‘પિતા' એટલે એક એવું અગમ્ય વ્યક્તિત્વ, જે બહારથી નાળિયેર જેવું કઠોર અને અંદરથી માખણ જેવું મુલાયમ હોય છે. પિતા એ ઘરનો એવો મજબૂત પાયો છે, જે આખી ઇમારતનો ભાર પોતાના ખભા પર ઉપાડી લે છે, પણ ક્યારેય અવાજ નથી કરતો. દર વર્ષે આપણે `ફાધર્સ ડે' ઊજવીએ છીએ, ત્યારે એક સવાલ દરેક પિતાએ પોતાની જાતને પૂછવા જેવો છેઃ `પોતે કેવા પિતા છે?'
પિતા અને સંતાનનો સંબંધ બહુ ખાસ હોય છે. આ સંબંધ કોઈ એક ચોકઠામાં ફિટ નથી બેસતો, દરેક જોડીમાં એનો રંગ જુદો, એનો અહેસાસ જુદો હોય છે. આપણાં પુરાણો, રામાયણ અને મહાભારત તરફ નજર કરીએ તો પિતૃત્વના અનેક આયામો જોવા મળે છે, જે આજે પણ આપણને પિતા-પુત્રના સંબંધો વિશે બહુ મોટો પાઠ ભણાવી જાય છે.
ઇતિહાસના અરીસામાં પિતા-પુત્રનો સંબંધ જોવા આપણે જો મહાભારતનાં પાત્રો પર નજર કરીએ તો સંબંધોના જુદા જુદા અતિરેક અને ત્યાગ જોવા મળે છે.
ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન : ધૃતરાષ્ટ્રનો પુત્રપ્રેમ એટલો આંધળો હતો કે તેમણે પુત્રનાં તમામ અન્યાય અને પાપો પર આંખ આડા કાન કર્યા. આ અતિશય મોહનું પરિણામ એ આવ્યું કે આખા કુળનો નાશ થયો અને મહાભારતનું ભયાનક યુદ્ધ ખેલાયું. આજે પણ જે પિતા પોતાનાં સંતાનોની ભૂલોને છાવરે છે, તેઓ અજાણતાં જ ધૃતરાષ્ટ્ર બની જાય છે.
ગુરુ દ્રોણ અને અશ્વત્થામા : દ્રોણાચાર્ય આખી દુનિયાના (કૌરવો અને પાંડવોના) પુત્રોને શ્રેષ્ઠ ધનુર્ધર બનાવવામાં એટલા વ્યસ્ત રહ્યા કે પોતાના પુત્ર અશ્વત્થામા પર પૂરતું ધ્યાન ન આપી શક્યા. પરિણામે અશ્વત્થામા અસંતોષ અને ઈર્ષ્યાના માર્ગે ફંટાઈ ગયા. આજના સમયમાં જે પિતા કરિયરની દોડમાં સંતાનોને સમય નથી આપી શકતા, તેમણે આ વિચારવા જેવું છે.
શાંતનુ અને ભીષ્મ : પિતા શાંતનુની એક અધૂરી ઈચ્છા (સત્યવતી સાથે લગ્ન) પૂરી કરવા માટે પુત્ર દેવવ્રતે પોતાના આખા જીવનની ખુશીઓ, ગાદી અને લગ્નસુખની કુરબાની આપી દીધી અને તેઓ `ભીષ્મ' બન્યા. ક્યારેક પિતાની અધૂરી મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે સંતાનોએ પોતાની ઈચ્છાઓનું બલિદાન આપવું પડે છે.
નંદરાય અને શ્રીકૃષ્ણ : નંદબાબા જાણતા હતા કે કૃષ્ણ એ જગત કલ્યાણના યુગકાર્ય માટે જન્મ્યા છે. પોતાના કાળજાના ટુકડાને મથુરા મોકલતી વખતે પિતૃપ્રેમનું બલિદાન આપીને જે વિરહ તેમણે સહન કર્યો, તે પિતૃત્વની પરાકાષ્ઠા છે. સંતાનની પ્રગતિ માટે તેને પોતાનાથી દૂર મોકલવાનું કલેજું માત્ર એક પિતા જ કરી શકે.
બીજી તરફ જો રામાયણના આદર્શો પર નજર કરીએ તો આપણને પિતૃત્વનો એક જુદો જ પરમ આદરભાવ જોવા મળે છે.
દશરથ અને શ્રીરામ : રાજા દશરથ માટે રામ માત્ર દીકરો નહીં, પણ તેમનો પ્રાણ હતા. વચનપાલન માટે રામ વનવાસ ગયા, પણ પુત્રના વિરહની વેદના દશરથ સહન ન કરી શક્યા અને `હા રામ, હા રામ' કરતાં તેમના પ્રાણ નીકળી ગયા. આ સંબંધ પ્રેમ અને આદરના સર્વોચ્ચ શિખર સમાન છે.
વાલી અને અંગદ : વાલીએ મૃત્યુશય્યા પર હોવા છતાં, પોતાના પુત્ર અંગદનો હાથ ભગવાન શ્રીરામના હાથમાં સોંપ્યો. તેમણે અંગદને રાજગાદી કે સોનાની લંકા આપવાની ચિંતા ન કરી, પણ તેને સારા માણસોનો સંગાથ (રામનો આશ્રય) આપ્યો. આ દુનિયાને તેમણે મોટો સંદેશ આપ્યો કે સંતાનને ભૌતિક સંપત્તિ આપવા કરતાં સંસ્કાર અને સાચી સંગત આપવી વધુ બેહતર છે. આ જ કારણે, આજે પણ સંતાનોની સંભાળ રાખનાર કાનૂની વ્યક્તિને આપણે `વાલી' (Guardian) કહીએ છીએ.
આજે 21મી સદીમાં પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ ઘણો બદલાયો છે. પિતા હવે માત્ર `શિસ્તના આગ્રહી' કે `ઘરના વડા' નથી રહ્યા, પણ એક મિત્ર અને માર્ગદર્શક (મેન્ટોર) બન્યા છે, પરંતુ ભાગદોડ ભરેલી જિંદગીમાં ક્યાંક સંવેદનાઓ પાછળ છૂટી રહી છે. એક પિતા તરીકે આપણે આપણી જાતને પૂછવું પડશે કે, `શું હું મારા સંતાન માટે ધૃતરાષ્ટ્ર જેવો આંધળો મોહ રાખું છું? કે દ્રોણની જેમ મારી વ્યસ્તતામાં તેને એકલો મૂકી દઉં છું? કે પછી વાલીની જેમ તેને સંસ્કારની સાચી મૂડી આપી રહ્યો છું?'
આજનાં સંતાનોને મોંઘી ગાડીઓ, બ્રાન્ડેડ કપડાં કે આઈફોન કરતાં વધુ જરૂર પિતાના ક્વોલિટી સમયની, તેમના પ્રેમની અને `બેટા, હું બેઠો છું તું ચિંતા ન કર' એવા ભરોસાની હોય છે. હકીકતમાં પિતા એક વણલખાયેલી કવિતા હોય છે.
માતાનો પ્રેમ દેખાઈ આવે છે, કારણ કે તે રડી શકે છે, વ્યક્ત કરી શકે છે, પણ પિતાનો પ્રેમ પહાડ જેવો હોય છે - શાંત અને અડગ. પિતા ક્યારેય સંતાનો સામે રડતા નથી, પણ જ્યારે સંતાન મુશ્કેલીમાં હોય ત્યારે અંદરથી કંપતા જરૂર હોય છે. સંતાનની સફળતા પર પિતાની છાતી ગજગજ ફૂલે છે, ભલે તે મોઢેથી વખાણ ન કરે, પણ આખી દુનિયામાં ગર્વથી કહેતા ફરે છે કે આ મારો દીકરો કે દીકરી છે.
દરેક સંતાન માટે પણ પિતા એ દુનિયાનો પહેલો સુપરહીરો છે. નાનપણમાં પિતાના ખભા પર બેસીને મેળો જોનાર બાળક મોટો થઈને જ્યારે પિતા જેટલો જ ઊંચો થઈ જાય, ત્યારે સંબંધોમાં અંતર આવવા દેવાને બદલે પિતાના થાકેલા ખભાનો ટેકો બનવું એ જ સાચો `ફાધર્સ ડે' છે.
ફાધર્સ ડે માત્ર સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવાનો કે ગિફ્ટ આપવાનો દિવસ નથી. આ દિવસ પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને પિતા-પુત્રના સંબંધોને ફરીથી સંવેદનશીલતાથી સીંચવાનો દિવસ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો