શનિવારવાડા એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના પૂણે શહેરમાં આવેલો એક ઐતિહાસિક કિલ્લો છે. આ ભવ્ય સ્થાપત્ય પેશવાઓના શાસનકાળનું પ્રતીક છે અને મરાઠા સામ્રાજ્યના ઇતિહાસમાં તેનું વિશેષ સ્થાન છે.

શનિવારવાડાનો પાયો 10 જાન્યુઆરી, 1730ના રોજ પેશવા બાજીરાવ પ્રથમ દ્વારા નાખવામાં આવ્યો હતો અને તેનું નિર્માણ 1732માં પૂર્ણ થયું હતું. શરૂઆતમાં તે ફક્ત એક પથ્થરનું બાંધકામ હતું, પરંતુ પાછળથી તેમાં ઘણા ફેરફાર અને સુધારા કરવામાં આવ્યા હતા.

પેશવાઓનું નિવાસસ્થાન અને વહીવટી કેન્દ્ર : તે પેશવાઓના શાસનકાળ દરમિયાન તેમનું મુખ્ય રહેઠાણ અને વહીવટી કાર્યોનું કેન્દ્ર હતું, જ્યાંથી મરાઠા સામ્રાજ્યના ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.

ભવ્ય સ્થાપત્ય : ભલે શનિવારવાડાનો મોટાભાગનો હિસ્સો અગ્નિથી નાશ પામ્યો હોય, છતાં તેના બચી ગયેલા ભાગો અને પાયાની રચના તેની ભૂતપૂર્વ ભવ્યતાની ઝલક આપે છે.

વાડામાં પાંચ દરવાજા હતા : દિલ્હી દરવાજા, મસ્તાની દરવાજા, ખિડકી દરવાજા, ગણેશ દરવાજા અને નારાયણ દરવાજા.

દુર્ઘટના અને રહસ્યો : શનિવારવાડા ઘણાં રહસ્યો અને દુર્ઘટનાઓ સાથે જોડાયેલો છે. તેની સૌથી કરુણ ઘટના પેશવા નારાયણરાવની હત્યા હતી, જે એમના કાકા રઘુનાથ રાઓ અને કાકી આનંદીબાઇના હુકમથી સૈનિકો દ્વારા 1773માં વાડાની અંદર જ થઈ હતી. સત્તાની લાલચમાં સગા કાકા દ્વારા ભત્રીજાની હત્યા માત્ર 18 વર્ષની ઉંમરે કરવામાં આવી હતી. કહેવાય છે કે તેમનો આત્મા આજે પણ રાત્રે "કાકા માલા વાચવા!'' (કાકા મને બચાવો!)ની બૂમો પાડતો સંભળાય છે.

સાઉન્ડ એન્ડ લાઇટ શો : આજે શનિવારવાડા તેના સાંજના સાઉન્ડ અને લાઇટ શો માટે પ્રખ્યાત છે, જે મરાઠા ઇતિહાસ અને પેશવાઓના શાસનની કથા રજૂ કરે છે.

શનિવારવાડા નજીક ફરવાલાયક સ્થળો

શનિવારવાડા પૂણેના મધ્યમાં આવેલો હોવાથી તેની આસપાસ ઘણાં ફરવાલાયક સ્થળો છે :

રાજા દિનકર કેળકર મ્યુઝિયમ : ઐતિહાસિક કલાકૃતિઓ, શસ્ત્રો અને મરાઠા સંસ્કૃતિ દર્શાવતું આ અનોખું સંગ્રહાલય છે. તે આશરે 2-3 કિમી લાંબું છે.

લાલ મહલ : છત્રપતિ શિવાજી મહારાજનું બાળપણનું નિવાસસ્થાન છે.

અગા ખાન પેલેસ : મહાત્મા ગાંધી અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને કેદ કરવામાં આવ્યા હતા તે ઐતિહાસિક સ્થળ.

પાર્વતી હિલ : પૂણે શહેરનું સંપૂર્ણ દૃશ્ય પ્રદાન કરતું એક પવિત્ર સ્થળ.

તે આશરે 5-6 કિમી છે.

 દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર : તે પૂણેનું સૌથી પ્રખ્યાત ગણપતિ મંદિર છે. તે આશરે 1-2 કિમી લાંબું છે.

બાજીરાવ રોડ અને લક્ષ્મી રોડ : આ બંને ખરીદી માટેનાં લોકપ્રિય બજારો છે. અહીં પરંપરાગત મહારાષ્ટ્રીયન વસ્તુઓ અને કપડાં મળે છે.

શનિવારવાડાની મુલાકાતનો શ્રેષ્ઠ સમય સવારે 9:00 થી બપોરે 12:00 અથવા બપોરે 3:00 થી સાંજે 5:00 વાગ્યાનો છે. એ પછી સાંજે 6:30 વાગ્યા પછી યોજાતો સાઉન્ડ અને લાઇટ શો ચોક્કસપણે જોવા જેવો છે. શોની ટિકિટ અલગથી લેવાની હોય છે. અલબત્ત, લાઇટ એન્ડ સાઉન્ડ શો કિલ્લાના અમુક જ ભાગમાં થાય છે, કેમ કે 6 વાગ્યા પછી કિલ્લાના બધા ભાગોમાં જવાની અનુમતી નથી.