દીવાના પ્રકાશે ભાગવતનો પાઠ કરો અથવા તે પ્રકાશે કોઈ દુર્જન ચોરી કરે, તો પણ દીવાને તેના પ્રત્યે ભાવ કે કુભાવ નથી. દીવાનો એક જ ધર્મ છે સર્વને પ્રકાશ આપવાનો. પ્રકાશને કોઈની સાથે સંબંધ નથી.
ઈશ્વર સર્વભૂતાનાં હૃદયેશે અર્જુન તિષ્ઠતિ।
પરમાત્મા સર્વના હૃદયમાં રહી દીવાની જેમ પ્રકાશ આપે છે. જીવ પાપ-પુણ્ય કરે તેની અસર સાક્ષી પરમાત્માને થતી નથી. ઈશ્વર ન કહેવાય નિષ્ઠુર અને ન કહેવાય દયાળુ. ઈશ્વરમાં કોઈ ધર્મ નથી. ઈશ્વર આનંદરૂપ છે, સર્વવ્યાપક છે. આ સ્વરૂપથી આપણને વિશેષ લાભ થતો નથી. બુદ્ધિથી પર પરમાત્મા બેઠા છે. બુદ્ધિમાં પ્રકાશ ઈશ્વર આપે છે. ઈશ્વરને પ્રકાશ આપનાર કોઈ નથી. ઈશ્વર સ્વયં પ્રકાશ છે. જ્યારે કૃષ્ણાકાર, બ્રહ્માકાર બને ત્યારે શાંતિ મળે છે. ઈશ્વર વિના મનોવૃત્તિને જ્યાં રાખો, ત્યાં તેને જગ્યા સાંકડી પડે છે. ઈશ્વર વિના બધું અલ્પ છે, તેથી કોઈ પણ વૃત્તિમાં મનોવૃત્તિ શાંત થતી નથી. વૃત્તિ કૃષ્ણાકાર બને અને ભગવત સ્વરૂપ બને ત્યારે આનંદ થાય છે.
લાકડામાં અગ્નિ છે, પણ તેનો ઉપયોગ કરતાં આવડતું નથી. લાકડામાં રહેલા અગ્નિ ઉપર બહારનો લૌકિક અગ્નિ મૂકો ત્યારે ભડકો થશે. સ્વયંપ્રકાશ પરમાત્મા સર્વના હૃદયમાં રહી માત્ર પ્રકાશ જ આપે છે. બીજું કંઈ કરતા નથી. પ્રભુનું સગુણ સ્વરૂપ હૃદયમાં પધરાવો ત્યારે જ શાંતિ મળે છે.
મનને માછલાની ઉપમા આપવામાં આવી છે. રાજા, તારું કલ્યાણ કરવા હું આવ્યો છું. મત્સ્યનારાયણે કહ્યું, આજથી 7 દિવસ પછી પ્રલય થવાનો છે. પ્રલયમાં સર્વનો નાશ થશે. મારું સ્મરણ કરો. હું તમારું રક્ષણ કરીશ. મારાં શિંગડાંમાં તારી નાવડી બાંધી દેજે. મનુ મહારાજ પરમાત્માનું ધ્યાન કરતા હતા. પૃથ્વી જલમય થઈ. બ્રહ્માકાર વૃત્તિ ત્યારે થાય છે કે જ્યારે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે. મત્સ્યનારાયણ ભગવાન એ સદ્ગુરુનું સ્વરૂપ છે. આપ મારી નૌકાને સામે પાર લઈ જાવ. હું આપને શરણે આવ્યો છું. ગુરુકૃપા વગર મન ઈશ્વરમાં સ્થિર થતું નથી.
વૃત્તિને બ્રહ્માકાર બનાવો. સત્યવ્રત બનો. સત્યનું પાલન કરો. આ ચરિત્રનું તાત્પર્ય એ છે કે જે સત્યનિષ્ઠ જીવ એ જ સવ્યવ્રત મનુ અને કૃતમાલાના કિનારે રહો એટલે સત્કર્મની પરંપરામાં રહી. તો સત્યવ્રત = જીવાત્માની વૃત્તિ બ્રહ્માકાર બને છે ત્યારે મત્સ્યનારાયણ તેના હાથમાં આવે છે. એવા અધિકારી જીવને પરમાત્મા મળે. પ્રલયમાં સર્વનો નાશ થાય, તેમ છતાં સત્યનિષ્ઠનો નાશ ભગવાન થવા દે નહીં. સત્કર્મ કરનાર અને સત્યનિષ્ઠા રાખનાર પ્રલયમાં પણ મરતો નથી. પ્રલયમાં સર્વનો નાશ થયો, પણ જે ભગવાનને શરણે જાય, ભગવાન જેને અપનાવે તેનો વિનાશ થતો નથી. પ્રલયમાં સૌનો નાશ થયો, પણ સત્યવ્રતનો નાશ થયો નહીં, કારણ કે તેણે મત્સ્યનારાયણ સાથે સંબંધ જોડ્યો હતો. શરીર એ નાવડી છે. પરમાત્માના ચરણ એ શિંગડું છે. આ શરીરને પરમાત્માના ચરણમાં બાંધી રાખો.
સમાપ્તિમાં એવા આદિ મત્સ્યનારાયણ ભગવાનને શુકદેવજી વારંવાર પ્રણામ કરે છે. મહાત્માઓ મત્સ્યનારાયણની સ્તુતિને ગુરુષ્ટકી કહે છે.
આ મત્સ્યનારાયણની કથાનો જે કોઈ પાઠ કરે, તેનાં સર્વ પાપોનો વિનાશ થાય છે.
મત્સ્યનારાયણ પ્રભુએ વેદને ચોરી જનારા હયગ્રીવ દૈત્યનો સંહાર કર્યો. મનુ મહારાજને મત્સ્યસંહિતાનો ઉપદેશ આપ્યો. એવા પ્રભુને પ્રણામ કરી અષ્ટમ સ્કંધ સમાપ્ત કરવામાં આવ્યો.
બુદ્ધિનો સદુપયોગ કરનાર દેવ બને છે
પ્રથમ સ્કંધ અધિકાર લીલા, શિષ્યનો અધિકાર બતાવ્યો. અધિકાર સિદ્ધ થાય તેને સંત મળે. મૃત્યુ માથે છે એ સાંભળ્યા પછી રાજાનું જીવન સુધરી ગયું. પરીક્ષિતના વિલાસી જીવનનો અંત આવ્યો. વિલાસી જીવનનો અંત આવે અને ભક્તિ સિદ્ધ થાય એટલે જીવમાં અધિકાર આવે છે.
વૈરાગ્ય ધારણ કરીને જે બહાર નીકળે તે સંત બને છે અને તેને ત્યાં ગુરુ આપોઆપ પધારે છે. સંતને ત્યાં સંત પધારે. તમે સંત થાવ એટલે સંત મળશે. બીજા સ્કંધમાં જ્ઞાનલીલા, મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? મરણ નજીક આવેલ મનુષ્યનું કર્તવ્યુ શું છે તે દ્વિતીય સ્કંધમાં બતાવ્યું. આ પ્રશ્નોની ચર્ચા કરી જ્ઞાન આપ્યું. ત્રીજા ચોથા સ્કંધમાં સર્ગવિસર્ગલીલા. ત્રીજા ચોથા સ્કંધમાંતે જ્ઞાનને ક્રિયાત્મક કરવાનો બોધ આપ્યો. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું. જ્ઞાનને ક્રિયાત્મક કેવી રીતે કરવું એ ત્રીજા ચોથા સ્કંધમાં ધ્રુવ વગેરેનાં દૃષ્ટાંતથી બતાવ્યું છે. જ્ઞાન શબ્દાત્મક છે ત્યાં સુધી શાંતિ નથી. જ્ઞાન ક્રિયાત્મક બને તો શાંતિ મળશે. જ્ઞાનને જીવનમાં ઉતારે તેને સ્થિતિ થાય. ગુરુએ બતાવેલું જ્ઞાળ જીવનમાં ઉતારે તો તેની સ્થિરતા થાય તે બતાવ્યું. પાંચમા સ્કંધમાં સ્થિતિલીલા છે.
સાધના કરે તેના ઉપર પ્રભુકૃપા કરે, તેથી છઠ્ઠા સ્કંધમાં પુષ્ટિલીલા દર્શાવવામાં આવી છે. અનુગ્રહલીલા મનુષ્ય સ્વરૂપમાં સ્થિર થાય એટલે ઠાકોરજી કૃપા કરે છે. કેટલાક સમજે છે કે ખાઈ-પીને પુષ્ટ થવું એ પુષ્ટિમાર્ગ છે. ના ના, આવું નથી. ઠાકોરજીના વિરહમાં મનુષ્યનું જીવન કેવું હોય તે બતાવ્યું છે પુષ્ટિમાર્ગે. સર્વસ્વ ઈશ્વરને આપણ કરો. ઇન્દ્રિયોને ભક્તિરસમાં તરબોળ બનાવી દો. તેમ કરો તો જ ઈન્દ્રિયોને પુષ્ટિ મળે. પુષ્ટિનો ઉપયોગ મનુષ્ય બરાબર ન કરે અને વાસનાના વેગમાં તે વહી જાય, તો મનુષ્ય પુષ્ટ થતો નથી. ઊલટું તે દુષ્ટ બને છે. અનુગ્રહ કર્યા પછી પણ મનુષ્ય વાસનાને આધીન થાય તો તે પુષ્ટ બનતો નથી, તેથી અસદ્ વાસનાને દૂર કરવા સંતોના ધર્મો કહ્યા સાતમાં સ્કંધમાં. મનુષ્ય પ્રભુની કૃષાનો ઉપયોગ ન કરે તો વાસના થાય, તેનામાં વાસના જાગે. સાતમાં સ્કંધમાં વાસનાલીલાનો ઉલ્લેખ છે.
મારા સુખ માટે જ વાપરીશ એ અસદ્ભાવના. પ્રહ્લાદ તેને જે મળ્યું છે તે બીજાને આપે છે. મળે જે મળ્યું છે તે પ્રભુનું છે. સુખ ભોગવી બીજાને જે સુખ આપે તે સજ્જન કહેવાય, પણ સંત નહીં, પરંતુ પોતે દુઃખ ભોગવી બીજાને જે સુખ આપે તે સંત. રાસલીલા એ ભાગવતનું ફળ છે. રાસમાં જવું છે. રાસલીલામાં જો વાસનાને લઈને જાય, તો રાસલીલામાં પ્રવેશ મળે નહીં. પુષ્ટિ પછી વાસના જાગે તો તે અનર્થ કરે છે. પુષ્ટિનો સદ્ઉપયોગ કરે તે દેવ અને દુરુપયોગ કરે છે તે દૈત્ય.
પ્રહ્લાદ દેવ ગણાયો, કારણ કે તેણે પુષ્ટિનો સદુપયોગ કર્યો. હિરણ્યકશિપુ દૈત્ય ગણાયો, કારણ કે તેણે પુષ્ટિનો દુરુપયોગ કર્યો. હિરણ્યકશિપુની અસદ્વાસના, પ્રહ્લાદની સદ્વાસના, સામાન્ય મનુષ્યની મિશ્રવાસના પરંતુ બધા બુદ્ધિનો સદુપયોગ કરતા નથી. ઈશ્વરે આપેલા સમય, સંપત્તિ અને શક્તિનો સદુપયોગ કરે તે દેવ બને છે અને તેનો દુરુપયોગ કરે તે દૈત્ય બને છે.
ઈશ્વર તો જીવ ઉપર કૃપા કરે છે, પણ અજ્ઞાની જીવ તેનો દુરુપયોગ કરે છે, તેથી તે દુષ્ટ બને છે.
સાતમાં સ્કંધમાં વાસનાની કથા કહી.
ચાર ઉપાયો કરે તો વાસનાનો નાશ થાય છે, તેથી આઠમા સ્કંધમાં તે પછી સંતોના ચાર ધર્મો બતાવ્યા.
આપત્તિમાં ભગવાનનું સ્મરણ.
સંપત્તિમાં સર્વસ્વનું દાન-બલિરાજાની જેમ સંપત્તિમાં સર્વસ્વનું દાન કરવાથી વાસનાનો ક્ષય થાય છે.
વિપત્તિમાં સ્વવચન પરિપાલન બલિરાજા જેમ.
સર્વ અવસ્થામાં ભગવત શરણાગતિ-સત્યવ્રત જેમ.
સત્યવ્રત મત્સ્યનારાયણને શરણ જાય છે. વાસનાનો ક્ષય કરવા આ ચાર ઉપાયો બતાવ્યા. એ પ્રમાણે ચાર ઉપયોગ દ્વારા વાસનાનો નાશ કરવાનું બતાવ્યું. વાસનાને પ્રભુ માર્ગે વાળે તો એ વાસના જ ભક્તિ બને છે. રાસલીલામાં પ્રભુને મળવું છે, પણ વાસનાનું આવરણ હોય તો, તે મિલનમાં આનંદ આવતો નથી. વાસનાનો વિનાશ કરી નિર્વાસન થઈ રાસલીલામાં જવું છે. વાસનાનો ક્ષય થાય તે પછી રાસલીલામાં જીવ-ઈશ્વરનું મિલન થાય. સંયમ સદાચારનો આશરો લે, તો રાસલીલામાં તેને સ્થાન મળે. અષ્ટમ સ્કંધમાં સંતોના ચાર ધર્મો બતાવ્યા તેમ છતાં શુકમુનિને લાગ્યું કે હજુ પરીક્ષિત રાજાના મનમાં થોડી સૂક્ષ્મ વાસના રહી ગઈ છે. તે સૂક્ષ્મ વાસના લઈને જો તે રાસલીલામાં જશે, તો તેને રાસલીલામાં કામ દેખાશે. હું રાજાને રાસલીલામાં લઈ જઈશ, પરંતુ જો તેના મનમાં કામ રહી જશે, તો તેને તેમાં લૌકિક કામાચાર દેખાશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










