ઘણા મને એવું પૂછે છે કે અમારું કુળ કયું? એક વાત કહું, જે કુળમાં આવ્યા હોઈએ એને એ કુળનું ગૌરવ લેવાનું જ, પરંતુ આખું જગત બે જ વંશમાંથી આવે છે. આપણે ત્યાં બે જ વંશ છે, એક સૂર્યવંશ અને બીજો ચંદ્રવંશ. આપણે બધાં જ એમાંથી છીએ. કેવળ ભારતમાં જ નહીં, વિદેશમાં પણ, અમેરિકામાં પણ, બધાં એમાંથી જ છે. દુનિયા આખીમાં આ સૂર્ય ને ચાંદાની નીચે જ આપણે બધાં છીએ. એની નીચે અવતર્યા છીએ. એમાં જ આપણે જીવવાનું છે. હા, એમાં પછી આપણાં કૃત્યોને લીધે આપણે નિશિચરવંશી બની જતા હોઈએ છીએ! ત્રીજો વંશ ઊભો થતો હોય છે અસુરવંશ; એ આપણાં કર્મો, એવું તુલસી માને છે. બાકી તો મૂળમાં બે જ છે અથવા તો એક જ રાખોને. આપણે બધાં જ આખરે અજવાળાનાં સંતાનો છીએ. જેમ આપણે ત્યાં ગ્રંથકારોએ કહ્યું કે, `વયમ્ અમૃતસ્ય પુત્રા.' અમે અમૃતના પુત્રો છીએ, એમ અમે પ્રકાશનાં સંતાનો છીએ, અમે અજવાળાના માણસો છીએ. ખબર નહીં, પ્રારબ્ધ, કાળ, કર્મ, આપણા સ્વાર્થો, આપણા સંકીર્ણ હેતુઓ, આપણાં નાના-મોટાં નેટવર્કોએ આપણને અંધારાનાં બનાવી દીધાં છે! બાકી આપણે અજવાળાનાં છોરું છીએ. કાલિદાસ જ્યારે `રઘુવંશ'નું મંડાણ કરે છે ભગવાન શિવ અને પાર્વતીની વંદના કરીને-
વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થપ્રતિપત્તયે,
જગત: પિતરૌ વન્દે પાર્વતીપરમેશ્વરૌ.
મને બહુ ગમે. કાલિદાસે પહેલાં ગણેશની વંદના ન કરી, પહેલાં રામની વંદના ન કરી, પહેલાં કૃષ્ણની વંદના ન કરી. જગતનાં માતા-પિતા મહાદેવ અને પાર્વતીને હું પગે લાગું છું એમ કહ્યું. ક્યાં એ ઉદાત્ત સૂર્યવંશ અને ક્યાં મોહમાં ડૂબેલી મારી સ્વલ્પ બુદ્ધિ? ક્યાં અપાર સમુદ્ર ને ક્યાં મારું એક નાનકડું હોડકું? ક્યાં આટલું ઊંચું ફળ અને ક્યાં હું ઠીંગણો માણસ? એને કેમ આંબુ? પણ મનીષીઓએ મોતીને તીક્ષ્ણ લોખંડની ધારથી વીંધ્યું છે. મોતીને વીંધવું અઘરું છે. કાલિદાસ આશ્વાસન લે છે કે જે ઋષિ-મુનિઓએ વાલ્મીકિ, વ્યાસ આદિએ મોતીને લોખંડની તીક્ષ્ણ અણીથી વીંધ્યું છે, એમાં દોરો પરોવવો મારા માટે સહેલો બની જશે. આ બધાં જ સૂત્રો ક્યાંક વાલ્મીકિમાંથી આવે છે, ક્યાંક કાલિદાસમાંથી આવે છે. ક્યાંક ભવભૂતિમાંથી. સૌથી પહેલાં `રામાયણ'ના મૂળમાં કોઈ હોય તો આદિકવિ વાલ્મીકિ છે. આ જગતમાં જેટલાં `રામાયણો' આવ્યાં એનું મૂળ વાલ્મીકિ છે.
તો `વાલ્મીકિ રામાયણ' એ તો વાલ્મીકિનું જ છે. વાલ્મીકિને નામે ત્રણ `રામાયણ' છે. `વાલ્મીકિ રામાયણ', `આનંદ રામાયણ', `અદ્ભુત રામાયણ' અને ચોથું છે `અધ્યાત્મ રામાયણ.' એ વ્યાસકૃત છે. વ્યાસે `મહાભારત' પણ લખ્યું, `રામાયણ' પણ લખ્યું. એ ચોથું `રામાયણ' છે. હું જે અધ્યયન કરતો હતો. ગુરુકૃપાથી, ગુરુના આદેશથી એમાંનું એક એ વખતનું `રામાયણ' `કંબ રામાયણ' સાઉથમાંથી જે આવ્યું. થોડોક મારા રસનો વિષય રહ્યો `ઉત્તરરામચરિત'- ભવભૂતિ અને `રઘુવંશ'- મહાકવિ કાલિદાસ. તો ત્રણ વાલ્મીકિનાં, એક વ્યાસનું, પાંચમું કંબ. `ઉત્તમરામચરિત' છ, સાત `રઘુવંશ' આઠમું કવિ રાજશેખરનું `બાલ રામાયણ.' મને વધારે આનંદ છે એ `રામાયણ'નો કે એક છે મારા હનુમાનજીએ લખેલું `રામાયણ'- `હનુમંત નાટક.' એમ કહે છે કે આ બધા ભૂખંડ ઉપર, પથ્થરો ઉપર હનુમાનજીએ નખથી `રામાયણ' લખ્યું છે. `હનુમંત નાટક' બહુ સુંદર છે, પણ એ પછી પધરાવી દીધું! અને પાછું પાણીમાંથી એના ભૂખંડો બહાર કાઢ્યા અને એની વાચના થઈ. એને ઉકલવાની કોશિશ થઈ. પછી તો `શત કોટિ રામાયણ', અનેક `રામાયણો' આવ્યાં, પણ મારી પાસે જે આવ્યું એ તો `રામચરિતમાનસ' આવ્યું અને આમાં બધું જ આવ્યું.
ટૂંકમાં, આપણે ત્યાં સો કરોડ `રામાયણ' છે. તુલસીદાસજી છેલ્લે અને એના પછી કોઈ નથી. કોઈની જરૂર નથી. જરૂર પડશે ત્યારે કોઈ પાછો આવશે. અહીંયાં `સંભવામિ યુગેયુગે'નાં વચનો અપાયાં છે, પણ છેલ્લું શાસ્ત્ર છે `રામચરિતમાનસ.' આ અર્ક છે. આ સત્ય, પ્રેમ અને કરુણાનો નિચોડ છે. જેના આદિમાં સત્ય, મધ્યમાં પ્રેમ અને અંતમાં કરુણા છે. દેશ-કાળ પ્રમાણે મૂળને પકડીને ફૂલો ખીલવાં જોઈએ, પણ વાત તો આધ્યાત્મિક દૃષ્ટિએ એ છે કે સાધુ એક જગ્યાએ બેસી રહે તો આસક્તિ થવાની સંભાવના છે. સાધુ ફરતા રહે છે. ફરતા રહેવું જોઈએ. મંડળીઓ ફરતી. એક પરિવ્રાજકતા હતી. સંસ્કૃતિનું જાગરણ હતું. એ પ્રચાર કરવા નહોતા નીકળ્યા. ભૂલી ગયેલાને યાદ આપવા નીકળ્યા હતા. તો આ મંડળીઓ ફરે છે એ ફાળા ઉઘરાવવા નથી ફરતી. સાધુનાં, સદ્ગુરુઓનાં, સ્થાનકના મૂળ દેવતાઓનાં તપ એટલાં છે કે ગાડાંઓ ભરીભરીને જગ્યામાં નાખી જાય! એને ભટકવાની કોઈ જરૂર નથી, પણ એને એક ભુલાઈ ગયેલો રામ યાદ કરાવવાની પરિવ્રાજકતા છે. સાધુએ પરિવ્રાજક રહેવું જોઈએ. રાજાએ ફરતા રહેવું જોઈએ. જેટલું લોકોની નજીક જવાય એટલું સાધુ અને સત્તાએ બેસી જવું જોઈએ.
રઘુવંશનું કેન્દ્રબિંદુ તો અયોધ્યા છે, પરંતુ સમુદ્ર સુધી એના વિસ્તાર માટે રઘુનો રથ જતો હતો અને એનાં સોળ લક્ષણમાં એક લક્ષણ એવું છે કે રઘુવંશે સ્વર્ગમાં ઈન્દ્રની પાસે જવા રસ્તો કરેલો. સ્વર્ગની સીડી કહું. છેલ્લે આ રઘુવંશને આપણે તો આ રામ સુધી જાણીએ છીએ. પછી તુલસી પણ આગળ લવ-કુશનાં નામ લખીને કથા લખતા. ઈન્દ્રને બચાવવા માટે રઘુવંશનો રામપુત્ર કુશ રથ લઈને જાય છે સ્વર્ગમાં અને ત્યાં વીરગતિને પામે છે કુશ. ઈન્દ્રને મદદ કરવામાં જેણે બલિદાન આપ્યું. આ છે રઘુવંશ. સુરાસુર સંગ્રામમાં ઈન્દ્રને મદદ કરવા દશરથ પણ ગયા છે. ઈતિહાસ કેટલો અદ્ભુત છે! મારી પ્રાર્થના છે, આપણા ઈતિહાસમાં જે ભેળસેળ થઈ હોય એને ઈમાનદારીપૂર્વક હટાવવી જોઈએ. એક જગ્યાએ બેસવાથી આસક્તિ થાય. સાધુએ ફરતા રહેવાનું.
એટલા માટે આપણે ત્યાં ઉપનિષદીય મંત્ર આવ્યો, `ચરૈવેતિ' વેપારીએ ફરતા રહેવું જોઈએ. દુનિયાના વેપારીઓ ક્યાં ક્યાં ગયા! વણિક અને ભિખારી. ચોમાસુ આવે એટલે ભિખારીએ એક જગ્યાએ અટકી જવું પડે. પછી જેવું ચોમાસુ પૂરું થાય એટલે ભિખારી નીકળી પડે કે ક્યાં અત્યારે વધારે મળશે? એમ આ ચાર જણાએ સતત ફરતા રહેવું, એવું લખ્યું છે. પરિભ્રમણ કરવાથી આપણી શક્તિ, આપણી ઊર્જા, આપણી પાસે જે હતું એ આપણે સમાજને આપ્યું. એને પાછું એકઠું કરવા માટે મહાત્માઓ પાછા બે મહિના બેસી જાય. સાધુએ ફરતા રહેવું જોઈએ. આપણો જન્મ એટલા માટે થયો છે. હા, કાયા ડૂકી જાય ત્યારે વાત જુદી છે, પણ જ્યાં સુધી કાયા ચાલતી હોય ત્યાં સુધી તો કરવું જોઈએ. સમાજનાં ઘી પીધાં છે, સમાજના રોટલા ખાધા છે. એનું વળતર આપવું જોઈએ.
તો મૂળ તો કેન્દ્રમાં રઘુ છે. રઘુવંશના આદર્શોનું વર્ણન સોળના આંકમાં જ્યારે કવિ કાલિદાસે આપ્યું ત્યારે એમાં પહેલું લક્ષણ બતાવ્યું છે કે રઘુવંશમાં જન્મ લેનારા તમામ રાજાઓ જન્મથી શુદ્ધ હતા. કોને જન્મથી શુદ્ધિ મળે? જેનાં મા-બાપે જનમ આપતા પહેલાં પોતાના સંસારમાં તપ અને સેવા કરી હોય. પ્રમાણ, દિલીપનું તપ અને દિલીપની ગૌસેવા. ઉંમર થઈ ગઈ. આ દિલીપ જ્યારે વશિષ્ઠને આશ્રમે જાય છે રાણી સુદક્ષિણાની સાથે અને એમાં ગોપબાળકો, ગરીબ માણસો, ઝૂંપડાવાસીઓ કહે, અમારો રાજા નીકળ્યો, અમારો રાજા નીકળ્યો! શું પ્રજાવત્સલતા હતી! પાંચ વર્ષે જ ન જવાય! રોજ જવું જોઈએ ઝૂંપડે-ઝૂંપડે, ગામડે-ગામડે. અમારે ને તમારે આમાંથી શીખવું પડે. લોકો તો કેટલા ઉદાર છે! લોકો કેટલા આપણા માટે પ્રસન્ન છે! સાધુએ ખળું પાકે ત્યારે જ ન જવાય. દુકાળમાં તો વધારે જવું જોઈએ. હિંમત આપવા માટે કે બેટા, કંઈ વાંધો નહીં. તેં આપેલું છે એ અમારા અન્નક્ષેત્રમાં ભર્યું છે. તારું આપેલું તું સન્માન સાથે જમવા માટે આવજે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો