કર્મનો શાબ્દિક અર્થ છે કાર્ય. આપણે અહીં ભૂતકાળની ક્રિયાઓની વાત કરી રહ્યા છીએ. તમે જન્મ્યા ત્યારથી અત્યાર સુધી તમારો પરિવાર, તમારું ઘર, તમારા મિત્રો, તમે જે કંઈ કર્યું કે ન કર્યું, આ બધી જ બાબતો તમારા પર અસર કરી રહી છે. તમારો દરેક વિચાર, લાગણી અને કાર્ય તમારી અંદર રહેલી જૂની છાપોમાંથી જ આવે છે. એ જ નક્કી કરે છે કે અત્યારે તમે કોણ છો. જે રીતે તમે વિચારો છો, અનુભવો છો અને જીવનને સમજો છો, એ બધું જ તમે જે માહિતી અંદર ઉતારી છે તેનું જ પરિણામ છે. આને જ આપણે કર્મ કહીએ છીએ.
આજની ભાષામાં કહીએ તો, આ તમારું સોફ્ટવેર છે. આ એ સોફ્ટવેર છે જેના આધારે તમે અત્યારે કામ કરી રહ્યા છો. તમારી આખી સિસ્ટમ જેમ કે તમારું શરીર, મન, ઊર્જા અને લાગણીઓ - આ બધું તમે જેવી છાપો અંદર લીધી છે, તેનાથી પ્રોગ્રામ થયેલું છે. આ બધી જ છાપોનું એક જટિલ મિશ્રણ એટલે તમારું કર્મ. તમારું સોફ્ટવેર જે પ્રકારનું હશે, તે રીતે જ તમારું મન, લાગણી અને શરીર કામ કરશે. તમારી ઊર્જા પણ એ જ દિશામાં વહેશે.
તમારાં કર્મો જેવાં પણ હોય, તે તમારી એક સીમિત સંભાવના છે. આ જ તમને એક સીમિત વ્યક્તિ બનાવે છે. તમે જેવી છાપો એકઠી કરી હશે, પછી એ નફરત અને ગુસ્સો હોય, કે પ્રેમ અને આનંદ તે મુજબ જ તમારું વ્યક્તિત્વ ઘડાય છે. એકવાર જો તમે આ કર્મના માળખાને એક હદથી વધારે વધવા દો, તો પછી વાસ્તવમાં આઝાદી જેવું કંઈ રહેતું નથી. તમે જે કંઈ પણ કરો છો, તે બધું તમારા ભૂતકાળ પર આધારિત હોય છે.
જો તમે મુક્તિની દિશામાં આગળ વધવા માંગતા હોવ, તો સૌથી પહેલાં તમારે કર્મના આ સકંજાને અને તેની બેડીઓને ઢીલી કરવી પડશે. તે કેવી રીતે કરી શકાય? એક સાદી રીત છે કર્મને શારીરિક રીતે તોડવાની. ધારો કે તમારું કર્મ સવારે 8 વાગ્યે ઊઠવાનું છે, તો તમે 5 વાગ્યાનું એલાર્મ મૂકો. પછી તમારા શરીરને કોફી પીવાની ઈચ્છા થશે, પણ તમે તેને ઠંડા પાણીએ નવડાવો. તમે જાગરૂક રીતે કંઈક કરીને આ જૂની કાર્મિક પ્રક્રિયાને તોડવાની શરૂઆત કરી રહ્યા છો.
તમને જે ગમે છે તે કરવું એ તમારી કાર્મિક પ્રક્રિયામાંથી આવે છે. જે તમને નથી ગમતું તેને તમે કુદરતી રીતે જ નકારો છો, એટલે થોડા સમય માટે એવાં કામ કરો જે તમને પસંદ નથી. આ એકમાત્ર રસ્તો નથી, બીજા પણ અનેક સૂક્ષ્મ અને અસરકારક રસ્તાઓ છે, પણ શરૂઆત માટે આ એક રીત હોઈ શકે. જે વસ્તુઓ તમને ગમે છે, તે તમે અજાગરૂક રીતે પણ કરી લો છો, પણ જે તમને નથી ગમતું, તે કરવા માટે તમારે જાગરૂક રહેવું જ પડશે.
ધારો કે તમારે એવી કોઈ વ્યક્તિ સાથે વાત કરવાની છે જે તમને જરાય પસંદ નથી. ત્યારે તમે તમારા બોલાયેલા દરેક શબ્દ અને દરેક ડગલા પ્રત્યે ખૂબ જાગરૂક હશો, પણ જ્યારે તમે તમારા મિત્ર સાથે વાતો કરો છો, ત્યારે તમને ખબર પણ નથી હોતી કે તમે શું બકબક કરી રહ્યા છો. જે માણસ તમને ગમતો નથી, જેને જોઈને જ તમારામાં અનેક પ્રકારની વસ્તુઓ ઊઠવા લાગે, તમે જઈને તેની સાથે વાત કરો. હવે તમે કર્મની પકડને તોડવાનું શરૂ કરી રહ્યા છો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો