વધુ અનુભવોની સચ્ચાઈ સુધી પહોંચે છે.
`પર્સેપોલિસ' આત્મકથાત્મક છે. તેમાં તેમણે કિશોરાવસ્થાથી લઈને દેશનિકાલ સુધીના અનુભવોને ચિત્રો અને શબ્દોના માધ્યમથી પ્રસ્તુત કર્યા છે. આ કૃતિ કોઈ એક છોકરીની જ કહાની નથી, પણ એક આખા દેશના સામાજિક અને રાજનીતિક બદલાવનો વિઝ્યુઅલ દસ્તાવેજ છે.
આ કહાનીને એક બેબાક યુવાન છોકરીની દૃષ્ટિએ કહેવામાં આવી છે. તે 1979ની ક્રાંતિમાં મોટી થઇ હતી, અને ધરપકડો, યાતનાઓ, નૈતિક રખેવાળી અને ઈરાન-ઈરાક યુદ્ધના નરસંહારને સમજવા માંગતી હતી, પણ તે પહેલાં 14 વર્ષની ઉંમરમાં તેને એકલી જ યુરોપ મોકલી દેવામાં આવી હતી, કારણ કે તેનાં માતા-પિતાને લાગતું હતું કે ત્યાં તે વધુ સુરક્ષિત રહેશે.
`પર્સેપોલિસ'ની લાખો નકલો વેચાઈ હતી. તે પહેલી મહિલા લેખિકા છે જેની કથાનું ફિલ્મી રૂપાંતરણ થયું હતું અને જેને ઓસ્કાર નોમિનેશન મળ્યું હતું. તેના કાર્ટૂનની દુનિયાભરનાં સમાચારપત્રોમાં માંગ હતી, પણ 2004માં સતરાપીએ કાર્ટૂન બનાવવાનું બંધ કરી દીધું હતું. તે કહેતી હતી કે એ લોકોને દર વખતે (પર્સેપોલિસની) નાની બાળકી જોઈતી હતી અને હું કહેતી હતી કે બાળકી તો મોટી થઇ ગઈ છે. તેના વિચારોનું શ્રેય તે તેની માતાને આપતી હતી. તેણે એકવાર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, `1945માં જન્મેલી મારી માતામાં જબ્બર ઇચ્છાઓ હતી, પણ ઈરાનિયન સમાજમાં તે બંધાયેલી રહી ગઈ. તેના માટે મને એક ઈરાની કહેવત યાદ આવે છે - કેટલી અચ્છી તૈરાક હતી, પણ બદનસીબે તેની પાસે ખાલી બાથટબ જ હતું. તેને ઘણું કરવું હતું, પણ એ આઝાદી નહોતી. તે મને કહેતી હતી, ડાર્લિંગ, બાકી છોકરીઓની જેમ દેખાવનો નહીં, દિમાગનો વિકાસ કરશે.' દેશ છોડ્યા પછી સતરાપી પેરિસમાં સ્થાયી થઇ હતી અને ત્યાં જ સ્વીડિશ એક્ટર-પ્રોડ્યૂસર મટિસ રિપાને મળી હતી. તેના અવસાન પછી સતરાપીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાઈનમાં એક પોસ્ટ મૂકી હતી; For I lost the love of my life (મેં મારા જીવનનો પ્રેમ ગુમાવી દીધો છે). તેના અંતરંગ મિત્રોએ નોંધ્યું હતું કે તેનો એ તીવ્ર વિષાદ સમયની સાથે આગ બની ગયો હતો અને સતરાપી તેમાં જ ખાક થઇ ગઈ.
જોકે, વિરહના એ અંતિમ વર્ષમાં પણ તેણે સત્તા સામે અસહમતી બતાવવાનું સાહસ છોડ્યું નહોતું. તે કેવળ લેખિકા જ નહોતી; તે એક સક્રિય પબ્લિક ઈન્ટેલેક્ચ્યુઅલ પણ હતી, જે તેના સિદ્ધાંતો માટે પ્રતિષ્ઠા અને સન્માનને ઠુકરાવવા પણ તૈયાર હતી.
જાન્યુઆરી 2025માં તેને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન `લીજિયોં દ ઓનર' જાહેર થયું હતું, પણ સતરાપી એવું કહીને તે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો કે ઈરાનના દમનકારી શાસન પ્રત્યે ફ્રાન્સનો અભિગમ બેવડો અને પાખંડી છે. તેણે લખ્યું હતું કે એક તરફ ઈરાની શાસકવર્ગ અને ધનિક પરિવારોનાં બાળકો માટે ફ્રાન્સના દરવાજા ખુલ્લા છે, પણ બીજી તરફ લોકતંત્ર અને સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહેલા યુવાન ઈરાની અસંતુષ્ઠોને વિઝા સુધ્ધાં મેળવવામાં તકલીફોનો સામનો કરવો પડે છે.
તેનું માનવું હતું કે લોકતંત્ર અને માનવધિકારની વાતો કરવી પૂરતી નથી. જો કોઈ દેશ આ મૂલ્યોમાં વિશ્વાસ કરતો હોય, તો તેણે એ લોકો સાથે એકતા બતાવવી જોઈએ, જેઓ દમનકારી શાસન સામે સંઘર્ષ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મરજાની સતરાપીની વિદાય પર ફ્રાન્સના રાષ્ટ્રપતિએ તેને `સ્વતંત્રતાને સમર્પિત કલાકાર' કહી હતી. તેમણે સતરાપીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું. વ્યક્તિગત સ્મૃતિઓ પણ માનવતાની સહિયારી કહાની બની શકે છે તેનું `પર્સેપોલિસ' ઉદાહરણ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










