એક જમાનો હતો જ્યારે પિતા નામનો શબ્દ ઘરમાં ડિસિપ્લિન, દરજ્જો અને દબદબાનું પ્રતીક હતો. પિતા ઘરમાં પ્રવેશે એટલે કાં તો ટીવી બંધ થઈ જતું અથવા તો બાળકો પોતપોતાના રૂમમાં ભણવા બેસી જતાં. એ સમયમાં એક વણલખ્યા નિયમ જેવું હતું કે જો દીકરીએ પિતાને ગળે વળગવું હોય તો તેણે પોતાની વિદાય કે લગ્ન સુધીની રાહ જોવી પડતી અને જો દીકરાએ પિતાને ભેટવું હોય તો તેણે જીવનમાં કોઈ મોટી સફળતા મેળવીને પિતાની છાતી ગજગજ ફુલાવવી પડતી. પિતા કંઈ અમસ્તા જ વાતેવાતે પ્રેમ નહોતા વરસાવતા. એમનો એક કડપ હતો, એક ધાક હતો. પિતાની આંખની કીકી કઈ તરફ ફરે છે કે તેમનો મિજાજ કેવો છે, તેના આધારે આખા ઘરની ગતિવિધિઓ અને વાતાવરણ નક્કી થતું. પિતા એટલે વહાલનું એવું નાળિયેર જે ઉપરથી અત્યંત કઠણ અને અંદરથી મીઠું પાણી ધરાવતું હોય, પણ એ મીઠાશ માણવા માટે સંતાનોએ હંમેશાં એક ચોક્કસ અંતર જાળવી રાખવું પડતું. પ્રેમ તો ત્યારે પણ અઢળક હતો, પરંતુ તેને વ્યક્ત કરવાની રીત મૌનની ભાષામાં વણાયેલી હતી. પિતા કમાઈને લાવે, પરિવારની જરૂરિયાતો પૂરી કરે અને સંતાનોના ભવિષ્યને સુરક્ષિત કરે, એ જ તેમની પ્રેમની સર્વોચ્ચ અભિવ્યક્તિ ગણાતી.  


પરંતુ બદલાતા સમયની સાથે સંબંધોનાં સમીકરણો પણ બદલાયાં છે અને આ બદલાવમાં સૌથી મોટું અને સુંદર પરિવર્તન પિતાના સ્વભાવ અને તાસીરમાં આવ્યું છે. આજનો પિતા પહેલાં જેવો ગંભીર, અબોલ કે અંતર રાખનારો રહ્યો નથી. એવું બિલકુલ નથી કે ઘરમાં પિતાનો આદર ઓછો થઈ ગયો છે કે સંતાનોના મનમાંથી તેમનો ધાક સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે. આદર આજે પણ એટલો જ છે, પરંતુ એ આદર હવે ડરમાંથી નહીં પણ પરસ્પરના ગાઢ પ્રેમ અને મિત્રતામાંથી જન્મે છે. આજના સમયનો પિતા પહેલાં કરતાં ઘણો વધારે `એક્સપ્રેસિવ' એટલે કે પોતાની લાગણીઓને વાચા આપનારો થયો છે. તે હવે પોતાનાં સંતાનો સમક્ષ પ્રેમ વ્યક્ત કરવામાં ખચકાતો નથી. હવે પિતાને ભેટવા માટે દીકરીએ લગ્નની કે દીકરાએ કોઈ મોટી ડિગ્રીની રાહ જોવી પડતી નથી. આજનો પિતા સંતાન સ્કૂલેથી આવે, કોઈ નાનીસરખી વાર્તા સંભળાવે કે ક્યાંક ઉદાસ દેખાય, તો તરત જ તેને વ્હાલથી ગળે લગાવી લે છે. આ `હગ' કરવાની સહજતાએ પિતા અને સંતાન વચ્ચેના વર્ષો જૂના અંતરને એક પળમાં મિટાવી દીધું છે.  

આ પરિવર્તન પાછળનું મુખ્ય કારણ એ છે કે હવેનો પિતા જનરેશન ગેપ એટલે કે પેઢીના અંતરને વટાવીને પોતાનાં સંતાનોનો સાચો દોસ્ત બનવા માંગે છે. તે માત્ર ઘરનો આર્થિક બોજ ઉપાડનાર વ્યક્તિ બનીને રહેવા નથી માંગતો, પણ સંતાનની રોજિંદી જિંદગીનો એક હિસ્સો બનવા ઈચ્છે છે. તે સંતાનો સાથે બેસીને વીડિયો ગેમ્સ રમે છે, તેમની સાથે ટ્રેન્ડિંગ રીલ્સ કે મ્યુઝિક વિશે ચર્ચા કરે છે અને લોન્ગ ડ્રાઈવ પર જઈને મનની વાતો શેર કરે છે. પહેલાંના સમયમાં સંતાનો પોતાની મૂંઝવણ કે દિલની વાત પહેલાં માતાને કહેતાં અને માતા મારફતે એ વાત પિતા સુધી પહોંચતી. આજે એ વાયા-વાયા કમ્યુનિકેશનની પ્રક્રિયા ખતમ થઈ ગઈ છે. સંતાન સીધું જ પિતા પાસે જઈને કહી શકે છે કે, `પપ્પા, આજે મારો મૂડ સારો નથી' અથવા `આજે મારાથી આ ભૂલ થઈ ગઈ છે.' પિતા પણ ચિડાયા વગર, એક મિત્રની જેમ તેની સમસ્યા સાંભળે છે અને ઉકેલ લાવવામાં મદદ કરે છે. પિતાની આ બદલાયેલી તાસીરે ઘરના વાતાવરણને વધુ હળવું, જીવંત અને લોકશાહી જેવું બનાવ્યું છે.  

માત્ર વાતોમાં જ નહીં, પરંતુ સંતાનોની ગમતી પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ રીતે ઈન્વોલ્વ થવાની બાબતમાં પણ હવેનો પિતા ઘણો આગળ છે. તે રવિવારની સવારે દીકરા સાથે ક્રિકેટ રમવા ગ્રાઉન્ડ પર પહોંચી જાય છે. દીકરીના ડાન્સ ક્લાસના પર્ફોર્મન્સમાં આગળની સીટ પર બેસીને સૌથી વધુ તાળીઓ પાડે છે અને બાળકોના પ્રોજેક્ટ્સ વર્કમાં મોડી રાત સુધી જાગીને મદદ કરે છે. પેરેન્ટિંગ હવે માત્ર માતાની જવાબદારી નથી રહી, પરંતુ પિતા તેમાં બરાબરીનો હિસ્સો નોંધાવી રહ્યો છે. બાળકોના ડાયપર બદલવાથી લઈને તેમને ભણાવવા સુધી અને તેમની પીટીએમ અટેન્ડ કરવા સુધી પિતા ગર્વભેર પોતાની હાજરી પુરાવે છે. તે સંતાનોનાં સપનાંઓને માત્ર ફંડ નથી કરતો, પણ તે સપનાંઓની સફરમાં તેમની સાથે સહયાત્રી બને છે. પિતાની આ સક્રિયતાને કારણે સંતાનોનો આત્મવિશ્વાસ પણ બમણો થાય છે, કારણ કે તેમને ખબર છે કે ગમે તેવી પરિસ્થિતિમાં તેમની પાછળ એક મજબૂત પીઠબળ ઊભું છે જે માત્ર શાસન નથી, કરતું પણ સાથ આપે છે.  

પિતૃત્વના આ આધુનિક સ્વરૂપનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે હવે બાળકો પિતાથી પોતાની અંગત જિંદગી છુપાવતાં નથી. પહેલાં પિતાની ધાક એવી હતી કે કરિયરની પસંદગીથી લઈને જીવનસાથીની પસંદગી સુધીના નિર્ણયો પિતા એકતરફી લેતા અને સંતાનો માત્ર માથું નમાવીને તેનો સ્વીકાર કરી લેતાં. આજના સમયનો પિતા સંતાનો પર પોતાના નિર્ણયો થોપવાને બદલે તેમની લાઈફ ચોઈસ, તેમની માનસિકતા અને તેમના પેશનને સમજવાનો મજબૂત પ્રયત્ન કરે છે. તે એક કાઉન્સેલરની ભૂમિકા ભજવે છે. જ્યારે દીકરો પરંપરાગત બિઝનેસ છોડીને આર્ટ, મ્યુઝિક કે ડિજિટલ ક્રિએશનના ક્ષેત્રમાં જવા માંગે, ત્યારે આ પિતા તેનો હાથ પકડીને કહે છે, `તું આગળ વધ, હું તારી સાથે છું.' આ ઈમોશનલ અને મેન્ટલ સપોર્ટ નવી પેઢીને વધુ જવાબદાર બનાવે છે, કારણ કે તેમની પાસે ભૂલ સ્વીકારવા માટે અને તેમાંથી શીખવા માટે પિતા નામનો એક સુરક્ષિત ટેકો હોય છે.  

આ બદલાવ માત્ર શહેરી કે અલ્ટ્રા-મોડર્ન પરિવારો પૂરતો સીમિત નથી, પણ મધ્યમવર્ગીય અને ગ્રામ્ય પરિવારોમાં પણ આ નવો પવન ફૂંકાયો છે.   

સોશિયલ મીડિયા, બદલાતી જીવનશૈલી અને ન્યુક્લિયર ફેમિલીના કન્સેપ્ટે પિતાને સમજાવી દીધું છે કે સંતાન સાથે જો કમ્યુનિકેશન ગેપ રહેશે તો સંબંધો નબળા પડી જશે. હવેનો પિતા સંતાનની નાની સક્સેસ પર પણ આખા ટાઉનમાં પેંડા વહેંચવા તૈયાર થઈ જાય છે અને તેમની નિષ્ફળતામાં તેમને હિંમત આપીને ફરી બેઠા કરે છે. તે આંસુ છુપાવતો નથી અને પોતાની નબળાઈઓ પણ સંતાનો સામે સહજતાથી મૂકે છે. પિતૃત્વના આ માનવીય દેખાવે સંતાનો માટે પિતાને કોઈ કાલ્પનિક હીરો નહીં, પણ જિંદગીની વાસ્તવિક લડાઈ લડતો એક જીવંત અને પ્રેમાળ આદર્શ બનાવી દીધો છે.  

સમયની આ કરવટે પિતાના અસ્તિત્વને વધુ સુંદર અને સંવેદનશીલ બનાવ્યું છે. ગઈ કાલનો પિતા જો ઘરનું મજબૂત છાપરું હતો, તો આજનો પિતા એ છાપરાની સાથે ઘરની ખુલ્લી બારી પણ છે, જેમાંથી વહાલ અને મિત્રતાનો પવન સતત આવતો રહે છે. પિતાની ગંભીરતા અને શિસ્તનું સ્થાન હવે હૂંફાળા સ્મિત અને આલિંગને લીધું છે. પોતાની લાગણીઓ છુપાવીને રાખનારો એ પિતા હવે મુક્તપણે કહી શકે છે કે, `આઈ લવ યુ બેટા.' પિતાના આ બદલાયેલા સ્વરૂપે પિતૃત્વની વ્યાખ્યાને વધુ સમૃદ્ધ બનાવી છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: