આપણે આપણા માટે કેટલું જીવતા હોઇએ છીએ? આપણા કેટલા કામ અને વર્તન બીજાને ધ્યાનમાં રાખીને થતા હોય છે? કોને કેવું લાગશે? કોણ શું વિચારશે? મારા વિશે શું ધારણા બાંધી લેશે? ડગલેને પગલે આપણે આવું વિચારીને જે કંઇ કરવું હોય એ કરીએ છીએ. ક્યારેક બહાર જઇએ ત્યારે આપણે બિન્ધાસ્ત બનીને જીવીએ છીએ અને એવું વિચારીએ છીએ કે, અહીંયા ક્યાં મને કોઇ ઓળખે છે? એ વાતથી જરાયે ઇન્કાર થઇ શકે નહીં કે, બધી જ જગ્યાએ આપણે આપણું મન ફાવે એમ રહી કે બોલી શકતા નથી. આપણી વાણી અને આપણું વર્તન આપણા સંસ્કારો છતા કરે છે. આપણો ઉછેર કેવી રીતે થયો છે એ આપણે શું કરીએ છીએ તેના પરથી દેખાઇ આવતું હોય છે. માણસને હવે નાટક કરતા સારી રીતે ફાવી ગયું છે. માણસ જાહેરમાં જુદો હોય છે અને ખાનગીમાં તદ્દન વિપરીત જ હોય છે. નાટક લાંબું ટકતું નથી. માણસ જેવો હોય એવો વહેલો કે મોડો વર્તાઇ આવે છે. સારો માણસ અમુક વર્તન નથી જ કરી શકતો. એને ખબર હોય છે કે, મને શું શોભે અને શું ન શોભે. આપણે કહીએ છીએ કે, મારાથી આવું ન થાય. હું આવું ન કરી શકું. 

એક માણસની આ સાવ સાચી વાત છે. એ થોડા મિત્રો સાથે ફરવા ગયો. બધા મિત્રો બિન્ધાસ્ત બની ગયા હતા. મન ફાવે એમ વર્તતા હતા. બરાબરની મસ્તીએ ચડ્યા હતા. એક મિત્ર શાંતિથી બેઠો હતો. બીજો મિત્ર તેની પાસે ગયો અને કહ્યું, ચાલને હવે, શું ચૂપચાપ બેઠો છે? આપણે બધા મિત્રો છીએ. કોઇ તને જજ કરવાનું નથી. આ વાત સાંભળીને પેલા મિત્રએ કહ્યું, સવાલ જજ કરવાનો છે જ નહીં. મારાથી અમુક મસ્તી નથી થઇ શકતી. તમારી સામે મને કોઇ પ્રોબ્લેમ નથી. તમે ખોટું કરો છો એવું પણ હું કહેતો કે માનતો નથી. બસ હું એવું કરી શકતો નથી. એ મારી મર્યાદા ગણો તો મર્યાદા છે. એક આવો જ બીજો કિસ્સો છે. બે ફ્રેન્ડ્સ ફરવા ગયા. બંને મસ્તીમાં હતા. એક ફ્રેન્ડ એની મર્યાદા ચૂકીને જાહેરમાં વર્તન કરવા લાગ્યો. બીજો શાંત થઇ ગયો. એ જોઇને તેના મિત્રોએ કહ્યું, અહીંયા આપણને કોઇ ઓળખતું નથી. શરમાવા જેવું કંઇ નથી. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, મને દુનિયાની શરમ નથી, મને માત્ર મારી શરમ છે. મારે મારી જાતને જવાબ આપવાનો છે કે, તું જે કરે છે એ બરાબર છે? 

સાચો માણસ એ છે જે ખાનગીમાં કે એકલા હોય ત્યારે પણ ન શોભે એવું કરતો નથી. જાહેરમાં તો બધા સારા લાગવાનો પ્રયાસ કરે, જે પોતાની સાથે હંમેશાં સારા હોય છે એ ક્યારેય ખરાબ વર્તન કરતા નથી. એક યુવાનની આ વાત છે. એક વખત એ એક સંત પાસે ગયો. સંતને તેણે પૂછ્યું, સારા રહેવા અને સારા દેખાવવા માટે શું કરવું? સંતે કહ્યું, જેવા હોય એવા રહેવું. યુવાને કહ્યું, સમજાયું નહીં. સંતે કહ્યું કે, સારા રહો તો પછી સારા રહેવાનો દેખાડો કરવો પડશે નહીં. દેખાડો એને જ કરવો પડે છે જેને કંઇક છુપાવવું છે. તમે એવા જ રહો કે તમારે સારા દેખાવવાનો પ્રયાસ જ ન કરવો પડે. આજના સમયમાં એવા બહુ ઓછા લોકો છે જે કાયમ એક સરખા રહે છે. એક અમીર માણસની આ વાત છે. ખૂબ જ સજ્જન વ્યક્તિ. તેના વિશે એવી જ વાતો થતી હતી કે, આટલા ધનવાન હોવા છતાં એને કોઇ અભિમાન નથી. માણસ નાનો હોય કે મોટો, એ બધા સાથે સારી રીતે જ વર્તે છે. એક વખત એક ભાઇએ તેને પૂછ્યું કે, તમે કેમ બધા સાથે આટલી સારી રીતે વર્તી શકો છો? એ માણસે કહ્યું કે, બધા મને ધનવાન માને છે. એ લોકો મને મારી સંપત્તિ જોઇને ધનવાન કહે છે. હું જુદું માનું છું. તમારી સંપત્તિથી તમે ધનવાન થતાં નથી, તમારા ગુણોથી જ તમે સાચા ધનવાન બની શકો છો. ગુણોથી ગરીબ પણ ધનવાન હોય શકે છે. એવું ધન શું કામનું જે તમને સારું વર્તન કરવાનું ભૂલાવી દે? હું તો એમ પણ કહું છું કે, માણસને તેની સંપત્તિથી નહીં, તેના ગુણોથી ગરીબ કે ધનવાન માનવા જોઇએ. મેં એવા અસંખ્ય માલેતુજારો જોયા છે જેની પાસે સંપત્તિનો કોઇ તોટો નથી પણ ગુણો, વિચાર અને વર્તનથી તદ્દન નિર્ધન છે. 

હંમેશાં સારા અને સહજ રહેવું એ સૌથી મોટો સદગુણ છે. સારું વર્તન કરો ત્યારે એવું વિચારો એ બરાબર છે કે કોણ શું વિચારશે એની મને પરવા નથી પણ ખરાબ વર્તન કરતી વખતે એવું વિચારવું જોઇએ કે, હું જે કરી રહ્યો છું એનાથી લોકો શું વિચારશે? એક યુવાન હતો. તેણે એક નવું કામ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. તેને એ જ વિચાર આવતો હતો કે, હું આ કામ કરીશ તો કોણ શું વિચારશે? તેણે પોતાના એક સ્વજનને પૂછ્યું કે, મને આ કામ કરતા પહેલા એવો વિચાર આવે છે કે કોણ શું કહેશે? યુવાનની વાત સાંભળીને સ્વજને કહ્યું કે, તું કંઇક સારું અને નવું કરવા જઇ રહ્યો છે. આવા સમયમાં કોણ શું વિચારશે એની ચિંતા ન કર. બીજાનો વિચાર કરતો રહીશ તો ક્યારેય તારે જે કરવું છે એ તું નહીં કરી શકે. એ યુવાને પોતાનું ધાર્યું કર્યું અને સફળ થયો. બધા લોકો તેની વાહવાહી કરવા લાગ્યા. એ સમયથી તેણે નક્કી કરી લીધું કે, કોણ શું કહેશે એની ક્યારેય પરવા કરવી નહીં. એ મન ફાવે એમ કરવા લાગ્યો. તેનું વર્તન જોઇને એ જ સ્વજને તેને ફરીથી કહ્યું કે, હવે તારે એ વિચારવાની જરૂર છે કે, કોણ શું કહેશે. સમાજ તમને જજ કરવાનો જ છે. સમાજ એને જ માન આપે છે જેને પોતાની મર્યાદામાં રહેતા આવડે છે. આપણે કહીએ છીએ કે, મને કોઇનાથી કંઇ ફેર પડતો નથી. એ સમયે માત્ર એટલું વિચારવું જોઇએ કે મને મારાથી તો ફેર પડે છે કે નહીં?

આપણે કંઇ ખોટું કરીએ ત્યારે એક વખત તો આપણો અંતરઆત્મા આપણને રોકતો જ હોય છે. આપણને કહેતો હોય છે કે, તું જે કરવા જઇ રહ્યો છે એ સારું નથી. માણસ કાં તો અંતરાઆત્માનો અવાજ સાંભળે છે અને કાં તો એ અવાજ સામે કાન બંધ કરી દે છે. આપણે જ્યારે એક વખત અંતરાઆત્માને સાંભળવાનું બંધ કરી દઇએ છીએ પછી અંતરઆત્મા કંઇ જ કહેતો નથી. બંધ થઇ જાય છે. એ પછી આપણે જે કરતા હોઇએ એને જ આપણે સાચું માનવા લાગીએ છીએ. કંઇ કરતા પહેલા પોતાની જાતને પ્રમાણિકતાપૂર્વક પૂછવું જોઇએ કે, હું જે કરું છું એ બરાબર છેને? જેને પોતાના અંતરઆત્માની ભાષા સમજાય છે એણે દુનિયાની સલાહ લેવા જવું પડતું નથી. આપણે કોઇ સારું કામ કરીએ છીએ ત્યારે આપણને સારું લાગે છે. આપણે જ્યારે કોઇ ખોટું કે ખરાબ કામ કરીએ છીએ ત્યારે આપણને ખરાબ કેમ નથી લાગતું? એનું કારણ મોટા ભાગે એ હોય છે કે, આપણે ફીલ કરવાનું જ બંધ કરી દીધું હોય છે. કોઇ કામ કરતા જરાકેય મન અચકાય તો માનજો કે એ કામ કરવા જેવું નથી. જ્યારે કોઇ કહેવાવાળું ન હોય ત્યારે પોતાની જાતને પૂછીને જવાબ મેળવવાનો હોય છે. જે જવાબ મળે એ સાચો છે કે કેમ એ પણ ચેક કરતા રહેવું જોઇએ. પોતાના પર નજર રાખવી જોઇએ. જેને પોતાની પડી છે, જેને પોતાની કદર છે અને જે પોતાની જાતને ઓળખે છે એ હંમેશાં સારા રહે છે. બધાને એ પણ ખબર જ હોય છે કે, હું ખરેખર કેવો છું. આપણે જેવા હોઇએ એવા લોકો આપણને ઓળખી જ જવાના છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો