પર્યુષણ મહાપર્વ એટલે આત્મ શુદ્ધિ અને આત્મ જાગૃતિનું પર્વ. આમાં શરીરના શણગાર કે કપડાંનું કોઇ મહત્વ નથી. એની સાથે આહારનું પણ મહત્વ નથી. પર્યુષણ શબ્દનો અર્થ થાય છે આત્માની સમીપમાં રહેવાનું. તેનો ભાવ છે શરીર સાથેનો સંબંધ ઘટાડવાનો, આત્માને જ લક્ષ્ય કરીને જીવવાનું.
એટલા માટે પર્યુષણમાં જૈનો અને જૈનોના સંપર્કમાં આવીને ઘણા બધા અજૈનો પણ ઉપવાસ કરતા હોય છે. કેટલાક લોકો છ માસના પણ ઉપવાસ કરતા હોય છે. એકમાસ-બે માસના ઉપવાસ કરવા વાળા તો હવે ઘણા બધા હોય છે. સંવત્સરી ભાદરવા શુદ્ધ ચોથની જ શા માટે? આવો પણ કેટલાક લોકોને પ્રશ્ન થતો હશે.
કલ્પસૂત્રમાં આનો જવાબ આપેલો છે અષાઢ સુદ ચૌદશના દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. એ દિવસથી દશપંચક એટલે પાંચ દિવસ દશ વખત ગણો. અને દશમાં પંચકનો પાંચમો દિવસ આવે એ દિવસે સંવત્સરીની આરાધના કરવી. આ રીતની વાતો કલ્પસૂત્રમાં બતાવવામાં આવેલી છે. સંવત્સરીની આરાધના કરવા માટેના અલગ અલગ માધ્યમોનું પણ વર્ણન કરવામાં આવેલું છે. જૈનોમાં કલ્પસૂત્રના શ્રવણનો પણ મહિમા છે. આઠ સમયના વ્યાખ્યાનોમાં સાદ્યંત કલ્પસૂત્રનું શ્રવણ કરવામાં આવે છે આ દિવસો દરમિયાન એનો અર્થ અને ભાવાર્થ પણ સમજાવવામાં આવે છે. ગુરુ ભગવંતોને આના વાંચન કરતા પહેલા વિધિ પણ કરવાની હોય છે. એમાં ચોથા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીર સ્વામી-વર્ધમાન કુમારનો જન્મ થાય છે એ સંભળાવવામાં આવે છે એને જન્મ વાંચન દિવસ કહેવામાં આવે છે. હકીકતમાં એ જન્મ દિવસ નથી પણ જન્મ વાંચન દિવસ છે.
પર્યુષણમાં આઠ દિવસના પૌષધનું મહત્વ હોય છે. એટલે આઠ દિવસ સુધી સાધુ મહારાજની જેમ જ રહેવાનું ઉપાશ્રયમાં રહેવાનું સ્નાન વગેરે નહી કરવાનું. સ્ત્રી-પુરુષને અને પુરુષ સ્ત્રીનો સ્પર્શ પણ કરે નહી. આ રીતે ઉપાશ્રયમાં જ રહેવાનું અને આરાધના કરવાની. ઘરની કોઈ વાત કરવાની નહી. એટલે ત્રણ દિવસના ઉપવાસ. આમાં અઠમના તપનું પણ મહત્વ હોય છે. જેમ કે કેટલાક લોકો આઠ દિવસના ઉપવાસ પણ કરતા હોય છે. પણ બધાની તો આઠ દિવસની શક્તિ ન હોય! એટલે ઓછામાં ઓછી ત્રણ દિવસના ઉપવાસ કરવાની લોકો ઈચ્છા રાખતા હોય છે.
છેલ્લો દિવસ એટલે સંવત્સરીનો દિવસ. આ દિવસે સવારે વહેલા ઉપાશ્રયમાં બધા આવતા હોય છે અને મૂળ કલ્પસૂત્ર છે, જેમાં લગભગ 1200 ગાથાઓ મૂળમાં હોય છે અને એટલા માટે એને બારસા સૂત્ર નામ આપવામાં આવેલું છે. કલ્પસૂત્રમાં કોઈ શબ્દો છૂટી ગયા હોય તો આ બારસા સૂત્ર સાંભળીને પૂરો લાભ લેતા હોય છે. આમાં અર્થબોધ ગૌણ હોય છે. મંત્રની જેમ એના શબ્દો સાંભળવાના હોય છે. સંવત્સરીના દિવસે સાંજે આખા વર્ષના આપણે કરેલા પાપોના પ્રક્ષાલનનો દિવસ હોય છે. જો કે પ્રતિક્રમણ તો રોજેરોજનું કરવાનું હોય છે. પાપને ઉધાર રાખવાનું ના હોય પણ આપણા કષાયો વધારેમાં વધારે પંદર જ દિવસ સુધી રહેતા હોય છે. જેને સંજવલન કષાય એવું શાસ્ત્રોમાં નામ આપેલું છે. એજ રીતે જે કષાય એક વરસથી વધારે રહેતા હોય એવા કષાયને અનંતાનુબંધી નામ આપવામાં આવેલું છે. આ કષાય આપણને સૌથી વધારે પરેશાન કરતો હોય છે. એનાથી એની અસરમાંથી મુક્ત થવા માટે સંવત્સરી પ્રતિક્રમણ હોય છે. આ અનંતાનુબંધી કષાય અત્યંત ભયંકર છે. આનું જોર એટલું બધું વધારે છે કે સમ્યગ દર્શનને પણ આવવા ના દે અને કદાચ આવેલું હોય તો આ અનંતાનુબંધી કષાય દૂર હડસેલી છે. એ સિવાય આ સંવત્સરીના દિવસે પ્રાણીમાત્રની જીવદયા અહિંસાની વિચારણા પણ કરવામાં આવે છે. એના માટે મોટી રકમ ભેગી કરીને પાંજરાપોળો અને ગૌશાળાઓને સધ્ધર કરવામાં આવે છે.
નાના નાના બાળકો પણ ભાવથી તપ કરતા હોય છે. નાની ઉંમરથી એમનામાં આ રીતે આરાધના કરવાના સંસ્કારો પડતા હોય છે. આ સંસ્કારો મોટા થયા પછી દૃઢ બનતા હોય છે અને એમની ધર્મમાં અતૂટ આસ્થા બનતી હોય છે.
આ વખતે તા. 15-9-26 ભાદરવા સુદ ચોથના દિવસે સંવત્સરી પર્વ છે. એ દિવસે સવારે બારસા સૂત્ર સાંભળવાનું અને સાંજે પ્રતિક્રમણ કરીને બધા જીવોની સાથે ક્ષમા યાચના કરવાની. હૃદયથી ક્ષમાયામના કરીને આપણા કષાયોને કંટ્રોલ કરીએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો