અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જવું હોય તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે એ દેખાડી આપવા માટે તમારે આઈલ્ટ્સ યા ટોફેલની પરીક્ષા આપવાની રહેશે.

પછી એક નિબંધ લખીને યુનિવર્સિટીને અરજીપત્રક જોડે સુપ્રત કરવાનો રહે છે. એમાં જણાવવાનું રહે છે કે તમે અમેરિકાની એ યુનિવર્સિટીમાં જે વિષયમાં ભણવા જાઓ છો એ શા માટે ઈચ્છો છો?

આને તમે `સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ' પણ કહી શકો. થોડા ઘણા રેકમેન્ડેશન લેટરો, તમારા શહેરના જાણીતા લોકોના કે જેઓ એમ કહે કે તમે એ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે લાયક વ્યક્તિ છો, તો એ પણ મોકલવાના રહેશે. તમારી પાસે એ યુનિવર્સિટીમાં ભણવાની જે ટ્યૂશન ફી હોય, અમેરિકામાં રહેવાનો, ખાવા-પીવાનો અને પરચૂરણ જે ખર્ચો થાય એની સગવડ છે એ પણ પુરાવાઓ સહિત દેખાડી આપવું પડશે.

જો યુનિવર્સિટી પ્રવેશ આપે પછી તમારે સેવીસ ફી ભરવાની રહેશે. પછી ફોર્મ ડીએસ-160 ભરીને એ સુપ્રત કરીને તમારા દેશમાં આવેલ અમેરિકન કાઉન્સેલેટમાં અપોઈમેન્ટ લઈને તમારી જાતને તમે એક વિદ્યાર્થી તરીકે અમેરિકામાં જાઓ છો એવું દેખાડીને એફ-1 સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝા મેળવવાના રહે છે.

થોડા સમય પહેલાં સ્ટુડન્ટ વિઝા આપવાનું બંધ કરવામાં આવ્યું હતું, પણ હવે સ્ટુડન્ટ વિઝાના સ્લોટ ખૂલી ગયા છે. જે લોકોએ ફોર્મ ડીએસ-160 ભર્યું હોય અને જે લોકો સ્ટુડન્ટ વિઝા મેળવવા ચાહતા હોય એમણે તરત જ આ જે સ્લોટ ખૂલ્યો છે એનો લાભ લેવો જોઈએ, અરજી કરવી જોઈએ અને સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂ માટે એપોઈમેન્ટ મેળવી લેવી જોઈએ.

સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂમાં તમને શું પૂછવામાં આવશે?

સૌથી પહેલાં તો તમને એવું પૂછવામાં આવશે કે તમે અમેરિકામાં જ શા માટે અભ્યાસ કરવા ઈચ્છો છો? તમે જે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે એ યુનિવર્સિટી શા માટે પસંદ કરી છે? તમે કેટલી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે અરજીઓ કરી છે? તમને કેટલી યુનિવર્સિટીએ પ્રવેશ આપ્યો છે? કેટલીયે તમારો પ્રવેશ નકાર્યો છે? એ યુનિવર્સિટીમાં ભણવાની અને અમેરિકામાં રહેવા, ખાવાની અને અન્ય પરચૂરણ ખર્ચાની તમારી પાસે પૂરતી સગવડ છે એ દેખાડો. તમને એ પૈસા કોણ આપશે એ જણાવો. એ વ્યક્તિ કોણ છે એ પણ અેમને જણાવો. આ બધાના પુરાવાઓ આપો. તમે શનિ-રવિની રજામાં શું કરશો? તમે કોલેજમાં વેકેશન પડ્યું હોય ત્યારે શું કરશો? તમે અમેરિકામાં ગેરકાયદેસર કામ કરવાની ઇચ્છા ધરાવો છો? તમે અમેરિકામાં પરણવાની ઇચ્છા ધરાવો છો? તમારા લાભ માટે કોઈએ ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કર્યું છે? કોઈ ગ્રીન કાર્ડના પિટિશનમાં તમે ડિપેન્ડેન્ડ બેનિફિશિયરી છો? તમે આ પહેલાં અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝાની અરજી કરી છે? કેનેડાના પીઆરની અરજી કરી છે? વિશ્વના બીજા કોઈ દેશમાં જવાની અરજી કરી છે? તમારા દેશની બહાર તમે કશે ગયા છો? તમે અમેરિકામાં ક્યાં રહેશો?

આવા સવાલો તમને પૂછવામાં આવશે. એક સવાલ લગભગ દરેક વિદ્યાર્થીને અચૂક પૂછવામાં આવે છે અને એ છે `મને એક એવું કારણ આપો જેથી મને સંતોષ થાય કે તમે ખરેખર એક વિદ્યાર્થી છો અને અમેરિકામાં ભણવા જ જવા ઈચ્છો છો?'

તો વાચકમિત્રો તમે જો અમેરિકામાં ખરેખર ભણવા જવા ઈચ્છતા હોવ તો સ્ટુડન્ટ વિઝાનો સ્લોટ હવે ખૂલી ગયો છે. ઝડપ કરો. ફોર્મ ડીએસ-160 ન ભર્યું હોય તો ભરી દો અને ભર્યું હોય તો ઈન્ટરવ્યૂની તારીખ મેળવવાની અરજી તરત કરી દો. એક વાત ધ્યાન રાખજો કે આ કાઉન્સેલર ઓફિસરો તમારા દુશ્મન નથી. તેઓ તમને વિઝા આપવા માટે જ અહીંયાં આવ્યા છે.

વિઝા આપવા ન હોય તો તેઓ છેક અમેરિકાથી ભારત આવે જ શું કામ? તેઓ ફ્ક્ત તમારા ઈન્ટરવ્યૂમાં એટલું જ જાણવા ઈચ્છે છે કે તમે ખરેખર વિદ્યાર્થી છો? કે પછી વિદ્યાર્થી હોવાનો ડોળ કરીને અમેરિકામાં ઘૂસવા ચાહો છો, કાયમ રહેવા ચાહો છો, ત્યાં નોકરી કરવા માગો છો, ત્યાં લગ્ન કરવા માગો છો.

આ જો તમે બરાબર દેખાડી આપશો તો તમને વિઝા મળશે જ. તમારે એ દેખાડી આપવું પડશે કે તમારા ભારતમાં એટલે કે સ્વદેશમાં કૌટુંબિક અને નાણાકીય સંબંધો ખૂબ જ સારા છે જે સંબંધો તમને તમારો અભ્યાસ પૂરો થતાં પાછા ખેંચી લાવશે અને હા, તમને એ પણ પૂછવામાં આવશે કે ભણી રહ્યા પછી તમારો ઈરાદો શું છે?

તો વાચકમિત્ર તૈયારી કરો. સ્ટુડન્ટ વિઝાનો સ્લોટ ખૂલી ગયો છે. એમાં તરત જ અરજી કરો. ઈન્ટરવ્યૂની ડેટ લો અને અહીં જણાવેલ સવાલો યાદ રાખો. જવાબો ગોખવાની જરૂર નથી અને ઈન્ટરવ્યૂમાં હમેશાં સાચું જ બોલશો તમને વિઝા જરૂરથી મળશે.