ડો. સિગ્મંડ ફ્રોઈડ સમજાવે છે - `માનવી યુદ્ધો કેમ કરે છે?'
તાજેતરમાં જ મનોવિજ્ઞાન પિતા ડો. સિગ્મંડ ફ્રોઈડની પુણ્યતિથિ ગઈ.
રશિયાના યુક્રેન પરના એકતરફી આક્રમણને ત્રણ વર્ષ કરતાં વધુ સમય થયો, પરંતુ આ યુદ્ધનો અંત ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ છે. આ પૃથ્વી પર માનવજાત અસ્તિત્વમાં આવી તે પછી માનવજાત સતત યુદ્ધ કરતી રહી છે. પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, અમેરિકાનું ક્યૂબા પર આક્રમણ, અમેરિકાનું ઈરાક સાથેનું યુદ્ધ, પાકિસ્તાનનું ભારત સાથેનું યુદ્ધ અને છેલ્લે રશિયાનું યુક્રેન યુદ્ધ તો થોડા નમૂના જ છે.
માણસને યુદ્ધ વિના કેમ ચાલતું નથી? તે વિષય પર અનેક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણો થયાં છે. જર્મનીના યહૂદી વૈજ્ઞાનિક આઈનસ્ટાઈનની સાપેક્ષતાવાદની થિયરી પરથી અમેરિકાના ઓપનહાયમર નામના એક વૈજ્ઞાનિકે પરમાણુ બોમ્બ બનાવ્યો હતો, પરંતુ આઈન્સ્ટાઈન ખુદ યુદ્ધોના વિરોધી હતા. આઈન્સ્ટાઈન માનવતાવાદી હતા અને તેમના જ સમયમાં જન્મેલા તેમના સમકાલીન ડો. સિગ્મંડ ફ્રોઈડ પણ વિશ્વના પહેલા મનોવિજ્ઞાની, મનોચિકિત્સક અને મનોવિશ્લેષક હતા. તેઓ પણ યહૂદી હતા.
બીજા વિશ્વયુદ્ધ (1934-1945) પહેલાં એટલે કે 1932માં બીજા વિશ્વયુદ્ધને રોકવા માટે એ સમયના પ્રખર વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને મનૌવૈજ્ઞાનિક ડો. સિગ્મંડ ફ્રોઈડ વચ્ચે પત્રવ્યવહાર થયો હતો. આઈન્સ્ટાઈને બીજા વિશ્વયુદ્ધને રોકવા સિગ્મંડ ફ્રોઈડને પસંદ કર્યા હતા. આઈન્સ્ટાઈનનું માનવું હતું કે લોકોમાં સામૂહિક ધિક્કાર અને સંહારની જે વૃત્તિ પડેલી છે તે સમૂહ મનોવિકૃતિ (mass psychosis) યુદ્ધ કરવા તરફ પ્રજાને લઈ જાય છે. માનવજાતમાં રહેલી આ વૃત્તિને રોકવામાં આવે અને વિશ્વને શાંતિ તરફ લઈ જવા માટે પ્રયત્ન કરવામાં આવે તો નિર્દોષ લોકોનો સંહાર કરતા યુદ્ધને અટકાવી શકાય. આ સંદર્ભમાં આઈન્સ્ટાઈને એ પત્રવ્યવહાર સિગ્મંડ ફ્રોઈડ સાથે એટલા માટે કર્યો હતો કે આ વિષય માટે ડો. સિગ્મંડ ફ્રોઈડ કરતાં અન્ય કોઈ મનોવૈજ્ઞાનિક યોગ્ય લાગ્યા નહોતા. આઈન્સ્ટાઈનને શ્રદ્ધા હતી કે યુદ્ધ નિવારણ માટે ડો. ફ્રોઈડ જેટલો સારો ઉકેલ અન્ય કોઈ બતાવી શકશે નહીં.
અલબત્ત, માનવજાતમાં પડેલી સામૂહિક ધિક્કાર અને સંહારની વૃત્તિ આજે યથાવત્ છે, પરંતુ આધુનિક મનોવિજ્ઞાનના પિતા ડો. સિગ્મંડ ફ્રોઈડ વિશે ગુજરાતી ભાષામાં બહુ ઓછું સાહિત્ય ઉપલબ્ધ છે. વિશ્વના કેટલાક અધકચરા લોકો ડો. ફ્રોઈડને સેક્સ સાઇકોલોજિસ્ટ કહીને વગોવતા રહ્યા, પરંતુ તેમણે આપેલા (1) સ્ટડીઝ ઈન હિસ્ટીરિયા 1885 (2) ધ ઈન્વેસ્ટિગેશન ઓફ ડ્રીમ્સ 1900 (3) સાઇકોપેથોલોજી ઓફ એવરીડે લાઈફ 1901 (4) ફ્રેગ્મન્ટ ઓફ એન એનાલિસિસ ઓફ અ કેસ ઓફ હિસ્ટીરિયા 1905 (5) એફેસિયા 1891 અને (6) ઓન નાર્સીસિઝમ 1914 પુસ્તકો આજે પણ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે.
ડો. ફ્રોઈડે જે સૌથી મોટું પ્રદાન મનોવિજ્ઞાન ક્ષેત્રે આપ્યું છે તે છે મનોવિશ્લેષણની વિચારધારા, જે કાર્યક્રમ મનોવિજ્ઞાનના ઈતિહાસમાં મનોવિશ્લેષણવાદ તરીકે ઓળખાય છે.
વાત એમ હતી કે તબીબી વિદ્યાશાખાની પદવી પ્રાપ્ત કર્યા બાદ ડો. ફ્રોઈડે પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી ત્યારે ચિકિત્સા માટે આવતા દર્દીઓના અભ્યાસના આધારે ખાસ કરીને માનસિક રોગીઓની સારવાર કરતાં કરતાં તેમણે પોતાની આગવી વૈજ્ઞાનિક સૂઝથી જે પદ્ધતિ વિકસાવી તે આગળ જતાં મનોવિશ્લેષણ પદ્ધતિ તરીકે ઓળખાઈ.
ડો. સિગ્મંડ ફ્રોઈડનો જન્મ તા. 6 મે, 1856માં મોરાવિયાના ફાઈબર્ગ નામના ગામમાં થયો હતો. ફાઈબર્ગ હવે ઝેકોસ્લોવેકિયામાં આવેલું નાનું શહેર છે. તેમના પિતા જેક્સ ઊનના વેપારી હતા. માતાનું નામ એમેલી નાથત્સન હતું. 1860માં ફ્રોઈડનું કુટુંબ વિયેના આવીને વસ્યું હતું. 1873માં તેમણે વિયેના યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલમાં પ્રવેશ લીધો. 1881માં તેમણે તબીબી ડિગ્રી હાંસલ કરી. 1882માં તેઓ થિયોડોર મેનર્ટના મનોચિકિત્સાલયમાં ડોક્ટર તરીકે નિમાયા. તે પછી 1886માં પેરિસમાં મનોચિકિત્સક ડો. જિન શાર્કોના હાથ નીચે અભ્યાસ કર્યો. ડો. જિન શાર્કો હિપ્નોટિઝમ દ્વારા હિસ્ટીરિયાના દર્દીઓની સારવાર કરતા હતા.
1885માં વિયેના યુનિવર્સિટીમાં ન્યૂરો પેથોલોજી વિભાગોમાં સહાયક અધ્યાપક બન્યા. 1886માં બર્લિનમાં ખાનગી દવાખાનું શરૂ કર્યું અને માર્થાબર્નેસ સાથે લગ્ન કર્યાં. તે પછી તેમણે દર્દીઓની સારવાર માટે સંમોહન પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો. માર્ચ, 1896માં ડો. ફ્રોઈડે સહુ પ્રથમ `સાઇકો એનાલિસિસ' પરિભાષાનો ઉપયોગ કર્યો. 1901માં 18 વર્ષની પુત્રી ડોરા પર કેસ પદ્ધતિ દ્વારા અભ્યાસ કર્યો. 1919માં ઈન્ટરનેશનલ સાઇકો એનાલિટિકલ સોસાયટીની સ્થાપના કરી.
ડો. ફ્રોઈડના જીવનમાં નાટકીય ઘટનાઓ ઘટતી રહી. ડો. સિગ્મંડ ફ્રોઈડને 1937માં હિટલરના નાઝીવાદના કારણે ઘણા દુ:ખ સાથે વિયેના છોડ્યું પડ્યું ત્યારે તેમના નાના ભાઈ એલેક્ઝાન્ડર તેમના ઘેર લંડન લઈ ગયા. તેમણે જિંદગીના મોટા ભાગનાં વર્ષો વિયેનામાં વિતાવ્યાં હોઈ તેમને વિયેના માટે અગાધ પ્રેમ હતો. 1937માં ઓસ્ટ્રીયા નાઝીઓના હાથમાં ન ગયું હોત તો ડો. સિગ્મંડ ફ્રોઈડની જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં (માત્ર બે જ વર્ષ બાકી હતાં) લંડન જવું પડ્યું ન હોત. વિયેના ઓસ્ટ્રીયાની રાજધાની હતું.
એમના જીવનની કેટલીક નોંધપાત્ર ઘટનાઓ પણ છે. 1926માં વિશ્વના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ડો. સિગ્મંડ ફ્રોઈડની મુલાકાત લીધી હતી. તેમની 70મી વર્ષગાંઠે વિવિધ સામાજિક સંસ્થાઓ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 1930માં તેમને `ગ્યૂઈથે પ્રાઈઝ ફોર લિટરેચર' દ્વારા સન્માન મળ્યું. એ જ વર્ષ તેમને હૃદયરોગનો હુમલો થયો અને ધ્રૂમપાન છોડ્યું. 1933માં તેમનાં પુસ્તકોને બર્લિનમાં બાળવામાં આવ્યાં હતાં. 1935માં બ્રિટિશ રોયલ સોસાયટી ઓફ મેડિસિનના માનદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1936માં તેમને કેન્સર થયું. 80મી વર્ષગાંઠ ઊજવી, પરંતુ નાઝીવાદના કારણે વિયેના છોડી હવે લંડન આવેલા ડો. સિગ્મંડ ફ્રોઈડનું લંડનમાં અવસાન થયું. તેમના દેહને ગોલ્ડર્સી ગ્રીન લંડન ખાતે દફનાવવામાં આવ્યો ત્યારે લંડનના ઘણા પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા.
અમદાવાદમાં મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે લાંબી કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા પ્રો.એસ.સી. કાનાવાલા નિવૃત્તિ બાદ પણ મનોવિજ્ઞાનના વિષયની વૃદ્ધિ અને વિકાસ માટે સક્રિય રહ્યા છે. નિવૃત્તિ બાદ તેમણે `ગુજરાત એકેડેમી ઓફ સાઇકોલોજી'ની સ્થાપના કરી અને આ સંસ્થાના નેજા હેઠળ વિશ્વના મહાન મનોવિજ્ઞાનીઓનાં જીવન અને કાર્યો વિશે અવારનવાર લઘુગ્રંથોનું પ્રકાશન કરતા રહ્યા છે. એ ગ્રંથમાળાનો એક મણકો ડો. સિગ્મંડ ફ્રોઈડ વિશે પણ હતો. અહીં પ્રસ્તુત માહિતી પણ પ્રો.એસ.સી. કાનાવાલા દ્વારા લિખિત ડો. સિગ્મંડ ફ્રોઈડ ગ્રંથના આધારે અને તેમના સૌજન્યથી પ્રકાશિત કરવામાં આવી છે.
ડો. ફ્રોઈડે દર્દીઓની સારવાર દરમિયાન જે હકીકતો અનુભવી તેનો દાર્શનિક ચિતાર તેમના `સાઇકોપેથોલોજી ઓફ એવરીડે લાઈફ' પુસ્તકમાં જોવા મળે છે. ડો. ફ્રોઈડ લખે છે કે કેટલાક લોકો રોજિંદા જીવનમાં કેટલીક ભૂલો સતત કર્યા કરે છે અને કેટલીક બાબતો ભૂલી જાય છે તેનું કારણ તેમની દમન કરેલી કેટલીક ઈચ્છાખોર ડિઝાયર હોય છે. દા.ત., એક વ્યક્તિ વારંવાર તેના ઘરની ચાવીઓ ખોઈ નાંખતો હતો. આ કિસ્સા અંગે ડો. ફ્રોઈડ કહે છે કે એ વ્યક્તિનું ગૃહસ્થ જીવન સુખી હોવું જોઈએ. ચાવીઓ ખોઈ નાંખવાનું કારણ તેની ઘેર આવવાની અનિચ્છા હોવી જોઈએ.
`ધ ઈન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ' નામના પુસ્તકમાં તેઓ લખે છે કે દરેક માનવીને સ્વપ્ન આવે છે. તે દરેક સ્વપ્ન દ્વારા દમન થયેલી ઈચ્છાઓની તૃપ્તિ જ હોય છે. સ્વપ્નસૃષ્ટિમાં અજ્ઞાત મન જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમણે મનના ત્રણ ભાગ પાડ્યા છે. (1) ચેતન મન (2) અર્ધચેતન મન અને (3) અજ્ઞાત મન. આપણી ભાવનાત્મક ઈચ્છાઓ દબાઈને અજ્ઞાત મનમાં જતી રહે છે અને સ્વપ્નરૂપે દમન પામેલી ઈચ્છાઓની તૃપ્તિ થતી હોય છે.
મનની વિવિધ રચનાઓને તેમણે સમુદ્રમાં તરતા હિમખંડ સાથે સરખાવી છે. દરિયામાં હિમખંડનો ઉપરનો ભાગ જે ઉપર દેખાય છે તે ચેતન મન છે. સમુદ્રમાં તરતા હિમખંડનો મધ્ય ભાગ તે અર્ધચેતન મન છે અને પાણીમાં ડૂબેલો રહેતો હિમખંડનો ત્રીજો સૌથી મોટો ભાગ તે અજ્ઞાત મન છે. વ્યક્તિની અતૃપ્ત રહેલી ઈચ્છાઓ અજ્ઞાત મનમાં સંગૃહીત થાય છે અને તે સતત ઉપર સપાટી પર આવવા પ્રયત્નશીલ હોય છે. ઊંઘ દરમિયાન અહમ અને શ્રેષ્ઠ અહમનો અંકુશ ઢીલો પડવાથી અજ્ઞાત મનમાં સંગૃહીત થયેલી ઈચ્છાઓ સ્વપ્ન દ્વારા અર્ધચેતન મનમાં પ્રગટ થાય છે. ઊંઘમાંથી જાગતાં સ્વપ્નરૂપ ઈચ્છાઓ અદૃશ્ય થાય છે.
કહેવાય છે કે દુનિયાની નજરે ડો. ફ્રોઈડ ભલે મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિક હતા, પરંતુ તે ઉપરાંત તેઓ સારા મિત્ર, ફિલસૂફ અને યુદ્ધોના વિરોધી તથા શ્રેષ્ઠ માનવતાવાદી પણ હતા.










