જ્યારે વ્યક્તિ ગાઢ નિદ્રામાં હોય છે તો તેના સ્વપ્ન પર અંતર્મનનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે અને તે દરમિયાન જે સ્વપ્ન દેખાય છે તે કોઈ અદૃશ્ય સત્તાના પ્રભાવથી ઉત્પન્ન થાય છે અને સ્વપ્ન મનુષ્યના જીવનને એક નવો રાહ બતાવે છે.
પોલેન્ડની મેરના નામની એક યુવતીની સાથે આવું જ થયું હતું. મેરનાના વિવાહ એક યુવકની સાથે નિશ્ચિત કરવામાં આવ્યા. તે યુવક લશ્કરમાં સિપાહી હતો. તે બંનેનાં લગ્ન થયાના કેટલાક સમય પછી જ તે રજાઓમાં ઘરે આવ્યો હતો અને અચાનક યુદ્ધ શરૂ થઈ ગયું અને તેને પોતાનું શહેર છોડીને પોતાની બટાલિયન સાથે જોડાવું પડ્યું હતું. જતી વખતે મેરનાએ તેને અશ્રુભરી આંખે વિદાય આપી. તેના હૃદયમાં પોતાના પતિ પ્રત્યે પ્રેમની ઘનિષ્ટ લાગણી હતી. તે પોતાના પતિને સાચા હૃદયથી ચાહતી હતી અને દરેક ક્ષણ તેની યાદોમાં ખોવાયેલી રહેતી હતી.
યુવક પોતાની બટાલિયન સાથે જોડાઈ ગયો. એક દિવસ તે શત્રુસેનાની સામે ચારેય બાજુથી ઘેરાઈ ગયો અને તેના બીજા સાથીઓ યુદ્ધમાં ન જાણે ક્યાંય ખોવાઈ ગયા હતા. અનેક દિવસો સુધી તેના વિશે કોઈ પણ પ્રકારની જાણકારી મળી નહીં! કેટલાક મહિના પછી મેરનાએ એક ભયાનક સ્વપ્ન જોયું. તેણે જોયું કે તેનો પતિ એક સુરંગમા ફસાઈ ગયો છે. તેની પાસે મીણબત્તી સળગી રહી છે અને તે તેમાંથી બહાર નીકળવા માટે પથ્થરોને હટાવી રહ્યો છે. તે મદદ માટે પોતાની પત્નીનું નામ લઈને ચીસો પાડી રહ્યો હતો. આવા ભયંકર સ્વપ્ન પછી તેની ઊંઘ ઊડી ગઈ.
આવું સ્વપ્ન થોડાક સમય પછી આવવાનું ઓછું થઈ ગયું. થોડા મહિના પછી ઉનાળામાં એક રાતે મેરનાએ એક વિશાળ કિલ્લો સ્વપ્નમાં જોયો. ધીમે ધીમે એવા સ્થળે પહોંચી જ્યાં કિલ્લાની એક દીવાલ તૂટેલી હતી. ઈંટોના કાટમાળની નીચે તેને પતિનો ચહેરો દેખાયો. મીણબત્તીના ક્ષીણ પ્રકાશમાં ચીંથરામાં લપટાયેલો તે પથ્થરોના ટુકડાઓને હટાવી રહ્યો હતો અને મદદ માટે મેરનાનું નામ લઈ રહ્યો હતો.
મેરના આ સ્વપ્નને જોતાં જ ચીસ પાડીને ઊભી થઈ ગઈ. તેની માતા ગભરાઈને તેની પાસે આવી. માતા બીજા દિવસે ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે કહ્યું: `આ એક પ્રકારનો ઉન્માદ છે.'
મેરનાએ સ્વપ્નની વાત ચર્ચના પાદરીને પણ કરી, પરંતુ તેમણે પણ હસીને આ વાત ટાળી દીધી. મેરનાએ બીજા દિવસે ફરીથી એ જ સ્વપ્ન જોયું. કેટલાક દિવસો સુધી તેને આ જ સ્વપ્ન દેખાયું.
એક દિવસ મેરના ઘરેથી નીકળી ગઈ અને તેણે નિશ્ચય કરી લીધો કે તે પોતાના પતિને શોધીને જ પાછી આવશે. કેટલાય દિવસો સુધી પગપાળા ચાલતાં ચાલતાં મેરનાએ કેટલાય કિલ્લાઓ જોયા, પરંતુ સ્વપ્નમાં આવતા કિલ્લા સાથે મેળ પડતો ન હતો. દિવસો પછી તેની પાસે ખાવા-પીવા માટેના પૈસા ન હતા. આવી સ્થિતિમાં પણ તે કોઈની પણ પરવા કર્યા વગર પતિને શોધવા માટે ફરતી રહી.
કેટલાય દિવસો પછી તે દક્ષિણ પૂર્વ પોલેન્ડના જલોદા નામના નગરની પાસે એક પહાડ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યાં જ એની નજર એક કિલ્લા ઉપર પડી. તે કિલ્લાને જોતાં જ તે અત્યધિક પ્રસન્ન થઈ ગઈ. આ એ જ કિલ્લો છે. બૂમો પાડતી તે કિલ્લા પાસે જવા દોડવા લાગી. તેની પ્રસન્નતાનો કોઈ જ અંત ન હતો, પરંતુ થાક-કમજોરીના કારણે અને વધારે પડતું દોડવાના કારણે તે બેભાન થઈ ગઈ. તે ગામના રહેવાસીઓએ પોલીસ અધિકારીઓને બોલાવ્યા. પાણીની છાલક મારીને તેને ભાનમાં લાવ્યા. ભાનમાં આવતાં મેરનાએ પોતાના સ્વપ્નની વાત ગામલોકોને કરી તો ગામલોકો ખડખડાટ હસવા લાગ્યા. પોલીસ અધિકારીએ તેની સાથે વાતચીત કરી અને તેને કહ્યું કે, `તું પાછી પોતાના ઘરે જતી રહે.' પરંતુ મેરના પર પોલીસની વાતચીતની કોઈ અસર ન થઈ. તે ઊભી થઈને કિલ્લાની તરફ ચાલવા લાગી. ગામલોકો પણ તેની પાછળ પાછળ જવા લાગ્યા.
મેરના કિલ્લાની એ જગ્યા તરફ ગઈ જ્યાં ખરેખર ઈંટોનો કાટમાળ પડેલો હતો. તે એકદમ ઝડપથી ઈંટોને ખસેડવા લાગી. લોકોએ પણ તેની મદદ કરી. અડધાથી વધારે ઈંટો ખસેડ્યા પછી અંદર એક દરવાજો દેખાયો. હવે ત્યાં કોઈક માણસનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. બધાએ મળીને થોડોક વધારે કાટમાળ ખસેડ્યો, તો લોકોએ આશ્ચર્યચકિત થઈને જોયું કે તે કાટમાળની અંદર એક માણસ દબાયેલો છે, જે બહાર નીકળવા માટે પ્રયાસ કરી રહ્યો છે. લોકો ઝડપથી કાટમાળ ખસેડવા લાગ્યા અને પેલો માણસ બહાર નીકળ્યો તો એમને ખબર પડી કે તે માણસ જ મેરનાનો પતિ હતો.
આટલા બધા દિવસો સુધી અંદર રહેવાના કારણે તેની આંખો પ્રકાશને જોઈને બંધ થઈ જતી હતી. તેનાં કપડાં ફાટી ગયાં હતાં. શરીર ક્ષીણ થઈ ગયું હતું. લશ્કરમાં હોવાના કારણે જીવનરક્ષાના અનેક ઉપાયો મળવાના કારણે તે આટલા બધા દિવસો સુધી જીવિત રહી શક્યો હતો.
તેણે જણાવ્યું કે તે જ્યારે કિલ્લાના સ્ટોરની રક્ષા કરી રહ્યો હતો, ત્યારે દુશ્મનના તોપનો એક ગોળો એ સ્થળે ટકરાયો અને કિલ્લાનો એક ભાગ ધરાશયી થઈ ગયો. તે સ્ટોરમાં રહેલી મીણબત્તીઓને વારાફરતી સળગાવતો. ખાવા બિસ્કિટ ને પીવા માટે દારૂ હતો તેના સહારે જ તે આટલા દિવસો સુધી જીવતો રહ્યો. આ ઘટનાથી સૈન્ય અધિકારીઓ ઉપર મોટો પ્રભાવ પડ્યો અને તેમણે મેરનાના પતિને સન્માન સાથે સેનામાંથી નિવૃત્ત કર્યો અને વિશેષ પદવી આપીને સન્માનિત કર્યો. આ ઘટનાએ પોલેન્ડના દરેક રહેવાસીઓને એ વિચારણા વિવશ કરી દીધા કે સ્વપ્નમાં દેખાતી ઘટનાઓ ફક્ત કલ્પનાઓ જ નથી હોતી!
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો