રામ તો જીવને અપનાવવા તૈયાર છે, પણ આ અભાગિયો જીવ તેમને મળવા ક્યાં આતુર થાય છે! શ્રીરામ આજાનબાહુ છે. બંને હાથ ઘૂંટણ સુધી પહોંચે છે. કોઈકે પૂછ્યું, `પ્રભુ આપે કેમ હાથ આટલા લાંબા રાખ્યા છે?' પ્રભુએ જવાબ આપ્યો, `મારા ભક્તો મને મળવા આવે તેને આલિંગન આપવા મેં હાથ લાંબા રાખ્યા છે.'


રામ રીંછને ભેટે છે. રામ વાનરોને ભેટે છે. રામજી સર્વને પ્રેમ કરે છે. રામજી ધનુષ્યબાણ હંમેશાં સાથે અને સજ્જ રાખે છે. તેમના ધનુષ્યબાણ વગરનાં દર્શન કોઈ ઠેકાણે નથી. રાજ્યાસન ઉપર બેઠા હોય ત્યારે પણ ધનુષ્યબાણ અને મહેલમાં સીતાજી પાસે બેઠા હોય ત્યારે પણ ધનુષ્યબાણ. ઉપનિષદમાં કહ્યું છે, `પ્રણવો હિ ધનુ:' ઉપનિષદમાં ધનુષ્યને ઓમકારની ઉપમા આપવામાં આવી છે. ઓમકાર એટલે જ્ઞાન. જ્ઞાન એ જ ધનુષ્ય છે. ધનુષ્ય એ જ્ઞાનનું સ્વરૂપ છે.

બાણ એ વિવેકનું સ્વરૂપ છે. વિવેક એ બાણ છે. ધનુષ્યબાણને હંમેશાં સજ્જ રાખજો, કારણ કે રાક્ષસ (કામ) ક્યારે વિઘ્ન નાખવા આવશે તે કહી શકાય નહીં. રાક્ષસો તમારી પાછળ પડ્યા છે, તમને મારવા આવે છે, પરંતુ રામની જેમ ધનુષ્યબાણને સજ્જ રાખજો. જ્ઞાન-વિવેકને સતેજ રાખશો તો રાક્ષસો વિઘ્ન કરી શકશે નહીં. ધનુષ્યબાણને સજ્જ રાખશો તો રાક્ષસો મરશે. જેની આંખમાં પાપ છે તે જ રાક્ષસ છે. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે રાક્ષસો છે. તે જીવમાત્રને મારે છે. જે દરેક ક્ષણે સાવધાન રહે તેને રાક્ષસ મારી શકે નહીં.

રામનું સ્વરૂપ અદ્ભુત છે. શૂર્પણખા રાક્ષસી હતી, તેમ છતાં રામને જોઈને તેને ઇચ્છા થઈ કે આ મારા પતિ બને. આપણાં હૃદય રાક્ષસો કરતાં કઠોર બન્યાં છે, જેથી રામને સ્વામી બનાવવાની ઇચ્છા થતી નથી.

શ્રીધર સ્વામીએ રામવિજયલીલા કથામાં લખ્યું છે કે યજ્ઞના ચારેય દરવાજે રામ-લક્ષ્મણ પહેરો ભરતા. રામ-લક્ષ્મણે એટલાં રૂપ ધરેલાં કે રાક્ષસો જે દરવાજે જાય ત્યાં તેઓને રામ-લક્ષ્મણ જ દેખાતા.

વિશ્વામિત્ર યજ્ઞમાં આહુતિ આપે છે, પણ નિહાળે છે રામ-લક્ષ્મણને. અગ્નિ એ ઠાકોરજીનું મુખ છે. અગ્નિમુખથી પરમાત્મા આરોગે છે. અગ્નિની જ્વાળા એ ઠાકોરજીની જીભ છે. બ્રાહ્મણો વેદમંત્રોનો ઉચ્ચાર કરી અગ્નિમાં આહુતિ આપે છે. વિશ્વામિત્ર રામ-લક્ષ્મણમાં દૃષ્ટિ સ્થિર રાખી યજ્ઞ કરે છે. યજ્ઞ સ્વાધ્યાય, તપ, ધ્યાનનું ફળ છે. મનશુદ્ધિ અને તનશુદ્ધિનું ફળ છે પરમાત્માનાં દર્શન. યજ્ઞનું ફળ તો મારા દ્વારે છે અને હું અત્રે ધુમાડો ખાઉં છું.

વિશ્વામિત્રે યજ્ઞનો આરંભ કર્યો તેની રાક્ષસોને ખબર પડી, તેથી રાક્ષસો યજ્ઞમાં વિઘ્ન કરવા આવ્યા. વારંવાર રામજીનાં દર્શન કરવાને કારણે મારીચનો સ્વભાવ બદલાયો. જેના દર્શનથી સ્વભાવ બદલાય એ ઈશ્વર. મારીચ વિચારે છે કે હું આ વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન કરું એ યોગ્ય નથી. આજે કેમ મારા મનમાં દયા આવે છે? આ બાળકોને જોઈ વિચાર બદલાયા કરે છે. આજે મારું મન મારા હાથમાં રહેતું નથી. આ બાળકોને મળવાની ઇચ્છા થાય છે. મારીચ રાક્ષસ હતો, પણ રામનાં દર્શન કરતાં તેની બુદ્ધિ સુધરી હતી. લોકો રામનાં દર્શન કરવા જાય છે, પણ રામજીનાં દર્શન કર્યા પછી તેઓની બુદ્ધિ સુધરતી નથી. રામનાં દર્શન કર્યાં પછી જો બુદ્ધિ ન સુધરે તો માનવું કે હું રાક્ષસ કરતાં પણ અધમ છું. લોકો રોજ રામાયણ વાંચે, રોજ દેવદર્શન કરે છતાં તેમના જીવનમાં જો સરળતા અને સંયમ ન આવે, તો તે મારીચ કરતાં પણ વધારે અધમ છે. રામ એ પરમાત્મા છે. તેમનાં પ્રત્યક્ષ દર્શન કરતાં મારીચની બુદ્ધિ બદલાય તેમાં શું આશ્ચર્ય!

એકનાથ મહારાજે લખ્યું છે કે રામ-રાવણનું યુદ્ધ થતું હતું ત્યારે કુંભકર્ણ સૂતો હતો. જ્યારે કુંભકર્ણને જગાડવામાં આવ્યો ત્યારે તેણે પૂછયુ, `મને કેમ જગાડ્યો?' રાવણે કહ્યું, `જાનકી માટે યુદ્ધ થાય છે, એટલે જગાડ્યો.' કુંભકર્ણે પૂછ્યું, `તારી ઇચ્છા પૂરી થઈ કે કેમ?' રાવણે કહ્યું, `ના.'

કુંભકર્ણે રાવણને કહ્યું, `તું માયાવી શક્તિથી રામનું રૂપ ધારણ કરી સીતાજી પાસે જા. તે રામ આવ્યા છે તેમ માનશે.' આ સાંભળી રાવણે કહ્યું, `આ રામમાં કંઈ જાદુ જેવું લાગે છે. હું રામનું સ્વરૂપ ધરવા માટે જ્યારે તેમના સ્વરૂપનું ચિંતન કરું છું ત્યારે મારું મન બદલાય છે. જ્યારે હું માયાવી રીતે રામનું રૂપ ધારણ કરું છું ત્યારે સીતાજી મને માતા રૂપે દેખાય છે. વધુ તને શું કહું? મારા મનમાં કામ રહેતો નથી.'

કુંભકર્ણે કહ્યું, `રામનું માયાવી રૂપ ધારણ કરવાથી તારો કામ મરે છે. જેના નકલી રૂપનો આટલો પ્રભાવ છે, તો તેના અસલી સ્વરૂપનો કેટલો પ્રભાવ હશે? તું અતિશય કામી હોવી છતાં રામના સ્મરણથી તું નિષ્કામ બને છે, તેથી માની લે કે રામ ઈશ્વર છે. રામ સાથે તું વેર કરીશ નહીં. દેવાધિદેવ ઈશ્વર સાથે વેર કરનારો તું મૂર્ખ છે. હું તને મદદ નહીં કરું. વિભીષણની માફક હું પણ શ્રીરામના શરણમાં જતો રહીશ.'

ત્યારે રાવણે જવાબ આપ્યો, `રામ સાથે મારી વિરોધ ભક્તિ છે. હું એકલો ભજન કરું તો મારા એકલાનું કલ્યાણ થશે, પણ વિરોધ કરું તો મારા વંશનું કલ્યાણ થશે. આ રાક્ષસો તામસી છે. તેઓ ધ્યાન, જપ, તપ કરી શકશે નહીં. શ્રીરામ સાથે વેર થશે. યુદ્ધ થશે તો તેઓને શ્રીરામનાં દર્શન થશે. તેઓ રામનાં દર્શન કરશે તો તેમનું કલ્યાણ થશે. આપણા વંશનું કલ્યાણ કરવા મેં રામ સાથે વેર કર્યું છે.'

તમે જ્યારે પણ યજ્ઞ કરવા બેસો ત્યારે પ્રત્યેક દ્વાર ઉપર રામ-લક્ષ્મણને પધરાવજો. જપ કરવો, કથા સાંભળવી, મનથી નારાયણને મળવું વગેરે યજ્ઞ જ છે. આ પ્રકારના યજ્ઞ ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કરી શકે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: