જિંદગીની ફિતરત રંગ બદલતા રહેવાની છે. જિંદગી ક્યારે કેવો પલટો મારે એ કોઇ કહી શકતું નથી. સમય નવા નવા રૂપ ધારણ કરીને આપણી સામે આવતો રહે છે. જિંદગીની મજા જ એ છે કે, એ સમય સાથે બદલતી રહે છે. જિંદગી જો એકધારી હોત તો કદાચ જીવવાની મજા જ ન હોત. સુખ અને દુ:ખ, ચડાવ અને ઉતાર આવતા જ રહેવાના છે. કશું જ કાયમી નથી. દરેકની જિંદગીમાં એવો સમય આવતો જ હોય છે જ્યારે એનું ક્યાંય ધ્યાન ન પડે. જિંદગીમાં ક્યારેક એવું પણ લાગે છે કે, આ મારો બેસ્ટ ટાઇમ છે. માણસ સતત સપનાઓ સેવતો રહે છે. કોઇ સપનું પૂરું થાય છે. કોઇ સપનું અધૂરું રહી જાય છે. ઉંમર અને સમયની સાથે સપનાઓ પણ બદલતા રહે છે. નાના હોઇએ ત્યારે ભણી ગણીને હોંશિયાર થવાનું સપનું હોય છે. ભણવાનું પૂરું થાય એ સાથે કરિયરનું સપનું સજીવન થઇ જાય છે. લગ્ન, ઘર, પરિવાર અને ખુશીના સપનાઓ માણસ સેવતો રહે છે. દર વખતે આપણું ધાર્યું થતું નથી. ક્યારેક ધાર્યું હોય એનાથી સાવ ઊંધું જ થઇ જતું હોય છે. જિંદગીનું એક સત્ય એ છે કે, રોજે રોજ કોઇને કોઇ નવો પડકાર પેદા થતો રહેવાનો છે. આપણે એ પડકારને પહોંચી વળવાનું હોય છે. જિંદગીની મુશ્કેલીઓની વચ્ચેથી સુખ અને શાંતિ શોધતા રહેવું પડે છે. થાકવું કે હારવું પરવડતું નથી. મનને મજબૂત રાખવું પડે છે. નક્કી કરવું પડે છે કે, હું બધા પડકારો, સમસ્યાઓ અને મુશ્કેલીઓને પહોંચી વળીશ. મંઝિલે પહોંચવા માટે લાંબો રસ્તો પાર કરવો પડે છે. રસ્તો ક્યારેય એકસરખો રહેવાનો નથી. ક્યારેક એક્સપ્રેસ વે હોય એવું થાય છે તો ક્યારેક ખાડા ખબડા અને ડાયવર્ઝન પણ આવવાના જ છે. માનસિક રીતે તૈયાર રહેવું પડે છે કે, ગમે ત્યારે બદલાવ આવશે. ખરાબ સમય હોય તો પણ માનવું કે સારો સમય આવવાનો જ છે.

એક યુવાનનો આ સાવ સાચો કિસ્સો છે. સ્ટડી પૂરી થયા બાદ એ સારી જોબમાં લાગ્યો હતો. કામમાં ટેન્શન રહેતું હતું. એ યુવાનના મેરેજ થયા. પત્ની સાથે પણ ક્યારેય માથાકૂટ થતી રહેતી. થોડા સમય બાદ દીકરીનો જન્મ થયો. એના ઉછેરના પણ સવાલો આવ્યા. એ યુવાન એવું માનતો હતો કે, એક સમય એવો આવશે જ્યારે બધું જ સરસ રીતે ચાલતું હશે. જેમ જેમ મોટો થતો ગયો એમ એમ કામ અને પડકારો વધતા જ ગયા. એક વખતે તેણે પિતાને પૂછ્યું, રોજ કંઇને કંઇ મુશ્કેલી આવતી જ રહે છે. માંડ એક પત્યું હોય ત્યાં બીજું ખડું થઇ જાય છે. દીકરાની વાત સાંભળીને પિતાએ કહ્યું, એક વાત બરાબર સમજી લે કે, બધું ક્યારેક સરખું રહેવાનું નથી. જિંદગી હાલક ડોલક થતી રહે છે. આપણે બેલેન્સ સાધીને જીવવાનું હોય છે. માત્ર જીવવાનું જ નથી હોતું, ખુશ પણ રહેવાનું હોય છે. જો કામ અને ટેન્શનમાં રહીશ તો સુખને ફીલ કરવાની ફૂરસદ જ નહીં મળે. રોજિંદી ઘટમાળમાંથી ખુશી અને આનંદ શોધી લેવો પડતો હોય છે. આપણે જે કંઇ કરીએ છીએ એનો અંતિમ ઉદ્દેશ તો સુખ અને શાંતિનો જ હોય છે. બધું કર્યા પછી પણ જો સુખ ન મળતું હોય તો જિંદગીનો કોઇ મતલબ જ નથી. જિંદગી એક પ્રવાહ છે. જિંદગી વહેતી જ રહેવાની છે. આપણે કેવી રીતે જીવીએ છીએ તેના પર જિંદગીનો આધાર રહે છે. પડકારો તો કોની જિંદગીમાં નથી આવ્યા? કોઇની પણ લાઇફ જોઇ લે, બધા જ ઝઝૂમી રહ્યા છે. એ જ તો જિંદગી છે.

જિંદગીમાં સમસ્યાઓ આવે ત્યારે આપણા પોતાના લોકો મદદે આવતા હોય છે. આપણી લાઇફમાં એવા લોકો હોય જ છે જે કપરા સમયમાં આધાર બનીને ઊભા રહે છે. આ બધા વચ્ચે એક હકીકત એ પણ છે કે, આખરે તો દરેક માણસે પોતાની લડાઇ પોતે જ લડવી પડે છે. ક્યારેક પોતાના બળ પર તો ક્યારેક કોઇની મદદ સાથે આપણે આપણું યુદ્ધ લડવું પડે છે. યુદ્ધ માત્ર લડવાનું જ નથી હોતું, જીતવાનું પણ હોય છે. સમસ્યાઓ તો આવતી જ રહેવાની છે. એક છોકરીની આ વાત છે. તેની લાઇફમાં કોઇને કોઇ ચેલેન્જિસ આવતી હતી. લાઇફને સેટ કરવા માટે ખૂબ પ્રયાસો કરવા છતાં તેનો મેળ પડતો નહોતો. તે એવું ઇચ્છતી હતી કે, હું બધું જ સેટ કરી લઇશ. એક વાર બધું ગોઠવાઇ જાય પછી મારી જિંદગી મસ્ત રીતે જીવીશ. જોકે, કોઇને કોઇ પડકાર તેને પજવતો રહેતો. માંડ એવું લાગે કે, હવે બધું સરખું થયું છે ત્યાં વળી નવી મુસિબત આવીને ઊભી રહે. એક વખત એ છોકરી એક સંત પાસે ગઇ. તેણે પોતાની વાત કરીને કહ્યું કે, બહુ મહેનત કરું છું તો પણ કંઇ સેટ થતું નથી. સંતે કહ્યું, તું એવું ઇચ્છે છે કે, બધું સરખું થઇ જાય અને પછી સરખું જ રહે તો એવું ક્યારેય થવાનું નથી. તું કુદરતની રચના જો. કંઇ જ એક સરખું કે કાયમી નથી. ઋતુઓ બદલે છે. ગરમી પણ કાયમ નથી અને ઠંડી પણ હંમેશા રહેતી નથી. ક્યારેક વરસાદ પડવાનો છે તો ક્યારેક બફારો લાગવાનો છે. દરિયામાં ક્યારેક ભરતી આવે છે તો ક્યારેક ઓટ ઉતરી આવે છે. સૂરજ પણ ઉગતો અને આથમતો રહે છે. ક્યાંક કૂંપળો ફૂટતી રહે છે, તો કોઇ ઝાડ પરથી પાંદડા ખરતા રહે છે. 

પ્રકૃતિનું સૌંદર્ય પણ બદલતું રહે છે. જો બધું બદલતું હોય તો જિંદગી કેમ ન બદલે? આપણે પણ અંતે તો પ્રકૃતિનો જ હિસ્સો છીએ. જિંદગીમાં આવતા બદલાવને સમજવો અને સ્વીકારવો પડે છે. રોજ નક્કી કરવું પડે છે કે, જે કંઇ મુશ્કેલીઓ આવશે એનો સામનો કરીશ અને મારી જિંદગી સરસ રીતે જીવીશ. 

જિંદગી વિશે એવું બહુ કહેવાયું છે કે, જીવવાની મજા આવવી જોઇએ. જિંદગીમાં મજા શોધવી પડે છે. નાની નાની વાતોમાંથી ખુશી મેળવવી પડે છે. દર વખતે વેકેશન નથી મળતું. હોલિડેઝ આપણે ઇચ્છીએ ત્યારે નથી મળતા. આપણે રજાઓનું પ્લાનિંગ કરવું પડે છે. ગમતું હોય એ થાય એની રાહ જોવી પડે છે. આ બધા વચ્ચે રોજિંદી જિંદગીમાંથી મજા શોધવી પડે છે. ચા પીતી વખતે આપણને આપણી સાથે રહેવાની કોણ ના પાડે છે? દરરોજ થોડા થોડા હસતા કોઇ રોકતું નથી. કામ અને જિંદગીના ટેન્શનમાં જ રહીએ તો ક્યારેય ખુશી મળતી નથી. ખુશી અને આનંદનું એક સત્ય એ છે કે, નાની નાની વાતો અને ઘટનાઓમાંથી જ ખરી ખુશી મળે છે. કામમાંથી પણ ખુશી મેળવતા શીખવું પડે છે. કામ તો રહેવાનું જ છે. કામ કરવું પણ જોઇએ. ખરેખર કેટલા લોકો પોતાનું કામ એન્જોય કરે છે? જે માણસ કામને બોજ સમજે છે એ ક્યારેય ખુશ રહી શકતા નથી. કામ પર જઇએ કે કામ પર હોઇએ ત્યારે પણ ખુશ રહેવું જોઇએ. એક વેઇટરની આ વાત છે. એ હોટલમાં બધાને સર્વ કરતો રહેતો. બધા ગ્રાહકો સાથે હસીને અને ખુશ રહીને જ વાત કરે. તેના એક રોજિંદા ગ્રાહકે તેને સવાલ કર્યો કે, આટલો ખુશ કેવી રીતે રહી શકે છે? વેઇટરે જવાબ આપ્યો કે, મેં નક્કી કર્યું છે કે, દરેક સ્થિતિમાં ખુશ રહેવું. બોજ રાખીને ફરવાનો કે ઉદાસ રહેવાનો કોઇ અર્થ છે ખરો? કુદરતે તમને ચોઇસ આપી છે કે, તમારે કેવી રીતે રહેવું. મેં મજામાં રહેવાની પસંદગી કરી છે. હું ખુશ રહું છું એટલે મને થાક પણ નથી લાગતો. ઘણાને તો જિંદગીનો જ થાક લાગતો હોય છે. જિંદગી જીવવાની મજા ન આવતી હોય તો માનજો કે, તમે જિંદગી જીવવાની કળા ભૂલી ગયા છે. મજાથી જીવતા કોઇ રોકતું નથી. આપણે બસ આપણા હાથે આનંદના માર્ગ પર ખડકેલા અંતરાયો દૂર કરવાના હોય છે. ઘણું બધું ખસેડવું અને હડસેલવું પડે છે. નક્કી કરો કે, મારે મારી જિંદગી મસ્ત રીતે જીવવી છે. એક વાર નિર્ણય કરી લેશો પછી ખુશી, આનંદ અને ઉત્સાહ તમારી નજીક જ રહેશે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો