કાળક્રમે સમગ્ર પૃથ્વીની પ્રાચીન અને કુદરતી ભૌગોલિક વ્યવસ્થાને ભરખી જવાની તાકાત ધરાવતા આબોહવા પરિવર્તન સંકટની શરૂઆત પૃથ્વીના આસપાસના ઓઝોન કવચમાં કાણું પડવાની સાથે શરૂ થઈ. આજથી લગભગ ચારેક દશક અગાઉ. વાહનો અને કારખાનાંઓ દ્વારા અભૂતપૂર્વ માત્રામાં હવામાં ક્લોરોફ્લોરોકાર્બન્સ રસાયણો છોડવામાં આવ્યાં. કેમિકલો આકાશમાં ઊંચે જતાં ગયાં, સૂર્યનાં સખત કિરણોના પ્રતાપે તેનું વિઘટન થતું ગયું. એ પ્રક્રિયામાંથી ક્લોરિન પેદા થયો. સૂર્યના પ્રચંડ તાપ સામે પૃથ્વીના લોકોને રક્ષણ પૂરું પાડતો ઓઝોન વાયુ આ ક્લોરિનને કારણે નષ્ટ થવા માંડ્યો. એ રક્ષક આવરણમાં કાણાં પડી ગયાં. 1987માં મોન્ટ્રિઅલ પ્રોટોકોલ અનુસાર તમામ દેશોએ એવાં રાસાયણિક કેમિકલ્સનો વપરાશ બંધ કર્યો. હવે ઘણા વખતથી સમાચાર આવી રહ્યા છે કે ઓઝોન આવરણની સ્થિતિ સુધરી રહી છે.


પરંતુ ઓઝોનનાં કાણાં જ એકમાત્ર સમસ્યા નથી. ઓઝોન કવચ માનવજાત અને બીજાં પ્રાણીઓને કેન્સરજનક અલ્ટ્રા-રેડિએશનથી બચાવે છે, પણ તે પૃથ્વી પરના તાપમાનને નિયંત્રણમાં રાખી શકતું નથી. તેનાથી પણ વધુ મોટી અને બીજી સમસ્યા છે ગ્રીનહાઉસ વાયુઓની. પૃથ્વી પરની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, વાહનો, કારખાનાં અને વિદ્યુત મથકોમાં તેલ, ગેસ, કોલસાનો ઉપયોગ અતિશય વધી ગયો. આ વાયુઓ ખાસ કરીને કાર્બન ડાયોક્સાઈડ અને મિથેન હવામાં ભળતા ગયા. જાણે કે પૃથ્વી ફરતે એક ધાબળો ઓઢાડી દીધો. તેમાંથી ગરમી અને ઈન્ફ્રારેડ કિરણો બહાર નીકળી અનંત આકાશ તરફ જતાં નથી. પૃથ્વીના હવામાનમાં રહીને ગરમ પૃથ્વીને વધુ ગરમ બનાવે છે. તેનાં દુષ્પરિણામોને ઘટાડે તેવાં જંગલોનું નિકંદન આજે પણ ચાલુ છે.

તાપમાન વધારાનું એક વિષચક્ર ચાલુ થયું. બરફ વધુ અને વધુ પીગળવા માંડ્યો, જંગલો સળગવા માંડ્યાં, પાણીના અભાવમાં સૂકાવા માંડ્યાં. બરફનું પ્રાચીન આવરણ પીગળી ગયું અને હજી પીગળી રહ્યું છે. પર્વતો પરની હિમનદીઓની સાથે સાથે સમુદ્રો પર અફાટ ફેલાયેલા બરફનાં પડો પીગળી રહ્યાં છે. તેમ થવાથી પાણીની વધુ અને વધુ સપાટી ખુલ્લી પડવા માંડી અને સૂર્યપ્રકાશની સામે આવી ગઈ. પાણીનો વધુ જથ્થો ગરમ થવા માંડ્યો અને વધુ બરફ પીગળવા માંડ્યો. દુનિયાના સાગરોની સપાટી ઊંચે જઈ રહી છે. તેનાં વિકરાળ જોખમો ધીમે ધીમે આકાર લઈ રહ્યાં છે.

કરોડો અબજો વર્ષથી ધ્રુવ પ્રદેશોમાં જામેલો રહેતો હતો તેમાંથી 90 ટકા બરફ પાણી બનીને ગાયબ થઈ ગયો છે. 1994 બાદ પૃથ્વીની સપાટી પરથી 28 ટ્રિલિયન ટન સપાટી પરનો બરફ ગાયબ થયો છે. હવે માત્ર પાંચ દસ ટકા બચ્યો છે. જૂનાં અને છથી દસ ફૂટ જાડાં પડ ગળી ગયાં છે. તે જલદીથી પીગળતાં નથી, છતાં પીગળી ગયાં. શિયાળામાં નવા થર બંધાય તે પાતળા હોય છે અને ઉનાળામાં સહેલાઈથી ઓગળી જાય છે. મોટાભાગના થરો સમુદ્રનાં પાણી પર છે. બરફની બે પ્લેટ એકમેક સાથે અફળાય ત્યાં સમુદ્રમાં એક પાંસઠ ફૂટથી જાડો વિશાળ થર રચાય છે. શિયાળામાં ઠંડી વધે ત્યારે બરફની પાટ નીચેનું પાણી ઠંડું બનીને પાટ સાથે જોડાય અને પાટ જાડી બને છે. આવી પાટો લાખો ચોરસ કિલોમીટરમાં છવાયેલી હોય છે. દુનિયામાં આજે દક્ષિણ અને ઉત્તર ધ્રુવ વિસ્તારોની બે આઈસ શીટ બચી છે, તે મળીને કુલ દોઢ કરોડથી વધુ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. તે પણ જ્યારે સંકોડાઈ ગઈ છે ત્યારે.  

હાલમાં દુનિયા સામે મોટો સવાલ એ છે કે બરફમાંથી જે પાણી બની ગયું છે તેને ફરીથી થિજાવી શકાય ખરું? ચાર-પાંચ વર્ષ અગાઉ આ સવાલ એક સ્વપ્ન સમાન ગણાયો હોત, પણ આજે અમુક સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા નવા ઉપાયો શોધવામાં આવી રહ્યા છે. તેમાંની એક `રિઅલ આઈસ' કંપની દ્વારા પ્રયોગો કરીને નવી આશા જગાવવામાં આવી છે. લાગે છે કે ફરીથી એ પાણીને બરફમાં ફેરવી શકાશે. ખર્ચ ઘણો થશે. યોજનાઓને અમલમાં મૂકવામાં કોઈક અડચણરૂપ આડઅસરો પેદા થઈ શકે છે. આથી વિજ્ઞાનીઓ કહી રહ્યા છે કે શક્ય છે, છતાં ખૂબ હરખાઈ જવાની જરૂર નથી. હરખાઈ જઈને તાપમાનને ઠંડું પાડવાના અન્ય પ્રયત્નો અને ઉપાયો ત્યજી દેવાની જરૂર નથી.

યુકે સરકારની નાણાકીય સહાય વડે રિઅલ આઈસ દ્વારા એક નોંધપાત્ર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આજથી પાંચ મહિના અગાઉ રિઅલ આઈસના વિજ્ઞાનીઓની ટીમ કેનેડાના કેમ્બ્રિજ બે (અખાત) ખાતે પહોંચી હતી જ્યારે તાપમાન માઈનસ ચાલીસ સેન્ટિગ્રેડ હતું. તાજા જામેલા, મતલબ એકાદ વર્ષની અંદર જામેલા બરફની સપાટી પર તેઓએ બોરિંગ મશીનોની મદદથી કૂવાઓ ખોદ્યા. તેમાં પંપની મદદ વડે પચાસ હજાર ટન જેટલું દરિયાઈ પાણી ભરી દીધું. એ પાણી તરત જામીને બરફ થઈ ગયું. સમુદ્ર પર તરતા બરફની જાડાઈ દોઢ મીટરની હતી, તેમાં નવો બરફ જામવાને કારણે થરની જાડાઈ પચાસ સેન્ટિમીટર (વીસ ઈંચ) વધી ગઈ. આ બતાવે છે કે તરતા હીમપ્રદેશો પર ત્યાં હાજર સમુદ્રોનાં પાણી ભરવામાં આવે તો ફરીથી વધુ બરફ થિજાવી શકાય છે.

આપણી આસપાસ ઝડપભેર બરફ પીગળી રહ્યો છે. નવા જમાનાનાં નવાં દુષ્પરિણામો પેદા થયાં, તે અગાઉ સમજો કે આજથી સાઠ સિત્તેર વર્ષ પૂર્વે, જે ઋતુમાં કેમ્બ્રિજ અખાત વિસ્તારનું તાપમાન માઈનસ છ ડિગ્રી રહેતું હતું તેના બદલે પાંચ ડિગ્રી રહેવા માંડ્યું છે. લગભગ નવ ડિગ્રી સેન્ટિગ્રેડ વધારો થઈ ગયો છે. અન્ય એક સૂત્ર અનુસાર આર્કટિક પ્રદેશમાં છેલ્લાં 45 વર્ષમાં સમુદ્રીય બરફનું પ્રમાણ 45 ટકા ઘટી ગયું છે. સૂર્યની સિત્તેર ટકા ગરમી આ સમુદ્રીય બરફ અવકાશમાં પાછી મોકલી આપે છે. સામાન્ય સાગરો માત્ર સાત ટકા ગરમી અવકાશ, સ્પેસમાં પાછી મોકલે છે. બરફ ઘટતો જશે તેમ તેમ વધુ ને વધુ સમુદ્રીય સપાટી ખુલ્લી પડતી જશે અને ગરમીની નિકાસ ઘટતી જશે. વિજ્ઞાનીઓનો અંદાજ છે કે જો કોઈ પગલાં નહીં લેવાય અથવા લેવાનું શક્ય નહીં બને તો 2030ના દશકના પ્રારંભનાં વર્ષોમાં સાગરો પરનો બરફ ગાયબ થઈ જશે. ત્યાં સુધીમાં અને ત્યારબાદ જે ગરમી પડશે તે મહાવિનાશક હશે. સમુદ્રો પર હિમશીલાઓ તરતી રહેશે ત્યાં સુધી જ આ નવો વિકલ્પ બચશે. પાણીને થિજાવવા માટે હિમશીલાઓની જ જરૂર પડે છે.

પચાસ સેન્ટિમીટરનો વધારો પણ સમુદ્રીય બરફના અસ્તિત્વમાં સાતથી દસ દિવસનો વધારો કરે છે. મોટા પાયે પાણીને થીજવવા માટે મોટી સંખ્યામાં માનવ બળની જરૂર પડે, જેનો ખર્ચ દર વર્ષે દસ દસ અબજ ડોલર થઈ શકે. તે ખર્ચ ઘટાડવા માટે સબમરીન ડ્રોન્સનો ઉપયોગ થઈ શકે છે. નવા પ્રયોગો આશાસ્પદ છે, પરંતુ સાર્થક થવા માટે રાહ જોવી પડશે. તે રાહ દરમિયાન દર વર્ષે 80 હજાર ચોરસ કિલોમીટર પરનો બરફ ઓગળતો જશે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: