મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં ચંદ્રભાગા નદીના કિનારે આવેલું પંઢરપુરનું શ્રી વિઠ્ઠલ રુક્મિણી મંદિર કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનું કેન્દ્ર છે. અહીં ભગવાન વિઠ્ઠલ (વિઠોબા) બિરાજમાન છે, જેમને ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. તેમની સાથે તેમનાં પત્ની રખુમાઈ (માતા રુક્મિણી) પૂજાય છે. એવી માન્યતા છે કે પવિત્ર ચંદ્રભાગા નદીમાં ડૂબકી લગાવવાથી મનુષ્યનાં તમામ પાપો ધોવાઈ જાય છે. નદીકિનારે આવેલું પુંડલિક મંદિર પણ આ તીર્થનું એક મુખ્ય આકર્ષણ છે.
મંદિરનું સ્થાપત્ય અને મુખ્ય આકર્ષણો
મુખ્ય મંદિર પાંચ માળની ઇમારત છે, જેના શિખરનો આકાર પિરામિડ જેવો ભવ્ય છે. ભગવાન વિઠ્ઠલની મૂર્તિની બંને બાજુએ જય અને વિજયની પ્રતિમાઓ દ્વારપાળ તરીકે આવેલી છે.
શિવલિંગ સાથેનો મંડપ : આ ચોરસ આકારના મંદિરમાં 25 ફૂટ બાય 17 ફૂટનો એક સુંદર સ્તંભવાળો મંડપ (પોર્ટિકો) છે, જ્યાં પિત્તળના કવરથી સુરક્ષિત ભગવાન શિવનું લિંગ સ્થાપિત છે. પરંપરા અનુસાર, ભક્તો દર્શન કરતાં પહેલાં મંદિર નજીક વહેતા ગરમ પાણીના ઝરામાં પોતાના પગ ધુએ છે.
લોખંડની હોડી : મંદિરના પરિસરમાં 3 ફૂટ બાય 2 ફૂટની એક લોખંડની હોડી છે, જે પાણીમાં તરે છે, પરંતુ ઉપાડવામાં ખૂબ ભારે લાગે છે, જે ભક્તો માટે આશ્ચર્યનું કેન્દ્ર છે.
શ્રી રુક્મિણી મંદિર : આ જ પરિસરમાં માતા રુક્મિણીનું અલગ મંદિર છે. 12 પગથિયાંવાળા `નામદેવ ગેટ' દ્વારા અહીં પ્રવેશાય છે, જ્યાં સંત નામદેવની તંબૂરા સાથેની મૂર્તિ છે. રસપ્રદ વાત એ છે કે અહીં રુક્મિણીજી ભગવાન કૃષ્ણની સાથે નહીં, પણ એકલા બિરાજમાન છે. પૌરાણિક કથા અનુસાર તેઓ અહીં એકલાં તપસ્યા કરી રહ્યાં છે.
વિષ્ણુપદ મંદિર
શહેરની સીમામાં ચંદ્રભાગા નદીની મધ્યમાં આવેલું વિષ્ણુપદ મંદિર એક અદ્ભુત સ્થળ છે, જે કિનારા સાથે એક રેમ્પ (પુલ) દ્વારા જોડાયેલું છે. પથ્થરોથી બનેલા આ ખુલ્લા મંડપને 16 સ્તંભોનો આધાર છે, જેના પર ભગવાન કૃષ્ણ અને વિષ્ણુનાં વિવિધ સ્વરૂપો કંડારેલાં છે. અહીં એક ખડક પર ભગવાનના કમળ જેવાં ચરણચિહ્ન (પાદુકા) બે સ્થિતિમાં જોવા મળે છે તેમજ ગાયની ખરીનાં નિશાન પણ છે.
પ્રાચીન શિલાલેખ અને વારી પરંપરા
આ મંદિર સદીઓ જૂનું છે. અહીં ઈ.સ. 1195નો એક પ્રાચીન શિલાલેખ છે. એવી માન્યતા છે કે આ શિલાલેખ પર પીઠ ઘસવાથી મનુષ્ય જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. `વારી' (વાર્ષિક યાત્રા) દરમિયાન મંદિર આખો દિવસ ભક્તો માટે ખુલ્લું રહે છે. વારી સમાપ્ત થયા પછી સમગ્ર મંદિરને પવિત્ર જળથી ધોવામાં આવે છે અને ભગવાનને વિશેષ ભોગ ધરાવાય છે.
ભગવાન વિઠ્ઠલની પ્રાગટ્ય કથા (પુંડલિકની વાર્તા)
મરાઠીમાં `વિ' એટલે જ્ઞાન અને `થોબા' એટલે સ્વરૂપ. આમ, વિઠ્ઠલ એટલે `જ્ઞાનનું સ્વરૂપ'. બીજી માન્યતા મુજબ મરાઠીમાં `વીટ' એટલે ઈંટ અને `બા' એટલે પિતા/પ્રભુ. 13મીથી 17મી સદી દરમિયાન સંત જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ અને તુકારામ જેવા વૈષ્ણવ સંતોએ ભજનો અને કીર્તનો દ્વારા વિઠ્ઠલ ભક્તિનો પ્રસાર કર્યો.
પૌરાણિક કથા અનુસાર પુંડલિક નામનો એક માતૃ-પિતૃ ભક્ત હતો. શરૂઆતમાં લગ્ન પછી તેણે માતા-પિતાની ઉપેક્ષા કરી, પરંતુ એકવાર ઋષિ કુકુટસ્વામીના આશ્રમમાં તેણે ગંગા-યમુના જેવી પવિત્ર નદીઓને સ્ત્રી સ્વરૂપે ઋષિની સેવા કરીને પોતાનાં પાપો ધોતી જોઈ. નદીઓએ પુંડલિકને ચેતવ્યો કે માતા-પિતા સાથે ખરાબ વર્તન કરવું એ સૌથી મોટું પાપ છે. પુંડલિકની આંખો ખૂલી ગઈ અને તે દિવસ-રાત માતા-પિતાની સેવામાં પરોવાઈ ગયો.
તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ વૈકુંઠ છોડીને તેને દર્શન આપવા આવ્યા. જ્યારે ભગવાને દ્વાર ખખડાવ્યું, ત્યારે પુંડલિક તેનાં માતા-પિતાને ભોજન કરાવી રહ્યો હતો. તેણે અતિથિ ધર્મ અને પિતૃભક્તિને પ્રધાનતા આપી, ભગવાન તરફ એક ઈંટ સરકાવી દીધી અને તેના પર ઊભા રહીને રાહ જોવા વિનંતી કરી. ભગવાન પણ પોતાના ભક્તની સેવા જોઈને પ્રેમપૂર્વક ઈંટ પર હાથ કમર પર રાખીને ઊભા રહી ગયા. સેવા પૂર્ણ થયા પછી પુંડલિકે ક્ષમા માંગી અને વરદાન સ્વરૂપે ભગવાનને આ જ સ્વરૂપે પૃથ્વી પર રહેવા વિનંતી કરી. આમ, ભગવાન `વિઠોબા' (ઈંટ પર ઊભેલા પ્રભુ) તરીકે ઓળખાયા. આ મૂર્તિ સ્વયંભૂ છે.
ઉત્સવો, દૈનિક વિધિઓ અને દર્શનનો સમય
મંદિર દર્શન માટે સવારે 4:00થી રાત્રે 7:00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. મંદિરમાં વહેલી સવારે `કાકડા આરતી'થી ભગવાનને જગાડવામાં આવે છે, ત્યારબાદ અભિષેક, પૂજા અને ભજનો થાય છે. સાંજે `ધૂપ આરતી' અને રાત્રે `શેજારતી' (શયન આરતી) પછી મંદિર મંગલ થાય છે.
દર્શન માટેનો શ્રેષ્ઠ સમય
અહીં આપ દર્શનાર્થે બારેમાસ આવી શકો છો, પરંતુ જૂન-જુલાઈમાં આવતી અષાઢી એકાદશી અને ઓક્ટોબર-નવેમ્બરમાં આવતી કાર્તિકી એકાદશી જેવા ઉત્સવોમાં દર્શન કરવાનો વિશેષ લાભ મળે છે. આ સમયે લાખો `વારકરી' ભક્તો પગપાળા ભજન-કીર્તન કરતાં અહીં પહોંચે છે અને આખું શહેર `વિઠ્ઠલ વિઠ્ઠલ'ના નાદથી ગુંજી ઊઠે છે. શાંતિથી દર્શન કરવા માટે નવેમ્બરથી ફેબ્રુઆરીમાં શિયાળાનો સમય શ્રેષ્ઠ છે. પંઢરપુર માત્ર એક મંદિર નથી, પરંતુ મહારાષ્ટ્રની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. વિઠોબાનાં ચરણોનો સ્પર્શ દુનિયાભરના દરેક ભક્તના આત્માને પરમ શાંતિ અને આધ્યાત્મિક આનંદથી ભરી દે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










