આદિકાળથી જ પ્રત્યેક સ્ત્રી-પુરુષ સ્વાભાવિક રીતે સુંદર અને આકર્ષક દેખાવાનો પ્રયત્ન કરતાં આવ્યાં છે અને કરતાં રહેશે, પરંતુ કેટલીક એવી નાની-નાની સૌંદર્ય સંબંધી તકલીફો હોય છે કે, જે ઘણા પ્રયત્નો કરવા છતાં પીછો નથી છોડતી. આવી કેટલીક સમસ્યાઓ વિશે અહીં નિરૂપણ કરું છું.

દારૂણક

કેરીની ગોટલીના મગજ અને હિમેજ બંને સરખે ભાગે લઇ, દૂધમાં ઘસી-લસોટી માથા પર લગાડતા રહેવાથી માથાનો દારૂણક નામનો રોગ મટે છે. આ રોગમાં માથામાં નાની નાની ફોડકીઓ થાય છે, જેમાં ખંજવાળ અને વેદના થાય છે. વાળ સૂકા અને નિસ્તેજ બની જાય છે. દિવસમાં ત્રણ વખત સવારે, બપોરે અને રાત્રે લેપ કરતા રહેવાથી અને માથાને નિયમિત ધોતા રહેવાથી માથાનો દારૂણક રોગ મટી જાય છે.

કુનખ

ટંકણખારને પાણીમાં ઘસીને લેપ કરતા રહેવાથી થોડા દિવસોમાં જ નખ વિકૃતિ દૂર થઈને નખ તેની સ્વાભાવિક સ્થિતિમાં આવી જાય છે. આ ઉપચારથી નખના બીજા પણ ઘણા રોગો દૂર થાય છે.

વ્યંગ

મુખ પર કાળા અથવા વાદળી રંગના ડાઘ થાય તેને વ્યંગ કહે છે. જાયફળને દૂધમાં ઘસીને લગાડવાથી તથા રોજ સવાર-સાંજ સરસિયા તેલની માલિશ કરવાથી વ્યંગ મટી જાય છે.

કાળાં કૂંડાળાં

હળદર, આમળાં, ચંદન (સુખડ) આ ત્રણે ઔષધો સરખા ભાગે લઈ, તેને ખૂબ ખાંડી બારીક ચૂર્ણ કરી લેવું. એક ચમચી આ ચૂર્ણમાં લીલી હળદરનો રસ મિશ્ર કરી, આ પેસ્ટ આંખ નીચેનાં કાળાં કૂંડાળાં પર સવાર- સાંજ લગાવવાથી થોડા દિવસોમાં કૂંડાળાં મટી જાય છે.

હળદર, દારૂહળદર, આમળાં, ચંદન, લાલ ચંદન અને હરડે. આટલાં ઔષધો સરખા ભાગે લઈ બારીક ચૂર્ણ કરી લેવું. એક ચમચી આ ચૂર્ણમાં ત્રણથી ચાર ચમચી ગુલાબજળ મિશ્ર કરીને લેપ કરવો અને આ લેપને સુકાવા દેવો. સુકાયા પછી અડધો કલાક તડકામાં બેસી આ લેપને ધોઈ નાખો.

શરીર શ્યામ પડવું

ઘણાનાં શરીર પહેલાં કરતાં ઝાંખાં અને શ્યામ પડી જતાં હોય છે. તેમણે આખા શરીરે હળદર, ત્રિફળા, ખસ, નાગરમોથ, સફેદ ચંદન, નાગકેસર, લોધ્ર આટલાં ઔષધોનું સમભાગે ચૂર્ણ બનાવી તેમાં ગુલાબજળ મેળવી લેપ તૈયાર કરવો. લેપ આખા શરીરે આછો આછો લગાડી ચોળવું. પછી આ લેપને ચણાના લોટ કે ત્રિફળા ચૂર્ણથી સ્નાન કરી કાઢી નાખવો.

કિંશુકાદિ તૈલ

ખાખરાનાં ફૂલ, રતાંજળી, લાખ, મજીઠ, જેઠીમધ, કુસુમ, વાળો, પદ્મકાષ્ટ, નીલકમળ, વડની વડવાઈ, પીપરનાં મૂળ, હળદર, કમળકેસર, મેંદી, દારૂહળદર અને અનંતમૂળ આ સોળે ઔષધીઓ સો-સો ગ્રામ લઈને એ બધાંનું અધકચરું ચૂર્ણ કરવું. આમાં આઠ ગણું પાણી મેળવી ઉકાળવું. ઉકળતા જ્યારે ચોથા ભાગનું દ્રવ બાકી રહે ત્યારે ઉતારીને ગાળી લેવું. પછી આ ગાળેલા દ્રવમાં 150 ગ્રામ તલનું તેલ, 300 ગ્રામ બકરીનું દૂધ અને 10-10 ગ્રામ મજીઠ, જેઠીમધ, લાખ, પતંગ અને કેસર નાખી મંદાગ્નિ પર તેલ સિદ્ધ કરવું. આ થયું કિંશુકાદિ તેલ. આ તેલની માલિશ કરવાથી મુખ પર થતી ફોડકીઓ, ખીલ, કાળા ડાઘ, ઝાંય વગેરે મટે છે.