આપ મૂએ ફિર ડૂબ ગઈ દુનિયા.
આ એક સગવડિયું વિધાન છે. જરૂર પડે ત્યારે વાપરવાનું. પછી ભૂલી જવાનું. ભવિષ્યની ચિંતા બહુ સતાવતી હોય ત્યારે અકળામણની નાગચૂડમાંથી છૂટવા માટે માણસ આ વિધાન બોલીને જાતને હળવી કરવા મથે એ ખરું, બાકી તો લગભગ બધા આસ્તિકો એવું માનતા જ હોય છે કે મર્યા પછી ન તો દુનિયા ડૂબે છે અને ન તો જાતનો પૂર્ણપણે નાશ થાય છે.
બુદ્ધના ઉપદેશમાં પણ પુનર્જન્મનું સ્થાન છે, ઘણું મહત્ત્વનું સ્થાન છે. બુદ્ધ પુનર્જન્મની અને સમગ્ર સંસારચક્રની ઊંડી-અઘરી થિયરી સમજાવવા કરતાં આખી વાતને જાત અનુભવથી જાણવા પર વધુ ભાર મૂકે છે. એ કહે છે કે અનુભવ-અનુભૂતિ પર ધ્યાન આપો; બાકી તો વાતનો પાર નહીં આવે.
જાતઅનુભવ માટે સક્રિયતા જોઈએ. સક્રિયતા માટે પ્રેરણા જોઈએ. બુદ્ધની પુનર્જન્મ વિશેની વાતો પ્રેરણા પૂરી પાડનારી છે. એ આપણને ચેતવે છે, જગાડે છે કે હે મનુષ્ય, આપ મૂએ ફિર દુનિયા ડૂબ નહીં જાતી. કહાની આગે બઢતી હૈ. મર્યા પછી પણ સંસારચક્રમાંથી છુટકારો નથી અને આ આખું સંસારચક્ર દુઃખમય છે. માટે એનાથી વહેલામાં વહેલી તકે મુક્તિ-નિર્વાણ મેળવો.
બુદ્ધના મતે મર્યા પછી (હિન્દુ માન્યતા પ્રમાણેનો સળંગ ઓળખ ધરાવતો આત્મા નહીં બલ્કે) ચિત્ત-સંતતિ (ધારાવાહિક ચેતનાનો પ્રવાહ) આગળ ધપે છે. આ જન્મે આપણે જે કંઈ ખોટું કરીએ છીએ તેનાં સંસ્કારો અને ઊર્જા આપણા પછીના ભવો પર પ્રભાવ પાડે છે. માટે આજે, આ જ ઘડીથી શુભ જીવન શરૂ કરશો તો નિર્વાણનો પંથ એટલો ટૂંકો થશે.
સ્વયં બુદ્ધ વિશે પણ એવું કહેવાય છે કે એમણે અગાઉના અનેક જન્મોમાં બોધિસત્ત્વ (બુદ્ધ બનવા માટે પ્રયત્નશીલ દિવ્ય સત્ત્વ) તરીકે અનેક શુભ કાર્યો કરીને જે પરામી એકઠી કરેલી એના સરવાળે છેવટે એ બુદ્ધત્ત્વ પ્રાપ્ત કરી શક્યા.
આ પરામી શબ્દ મહત્ત્વનો છે. એના માટેનો સંસ્કૃત શબ્દ પારમિતા છે, જેનો અર્થ ઉત્કૃષ્ટ સદ્ગુણ એવો થાય છે. બુદ્ધ પરામી શબ્દને નિર્વાણ તરફ દોરી જતી શ્રેષ્ઠતાના અર્થમાં પ્રયોજે છે. અગાઉના ભવમાં સત્ત્વરૂપ બુદ્ધ એટલે કે બોધિસત્ત્વએ કઈ રીતે પરામીઓ સંચિત કરી એનું વર્ણન કરતી અનેક નાની-નાની, સાદી-સાદી કથાઓ કહેવાઈ છે, જે જાતકકથા તરીકે ઓળખાય છે. એનો એક નમૂનો જોઈએ.
એક પૂર્વ જન્મમાં બોધિસત્ત્વ હરણ હતા. એ હરણને એક કાચબા અને શક્કરખોરો તરીકે ઓળખાતા એક પક્ષી સાથે સારી મૈત્રી હતી. એક દિવસ શિકારીએ બિછાવેલી ધાતુની જાળીમાં બોધિસત્ત્વ ફસાઈ ગયા. પછી શિકારી આવે તે પહેલાં કાચબાએ આખી રાત મહેનત કરીને તેના તીક્ષ્ણ દાંત વડે જાળી તોડી અને બીજી તરફ પક્ષીએ શિકારીના ઘર પાસે જઈને શિકારીને માથામાં ચાંચ મારીમારીને થોડો સમય રોકી રાખ્યો. પછી શિકારી જંગલમાં પહોંચ્યો ત્યારે એણે જોયું કે તૂટેલી જાળીમાંથી હરણ તો નીકળી ગયું હતું, પરંતુ રાતભર શ્રમ કરનારો કાચબો ત્યાં જ થોકીને સૂતેલો હતો. શિકારીએ રોષે ભરાઈને કાચબાને થેલીમાં બાંધી દીધો. એ વખતે મુક્ત થઈ ચૂકેલા હરણરૂપી બોધિસત્ત્વ પાછા ફરીને શિકારી સમક્ષ હાજર થયા. અત્યંત ધીમી-થાકેલી ચાલે ચાલતું હરણ જોઈને શિકારી લલચાયો. એ થેલી પડતી મૂકીને હરણ પાછળ દોડ્યો. પક્ષીએ થેલીની દોરી કાપીને કાચબાને મુક્ત કર્યો અને હરણ શિકારીને થાપ આપીને છટકી ગયું.
આ સાવ સાદી વાર્તાનો સાર એ છે કે આ ઘટનામાં બોધિસત્ત્વએ મેત્તા (મૈત્રી અને પ્રેમ) તથા વીર્ય (સાહસ, ઉત્સાહ) એ બે પરામી દૃઢ કરી.
પરામીને સાદી હિન્દુ ભાષામાં `પુણ્ય' પણ કહી શકાય. બુદ્ધે મુખ્યત્વે દસ પ્રકારની પરામીઓ ગણાવી છે. 1. દાન એટલે કે કોઈ પણ પ્રકારની આસક્તિ કે અપેક્ષા વિના કરાયેલી સહાય. 2. શીલ એટલે કે નૈતિકતા, સદાચાર, શિસ્ત ઇત્યાદિ. 3 નિષ્ક્રમણ/ત્યાગ એટલે કે સાંસારિક મોહ-માયા છોડવી. 4. પ્રજ્ઞા એટલે કે વાસ્તવિકતા અને સત્યને સ્પષ્ટ રીતે સમજવાં. 5. વીર્ય એટલે કે ઉત્સાહ અને સાહસ. 6. ક્ષમા/શાંતિ એટલે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધીરજ, સહનશીલતા અને ક્ષમાભાવ જાળવી રાખવાં. 7. સત્ય એટલે કે હંમેશાં સત્યનું આચરણ કરવું અને વાણી-વિચાર-કર્મમાં પ્રામાણિક રહેવું. 8. અધિષ્ઠાન એટલે કે નિર્વાણની પ્રાપ્તિ માટેના દૃઢ સંકલ્પ અને મક્કમતાને વળગી રહેવું. 9. મેત્તા-મૈત્રી એટલે કે પ્રત્યેક જીવ પ્રત્યે અસીમ કરુણા, સદ્ભાવ અને પ્રેમભાવ દાખવવો અને 10. ઉપેક્ષા એટલે કે સુખ-દુઃખ, લાભ-હાનિ વગેરે તમામ સ્થિતિમાં સમભાવ જાળવી રાખવો.
આમ તો આ દસેદસ પરામી કઠિન જ છે અને એકેએક પરામી મેળવતાં હાંફી જવાય એવું છે, છતાં નાસીપાસ થવા જેવું નથી. મૂળ મુદ્દો એ છે કે આપણને પગની નજીક સાપ દેખાય કે આંગળી આગને અડી જાય ત્યારે જે ચપળતા, સક્રિયતા અને ત્વરાથી, સેન્સ ઓફ અર્જન્સી સાથે આપણે વર્તીએ છીએ એટલી તીવ્રતા સાથે આપણે સંસારચક્રની પીડા, વ્યથા, જોખમોને જોઈ-સમજી શકીએ તો પછી પ્રયત્નો અને સક્રિયતા આસાન બની રહે છે.
ગંગાસતીની ભાષામાં કહીએ તો વીજળીના ચમકારે મોતીડું પરોવી લેવું પડે એ વાત જો સમજાઈ જાય તો માણસ અત્યંત સાવધ બની શકે.
મનુષ્ય તરીકેનું જીવન, નિર્વાણપ્રાપ્તિનો મનોરથ, એ મનોરથ પૂરો કરવા માટેનો માર્ગ. આ બધી દુર્લભ ચીજોનો સંયોગ માત્ર અને માત્ર થોડા સમય માટે આપણા જીવનરૂપે થયો છે એ વાત જો સમજાઈ જાય તો મનુષ્ય ઉત્સાહભેર સક્રિય બની શકે.
બુદ્ધનો ઉપદેશ આ ઉત્સાહ અને આ સક્રિયતા આપણામાં પ્રેરી શકે છે. કઈ રીતે, એની વાત આવતા અંકે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










