જુલાઈ, 2006ની એક શાંત સવાર, એર્નાકુલમના પટ્ટીમટ્ટોમ ગામની શાંતિને એક ભયાનક ઘટનાએ હચમચાવી દીધી. સુલેખા, એક ગામડાની સામાન્ય મહિલા કે જેનું જીવન રોજિંદા કામકાજ અને પરિવારની આસપાસ ફરતું હતું.
તેનું લોહીથી ખરડાયેલું મૃત શરીર તે જ્યાં કામ કરતી હતી એ રબરના બગીચામાં મૃત હાલતમાં મળી આવ્યું. તેનું ગળું અને જમણા હાથની નસ કોઈ ધારદાર હથિયાર વડે કાપવામાં આવી હતી અને તેણે પોતે પહેરેલાં સોનાનાં ઘરેણાં પણ ગાયબ હતાં. આ ઘટનાએ નાનકડા ગામમાં ખળભળાટ મચાવી દીધો. શું આ લૂંટનો કેસ હતો કે પછી આ હત્યાની પાછળ કંઈક ઊંડું રહસ્ય છુપાયેલું હતું?
હકીકતે ઘટના કંઈક આવી હતી કે, 29 જુલાઈ, 2006ની સવારે સુલેખા પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતી. પટ્ટીમટ્ટોમ ગામના રબરના બગીચામાં લાકડાં એકઠાં કરવા જવું એ તેના માટે નવું ન હતું. આ કામ તેના માટે રોજિંદુ હતું. આ બગીચો ગામની શાંતિનું પ્રતીક હતું, જ્યાં ગામના લોકો પોતાનાં નાનાં-મોટાં કામ માટે આવતા-જતા હતા, પરંતુ આજનો દિવસ અલગ હતો. સુલેખા રોજની જેમ રબરના બગીચામાં લાકડાં એકઠાં કરવા માટે ગઈ હતી, પરંતુ લાકડાં એકઠાં કરતી વખતે તેને બગીચામાં રહેલા શેડમાંથી કંઈક અવાજ સંભળાયો અને તે એ શેડ તરફ ચાલવા લાગી. શેડમાં તેણે એવું કંઈક જોયું કે જે તેના મૃત્યુનું કારણ બન્યું.
થોડાક કલાકો પછી સ્થાનિક લોકોને સુલેખાનું મૃત શરીર રબરના બગીચામાંથી મળ્યું. તેનું ગળું ચાકુથી કાપેલું હતું અને તેનાં ઘરેણાં પણ ગાયબ હતાં. શરૂઆતમાં એવું લાગ્યું કે કોઈ ચોરોએ લૂંટના ઇરાદાથી સુલેખા પર હુમલો કર્યો હશે અને તે બાદ ચોરો સુલેખાનાં તમામ ઘરેણાં લઈને ભાગી ગયા હશે. શરૂઆતમાં લૂંટ અને હત્યાનો કેસ દેખાઈ રહ્યો હતો, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી, તેમ તેમ એક ગૂંચવણભરી અને ચોંકાવનારી વાર્તા સામે આવવા લાગી.
સુલેખાની હત્યા બાદ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી, પરંતુ શરૂઆતમાં કેસમાં ખાસ પ્રગતિ થઈ નહીં. ગામના લોકોમાં ચર્ચાઓ ચાલવા લાગી. કેટલાકે લૂંટની થિયરીને સમર્થન આપ્યું, જ્યારે અન્ય લોકોને શંકા હતી કે આ હત્યા પાછળ કોઈ જટિલ કારણ છુપાયેલું હોઈ શકે. ઘણાં વર્ષો સુધી આ કેસમાં કોઈ પણ પ્રકારની નોંધપાત્ર પ્રગતિ થઈ નહીં અને આ ઘોર અન્યાયની લાગણીએ સમગ્ર ગામમાં અસંતોષ ફેલાવ્યો.
આખરે ગામના લોકોની માગણીને કારણે વર્ષ 2012માં આ કેસને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવ્યો. CBIની ટીમે આ ગુનાને નવેસરથી તપાસવાનું શરૂ કર્યું અને તેમની તપાસે એક નવું રહસ્ય ખોલ્યું. CBIના અહેવાલ મુજબ આ હત્યા લૂંટનો કેસ નહોતી, પરંતુ એક ગેરકાયદેસર સંબંધોની ગૂંચવણમાંથી ઉદ્ભવેલી ઘટના હતી.
CBIની તપાસમાં ત્રણ આરોપીઓનાં નામ સામે આવ્યાં: અબ્દુલ કરીમ ઉર્ફે પૂથન કરીમ (46), કુંજીથી અબ્દુલ કરીમ (52) અને વલ્સલાકુમારી (54). તે દિવસે જ્યારે સુલેખા બગીચાના શેડમાં ગઈ ત્યારે આ ત્રણેય એ શેડમાં હાજર હતાં. વાસ્તવિકતા એ હતી કે, અબ્દુલ કરીમ અને વલ્સલાકુમારી બંને એકબીજા સાથે ગેરકાયદેસર સંબંધમાં હતાં અને તેઓ તેમના પરિવારજનો અને ગામલોકોથી છુપાઈને રબરના બગીચાના શેડમાં એકબીજાને મળવા માટે આવ્યાં હતાં. આ સિવાય ગામનો કસાઈ કુંજીથી પણ ત્યાં હાજર હતો.
જ્યારે સુલેખાએ શેડમાંથી કોઈ વિચિત્ર અવાજ સાંભળ્યો ત્યારે તેને શંકા ગઈ અને તે શેડ તરફ ચાલવા લાગી. શેડમાં પહોંચ્યા બાદ તેણે અબ્દુલ કરીમ, વલ્સલાકુમારી અને કુંજીથીને અયોગ્ય સ્થિતિઓમાં જોયાં. CBIના અહેવાલ પ્રમાણે સુલેખાએ તેમને ગામમાં બદનામ કરવાની ધમકી આપી અને કહ્યું કે, તે તેમના ગેરકાનૂની સંબંધોનો પર્દાફાશ કરીને જ રહેશે. આ ધમકીએ ત્રણેય આરોપીઓને ગભરાટમાં મૂકી દીધા. તેમની બદનામીનો ડર અને ગુસ્સામાં સુલેખા સાથે એક હિંસક ઝઘડો થયો. આ ઝઘડા દરમિયાન પૂથન કરીમે ચાકુ કાઢીને સુલેખાના જમણા હાથની નસ કાપી નાખી. વલ્સલાકુમારીએ પણ બંને પુરુષોને સુલેખાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી. આ ઝપાઝપીમાં સુલેખાનું ગળું કાપવામાં આવ્યું અને તેનું મોત થયું.
CBIની તપાસે ઘણા મહત્ત્વના પુરાવાઓ એકઠા કર્યા. ઘટનાના ત્રણ દિવસ બાદ વલ્સલાકુમારીએ પોતાની લોહીથી ખરડાયેલી નાઈટીને સળગાવી નાખી, જેને CBIએ ગુનાને છુપાવવાનો પ્રયાસ ગણાવ્યો. સ્થાનિક લોકોને પેરિયાર વેલી નહેરમાંથી એક ચાકુ મળ્યું, જે ઘટનાસ્થળની નજીક હતું. આ ચાકુને CBIને સોંપવામાં આવ્યું અને ફોરેન્સિક તપાસે પુષ્ટિ કરી કે તે હત્યાનું હથિયાર હતું.
વધુમાં CBIએ પૂથન કરીમ અને કુંજીથી અબ્દુલ કરીમ પર નાર્કો ટેસ્ટ કર્યા, જેમાં તેમની સંડોવણીના વધુ સંકેતો મળ્યા. એક સાક્ષીએ પણ જણાવ્યું કે આરોપીઓ ઘટનાસ્થળે શંકાસ્પદ સ્થિતિમાં જોવા મળ્યા હતા. આ પુરાવાઓએ CBIની થિયરીને મજબૂત બનાવી કે આ હત્યા લૂંટનો કેસ નહોતી, પરંતુ એક આકસ્મિક હત્યા હતી, જે ગેરકાયદેસર સંબંધોને છુપાવવા માટે કરવામાં આવી હતી.
27 જુલાઈ, 2013ના રોજ CBIએ એર્નાકુલમના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી, જેમાં ત્રણેય આરોપીઓનાં નામ હતાં. ચાર્જશીટમાં વિગતવાર જણાવાયું હતું કે કેવી રીતે સુલેખાએ આરોપીઓને સમાધાનકારી સ્થિતિમાં જોયાં અને તેની ધમકીથી આરોપીઓ ઉશ્કેરાયા અને તે સુલેખાના હત્યાનું કારણ બન્યા. CBIએ એમ પણ જણાવ્યું કે આરોપીઓએ લૂંટની વાર્તા ગોઠવી હતી, જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય.
વર્ષ 2013માં તમામ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ થઈ. કોર્ટમાં 101 સાક્ષીઓની જુબાની લેવામાં આવી. 16 મટીરિયલ ઓબ્જેક્ટ્સ અને 71 દસ્તાવેજોની તપાસ કરવામાં આવી. CBIના વકીલ કે. જે. એન્ટોનીએ આરોપીઓ વિરુદ્ધ મજબૂત કેસ રજૂ કર્યો, જ્યારે આરોપીઓના વકીલો મનુ ટોમ ચેરુવલ્લી અને મોહમ્મદ સબાહે તેમનો બચાવ કર્યો, પરંતુ કેસમાં સૌથી મોટો વળાંક તો 26 એપ્રિલ, 2016ના રોજ આવ્યો. CBI કોર્ટે એક ચોંકાવનારો ચુકાદો આપ્યો. જજ એસ. સંતોષકુમારે તમામ આરોપીઓ અબ્દુલ કરીમ ઉર્ફે પૂથન કરીમ, કુંજીથી અબ્દુલ કરીમ અને વલ્સલાકુમારીને નિર્દોષ જાહેર કર્યાં.
કોર્ટે જણાવ્યું કે પ્રોસિક્યુશન આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું. `પુરાવાઓનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા બાદ કોર્ટ આ નિષ્કર્ષ પર પહોંચી છે કે પ્રોસિક્યુશન આરોપીઓનો ગુનો નિશ્ચિતપણે સાબિત કરી શક્યું નથી. ગુનાને સાબિત કરવા માટેની પરિસ્થિતિઓની શૃંખલા અધૂરી છે. આથી આરોપીઓને શંકાનો લાભ આપવામાં આવે છે' એમ કોર્ટે જણાવ્યું.આ ચુકાદાએ ગામમાં અને તપાસમાં સામેલ લોકોમાં આશ્ચર્ય અને આઘાતની લાગણી ફેલાવી. CBIએ ઘણા પુરાવાઓ, જેમ કે, ચાકુ, નાર્કો ટેસ્ટ અને સાક્ષીઓની જુબાની રજૂ કર્યાં હતાં, પરંતુ કોર્ટે આ પુરાવાઓને પૂરતા અને નક્કર ન ગણ્યા. આ નિર્ણયે ન્યાયની વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કર્યા.
શું CBIની તપાસમાં કોઈ ખામી હતી કે પછી કોર્ટે પુરાવાઓનું અલગ રીતે મૂલ્યાંકન કર્યું?
સુલેખાની હત્યાની કથા એક રહસ્યમય પઝલ જેવી છે, જેમાં ઘણા ટુકડાઓ હોવા છતાં, સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થયું નથી. CBIની થિયરી મુજબ આ હત્યા એક આકસ્મિક ઘટના હતી, જે ગેરકાયદેસર સંબંધોને છુપાવવાના ડરથી થઈ. આરોપીઓએ લૂંટની વાર્તા ગોઠવી, જેથી તેમનો ગુનો છુપાઈ રહે, પરંતુ કોર્ટના ચુકાદાએ આ થિયરીને નકારી કાઢી અને આરોપીઓને મુક્ત કરવામાં આવ્યાં.
આ કેસમાં ઘણા પ્રશ્નો હજુ અનુત્તરિત છે. શું સુલેખાની હત્યા ખરેખર આરોપીઓએ કરી હતી, પરંતુ પુરાવાઓની કમીથી તેઓ બચી ગયાં? કે પછી આ ગુનાની પાછળ કોઈ અન્ય રહસ્ય હતું, જે CBIની તપાસમાં સામે આવ્યું નહીં? સ્થાનિક લોકોની ચર્ચાઓમાં આજે પણ આ ઘટના એક રહસ્ય તરીકે જીવંત છે.
સુલેખા હત્યા કેસ એક એવી ઘટના છે, જેણે ન્યાયની વ્યવસ્થા, પુરાવાઓની મજબૂતી અને ગુનાની તપાસની જટિલતાઓને પ્રકાશિત કરી. CBIની ચાર્જશીટ અને તપાસના પુરાવાઓએ એક રોમાંચક વાર્તા રજૂ કરી, પરંતુ કોર્ટના ચુકાદાએ તેને અધૂરી રાખી. સુલેખાના પરિવાર અને ગામના લોકો માટે આ ઘટના હજુ પણ એક દુ:ખદ યાદગીરી છે, જેનો ન્યાય અધૂરો રહ્યો.
આ કથા એક ચેતવણી છે કે ગુનાની દુનિયામાં સત્ય શોધવું કેટલું જટિલ હોઈ શકે છે. સુલેખાની હત્યા એક રહસ્ય તરીકે શરૂ થઈ અને રહસ્ય તરીકે જ અંત થઈ. આજે પણ પટ્ટીમટ્ટોમના રબરના બગીચામાંથી પસાર થતા લોકોને એ શેડ યાદ અપાવે છે, જ્યાં એક સ્ત્રીનું જીવન ખતમ થયું અને ન્યાયની શોધ હજુ અધૂરી છે.
