ગયા અઠવાડિયે આવેલા એક ફેક ન્યૂઝને સાચા માની લેવાનું મન થયેલું. સમોસા અને જલેબીની આગળ `સ્વાસ્થ્ય માટે હાનિકારક' એવું લેબલ લગાવવાની વાત હતી જે અફવા નીકળી.

અફવા ન હોત તો એ નિયમ મજાક બની ગયો હોત. વરસાદની સીઝન હોય તો અડધા ભારતને `ગરમાગરમ પકોડે ઔર ચાય'ની તલબ લાગે અને બાકીના ભારતને તેલમાં ડુબાડૂબ તળેલાં ભજિયાંની. અરે! પેઢીઓથી તેઓ આ વાનગીઓ ખાતા આવ્યા છે. તો પણ ભારતની વસ્તી દોઢ અબજ થઈ ગઈને? 'તંબૂરો હાનિકારક - આ બધા નવરાઓના ચોચલા છે, બાકી એવું કંઈ હોતું નથી.' હેં ને? આવું કહેનારા કઈ કમરનું પેન્ટ પહેરે છે એ ચેક કરવું? આપણા કુટુંબના આંબામાં કયા વડીલની કમર છત્રીસ વર્ષે છત્રીસ ઇંચની થઈ ગયેલી એ ઇતિહાસ પણ તપાસવો. તેલ, ખાંડ, મેંદો આ બધા મજાક નથી, જાનલેવા છે.

આજથી થોડા વર્ષો પહેલાં થોડા મહિના માટે બીરિયાની પોલિટિક્સ ભારતમાં કેન્દ્રસ્થાને હતું. એ તો પછી ખબર પડી કે કસાબે બીરિયાની માંગેલી કે તેને પીરસવામાં આવેલી એ વાત સદંતર જૂઠ હતી. વાત રાજકારણની નહીં, વાત બીરિયાનીની છે. ઘણા ઉછાંછળાઓ એવું ટોકતા પણ રહે છે કે વેજિટેરિયન હોય એને પુલાવ કહેવાય, બીરિયાની નહીં, પણ પુલાવ હોય કે બીરિયાની, દેશ હોય કે શરીર, કેન્દ્રમાં સત્તા બદલાવી નાખે, બાયપાસનો વારો આવી જાય. તેલ અને ખડા મસાલાથી તરબતર ભાતની વાનગી ગ્લુકોઝ સ્પાઈક શૂટ કરે અને ધમનીઓમાં બ્લોકેજ વધારે. આપણે ત્યાં ભાત સાથે પ્રોટીનયુક્ત દાળ અને એમાં ઘી નાખવાનો રિવાજ અમસ્તો જ ચાલુ થયો નથી. તવા પુલાવ હોય કે હૈદરાબાદી બીરિયાની, ભલે રેંકડીવાળા કે તેલુગુ લોકોને ખોટું લાગે, સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે. આ કોઈ લેખક નહીં, વિજ્ઞાન કહે છે.

એટલાં જ ઘાતક સમોસાં છે ને એટલી જ ઘાતક જલેબીઓ છે. પિઝા તો અખાદ્ય પદાર્થ છે એ જગજાહેર છે. હવે સમોસાં અને જલેબીની આગળ લેબલ લગાડીએ કે આ હાનિકારક ખોરાક છે. તો શું ફેર પડશે? સવારના પહોરમાં અડધા સૌરાષ્ટ્રને દાઝ્યા તેલમાં ખારો નાખેલા ફૂલ તળેલા ફાફડા, ગાંઠિયા તળેલાં મરચાં સાથે ખાવાની પેઢીઓ જૂની આદત છે. શું એ આદત હાનિકારક નથી? ખાલી પેટે ગળી ચા સાથે બટરવાળું કાચા પાંઉનું મસ્કાબન ખવાય છે, એનાથી વધુ હાનિકારક શું? વડાપાઉં પણ એટલું જ નુકસાન કરે, પણ અત્યારે એને કંઈ કહેવાય નહીં.' તમે અમારા વડાપાંઉનું અપમાન કર્યું ને અમારી વાનગીનું સન્માન કરવું પડશે' એ ટાઈપનું નોનસેન્સ ચાલુ થઈ જશે. બાકી આયુર્વેદ મુજબ મેંદો અખાદ્ય પદાર્થ છે. જેમ લાકડું અને સ્ટીલ અખાદ્ય છે એમ જ, પણ પોતાના પ્રદેશની વાનગી વિશે સાચી વાત કરવી પણ જાણે દ્રોહ હોય એવું બની શકે. હવે અત્યારના સમયમાં કંઈ પણ થઈ શકે. નવરાઓનો ટાઈમપાસ, દેશનો ફુલ ટુ રકાસ.

રકાસ તો ખાણીપીણીની બાબતે થયો જ છે. વીસમી સદીના અંત સુધીમાં અને એકવીસમી સદીની શરૂઆતના ભાગમાં અનલિમિટેડ કલ્ચર આવ્યું. ફુલ થાળી. ફિક્સ્ડ મેનુ, અનલિમિટેડ લંચ કે ડિનર. જ્યાં પંગત રિવાજ હતો ત્યાં પણ બુફે સિસ્ટમ આવી ગઈ. જ્યાં એક ઈડલી દસ પૈસે મળતી ત્યાં આખી ડિશ કોઈ બંધન વિના મળવા લાગી. એના કાજે મસમોટું બિલ આપવું પડે એ વાત ગૌણ થઈ ગઈ, પણ જમવાનું તો કોઈ મર્યાદા વિના મળે છેને? એમાં દેશની સરેરાશ તંદુરસ્તીની પથારી ફરી ગઈ. દેશના સરેરાશ નાગરિકનું સરેરાશ આયુષ્ય વધવા લાગ્યું તો સરેરાશ કમરનું માપ પણ વધી ગયું. ત્રીસ વર્ષથી જેમની કપડાંની દુકાન હોય એને પૂછી લેવું કે પહેલાં કેટલા ઇંચની કમરવાળાં પેન્ટ વધુ વેચાતાં અને આજે કઈ સાઈઝનાં કપડાંનો વધુ ઉપાડ છે. આપણી સોસાયટીની ગંદી આદતોનો એક્સ-રે ત્યાંથી મળી જશે.

સમોસાં, જલેબી, બીરિયાની જ નહીં, લગભગ દરેક વાનગી હાનિકારક બની ગઇ છે. બહારની જગ્યા હોય તો ખરાબ તેલથી લઈને વાસી ફ્રોઝન ખોરાક પીરસવામાં આવે અને ઘરે હોઈએ તો ઘરના રસોડામાં વપરાતું રૉ-મટીરિયલ કેટલું ચોખ્ખું અને ઓર્ગેનિક છે એ કોને ખબર? જેટલી ગાયો નથી એટલું દૂધ માર્કેટમાં મળે છે ને એનાથી વધુ પનીર ઉપયોગમાં લેવાય છે. શાકભાજી હોય કે ફ્રૂટ, એક પણ પાક કેમિકલ વિના આપણાં ઘર સુધી પહોંચતો નથી. પાણીથી ધોઈ લેવાથી પાકની અંદર પ્રવેશેલાં ઝેરી દ્રવ્યો સાફ થશે? જે પણ ખાઈએ છીએ એ આપણને અંદરોઅંદર કંઈક તો નુકસાન કરે જ છે. કેમ આ પેઢીને અકાળે ધોળા વાળ આવતા જાય છે? કેમ સરેરાશ બાળકનો સ્ટેમિના ઘટતો જાય છે? કારણ કે બધું જ હાનિકારક મળે છે. પીવાનું પાણી પણ આપણા શરીરને અનુકૂળ હોય તેવું મળતું નથી. દુનિયાભરમાં માંસાહાર વધતો જાય છે. તેને કારણે ફૂડ સાઇકલ ચેઇન આખી એટલી વિક્ષેપિત થઈ ગઈ છે કે કશું પણ શુદ્ધ કુદરતી સાત્ત્વિક સ્વરૂપમાં મળતું નથી.

આ જે પણ હાનિકારક દ્રવ્યો છે, જેવાં કે, પેસ્ટિસાઈડ્સ, તેલ, ખાંડ, મેંદો, વાસી ખોરાક વગેરે કરતાં વધુ હાનિકારક શું છે ખબર છે? ફૂડ વ્લોગર્સ. પોતાની દુકાન ચલાવવા માટે તેઓ કોઈ પણ ઠેલાવાળા, કોઈ પણ રેસ્ટોરાં, કોઈ પણ હોટેલને પ્રમોટ કરશે.

ત્યાંની પચ્ચીસ ડિશને ટેબલ ઉપર પાથરીને અતિશયોક્તિ સાથે વખાણ કરશે. તેમાંથી કોઈ નિષ્ણાત નથી કે ફૂડ વિશેનું ડીપ નોલેજ પણ નથી હોતું. બસ, બીજું કોઈ કામ નથી એટલે આ કામમાંથી પૈસા રળવા છે. ખોટું નથી કંઈ, પણ ચારસો નવ્વાણુ બોગસને કારણે એકાદા જેન્યુઇન ફૂડ લવરને પણ શંકાની નજરથી જોવો પડે છે.

કસરત, જિમ, યોગ, ડિટોક્સ આ બધાનો ફાયદો છે જ, પણ મુખ્ય કલાકાર છે આપણો ખોરાક અને એની ગુણવત્તા. જેમ સિગારેટના પેકેટ ઉપર ચેતવણી આપવાથી કોઈએ વ્યસન નથી છોડ્યું એમ જ ભારતને આવા હાનિકારક ખોરાક ખાવાથી કોઈ બચાવી નહીં શકે. અમેરિકા બર્ગર અને પિઝા ઉપર બહુ આધાર રાખ્યા પછી હવે હેલ્ધી ફૂડ તરફ વળ્યું છે. ભારત આમ પણ ત્રીસ-ચાલીસ વર્ષ પાછળ ચાલે છે. જોઈએ ખાણીપીણી બાબતે ભારતની આંખ ક્યારે ખૂલે છે. બાકી તો આ શ્વાસમાં લેવાતી હવા પણ શું હાનિકારક નથી?