મહેશ ઝારખંડનો રહેવાસી છે. તેની સાથે એક દિવસ ભયાનક ઘટના બની ગઈ, પરંતુ તે વાત કરવાની સ્થિતિમાં ન હતો. તેનો વ્યવહાર બહુ જ અજીબોગરીબ હતો. તેણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. તેની સાથે શું થયું તે પણ જણાવી શકે તેમ ન હતો. આથી હોસ્પિટલમાંથી તેના પરિવારના લોકોનું સરનામું મેળવી શું ઘટના બની તેની જાણકારી મેળવી.
મહેશના પિતા સુરેન્દ્રકુમારે જણાવ્યું કે, આ વાત થોડાક દિવસ પહેલાંની છે. જ્યારે એક રાત્રે મહેશ બહારથી ઘરે પાછો આવ્યો હતો, તો તેનાં કપડાં ફાટેલાં હતાં અને તે કાદવથી રગદોળાયેલો હતો. તેનો ચહેરો ડરના કારણે એકદમ ફિક્કો પડી ગયો હતો. હું પણ ગભરાઈ ગયો કે છેવટે એવું તે શું થઈ ગયું છે? જ્યારે મેં મહેશને પૂછ્યું તો તેણે કહ્યું: `કશું જ થયું નથી. હું એકદમ ઠીક છું. બસ, એમ જ રસ્તામાં પડી ગયો હતો અને ક્યાંય કશું વાગ્યું પણ નથી. તમે જાતે જોઈ શકો છો! ફક્ત મારાં કપડાં ફાટી ગયાં છે, પરંતુ હું ઠીક છું અને આટલું કહીને તે તેના રૂમમાં જતો રહ્યો અને તે થોડી જ વારમાં સૂઈ ગયો.'
તેને શાંતિથી સૂતેલો જોઈને હું પણ મારા રૂમમાં જતો રહ્યો. અચાનક રાત્રે મારી ઊંઘ ઊડી ગઈ. તે વખતે એક વાગ્યો હતો. મેં વિચાર્યું કે લાવ જરા મહેશના રૂમમાં જઈને જોઉં કે તે શું કરી રહ્યો છે. આથી હું મહેશના રૂમ તરફ ગયો. મેં બહારથી સંતાઈને રૂમની અંદર જોયું. મહેશ સૂતો નહોતો, પરંતુ પલંગ ઉપર બેઠો હતો. મેં જોયું કે મહેશના હાથમાં પાણીનો એક ગ્લાસ છે અને તે પાણી પોતાના પગની ઉપર રેડી રહ્યો છે.
મને થોડી નવાઈ લાગી, પરંતુ ત્યાર પછીનું દૃશ્ય જોયું તો મારા તો હોશ જ ઊડી ગયા. મને મારી આંખો ઉપર વિશ્વાસ નહોતો થતો કે હું આ શું જોઈ રહ્યો છું?
મેં જોયું કે મહેશ અચાનક પલંગ ઉપરથી ઊભો થઈ ગયો અને દોડીને દીવાલની સાથે પોતાનું માથું પછાડવા લાગ્યો અને જોરજોરથી બૂમો પાડવા લાગ્યો. હું તરત જ તેની પાસે પહોંચી ગયો અને મહેશને સંભાળ્યો, પરંતુ મહેશ મારી ઉપર પ્રહાર કરવા લાગ્યો અને અપશબ્દો બોલવા લાગ્યો. આટલો બધો શોરબકોર થવાના કારણે મહેશની માતા સરલાદેવી પણ રૂમમાં આવી ગયાં. મેં તેને બધી જ વાત કરી દીધી.
સરલાદેવી પણ આ વાત સાંભળીને ચોંકી ગયાં, પરંતુ તેમણે હિંમત હારી નહીં! અમે ધીરજથી કામ લેવાનું નક્કી કર્યું. તેમણે ધીમે ધીમે મહેશની નજીક જવાનું શરૂ કર્યું, પરંતુ જેવાં સરલાદેવી મહેશની નજીક ગયાં તો મહેશે તેની માતા ઉપર હુમલો કરી દીધો. ધક્કો મારીને તેની માતાને નીચે પાડી દીધાં.
મહેશને સંભાળવો અમારા માટે મુશ્કેલ હતું. છેવટે મેં બહાર જઈને પડોશના લોકોને જગાડ્યા અને તેઓ મહાપ્રયત્ને હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે તેને તપાસીને કહ્યું કે, `આની માનસિક સ્થિતિ સારી નથી અત્યારે તો દવા લખી આપું છું, પરંતુ તમારે આને માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલમાં લઈ જવો પડશે.'
મહેશને હોસ્પિટલમાં દાખલ કર્યો બે વર્ષ થઈ ગયાં છે, પરંતુ હજુ સુધી તેની સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી.
એક વખત માટે તો મને થયું કે તેને ઘરે જ લઈ જઉં. તે અમારા બધાની સાથે રહેશે તો તેની સ્થિતિમાં સુધારો થશે, પરંતુ બીજો એ પણ વિચાર આવે છે કે ક્યાંક ઘરે જઈને બીજું ખોટું કરી નાંખશે અથવા બીજા કોઈ પર હુમલો કરશે તો? અથવા પોતાના જીવને જોખમમાં મૂકે તો? અહીં હોસ્પિટલમાં તો તે કશું જ કરી શકશે નહીં અને ડોક્ટર પણ હાજર હોવાના કારણે તરત જ તેનો ઈલાજ થઈ જશે. આથી તેને ઘર લઈ જવાનું માંડી વાળ્યું.
અમને વિશ્વાસ છે કે એક દિવસ મહેશ સાજો સારો થઈ જશે અને અમને બધી જ વાત જણાવશે કે ખરેખર તે રાત્રે તેની સાથે કઈ ઘટના ઘટી હતી કે જેના કારણે તેની આ હાલત થઈ છે. આજ દિન સુધી તો તેણે આ ઘટના વિશે કોઈને જણાવ્યું નથી.
મહેશની સાથે તે રાત્રે શું થયું હતું તે રહસ્ય તે જ્યારે સ્વસ્થ થઈ જશે ત્યારે જ ખબર પડશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો