આફ્રિકાના આદિવાસીઓ જમતા કેવી રીતે હશે, એ જોવું હોય તો આ વરસાદી માહોલમાં દાળવડાંની કોઈ પણ લારીએ પહોંચી જવું, એકેય લારી એકલવાયી જોવા નહીં મળે. દાળવડાં પર લોકો એવાં તૂટી પડ્યાં હશે કે પેલા આદિવાસીઓ આપણાં દિલોદિમાગ પર છવાઈ જાય.
વરસાદના બે-ચાર છાંટા પડ્યા નથી કે મારો માંહ્યલો દાળવડાંમય થયો નથી! એ તો સારું છે કે મારા ઘરમાં મારા સિવાય કોઈને દાળવડાં ભાવતાં નથી એટલે જેટલો ઘાણ ઊતર્યો હોય એનો ઘાણ હું એકલો જ વાળી નાખું. દાળવડાં મને એટલાં વહાલાં, એટલાં વહાલાં કે રામને જેટલાં શબરીનાં બોર વહાલાં લાગેલાં. મારી વાત સાચી છે એવું સાબિત કરવા હું જગતના તમામ ભગવાન અને માણસોના સોગંદ ખાવા તૈયાર થઈ જાઉં, પણ દાળવડાંના સોગંદ ખાવાનું તો હું સપનામાંય વિચારું નહીં, દાળવડાં મને એટલાં વહાલાં.
`2004માં મેં શિક્ષકની નોકરીમાંથી VRS લેવાનું વિચાર્યું ત્યારે વાઇફે પત્નીધર્મ નિભાવતાં પૂછેલું `પછી શું કરશો?' મેં મારો હરખ વ્યક્ત કરતાં કહેલું કે દાળવડાંની લારી કરીને લોકોમાં મારાં દાળવડાંને લોકપ્રિય બનાવીશ! લારીમાંથી પછી ધીરે ધીરે મોટી દુકાન કરીશ અને એક દિવસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જેમ આપણી પણ `દાળવડા ઇન્ડસ્ટ્રીઝ' ધમધમતી હશે અને ત્યારે...'
`ઓ જુનિયર શેખચલ્લી' વાઇફે બંને હાથની ચપટીઓ વગાડતાં કહ્યું, `લૌટ આઓ, લૌટ આઓ વાપસ લૌટ આઓ. આપણે ખોટનો ધંધો નથી કરવો.'
`ખોટનો ધંધો?' મને આશ્ચર્ય થયું, `દાળવડાંની ડિમાન્ડ આપણે ત્યાં જ નહીં, હવે તો આપણા લોકોએ એને વિદેશોમાં પણ લોકપ્રિય કરીને ડિમાન્ડમાં વધારો કરી દીધો છે અને તું આને ખોટનો ધંધો કહે છે?'
`ધંધો તો સારો જ છે, પણ મને બીક એ વાતની છે કે દાળવડાંનો પૂરવઠો બચ્યો હશે તો વેચાશેને? પુરવઠો જ નહીં બચ્યો હોય તો ધંધો ક્યાંથી થશે?'
`કેમ આમ બોલે છે? હું કારીગરો રાખીશ. MBA થયેલા.'
`એ બધું બરાબર, પણ મને ડાઉટ એ વાતનો છે કે દાળવડાંના જેટલા ઘાણ ઊતરશે એ બધા તમારા નાસ્તામાંથી અને પેટ ભરીને ખાવામાંથી બચશે તો વેચાશેને? આપણે આવો ખોટનો ધંધો નથી કરવો, VRS કેન્સલ કરાવી દો, મંજૂર થાય એ પહેલાં.'
મિત્રો, મારે તો દેશના વિકાસ માટે દાળવડાં ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવી હતી અને દેશમાંથી દાળવડાંનો એક્સપોર્ટ બિઝનેસ કરી દેશના અર્થતંત્રને મજબૂત પણ કરવું જ હતું, પણ દાળવડાં એક્સપોર્ટ થાય એ પહેલાં મારે જ મારા ઘરમાંથી એક્સપોર્ટ થવાનો વારો ન આવે એવો ઉમદા વિચાર કરી મેં દાળવડાંની લારી કરવાનું સાવ માંડી વાળ્યું. છેવટે હું મેગેઝિનમાં પૂર્તિ સંપાદક તરીકે જોડાઈ ગયો. એક વાતનું મને આશ્વાસન જરૂર મળ્યું કે દાળવડાં નહીં તો પૂર્તિવડા પણ વડા સાથે જોડાવાનું તો થયું.
આજે પણ હું જ્યાં જ્યાં દાળવડાંની લારી જોઉં છં ત્યાં ત્યાં હું મને જ ભાળતો હોઉં છું. દાળવડાં વેચનારમાંય હું અને સામે ઊભા રહીને ખાનારાઓમાં પણ હું મારો જ સાક્ષાત્કાર કરું છું. મારું ચાલે, તો આખા ઘરમાં (ઓહ! ઘરમાં તો તમારી જેમ મારુંય ક્યાં ચાલે છે?) અને દેશમાં દાળવડાંને `સંપૂર્ણ આહાર' તરીકે જાહેર કરી દઉં. દાળવડાં જ આપણું રાષ્ટ્રીય ફરસાણ એવો વટહુકમ જાહેર કરાવી દઉં કે ફરસાણની લારી હોય કે ફાઇવસ્ટાર-સેવનસ્ટાર હોટેલ હોય, ફરસાણમાં ભલે બીજું જે કંઈ રાખવું હશે તો સરકારના સાથી પક્ષોની જેમ રાખી શકશે. મોટો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હશે એને તાત્કાલિક દેશદ્રોહી તરીકે જાહેર કરવામાં આવશે. દાળવડાંને `રાષ્ટ્રીય વડાં'નો દરજ્જો આપવામાં આવશે. દાળવડાંનું અપમાન કરનારને રાષ્ટ્રીય અપમાન સમજી, એને કડકમાં કડક સુખડી ખાવાની સજા કરવામાં આવશે. આ ઉપરાંત હું ઇમરજન્સી જેવો બીજો વટહુકમ એવોય પડાવડાવું કે દરેક રાજ્યોમાં દાળવડાંના MOU કરી `વાઇબ્રન્ટ દાળવડાં'ના પ્રોજેક્ટો તરતા મૂકવામાં આવે. `સૌનાં દાળવડાં સૌનાં મોંમાં' એવો ફરસાણમંત્ર જાહેર કરાવડાવું. ટૂંકમાં, દાળવડાંને ઘર ઘરમાં અને ઘટઘટમાં મારે પહોંચાડી દેવાં છે, કારણ કે દાળવડાં જેવું કોઈ સેક્યુલર નથી. દાળવડું કોમવાદમાં માનતું નથી. ખાનારો બી. કોમ. હોય, એમ. કોમ. હોય કે ગમે તે કોમનો હોય, દાળવડું તો એ પ્રેમથી ખાવાનો જ! દાળવડું કોઈ પણ વાદમાં માનતું નથી. અમદાવાદ હોય કે મહેમદાવાદ હોય, દાળવડું તો ત્યાં હોય જ. દાળવડાંનું ગ્લોબલાઇઝેશન કરવા માટે હું રાષ્ટ્રીય મુક્તક વહેતું મૂકીશ કે :
`વાદળોમાં કેદ જે વરસાદ છે,
દાળવડાંને કેટલું તરસ્યો હશે?
પણ અચાનક દાળવડાંને જોઈને,
મન ભરીને કેટલું વરસ્યો હશે!'
પણ મિત્રો, હું આ બંધ ક્યારે કરી શકું? મારું ચાલે તો ને? ઘરની વાત. જવા દ્યોને. ઈમાં આપણે હંધાય હરખા! તેમ છતાં એટલું કહેવાની હિંમત તો કરી શકું કે દાળવડાંને હું મારા ઘર પૂરતું `બ્રહ્મભોજન' તરીકેનું સન્માન તો ચોક્કસ આપીશ જ! વાર-તહેવારે મારા ઘરે જે મહેમાનો આવશે એ સૌને લાડુ કે લાપસીને બદલે દાળવડાંનું બ્રહ્મભોજન જરૂર કરાવીશ. હું તો જ્યોતિષી મિત્રોને પણ એક વણમાગી સલાહ (મફત છે ને એટલે!) જરૂર આપીશ કે મિત્રો, તમારા ધંધાને વેગવંતો બનાવવો હોય તો `દાળવડાં ગ્રહ'ની વિધિ મારી પાસે કરાવો, જુઓ પછી આપણા બંનેનો વિકાસ! અને હા, સંપાદકશ્રીને એટલી વિનંતી કે, આ લેખના પુરસ્કાર તરીકે મને દાળવડાં માત્ર વીસ ક્વિન્ટલ મળશે તો ચાલશે!
સુગર ક્યૂબ
- જ્યારે વૃક્ષ તૂટતું હોય છે ત્યારે વાંદરાં ભાગી જતાં હોય છે.
- ચાઇનીઝ કહેવત
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો