ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું હતું કે યુદ્ધક્ષેત્રમાં મારા અને પાંડુપુત્રોએ શું કર્યું? તેના જવાબમાં સંજયે બીજાથી લઇને તેરમા શ્લોક સુધી ધૃતરાષ્ટ્રના પુત્રોએ શું કર્યું એનો જવાબ આપ્યો, હવે આગળના શ્લોક (1/14)થી પાંડુના પુત્રોએ શું કર્યું તેનો જવાબ આપે છે.
તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ
માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ
ત્યાર પછી શ્વેત અશ્વો જોડાયેલા ઉત્તમ રથમાં બેઠેલા લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુન અલૌકિક શંખોને ખૂબ જોરથી વગાડ્યા.
ચિત્રરથ નામના ગંધર્વે અર્જુનને સો દિવ્ય ઘોડાઓ આપ્યા હતા. તે ઘોડાઓમાં એ વિશેષતા હતી કે લડાઇમાં એ પૈકી ગમે તેટલા ઘોડા કેમ ન માર્યા જાય તો પણ સંખ્યામાં પૂરા સો જ રહેતા હતા, ઘટતા નહોતા. એ પૃથ્વી-સ્વર્ગ વગેરે કોઇ પણ સ્થળે જઇ શકતા હતા. એ જ સો ઘોડાઓમાંથી સુંદર અને સારી તાલીમ પામેલા ચાર સફેદ ઘોડાઓ અર્જુનના રથમાં જોડાયેલા હતા.
યજ્ઞોમાં આહુતિરૂપે આપેલું ઘી ખાતાં-ખાતાં અગ્નિને અજીર્ણ થઇ ગયું હતું. આથી અગ્નિદેવ ખાંડવ વનની વિશિષ્ટ જડીબુટ્ટીઓ ખાઇને(બાળીને) પોતાનું અજીર્ણ દૂર કરવા માંગતા હતા, પરંતુ દેવતાઓ દ્વારા ખાંડવ વનનું રક્ષણ થઇ રહ્યું હતું, જેના કારણે અગ્નિદેવ પોતાના કાર્યમાં સફળ થતા નહોતા. એ જ્યારે જ્યારે ખાંડવ વનને સળગાવતા હતા ત્યારે ઇન્દ્રદેવ વરસાદ વરસાવીને અગ્નિને ઓલવી નાખતા હતા. આખરે અર્જુનની મદદથી અગ્નિદેવે આખા વનને બાળીને પોતાનું અજીર્ણ દૂર કર્યું અને અગ્નિદેવે પ્રસન્ન થઇને અર્જુનને મોટો રથ આપ્યો હતો. નવ બળદગાડાંઓમાં જેટલાં અસ્ત્ર-શસ્ત્ર સમાઇ શકે એટલાં અસ્ત્ર-શસ્ત્ર એ રથમાં રહી શકતાં હતાં. આ રથ સોનાથી મઢેલો તેજોમય હતો. એનાં પૈડાં વિશાળ અને મજબૂત હતાં. એની ધજા વીજળી સમાન ચમકતી હતી. આ ધજા એક યોજન સુધી ફરકતી હતી. આટલી લાંબી હોવા છતાં એમાં વજન નહોતું. આ ધજા ઉપર હનુમાનજી બિરાજમાન હતા.
આ સુંદર અને તેજસ્વી રથ ઉપર સાક્ષાત્ શ્રીકૃષ્ણ અને એમના પ્રિય ભક્ત અર્જુન બિરાજમાન થયેલ હોવાથી એ રથની શોભા અને તેજ ઘણું જ વધી ગયું હતું. માધવઃ પાણ્ડવશ્ચૈવ `મા' લક્ષ્મીનું નામ છે અને `ધવ' પતિનું નામ છે. આથી `માધવ' નામ લક્ષ્મીપતિનું છે. બીજો અર્થ `મા' એટલે માયા અને `ધવ' એટલે પતિ. માયાનો પતિ. માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે, જેનાથી ઘણા અનિષ્ટો પરિણમે છે. જેના રથ ઉપર માયાનો પતિ માધવ પોતે જ બેઠો હોય તે અનિષ્ટ પેદા થવા ન દે. મોહ વગેરે અનિષ્ટોથી બચનારાઓનું આપોઆપ કલ્યાણ થતું હોય છે. અહી પાંડવ નામ અર્જુનનું છે, કારણ કે અર્જુન તમામ પાંડવોમાં મુખ્ય છે. અર્જુન `નર'નો અને શ્રીકૃષ્ણ `નારાયણ'નો અવતાર હતા.
શ્રીકૃષ્ણ ને અર્જુનના હાથમાં જે શંખો હતા તે તેજસ્વી અને અલૌકિક હતા. એ શંખોને એમણે ખૂબ જોરથી વગાડ્યા. અહીં શંકા એ થાય કે કૌરવ પક્ષમાં મુખ્ય સેનાપતિ ભીષ્મ છે એટલા માટે એમનું સૌપ્રથમ શંખ વગાડવું એ યોગ્ય જ છે, પરંતુ પાંડવ સેનામાં મુખ્ય સેનાપતિ ધૃષ્ટઘુમ્ન હોવા છતાં પણ સારથિ બનેલા શ્રીકૃષ્ણે પહેલો શંખ કેમ વગાડ્યો? એનું સમાધાન એ છે કે ભગવાન સારથિ બને કે મહાસારથિ બને એમનું અગ્રેસરપણું ક્યારેય મટી શકતું નથી. પાંડવ સેનામાં શ્રીકૃષ્ણ જ મુખ્ય હતા અને એ જ બધાનું સંચાલન કરતા હતા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










