અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજ સુધીના અમેરિકાના ઈતિહાસમાં આવેલા પ્રેસિડેન્ટ્સમાં સૌથી વધુ વિવાદસ્પદ સાબિત થઈ રહ્યા છે. વિશ્વયુદ્ધ બે રીતે લડાય છે. એક તો બંદૂકની ગોળીઓ, તોપો અને અણુબોમ્બથી પરંતુ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના કેટલાક દેશો પર આકરા ટેરિફ નાંખી આર્થિક ટેરરિઝમ દ્વારા વિશ્વયુદ્ધ જ છેડી દીધું છે. અમેરિકા જૂનામાં જૂનો લોકતાંત્રિક દેશ છે જ્યારે ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે છતાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે ભારત પર આકરા ટેરિફ નાખી 50 ટકા ટેરિફનો પ્રહાર કરીને મૂર્ખતાનું જ પ્રદર્શન કર્યું છે.


ટ્રમ્પે ભારત પર ફેંકેલા ટેરિફ બોમ્બનો બોજ અમેરિકાની પ્રજાએ જ સહન કરવો પડશે, કારણ કે ભારતમાંથી અમેરિકામાં આયાત થતી ચીજવસ્તુઓના ભાવ અમેરિકામાં જ વધશે અને ભારત પર નાખેલા 50 ટકા ટેરિફની રકમ અમેરિકનોએ જ ચૂકવવી પડશે. અમેરિકાની પ્રજા પણ આ વાત સારી રીતે સમજી ગઈ છે અને એ કારણે અમેરિકામાં જ પ્રસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે.

જો આ જ પરિસ્થિતિ રહી તો ડોલરની દાદાગીરી પણ ખતમ થઈ જશે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના મૂર્ખતાભર્યા નિર્ણયોના કારણે અમેરિકાનું શેરબજાર પણ ગગડી રહ્યું છે.

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા સહિત આખા વિશ્વની આર્થિક વ્યવસ્થા ખોરવી રહ્યા છે. ગુજરાતીમાં કહેવત છે કે `વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.' બસ, ડોનાલ્ડ ટ્રમ્પની આવી જ પરિસ્થિતિ છે.

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા ભારતને વાજબી ભાવે તેલ આપે છે તે ગમતું નથી, પરંતુ અમેરિકાએ વાત સમજી લેવી જોઈએ કે ભારત અને રશિયા વચ્ચેની મૈત્રી વર્ષો જૂની છે અને રશિયા ભારતનું વફાદાર મિત્ર રહ્યું છે.

રાજનીતિનો એક નિયમ છે કે જરૂર પડે સમીકરણો બદલી પણ શકાય છે. નવી પરિસ્થિતિમાં ભારત-રશિયા અને ચીન એક થઈ શકે છે. વિશ્વમાં એક નવો વર્લ્ડ ઓર્ડર આવી શકે છે. ભારત, રશિયા અને ચીનની એક ધરી વૈશ્વિક રાજનીતિનાં સમીકરણો બદલી શકે છે.

નોંધપાત્ર વાત એ છે કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈનાયે મિત્ર નથી. કાલે કોની સાથે તેઓ શું કરશે તે વાત તેઓ પોતે જ જાણતા નથી. ભારત, રશિયા અને ચીન એક થઈ જાય તો અમેરિકાની દાદાગીરીનો અંત આવી જશે.

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એ વાત સારી રીતે સમજી લેવાની જરૂર છે કે ભારત પણ એક પરમાણુ રાષ્ટ્ર છે. બહુ થોડા જ સમયમાં ભારતના શક્તિશાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી આર્થિક મહાસત્તા બની જશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈનીયે દાદાગીરી સહન કરે તેવા નથી. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પણ નહીં. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંડર એસ્ટિમેટ કરવાની ભૂલ ન કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે. ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર `અમેરિકા ફર્સ્ટ' છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે `ઈન્ડિયા ફર્સ્ટ'નું સૂત્ર છે. ભારત બહુ ટૂંકા જ સમયમાં આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે. વર્ષો પહેલાં અમેરિકાએ ભારત પર કેટલાય આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા છતાં ભારત છેવટે તો શક્તિશાળી રાષ્ટ્ર બનીને જ ઊભર્યું. વર્ષો પહેલાં અમેરિકાએ ભારતને ડરાવવા સમુદ્રમાં તેનો 7મો નૌકા કાફલો મોકલ્યો ત્યારે ભારત અને રશિયાએ મૈત્રી કરાર કરીને તેનો કરારો જવાબ આપ્યો હતો. ભારત કોઈથી ડરતું નથી અને ડરશે પણ નહીં.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના માનસિક સ્વાસ્થ્ય અંગે અમેરિકાના જ મનોચિકિત્સકો ચિંતા સેવી રહ્યા છે. અમેરિકાના મનોચિકિત્સકોના મતે ડોનાલ્ડ ટ્રમ્પ નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે. `નાર્સિસિસ્ટ' એટલે જે વ્યક્તિ પોતાના જ પ્રેમમાંં હોય તેને `નાર્સિસિસ્ટ' કહે છે.

પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ સવારે શું બોલે છે તે તેમને બપોરે યાદ રહેતું નથી. બપોરે જે બોલે છે તે સાંજે યાદ રહેતું નથી. જે બોલ્યા હોય તે બીજા દિવસે સવારે યાદ રહેતું નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ 30 હજાર કરતાં વધુ વાર જૂઠ્ઠુ બોલ્યા છે તેવું અમેરિકાનાં જ અખબારોમાં લખાયું છે.

વળી, તે જે કંઈ બોલે છે તેમાં સાતત્ય હોતું નથી. આજે કંઈક બોલે છે અને બીજા દિવસે ફરી જાય છે.

અમેરિકાના મનોચિકિત્સકે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અનપ્રેડિક્ટેબલ વ્યક્તિ કહે છે. એટલે કે તેઓ શું કરશે તેના વિશે કોઈ આગાહી કરી શકાય નહીં.

અમેરિકાના પ્રેસિડેન્ટ્સના સત્તાવાર નિવાસસ્થાને આવી માનસિક વિકૃતિથી પીડાતા કોઈ પ્રેસિડેન્ટ આવ્યા નથી.

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે મારું સૂત્ર છે: `અમેરિકા ફર્સ્ટ', પરંતુ હકીકત એ છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ એક બિઝનેસમેન છે અને તેમના ફેમિલી બિઝનેસને આગળ વધારવા તેમના માટે ફેમિલી બિઝનેસ ફર્સ્ટ છે. પાકિસ્તાનમાં પોતાના ફેમિલીનો ધંધો વધારવા માટે જ પાકિસ્તાનને ખોળે લીધું છે. અમેરિકાના ટ્વીન ટાવર પર વિમાનો ટકરાવી 5000 લોકોનાં મોત નીપજાવવાના માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેનને પાકિસ્તાને જ છપાવ્યો હતો અને વર્ષો પહેલાં અમેરિકાએ જ પાકિસ્તાનમાં છુપાવેલા આતંકવાદી ઓસામા બિન લાદેનને શોધી તેને મારી નાંખી તેના મૃતદેહને દરિયામાં ફેંકી દીધો હતો. આવા આતંકવાદી દેશના આર્મી ચીફ મુનીરને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં બોલાવી ડિનર આપ્યું હતું. હવે ફરી બીજી વાર પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ બોલાવ્યા હતા. પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે કહ્યું હતું કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ મળવું જોઈએ. બસ, તે દિવસથી ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરને વહાલ કરવા માડ્યું છે અને મુનીરને પાળેલો પોપટ બનાવી દીધો છે.

સાચી વાત એ છે કે પાકિસ્તાનની 40 ટકા ઊર્જા પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાનમાંથી આવે છે. ચીને પણ આ જ કારણસર બલુચિસ્તાનમાં મોટું મૂડીરોકાણ કરેલું છે. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ડોળો પણ આ જ કારણસર બલુચિસ્તાન પર છે. પાકિસ્તાનના બલુચિસ્તાનની કુદરતી સંપદા પર ડોનાલ્ડ ટ્રમ્પની નજર છે. આ જ કારણસર ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના લશ્કરી વડા મુનીરને પંપાળવાનું શરૂ કર્યું છે અને તે પણ અમેરિકાના હિત માટે નહીં, પરંતુ પોતાના ફેમિલી બિઝનેસને વધુ સમૃદ્ધ બનાવવા માટે. આ વાતને એક બીજા શબ્દોમાં કહી શકાય કે પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર કટ્ટરવાદી ટેરરિસ્ટ છે તો પ્રેસિડેન્ટ ટ્રમ્પ આર્થિક ટેરરિઝમના ગ્લોબલ ટેરરિસ્ટ છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને શરમ આવવી જોઈએ કે અમેરિકા એ વિશ્વની મોટી આર્થિક મહાસત્તા હોવા છતાં એક શિયાળવા જેવા પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરની મદદ લેવી પડે છે.

પાકિસ્તાનના લશ્કરી વડા મુનીરને ખુશ કરવા માટે જ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની સરકાર સામે મેદાને પડેલા બલુચિસ્તાનના એક સંગઠનને પર પ્રતિબંધ મૂક્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના મુનીર સાથેના સોદાનો આ એક ભાગ જ છે, કારણ કે બલુચિસ્તાનમાં તેલ અને કોલસો વિપુલ પ્રમાણમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પની નજર બલુચિસ્તાનની ભૂમિમાં રહેલા તેલ અને કોલસા પર છે અને આ જ કારણસર ડોનાલ્ડ ટ્રમ્પે `આઈ લવ પાકિસ્તાન' કહી પોતાની જાતને બેવકૂફ સાબિત કરી હતી.

અમેરિકાના બીજી વખત ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકા માટે આશીર્વાદરૂપ છે કે આપત્તિરૂપ તે તો આવનારો સમય કહેશે, પણ હા, અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા બાદ થોડા જ વખતમાં ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે આડેધડ નિર્ણયો લેવા માંડ્યા છે તે જોતાં તો સ્પષ્ટ લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ બહુ થોડા જ સમયમાં વિશ્વવ્યવસ્થા અને વિશ્વના અર્થતંત્રને ખોરવી નાંખશે.

ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ માટે એક હોનારત પણ સાબિત થઈ શકે છે.

વિશ્વભરના તટસ્થ આલોચકોને લાગે છે કે, `વિશ્વ જમાદાર' અમેરિકા ખુદ સમગ્ર વિશ્વ માટે ખતરો બની રહ્યું છે. આખી દુનિયા ડોનાલ્ડ ટ્રમ્પથી ડરી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પનાં આડેધડ નિવેદનોથી સમગ્ર યુરોપ તેનું ડિફેન્સ બજેટ વધારી રહ્યું છે. એ વાત તો સુવિદિત છે કે અમેરિકાનો મોટામાં મોટો ધંધો શસ્ત્રો વેચવાનો છે. તેના આ બિઝનેસની તરક્કી માટે વિશ્વના કોઈ પણ દેશમાં યુદ્ધ ચાલતું રહે તે અમેરિકાની જરૂરિયાત છે. ભૂતકાળમાં પાકિસ્તાનને પણ એણે મદદ કરેલી છે. પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું ત્યારે અમેરિકાના એ વખતના પ્રેસિડેન્ટે અરબી સમુદ્રમાં 7મો નૌકા કાફલો મોકલીને ભારતને ડરાવવાની કોશિશ કરી હતી.

અમેરિકાએ જે દેશમાં લશ્કરી કામગીરી કરી તે દેશોનો સત્યાનાશ થઈ ગયો હતો. વિયેતનામ, સીરિયા અને અફઘાનિસ્તાનમાં પણ તેણે આ જ ધંધો કર્યો હતો. ભારતે પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પથી સાવધ રહેવાની જરૂર છે, પરંતુ અમેરિકા એ વાત ન ભૂલે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ઉપેક્ષા કરી શકે તેમ નથી. ભારત એક શક્તિશાળી દેશ છે. ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષોથી ગ્રીનકાર્ડ લઈને અમેરિકામાં રહેતા વસવાટીઓને હાંકી કાઢવા નવો ફતવો લઈને આવ્યા છે. સાચી વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં વસવા માટે ગોલ્ડ કાર્ડ વેચવા આ કારસ્તાન કરી રહ્યા છે.


  • Follow us on: