બિહારમાં આવેલા સબોરના કૃષિ વિશ્વવિદ્યાલયમાં એક એવી બીજ બીન (Seed Gene Bank) બેંક છે, જેમાં 1500થી પણ વધુ બીજનાં સેમ્પલ રાખવામાં આવ્યાં છે. હજી તેમાં દસ હજારથી પણ વધુ બીજને રાખવાનું લક્ષ્ય સેવવામાં આવ્યું છે. સંગ્રહિત કરેલા બીજને 28 વર્ષ સુધી વધુ સુરક્ષિત રાખી શકાશે. નોંધનીય છે કે, આ બેંકમાં 50 વર્ષ જૂનાં બીજ જોવા મળે છે અને તેના પર વૈજ્ઞાનિકો રિસર્ચ કરે છે. તેઓ સંગ્રહિત કરેલા બીજની ગુણવતામાં સુધારો કરે છે અને બીજમાં નવી નવી જાતોનો વિકાસ કરવા માટેના પ્રયોગો પણ હાથ ધરે છે. મૂળ બીજ જીન બેન્કનો ઉદ્દેશ વિવિધ વનસ્પતિ પ્રજાતિઓ (જંગલી તેમજ ખેતીલાયક)ના બીજના નમૂનાઓને સાચવવા અને તેના પર શોધ કરવાનો હોય છે. અલબત્ત, આ બીજ જીન બેન્કથી ભવિષ્યની પેઢીઓ માટે બીજ સુરક્ષિત રહે છે. વિશ્વભરમાં જૈવવિવિધતાને જાણવા અને સમજવા માટે ડીએનએ બારકોડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે, આ બેન્કમાં પણ દેશભરનાં પરંપરાગત બીજોને સાચવવામાં આવ્યાં છે અને જે તે બીજ પર ડીએનએ બારકોડ પણ લગાવવામાં આવ્યા છે. વધુમાં અહીં મોડલ જીનોમ ક્લબની પણ સ્થાપના કરવામાં આવી છે. ટૂંકમાં, આ બીજ જીન બેન્કથી ભવિષ્યમાં થનારી મોટી હોનારતોથી ફાયદો થઇ શકે છે.
પચાસ વર્ષે સ્કૂલના ઝઘડાનો બદલો લીધો
સ્કૂલ સમયમાં ઘણીવાર વિદ્યાર્થીઓની વચ્ચે મારામારી ઝપાઝપી થતી જ હોય છે, પરંતુ તે ઝઘડો કે ઝપાઝપી સ્કૂલ સુધી જ સિમિત હોય છે. તે સમયનો ઝઘડો સ્કૂલમાં જ પતી જતો હોય છે અથવા તો સમાધાન થઇ જતું હોય છે, પરંતુ કેરલમાં બનેલી ઘટનાએ તો સૌ કોઈના મોઢામાં આંગળાં નખાવી દીધાં. બાળપણમાં સ્કૂલના મિત્રોએ 50 વર્ષ જૂની દુશ્મનીનો બદલો લીધો અને તેના વર્ષો જૂના મિત્રને એટલી હદે ઢોર માર માર્યો કે તે આધેડના બે દાંત તૂટી ગયા અને ગાલ પણ સૂજી ગયા. આ સમગ્ર ઘટનામાં વાત એવી હતી કે માલોથુ બાલકૃષ્ણન અને મેથ્યૂ નામના બે મિત્રોએ બાબુ (62 વર્ષ) નામની વ્યક્તિને ઢોર માર માર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ઝઘડો તો 50 વર્ષ જૂનો છે અને તેનો બદલો લેવામાં આવ્યો હતો. જ્યારે માલોથુ બાલકૃષ્ણન અને મેથ્યૂ ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે બાબુએ આ બંને જણને કોઇ કારણસર ખૂબ માર્યા હતા. જોકે, બાલકૃષ્ણન અને મેથ્યૂએ આ વાતને દાઢમાં દબાવી રાખી અને છેક પચાસ વર્ષ પછી બાબુને ખરાબ રીતે મારીને આખરે બદલો લીધો. આ વાતથી એ વાત સાબિત થાય છે કે, જૂના ઝઘડાને સાવ ભૂલી ન જવાય!
તમે બરફમાં કેટલો સમય રહી શકો?
તમે આઇસ બકેટ ચેલેન્જ વિશે સાંભળ્યું જ હશે કે, જેમાં બરફથી ભરેલી ડોલને તમારા શરીર પર રેડવાની હોય છે. છેલ્લા દસેક વર્ષથી આ આઇસ બકેટ ચેલેન્જ વિશ્વભરમાં ચાલતી આવી છે. લોકો સોશિયલ મીડિયા પરથી આ ચેલેન્જ સ્વીકારી રહ્યા છે. મૂળ આઇસ બકેટ ચેલેન્જ તમારા સ્વાસ્થ્યની જાગરૂકતા માટે યોજાતી હોય છે, પરંતુ શું તમે બરફમાં જ એક મિનિટ કે તેથી વધુ સમય રહી શકો ખરા? તમે બર્ફીલા વિસ્તારમાં બરફના ગોળા બનાવીને એકબીજા પર નાખી શકો, પરંતુ તે જ બરફમાં કેટલો સમય રહી શકો? સ્વિટ્ઝર્લેન્ડના પાવરલિફ્ટર ઇલિયાસ મેયર નામની વ્યક્તિએ આવા જ બરફમાં એક મિનિટ નહીં પરંતુ 2 કલાક 7 સેકન્ડ રહીને નવો ગિનીસ રેકોર્ડ સર્જ્યો છે. ઇલિયાસે આ રેકોર્ડ સર્જવા માટે માત્ર સ્વિમિંગ ટ્રંક જ પહેર્યો હતો. ઈલિયાસે રસ્તામાં જામેલા બરફમાં પોતાનું શરીર રાખ્યું હતું અને માત્ર માથું જ બહાર રાખ્યું હતું. અગાઉ બરફમાં સૌથી વધુ રહેવાનો રેકોર્ડ પોલેન્ડના વેલેર્ઝન રોમાનવોસ્કીના નામે હતો. તેઓ 45 મિનિટ 2 સેકન્ડ સુધી બરફમાં રહ્યા હતા.