આજથી 2594 વર્ષ પહેલાં ક્ષત્રિયકુંડના રાજકુમાર વર્ધમાને દીક્ષા લીધેલી અને એ પછી સાડા બાર વર્ષ સુધી અખંડ અને અવિચળ સાધના કરી રહ્યા હતા. એમની સાધનાથી પ્રભાવિત થયેલા એક દેવને વિચાર આવ્યો, `આ મહાત્મા કેવી કઠોર સાધના કરી રહ્યા છે! આવી સાધનાનું ફળ એને તો મળશે જ, પણ એનું આલંબન લઈને મને પણ મારી આ જીવનયાત્રાનું કોઈ સારું આલંબન મળી શકે એમ છે એમ વિચારીને એણે વર્ધમાન સ્વામીજીની એક પ્રતિમાજી તૈયાર કરી. સાધનાવસ્થાની એ પ્રતિમાજી એણે એક રાજરાણીને યુક્તિપૂર્વક આપી.
વિતભય નામના એ નગરના રાજાનું નામ ઉદાયન અને રાજરાણીનું નામ પ્રભાવતી હતું. એના હાથમાં જ્યારે આ પ્રતિમાજી આવેલા ત્યારે એ અત્યંત પ્રસન્ન હતા. પ્રભાવતી રાણી રોજ ભગવાન વર્ધમાન સ્વામીજી-મહાવીર સ્વામીજીની અષ્ટપ્રકારી પૂજા કરે. પૂજા કરતાં કરતાં એ ભાવવિભોર બની જાય. એ પૂજા કરતાં કરતાં એકવાર એને પોતાના અંતિમ સમયનો આભાસ થઇ ગયો.
પ્રભાવતી રાણીનો આત્મા જાગી ગયો. એમનો વિચાર હતો કે મારે સંયમ જીવનમાં જ પ્રાણ ત્યાગ કરવા છે. પ્રભાવતી રાણી ઉદાયન રાજા પાસે ગઈ. એણે રાજાને કહ્યું મારું આયુષ્ય હવે અલ્પ છે. છેલ્લા દિવસોમાં સંયમ જીવનની સાધના કરવાનો મારો ભાવ છે. આપ મને અનુમતિ આપો. એમણે રાણીને એ શરતે રજા આપી કે તમે સંયમ જીવન જીવીને આરાધના અને સાધના કરશો એનાથી તમે આવતા ભવમાં દેવલોકમાં જશો. દેવલોકમાં તમે જાવ એ આનંદનો વિષય છે, પણ પછી તમારે મને પ્રતિબોધ આપવા માટે આવવાનું. આટલી મારી વાતનો તમારે સ્વીકાર કરવાનો, તો હું તમને અનુમતિ આપીશ.
પ્રભાવતી રાણીએ રાજાની વાતનો સ્વીકાર કર્યો. દેવ થઈશ તો પ્રતિબોધ માટે આવવાની એમણે હા કરી. મહાવીર પ્રભુની પાસે પ્રભાવતીએ દીક્ષા લીધી.
ઉદાયન રાજાનું કામકાજ થોડા દિવસ તો બરાબર ચાલ્યું, પણ માણસ જાતને સતત પ્રેરણાની જરૂર પડતી હોય છે. પ્રેરણા ન મળે તો આ આડ માર્ગે ફંટાઈ જતા વાર લાગતી નથી. હવે એણે ભગવાનની પૂજા વગેરે કાર્યો કરવાનાં પણ ગમતાં નથી. પ્રભાવતી રાણીની એક દાસી હતી. એની કાયા સાવ બેડોળ હતી, પણ પ્રભાવતીએ એને કહેલું આ ભગવાનને તું છોડીશ નહીં, એની પૂજા રોજ તારે ભાવપૂર્વક કરવાની. એ જ તારા ભવિષ્યને ઉજ્જ્વળ બનાવશે.
એની કાયાના કારણે જ એનું નામ પણ કુબ્જા પડી ગયેલું. એ કુબ્જા રોજ ભગવાનની ભક્તિ કરે. પ્રક્ષાલ કરે, ચંદનની પૂજા કરે, સુગંધી પુષ્પો પ્રભુને ચઢાવે અને આનંદ વ્યક્ત કરે. એને ભગવાનને છોડીને જવાનું ન ગમે. આખો દિવસ ભગવાનની સામે જ હાથ જોડીને ઊભી હોય. પરમાત્માના પ્રત્યે અહોભાવ ને ભક્તિ સ્પષ્ટ દેખાય.
પ્રભાવતીએ દીક્ષા લીધી. સરસ રીતે ચારિત્ર ધર્મનું પાલન કરીને સમાધિપૂર્વક મરીને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ. તેને યાદ આવ્યું ઓહો! હું તો વિતભય નગરના રાજાની પ્રભાવતી રાણી હતી. મેં દીક્ષા લીધેલી અને એ પહેલાં મેં ઉદાયન રાજાને વચન આપેલું કે જો હું દેવ થઈશ તો તમને પ્રતિબોધ કરવા આવીશ. હવે એમની પાસે જવું જોઈએ.
અરેરે! આ માણસે તો સાવ ધર્મની આરાધના જ છોડી દીધી છે. ભોગવિલાસમાં જ એનું જીવન પસાર કરે છે. આવું તો ન જ ચાલે. પ્રભાવતી દેવીએ ઉદાયન રાજા રાતે સૂઈ રહેલા હતા ત્યારે સ્વપ્નમાં આવીને એને સૂચન કર્યું. તમારે આ રીતે ભોગવિલાસ કરવાનો નથી. આરાધના કરવા માટે તમને માનવનો દેહ મળેલો છે.
ઉદાયન રાજા સવારે ઊઠ્યા ત્યારે ભૂલી ગયા કે મને કંઈક આ રીતનું સ્વપ્ન આવેલું. આ રીતે ત્રણ વાર સ્વપ્ન આવ્યાં. એ પછી રાજાને વિચાર આવ્યો નક્કી પ્રભાવતી રાણીએ જ મને ભોગવિલાસમાંથી જગાડવા માટે આ પ્રયાસ કરેલો હશે, એ સિવાય આવા સળંગ ત્રણ દિવસ સ્વપ્ન ન આવે.
ઉદાયન રાજા આ રીતે વિચારે છે એ જ સમયે એને ઉદ્યાન પાલકે આવીને સમાચાર આપ્યા કે આપણા ઉદ્યાનમાં ભગવાન મહાવીર પ્રભુ પધારેલા છે. આપ પધારો. નગરજનોને સમાચાર આપે. બધા સાથે ભગવાનનાં દર્શન કરવા જાય. ભગવાન પણ માનવ જીવનને સફળ બનાવવા માટે ઉપદેશ આપે. એ જ સમયે એણે શ્રાવકની જેમ જીવવા માટેના નિયમો-વ્રતોનો સ્વીકાર કર્યો.
આ બાજુ પેલા ભગવાનની પ્રતિમાજીની સામે દત્તચિત્તથી સેવા કરવાવાળી કુબ્જાના જીવનમાં એક ચમત્કારિક ઘટના બની.
શક્તિશાળી એક માણસ ભગવાનનાં દર્શન કરવા આવેલો. અત્યંત ચમત્કારિક એવા એ ભગવાનનાં દર્શન કરીને એ જઈ રહ્યો હતો. એની શક્તિ ગમે તે કારણે ઘટી ગયેલી. એ આકાશમાં ઊડીને આવેલો. એનો કોઈ ચોક્કસ મંત્ર હતો, પણ એ મંત્ર શબ્દો ભુલાઈ ગયેલા એ યાદ આવતા ન હતા. એવું થાય ત્યારે એમને વિચાર આવે કે હવે મારું આયુષ્ય ઓછું છે. અંતિમ સમયે માણસને બીજા વિચાર એ આવે કે મારો વારસો કોને આપવો? એની પાસે મંત્રસિદ્ધ એકસો આઠ મહાપ્રભાવક ગુટિકા-ગોળીઓ હતી. એ કોને આપવી?
આ કુબ્જા ભગવાનની આવી સરસ સેવા કરે છે એનાથી વધુ સારું પાત્ર મને કોણ મળવાનું, એમ વિચારી પેલી કુબ્જાને બધી ગુટિકાઓ આપી. સાથે સાથે કઈ ગુટિકાનો પ્રભાવ શું શું છે એ પણ સમજાવ્યું.
એમાં એક ગુટિકા એવી હતી કે એને પોતાના મુખમાં રાખીને વિચાર કરો એટલે પોતાનું શરીર ચાહે તેવું સુંદર કરી શકો. પોતાની બેડોળ કાયાથી પરેશાન કુબ્જાએ તરત જ એનો અમલ કર્યો. મારી કાયા અત્યંત સુંદર અને સુડોળ બને.
રાતે સૂવાના સમયે આ ભાવ વિચારેલો અને સવારે ઊઠ્યા પછી દર્પણમાં પોતાની કાયાને નિહાળી તો એ પોતાને ઓળખી ન શકી. એણે તો વિશેષ ભાવ સાથે ભગવાનની સેવા આગળ વધારી. એક બીજી ગુટિકા મુખમાં રાખીને વિચાર કરે છે મારા આવા સરસ રૂપનો માલિક કોણ થાય. ઉદાયન રાજા તો મારા પિતાતુલ્ય છે, ચંડપ્રદ્યોત રાજા મારા પતિ થાય.
ગુટિકાના અધિષ્ઠાયક દેવ ચંદ્રપ્રદ્યોત પાસે ગયા એને સ્વપ્નમાં બધી વાત સમજાવી. ચંડપ્રદ્યોતે એક ચતુર દૂતને એની પાસે મોકલ્યો. એણે કહ્યું હું આવવા તૈયાર પણ સ્વયં ચંડપ્રદ્યોત રાજા મને લેવા આવે, પણ સાથે એક પરમાત્માની પ્રતિમા પણ લાવે. મારા આ ભગવાન વગર હું રહી શકીશ નહીં. આ ભગવાનને સાથે લઈ જવાના અને તમે લાવો એ ભગવાનને અહીં સ્થાપન કરવાના. ચંડપ્રદ્યોત ભગવાન લઈને આવ્યો. એ ભગવાન અહીં સ્થાપન કર્યા અને અહીંવાળા ભગવાન અને સુવર્ણગુલિકાને લઈને ગયો.
સવારે રાજા ઉદાયન જ્યારે ભગવાનનાં દર્શન કરવા આવ્યાં ત્યારે એને એ ભગવાન જોવામાં ન આવ્યા. સાથે પેલી જિનાલયની અંદર પૂતળી હોય એવી સુવર્ણગુલિકા પણ જોવામાં ન આવી. ત્યારે એના વિચારમાં આવ્યું કે નક્કી ચંડપ્રદ્યોત જ અહીંયા આવ્યો હશે અને એ જ આ બેય વસ્તુઓ લઈ ગયો હતો. તરત જ એની પાછળ સૈન્ય લઈને ગયા અને ચંડપ્રદ્યોતને યુદ્ધમાં હરાવીને બાંધીને આવી રહ્યા છે.
ભગવાનને લાવવાનો વિચાર કરે છે, પણ દેવવાણી થાય છે કે વિતભય નગરમાં ઉપદ્રવ આવવાનો છે. ભગવાન અહીં જ રાખો. એ સમયે ભગવાન તો ત્યાં જ રાખે છે, પણ ચંડપ્રદ્યોતને બાંધીને પાંજરામાં પૂરીને લાવી રહ્યા છે.
ચાતુર્માસ કાળમાં એક જ સ્થાનમાં રહે છે. પર્યુષણના દિવસો આવે છે. બધાને ઉપવાસ છે. રસોયા ચંડપ્રદ્યોતને પૂછવા જાય તમારે શું જમવાની ઈચ્છા છે? ચંડપ્રદ્યોતને વિચાર આવે કોઈ દિવસ પૂછવા ન આવે આજે શા માટે પૂછવા આવ્યો?
આજે બધાને ઉપવાસ છે. માત્ર આપને જ જમવાનું છે. રસોયાએ જવાબ આપ્યો. એ સાંભળીને ચંડપ્રદ્યોત રાજાએ કહ્યું. બધાને ઉપવાસ છે તો આજે મારે પણ ઉપવાસ છે. આ સમાચાર ઉદાયન રાજાને આપવામાં આવે છે.
ઉદાયન રાજા વિચાર કરે છે આજે એને ઉપવાસ છે. એનો મતલબ કે એ મારો સાધર્મિક છે અને સાધર્મિકને આવી રીતે પાંજરામાં પૂરીને રખાય નહીં. તરત જ એને મુક્ત કરવામાં આવે છે. અવંતિનું રાજ્ય એને પાછું આપવામાં આવે છે. સન્માનપૂર્વક એને વિદાય કરવામાં આવે છે.
આ બાજુ ઉદાયન પોતાના નગરમાં જાય.
એક દિવસ રાતે એમને વિચાર આવે છે કે એ માણસો કેવા ધન્ય છે કે જેમને ભગવાન મહાવીર પ્રભુનાં દર્શન થાય છે. નિત્ય પ્રભુની પાસે રહીને પોતાના આત્માનું કલ્યાણ કરે છે. એવો દિવસ મારો ક્યારે આવશે? ભગવાન અહીં પધારે તો મારે પણ સંયમ જીવનનો સ્વીકાર કરવો છે. એની ભાવના એવી ઉત્કૃષ્ટ હતી કે સવારે જ પ્રભુ એમના નગરમાં પધારે છે. ભગવાનની પાસે એ દીક્ષા ગ્રહણ કરે છે. પોતાના દીકરાને રાજ્ય ન આપતા પોતાના ભાણેજને રાજ્ય સોંપે છે. દીક્ષા લઈને ભગવાનની સાથે વિચરે છે. સરસ આરાધના અને સાધના કરે છે. એકલા વિચરવાની ભગવાનની પાસે આજ્ઞા માંગે છે. એકલા વિહાર કરવા વિતભય નગર તરફ પધારે છે. મંત્રીઓ રાજાને ભરમાવે છે. ભોજનમાં એમને ઝેર આપવામાં આવે છે. ઝેર કામ તો કરે જ ને!
અંતિમ સમયે અપૂર્વ ચિંતનમાં મસ્ત છે. શરીર અને આત્માના ભેદનો વિચાર કરે છે એ ચિંતન વિશિષ્ટ પ્રકારના શુક્લ ધ્યાનમાં પરિણત થાય છે. કેવલજ્ઞાન પામીને એ મોક્ષમાં પધારે છે.
આપણે પણ આપણી સાચી આરાધનામાં વ્યસ્ત રહીએ અને શુભ ચિંતન દ્વારા આપણું કલ્યાણ સાધીએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
