ગઈ કાલે જ્યારે વિશ્વ સિનેમાના સૌથી પ્રભાવશાળી અભિનેતા અલ પાચિનોએ પોતાનો 86મો જન્મદિવસ ઊજવ્યો, ત્યારે ચાહકોની આંખ સામે એક એવો ચહેરો તરી આવ્યો, જેણે અભિનયની આખી વ્યાખ્યા બદલી નાખી છે. પાચિનો માત્ર એક અભિનેતા નથી, પણ એક્ટિંગની એક યુનિવર્સિટી છે. ન્યૂયોર્કના બ્રોન્ક્સની ગંદી ગલીઓમાં ગરીબી અને એકલતા વચ્ચે ઉછરેલા આ છોકરાએ ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ તે વિશ્વના સૌથી મોટા સિનેમા સ્ટાર તરીકે ઊભરી આવશે. તેમનું બાળપણ એટલું સંઘર્ષમય હતું કે 9 વર્ષની ઉંમરે સિગારેટ અને 13 વર્ષની ઉંમરે દારૂની લત લાગી ગઈ હતી, પરંતુ તેમની માતા અને નાનીએ આપેલી સંસ્કારની મૂડી અને કલા પ્રત્યેના લગાવે તેમને પતનની ગર્તામાંથી બહાર કાઢ્યા. આપણે તેમને ઓસ્કારના મંચ પર જોઈએ છીએ, ત્યારે તેની પાછળ વર્ષોની ભૂખ, બેઘર રાતો અને હજારો રિજેક્શનની લાંબી ગાથા છુપાયેલી છે.
સિનેમાના ઇતિહાસમાં `ધ ગોડફાધર' (The Godfather) અને અલ પાચિનો એકબીજાના પર્યાય છે, પરંતુ આ ફિલ્મ મળવી એ એક ચમત્કાર હતો. 1972માં જ્યારે આ ફિલ્મનું કાસ્ટિંગ ચાલતું હતું, ત્યારે પેરામાઉન્ટ પિક્ચર્સના વડાઓ માઈકલ કોર્લિયોનના પાત્ર માટે રોબર્ટ રેડફોર્ડ કે વોરેન બીટી જેવા મોટા સ્ટાર્સને લેવા માંગતા હતા. તેમને પાચિનો `ઠીંગણા', `ગલીના છોકરા જેવા' અને `બિનઅનુભવી' લાગતા હતા. નિર્દેશક ફ્રાન્સિસ ફોર્ડ કોપ્પોલાએ પાચિનો માટે પોતાની કારકિર્દી દાવ પર લગાવી દીધી હતી. શૂટિંગ દરમિયાન પણ સ્ટુડિયોના લોકો પાચિનોને કાઢી મૂકવા માટે બહાનાં શોધતા હતા. રસપ્રદ કિસ્સો એ છે કે, જે દિવસે `સોલોઝો' અને પોલીસ ઓફિસરને રેસ્ટોરાંમાં મારવાનો સીન શૂટ થયો, પાચિનોએ પોતાના અભિનયથી એવો સન્નાટો ફેલાવી દીધો કે આખા ક્રૂએ ઊભા થઈને તાળીઓ પાડી હતી. તે દિવસે નિર્માતાઓને સમજાયું કે આ `ઠીંગણો' માણસ ખરેખર સિનેમાનો જાયન્ટ છે. વધુમાં, પાચિનોના પૂર્વજો ઇટાલીના જે `કોર્લિયોન' ગામથી અમેરિકા આવ્યા હતા, તે જ નામ તેમને વૈશ્વિક ઓળખ અપાવશે તે નસીબનો કેવો અજીબ ખેલ કહેવાય!
