મહાભારતના ઉદ્યોગપર્વમાં વર્ણિત વિદુરનીતિના પ્રથમ અધ્યાયનો 24મો શ્લોક છેઃ


यस्य कृत्यं न विघ्नन्ति शीतमुष्णं भयं रतिः।

समृद्धिरसमृद्धिर्वा स वै पण्डित उच्यते॥

અર્થાત્ ઠંડી-ગરમી, ભય-પ્રીતિ, શ્રીમંતાઈ કે ગરીબી એ બધી બાબતો જેના કાર્યમાં વિઘ્ન બની શકતી નથી, એ જ ખરા પંડિત (જ્ઞાની) કહેવાય.

વિદુરનીતિએ મને હંમેશાં આકર્ષિત અને પ્રભાવિત કર્યો છે. આશ્ચર્યની વાત છે કે શાળા કે કૉલેજના શિક્ષણકાળમાં ક્યારેય એનો કોઈ જ ઉલ્લેખ કે સંદર્ભ આવ્યો ન હતો. વળી, કળા, સાહિત્ય અને સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો ધરાવતા આપણા દેશમાં વિદુરનીતિનો પૂરતો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી.

ગીતા પ્રેસ ગોરખપુરે વિદુરનીતિ પુસ્તકનું પ્રકાશન કર્યું છે. એમાં વિદુરનીતિના શ્લોકોનું સરળ ભાષાંતર આપવામાં આવ્યું છે. જીવનનાં વિવિધ ક્ષેત્રે આપણે કેવું જીવન જીવવું જોઈએ એના વિશે એમાં ઘણા બોધ આપવામાં આવ્યા છે. જો આપણે મહર્ષિ પતંજલિના યમ-નિયમ, જૈન ધર્મના અણુવ્રત, બૌદ્ધ ધર્મના પંચશીલ અથવા ખ્રિસ્તી ધર્મના ટેન કમાન્ડમેન્ટ્સ કે પછી સારા આચાર-વિચારનું પાલન કરવું હોય તો વિદુરનીતિ ઘણું જ ઉપયોગી થનારું પુસ્તક બની રહે છે.

વિદુરજીએ કહ્યું છે કે આપણે કોઈ એક નિશ્ચિત માર્ગ પર આગળ વધવાનો નિર્ણય લઈ લીધો હોય તો એમાં વચ્ચે આવનારાં વિઘ્નો કે અવરોધોથી ડરવું જોઈએ નહીં. આપણા દેશની પ્રતિષ્ઠિત અને 100 વર્ષનો સમૃદ્ધ વારસો ધરાવતી સંસ્થા કૈવલ્યધામના હાલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુબોધ તિવારીએ એક દિવસ કહ્યું હતું કે જ્યારે મનુષ્ય કોઈ ધ્યેય નક્કી કરે છે ત્યારે એમાં કોઈ `જો અને તો'નો સવાલ જ ઊભો થતો નથી.

અહીં વાચકોને એ પણ કહેવાનું કે મનુષ્યના જીવનમાં કર્મ કરવાનું જ અગત્યનું છે, એના ફળની આશા રાખવાની હોતી નથી. આથી જ ભગવદ્ગીતાના બીજા અધ્યાયનો 47મો શ્લોક કહે છેઃ

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

અર્થાત્ `તારો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે, એનાં ફળ પ્રાપ્ત કરવાનો નથી. તું ફળ મેળવવાની ચિંતા કર્યા વગર અને અકર્મ રહેવાનો વિચાર કર્યા વગર તારું કર્મ (કર્તવ્ય) કર્યે રાખ'.

આપણે યોગિક વેલ્થના સંદર્ભમાં વાત કરીએ તો, એ જીવન જીવવાનો એક માર્ગ છે. એના પર ચાલવાનું શરૂ કર્યા બાદ ભય રાખવાની જરૂર નથી. ધન કમાવામાં અને સંપત્તિસર્જન કરવામાં કંઈ જ ખોટું નથી. એ માર્ગ પર પાછીપાની કરવાની જરૂર નથી, પણ પ્રસન્નતા આપનારા ધનની જ પ્રાપ્તિ કરવાની ખેવના રાખવાની હોય છે. 

ભારતમાં અનેક પ્રકારના કરવેરા છે અને ઘણા લોકો એ બચાવવા માટેના રસ્તા શોધતા હોય છે. મને યાદ છે, એક સમયે આપણે ત્યાં પ્રત્યક્ષપણે ઈક્વિટીમાં કરાયેલા રોકાણ પર વેલ્થ ટૅક્સ ભરવો પડતો હતો. છ દાયકા સુધી મારા પિતાના મિત્ર રહેલા સજ્જન ઈક્વિટીના મોટા રોકાણકાર છે. તેઓ કરવેરા ભરવા માટે પોતાના હોલ્ડિંગનું વેચાણ કરવામાં પણ જરાય ખચકાતા ન હતા. એમણે ઈક્વિટીમાં, ખાસ કરીને બ્લૂચિપ કંપનીઓમાં કરેલા પ્રત્યક્ષ રોકાણનું મૂલ્ય આજની તારીખે અબજો રૂપિયા છે. આજે પણ તેઓ દરેક વસ્તુની યોગ્ય ખરીદી કરવામાં જ માને છે. એમણે બધી જ વસ્તુઓ અધિકૃત વેન્ડર્સ પાસેથી ખરીદેલી છે. સપ્લાયર્સ સાથેના એમના સંબંધો પણ દાયકાઓ જૂના છે. તમને જાણીને નવાઈ લાગશે કે એમના ઘરે અખબાર આપવા આવતા વિક્રેતાના ઘરના લગ્નપ્રસંગે પણ તેઓ સપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. એક દિવસ હું એમના વતનમાં ગયો હતો. ત્યાંના પાણીપૂરીના સુપ્રસિદ્ધ વિક્રેતાએ એમના ઘરે આવીને અમને પાણીપૂરી ખવડાવી હતી.

આ ગૃહસ્થે અનેક સેવાભાવી સંસ્થાઓને આર્થિક સહાય કરી છે, પરંતુ એની સામે એમણે કોઈ જ લાભ લેવાનું ઉચિત માન્યું નથી. જમણા હાથે કરેલા દાનની વાત ડાબા હાથને પણ ખબર પડવી જોઈએ નહીં એ સિદ્ધાંત એમણે અક્ષરશઃ પાળ્યો છે.

તેઓ સ્વભાવે પહેલેથી ધીર-ગંભીર છે. એક માર્ગ નિશ્ચિત કર્યા બાદ એના પર અડગ રહેવાનો ગુણ એમની પાસેથી શીખવા જેવો છે. એમની કથની અને કરણીમાં ફેર હોતો નથી. યોગિક વેલ્થનો માર્ગ પણ એવો જ છે. એમાં કહેવું એક અને કરવું બીજું, એવું હોતું નથી. એ માર્ગ સંપૂર્ણ અને શાશ્વત છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: