અમદાવાદના કાપડ બજારના રાજા રમણિકલાલ શેઠ એટલે `સ્માઈલી' શેઠ. એમનું હસતું મોં એમની ઓળખ હતી. ધંધામાં ખોટ હોય, બજારમાં મંદી હોય કે ઘરે રમાબહેનનો ગુસ્સો ભડકે, સ્માઈલી શેઠનું સ્મિત ક્યારેય ઝાંખું ન પડે. દુકાનના નોકરથી લઈને મોટા વેપારી સુધી બધાને તેમની મજાક અને હળવી વાતોથી હસાવી દે.
એક દિવસ એમની સામેની જ દુકાનવાળા અમરતલાલનો દીકરો નવીન તેમની પાસે આવ્યો. બપોરની ગરમીમાં ઘરાકી તો હતી નહીં. નવીનને જોતાં જ એક સરસ મજાની મોટી સ્માઇલ સાથે રમણિક શેઠે તેને આવકાર્યો. નવીનનું મોં પડેલું હતું, કારણ કે તેનો પોતાનો નાનો ધંધો માંડ ચાલતો હતો. ઘર અને ધંધાની ચિંતામાં એ ડૂબેલો હતો. હિંમત કરીને નવીને શેઠને પૂછ્યું, "કાકા, તમને હું રોજ જોઉં છું. તમારે ત્યાં પણ કંઈ બહુ ઘરાકી નથી, પણ તમે હંમેશાં હસતા જ રહો છો, તમને ચિંતા નથી થતી? અમે તો સવારે ઊઠીને હિસાબમાં ડૂબી જઈએ, માથું દુખવા લાગે છે. તમે આટલા ખુશ કેવી રીતે રહી શકો છો?''
સ્માઈલી શેઠ ખડખડાટ હસ્યા. "નવીન, ચિંતા કોને નથી? પણ હું એક રહસ્ય શીખ્યો છું, એ રહસ્ય જાણી લીધા પછી કોઈ દિવસ મારી સ્માઇલ અટકી નથી.'' એમણે પોતાની જગ્યા છોડી ને સામેની ખુરશીમાં ગોઠવાઈને કહ્યું, "રોજ સવારે જ્યારે હું જાગું, ત્યારે મારી જાતને એક સવાલ પૂછું: `રમણિક, આજે જીવનમાં તારે શું જોઈએ? ટેન્શન કે ખુશી? તું જે પસંદ કરીશ તે આખો દિવસ તારી જોડે રાખવી પડશે. હું હંમેશાં ખુશી પસંદ કરું છું.''
"પણ એનાથી જે વાસ્તવિક ચિંતા કે તકલીફ હોય તે ઉકેલે કેવી રીતે?'' નવીન વધુ મૂંઝાયો.
"ચિંતાનો ઉકેલ ન મળે, પણ ખુશી સિલેક્ટ કરવાથી મગજ શાંત રહે, ઉકેલ મળે.''
નવીન આશ્ચર્યથી સાંભળતો હતો. શેઠે ઉમેર્યું, "એક બીજું પણ રહસ્ય છે. જેમ કે, દરરોજ રાતે હું એક નાનકડી ડાયરીમાં એ દિવસની એક સારી વાત લખું. ગમે તે હોય - ગ્રાહકનું સ્મિત, રમાબહેનની ચા કે બજારમાં થયેલી નાનકડી ડીલ. એ લખવાથી મને મળેલી ખુશીનું કારણ મને યાદ રહે છે, જે બીજા દિવસે સવારે ખુશી સિલેક્ટ કરવામાં મને મદદ કરે છે.''
પરિસ્થિતિ એની એ જ હોય છે. એ પરિસ્થિતિ પ્રત્યેનો આપણો અભિગમ આપણને ખુશ કે નાખુશ રાખે છે બેટા. જે બદલાઈ શકવાનું જ નથી તે માટે ચિંતા કરવાથી શરીર બગડવાનું છે અને જે બદલાઇ શકવાનું છે એ તો એકના એક દિવસ બદલાશે જ. આપણે ક્યાં એ માટેના પ્રયત્નો છોડ્યા છે? તો પછી ચિંતાને શા માટે સ્વીકારવી? નવીનના ચહેરા પર સ્માઈલી શેઠ જેવી જ સ્માઈલ આવી.