જો તમે સવારે ઓફિસે જાઓ છો અને તમને એમ કહેવામાં આવે કે તમારી ઓફિસ સ્વિમિંગ પુલમાં શિફ્ટ કરવામાં આવી છે તો? તમે થોડીકવાર તો અસમંજસમાં જ મુકાઇ જશો કે, તો શું સ્વિમિંગ પુલમાં તરતાં તરતાં ઓફિસવર્ક કરવું પડેશે કે કેમ? પરંતુ ચીનના ચેંગદુ શહેરની એક ઈન્ટીરિયર ડેકોરેશનની કંપનીએ પોતાના બંધ પડેલા સ્વિમિંગ પુલને જ ઓફિસ બનાવી દીધી.
અલબત્ત, સ્વિમિંગ પુલમાં જ ટેબલ ખુરશીને કમ્પ્યૂટર્સ પણ ગોઠવી દીધા હતા. જોકે, ઓફિસ કર્મચારીઓએ ત્યાં પણ પોતાનું કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. નવાઇની વાત એ હતી કે આ સ્વિમિંગ પુલનો ડીપ વોટર એરિયા 1.55 મીટર હતો અને ત્યાં જવા માટે સ્ટીલની સીડી (Pool Ladder)નો જ ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે તેઓ એક રીતે એન્જોય કરી રહ્યા હતા, પરંતુ ડર પણ અનુભવી રહ્યા હતા કે, જો અહીં કોઇ અકસ્માત જણાય તો પુલ લેડર પર બધા કર્મચારી ન પહોંચી શકે અને જો પુલ લેડર જ તૂટી જાય તો. ખૈર, અહીં શહેરના ફાયર વિભાગને આ સ્વિમિંગ પુલવાળી ઓફિસની જેવી જાણ થઇ એવી જ આ ઓફિસને સીઝ કરી દંડ પણ ફટકાર્યો.
તમે એક વારમાં કેટલા રામેન ખાઇ શકો?
અત્યારની જનરેશન ફાસ્ટ ફૂટ માટે વધુ પંકાયેલી છે. તેઓ છાશવારે કોઇ ને કોઇ જંક ફૂડ ખાવા માટે વિશેષ ટેવાયેલી છે. તેમાં ખાસ કરીને પિઝા, બર્ગર કે મોમોઝ, નૂડલ્સ અને રામેન (જાપાનીઝ નૂડલ્સ સૂપ) માટે વધુ ગાંડીઘેલી છે. અત્યારની જનરેશનને જો ભૂખ લાગશે તો જંક ફૂડ ખાઈને જ પેટ ભરશે, પરંતુ તેઓ જંક ફૂડ સીમિત ખાય છે એટલે કે તેઓ ઉપરોક્ત જણાવેલી વસ્તુઓ સંપૂર્ણ ખાઈ શકતી નથી, પરંતુ તેમાંથી થોડું ઘણું ખાઈને ઓડકાર ખાઇ લે છે, પરંતુ કોરિયાની માત્ર 28 વર્ષીય પાર્ક જંગ-વોન અત્યારે વર્લ્ડમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે તેનો સમાવેશ પણ અત્યારની જનરેશનમાં થાય છે, જે જંક ફૂડની વધારે શોખીન છે. જોકે, તે જંક ફૂડમાં રામેન ખાવાનું વધુ પસંદ કરે છે. તે તીખી રામેન એક કે બે નહીં, પરંતુ 10 કપ ખાઇ લે છે. આ રામેન ખાવા માટે તેણે માત્ર સાત મિનિટનો જ સમય લીધો હતો. અગાઉ પણ તેણે 101 પ્લેટ સુશી (જાપાનીઝ શોર્ટ-ગ્રેઇન ચોખા) નામની વાનગી પણ ખાઇ લીધી હતી. આટલું ખાવા છતાં અને એક્સરસાઇઝ ન કરતાં પણ તેનું વજન 50 કિલોની આસપાસ જ રહ્યા કરે છે.
માત્ર દોઢ કલાકમાં રૂ. 3500 કમાય છે આ સ્ત્રી
ભારતમાં જો યંગસ્ટર્સને કોઇ નોકરી નથી મળતી તો તે નવા સ્ટાર્ટઅપ માટે નાનો-મોટો ધંધો કરે છે. તો કોઇ વીકેન્ડ નોકરી કરે છે. બસ, તેમને ગમેતેમ કરીને પૈસા મળવા જોઇએ. ન્યૂયોર્કમાં પણ જો કોઇને નોકરી નથી મળતી તો તેઓ પણ સ્ટાર્ટઅપના પગલે જ ચાલે છે. થોડા સપ્તાહ પહેલાં જ 29 વર્ષીય સિડની ચાર્લેટની માર્કેટિંગ જોબ છૂટી જતાં તેણે `કાર સિટર' નામે સ્ટાર્ટઅપને અપનાવ્યું છે. આ કાર સિટર એટલે કે, ન્યૂયોર્કમાં ઓલ્ટરનેટ સ્ટ્રીટ પાર્કિંગ માટે કડક નિયમો છે. ત્યાં સમયાંતરે રોડની સાફસફાઇ થતી હોય છે અને જો તમે ખોટી જગ્યાએ વાહન પાર્ક કર્યું છે તો ટો પણ થઇ શકે છે. એવામાં કાર સિટર તમારી કારમાં કલાકથી દોઢ કલાક બેસી રહે છે. આમ કરવાથી વાહન ધરાવનાર મસમોટા દંડથી અને વાહન ટો'થી પણ બચી શકે છે. વધુમાં તમારો સમય પણ બચી શકે છે. ટૂંકમાં, સીડની તમારા વાહનમાં બેસીને તમારા દંડ બચાવે છે, પરંતુ તે માટે જે તે વાહન ધરાવનારે તેને 50 ડોલર (અંદાજિત 3500 રૂ.) આપવા પડતા હોય છે. છે ને ગજબ સ્ટાર્ટઅપ?