રુક્મિણી અને સત્યભામા એ દિવસે ભેગાં થઈ ગયાં. બેયની વચ્ચે ચર્ચા ચાલતી હતી અને ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું. ચર્ચાનો મુદ્દો તો એવો હતો કે પહેલો પુત્ર કોને થશે? બંનેનું કહેવું એવું છે કે પહેલી માતા તો હું જ બનીશ.
વાત પૂરી કરવાના આશયથી એક જણીએ પ્રસ્તાવ મૂક્યો. પહેલો જન્મ ગમે તેનો થાય, પણ લગ્ન પહેલા થાય એ મહત્ત્વનું છે. જો મારા દીકરાનાં લગ્ન પહેલાં થાય તો તારા માથે મુંડન કરાવવું અને તારા દીકરાનાં લગ્ન પહેલાં થાય તો મારે મુંડન કરાવવું, આવો નિર્ણય થયો.
હવે બંને જણાના માતા બનવાના પ્રયત્નો ચાલુ થઈ ગયા. એમ કરતા કેટલાય સમય પછી રુક્મિણીએ પ્રદ્યુમ્નને જન્મ આપ્યો અને સત્યભામાએ ભાનુને જન્મ આપ્યો.
હવે ઘટના એવી બને છે કે જે સમયે પ્રદ્યુમ્નનો જન્મ થયો એ સમયે વળી એક બીજી ઘટના બની. પ્રદ્યુમ્નનો ધૂમકેતુ નામનો દુશ્મન દેવ હતો. એ ત્યાંથી પસાર થતો હશે અને એને ખ્યાલ આવી ગયો કે આ પ્રદ્યુમ્ન અહીં જન્મ્યો છે. હજુ તો એની માતા એને બરાબર જુએ રમાડે-વહાલ કરે એ પહેલાં જ એનું અપહરણ કરી નાંખ્યું. રુક્મિણી પોતાના પુત્રને શોધે છે, પણ એનો કોઈ અતોપતો મળ્યો નહીં.
વૈતાઢ્ય નામનો એક બહુ મોટો પર્વત છે, ત્યાં કાલસંવર નામના વિદ્યાધરોના રાજા રહેતા હતા. એને કોઈ દીકરો હતો નહીં. એની કનકમાલા નામની એક પત્ની હતી. એ રાજા જંગલમાં ફરવા નીકળેલો. એના માર્ગમાં કોઈ એક ઝાડની નીચે કોઈ છોકરાને મૂકીને જતું રહ્યું.
કાલસંવર રાજાને વિચાર આવ્યો મારા ભગવાન કેટલા દયાળુ છે. આ રીતે એમણે મને દીકરો આપી દીધો. એ તો રાજી થઈ ગયા. રાજાએ દીકરો કનકમાલાને સોંપ્યો. એ પણ અત્યંત રાજી થઈ ગઈ. દિવસે દિવસે એ મોટો થાય છે. સમય જતાં તેણે કનકમાલા પાસેથી ગૌરી પ્રજ્ઞપ્તિ નામની મહાવિદ્યાઓ શીખી લીધી. હવે એ અત્યંત બળવાન બની ગયો છે.
આ બાજુ સત્યભામાનો ભાનુકુમાર ઉંમરલાયક થયો ત્યારે એનાં લગ્ન કરાવવાનો નિર્ણય થયો. પ્રદ્યુમ્નનો કોઈ અતોપતો નથી. રુક્મિણીને હવે ચિંતા થાય છે કે આના દીકરાનાં લગ્ન મારા દીકરાની પહેલાં થશે તો મારે માથું મુંડાવવું પડશે. હવે શું કરવું? વિમાસણ મોટી હતી. માથું નીચું કરીને ચિંતામગ્ન એ બેઠી હતી.
અચાનક જ નારદજી ત્યાં પધાર્યા. તેમણે પૂછી લીધું શું ચિંતામાં છો? રુક્મિણી સફાળી જાગી. દેવર્ષી પધાર્યા છે એમનો અનુનય-વિનય કરવો જોઈએ. એ ઊભી થઈ, એમને વંદન સત્કાર કર્યો. દેવર્ષી રાજી થઈ ગયા.
શાંતિથી પૂછી લીધું, શાની ચિંતા કરો છો?
આપ જાણો જ છો. જન્મતાંની સાથે જ મારો દીકરો ખોવાયો છે. હજુ મારી પાસે આવતો નથી ને સત્યભામાના દીકરાનાં લગ્ન લેવાયાં છે. આટલું બોલીને એ થોડીવાર અટકી. આમ તો એ પણ મારો જ દીકરો છે. હું એને જુદો માનતી નથી, પણ મારે તો શિર મુંડન કરાવવું પડશેને! એની ચિંતા છે.
ઠીક છે, તમે ચિંતા કરશો નહીં, હું તપાસ કરીશ. તપાસ કરતાં કરતાં એ તો વૈતાઢ્ય પર્વતની તળેટીમાં આવ્યા. પ્રદ્યુમ્ન એક વૃક્ષની નીચે બેઠાં બેઠાં લોકોની આવન-જાવનને નીરખી રહ્યો હતો. એની પાસે નારદજી આવ્યા. એને પૂછ્યું, તું કોણ છે એની તને ખબર છે? તારાં માતા-પિતા કોણ છે અને ક્યાં છે એની કંઈ ખબર છે? પેલો વિચારમાં પડ્યો. આમ પૂછવાનું કંઈ કારણ તો હશે જ. હું જે સમજું છું એના કરતાં પરિસ્થિતિ કંઈક અલગ ના હોય તો નારદજી આવી રીતે વાત તો ન જ કરે.
એટલે એણે જ પૂછી લીધું. આપ જ જણાવો હું કોણ છું? મંદ મંદ સ્મિત કરતાં નારદજીએ વાત ચલાવી. સાંભળ, તારા જન્મ પહેલાં આ રીતે તારી માતા અને સત્યભામાની વચ્ચે આવી શરત થયેલી અને હવે સત્યભામાના દીકરા ભાનુકુમારનાં લગ્ન લેવાયાં છે. તારી માતાને વાળ વગરની જોવી હોય તો તું શાંતિથી બેસીશ.
ના... ના... આવું તો કંઈ ચાલતું હશે? હમણાં જ હું દ્વારિકા નગરીમાં જઈશ.
એની પાસે હવે વિદ્યાઓ ઘણી છે. એના બળે એ કંઈ પણ કરી શકે છે. એ તો સીધો ઊપડ્યો દ્વારિકા નગરી તરફ. ત્યાં જઈને પોતાના આગમનનો વિચિત્ર રીતે પરચો પણ આપી દીધો. લોકોને જાણ થઈ કે રુક્મિણીનો દીકરો જે અદૃશ્ય હતો એ આજે પ્રગટ થયો છે. બધા એને પૂછે છે અરે ભાઈ આટલા દિવસો સુધી તું ક્યાં હતો. આજે અચાનક કેવી રીતે પ્રગટ થયો, પણ બધાને અલગ અલગ વાતો કરીને ખુશ કરી દીધા.
એ સત્યભામાની પાસે પહોંચ્યો. એમની સાથે અલકમલકની એવી વાતો કરી કે મસ્તક મુંડન કરાવવા માટે એને સમજાવી દીધી. ભાનુકુમારનાં લગ્ન પહેલાં સત્યભામાનું મસ્તક મુંડન કરાવડાવી દીધું. રુક્મિણીને હાશ થઈ. એ પણ પોતાના દીકરાની વાતો સાંભળી રાજી રાજી થઈ ગઈ, પણ આ બધામાં તકલીફ તો સત્યભામાને થઈ. એના પેટમાં તેલ રેડાયું. રુક્મિણીનો પુત્ર આટલો બધો પ્રભાવશાળી અને મારો પુત્ર આટલો બધો શરમાળ. એ તો રિસાયાં.
શ્રીકૃષ્ણ મહારાજાને સમાચારા મળ્યા. સત્યભામા રિસાયાં છે. હવે મનાવવા તો પડે જ. એમની પાસે ગયા. બોલો, તમારી શું ઈચ્છા છે. શા માટે રિસાયાં છો?
એમણે કહ્યું, મને પ્રદ્યુમ્ન જેવો દીકરો જોઈએ. એમણે કહ્યું, તથાસ્તુ તમને એવો પુત્ર મળશે.
શ્રીકૃષ્ણએ હરિણગમેષી નામના દેવની સાધના કરી પ્રદ્યુમ્ન જેવા પુત્રની માગણી કરી. દેવે એક હાર આપ્યો અને વરદાન આપ્યું.
પ્રદ્યુમ્ન ચાલાક હતો. એને બધી વાતની ખબર પડી ગઈ. એણે જાંબવતીને તૈયાર કરી. તમારી પુત્રપ્રાપ્તિની ઈચ્છા હોય તો આજે પતિસંગ કરશો તો તમારી ઈચ્છા પૂર્ણ થશે. જાંબવતી સરસ વસ્ત્રાભૂષણ સજીને શ્રીકૃષ્ણ પાસે ગઈ. શ્રીકૃષ્ણએ પેલો હાર જાંબવતીને અર્પણ કર્યો.
જાંબવતીએ યથા સમયે પુત્રને જન્મ આપ્યો. એનું શાંબ નામ રાખવામાં આવેલું. નાનપણથી પ્રદ્યુમ્ન શાંબનું ધ્યાન રાખતો ને શાંબ પણ તોફાન મસ્તીમાં પ્રદ્યુમ્નની નકલ કરતો. બેય ભાઈઓ લોકોની ઠઠ્ઠામશ્કરીમાં કોઈને બાકી રાખતા નહીં.
સત્યભામાને પણ બીજો એક પુત્ર થયેલો જેનું નામ ભિરુક હતું. હકીકતમાં એ અત્યંત ડરપોક હતો અને આ બેય ભાઈઓ એને વધારે ડરાવતા હતા.
એકવાર શ્રીકૃષ્ણને કોઈએ ઘોડા ભેટ કરેલા. જાતવંત ઘોડા મેળવવાની ઈચ્છા બધાને હોય એટલે શ્રીકૃષ્ણની પાસે ઘોડો માગ્યો. ઘોડો એક અને ઉમેદવાર ચાર હતા. કોને આપવો? એમને આપવામાં વાંધો ન હતો. એક ઘોડાના ચાર ઉમેદવાર હોય એટલે જેમને ન મળ્યા હોય એમને પક્ષપાત દેખાય, એ બરાબર ન ગણાય.
એ સમયે શ્રીકૃષ્ણએ સરસ રસ્તો શોધ્યો. જે નેમિનાથ ભગવાનને પ્રથમ વંદન કરવા જશે એને આ ઘોડો મળશે. બીજા બધા ભગવાનની પાસે ગયા અને વંદન કરીને આવ્યા. શાંબે ઊઠીને પોતાના મહેલમાં રહીને જ ભાવપૂર્વક ભગવાનને વંદન કર્યાં.
શ્રીકૃષ્ણએ ભગવાનને પૂછ્યું. પહેલું વંદન કોણે કરેલું? ભગવાને જવાબ આપેલો ભાવથી વંદન શાંબે કરેલું. પાલકે દ્રવ્યવંદન કરેલું. અપેક્ષા સાથે વંદન કરવાનો અર્થ હોતો નથી અને એનું ફળ પણ અત્યંત અલ્પ મળતું હોય છે.
ગમે તેવો તોફાની માણસ હોય, પણ જ્યારે એને સાચી સમજ આવે ત્યારે એનામાં કેવું પરિવર્તન આવે છે એનું સાક્ષાત્ ઉદાહરણ પ્રદ્યુમ્ન છે. એકવાર એ ભગવાન નેમિનાથ પરમાત્માની દેશના સાંભળવા માટે ગયેલો. ભગવાને સાચા સુખની વ્યાખ્યા બતાવેલી. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની અપેક્ષા વગરનું હોય અને માત્ર પોતાના અંતરમાં-આત્મામાંથી ઉત્પન્ન થતું હોય એ જ સાચું સુખ છે. એના માટે જે પ્રયત્ન કરે છે એને અભૂતપૂર્વ આનંદની અનુભૂતિ થાય છે. એ આનંદની સામે બીજા કોઈ આનંદની સરખામણી કરી શકો નહીં.
પ્રદ્યુમ્ન વિચાર કરે છે, અત્યાર સુધી મેં મારા આનંદ માટે કેટલા બધા માણસોને પરેશાન કર્યા. એના પછી મને જે આનંદ મળેલો એ કેવો હતો! મજા તો આવતી જ હતી તો ભગવાન જે કહી રહ્યા છે એ શું?
એને વિચાર આવે છે, બીજાને પરેશાન કર્યા પછી કદાચ આનંદ તો મળ્યો હશે, પણ આપણા અંતરમાં એક ડંખ રહી જતો હતો. સામેના માણસની પરેશાનીની પીડા આપણને અસર તો કરતી જ હતી. હવે એનાથી મુક્ત થવાનો ઉપાય પણ ભગવાનને જ પૂછવો પડે.
ભગવાન નેમિનાથ પ્રભુને પૂછ્યું અને ભગવાને એના જવાબમાં કહ્યું કોઈ પણ જીવને પીડા આપ્યા વગર જીવવું એટલે સંયમનો સ્વીકાર કરવો.
એ જ સમયે શાંબ અને પ્રદ્યુમને ભગવાનની પાસે સંયમ ગ્રહણ કરી લીધો. સરસ રીતે ચારિત્રનું પાલન કર્યું. સમભાવપૂર્વક જીવન જીવ્યા અને અંતે સિદ્યામલી ઉપર કેવલજ્ઞાન પામીને સાડા આઠ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા.
આપણે પણ આત્મિક આનંદ પામવા માટે અંતરાત્માને સમજવાની આવશ્યકતા છે. એનાથી જ આપણને પણ સાચા આનંદની પ્રાપ્તિ થશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










