મશહૂર અભિનેત્રી મીના કુમારી અને તેમના પતિ, પ્રતિભાશાળી ફિલ્મ નિર્દેશક કમાલ અમરોહીનાં 11 વર્ષ ચાલેલા ખરબચડા લગ્નજીવન પર એક ફિલ્મ બની રહી છે. તેના નિર્માતા અમરોહીના પૌત્ર બિલાલ અમરોહી છે અને નિર્દેશક છે સિદ્ધાર્થ પી. મલ્હોત્રા, જેમણે `હિચકી' અને `મહારાજ' ફિલ્મ બનાવી હતી.
વાર્તા તૈયાર છે અને કલાકારોની શોધ ચાલુ છે. મીનાજી એક અચ્છા શાયર પણ હતાં એટલે તેમના કિરદાર માટે એક એવી અભિનેત્રીની તલાશ છે જે ઉર્દૂ બોલી શકતી હોય. મીના અને અમરોહીનાં 1952માં લગ્ન થયાં હતાં અને 1964 સુધી તેમનો સંબંધ ચાલ્યો હતો.
એ દરમિયાન અંગત અને વ્યાવસાયિક જીવનમાં ઘણું બધું બન્યું હતું. હિન્દી સિનેમાની દુનિયામાં તેને લઈને ઘણી વાતો છે. મીનાજીનું લીવર સોરાયસિસના કારણે 1972માં અવસાન થયું હતું. તેમની છેલ્લી ફિલ્મ `પાકીઝા.' અમરોહીએ પંદર વર્ષના વિલંબ પછી આ સદાબહાર ફિલ્મ પૂરી કરી હતી. ફિલ્મ રિલીઝ થયાનાં ત્રણ સપ્તાહ પછી મીનાએ અંતિમ શ્વાસ લીધો હતો.
મીના 18 વર્ષનાં હતાં અને અમરોહી 32 વર્ષના હતા, ત્યારે બંને 1952માં `તમાશા' ફિલ્મના સેટ્સ પર મળ્યાં હતાં. એ જ વર્ષે બંનેેએ ખાનગીમાં નિકાહ કરી લીધા હતા. બીજા વર્ષે 1953માં અમરોહીએ મીના સાથેના પ્રેમજીવન પર `દાયરા' નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મનો ધબડકો થયો. અમરોહીને ધક્કો લાગ્યો. તેમને નિર્દેશક તરીકે તો નામ કમાવું જ હતું, પણ ખાસ કરીને પત્ની મીના કુમારીની પ્રતિભાને ન્યાય આપે તેવી એક ફિલ્મ કરવી હતી. તે વખતે તેમણે એક તવાયફની વાર્તા વિચારી હતી, જે 1958 આવતાં સુધીમાં `પાકીઝા'નું સ્વરૂપ લઇ ચૂકી હતી.
તે વખતના સુપરસ્ટાર અને `તમાશા'માં ફિલ્મ સ્ટારનો કિરદાર કરનાર અશોક કુમારે બંનેની મુલાકાત કરાવી હતી. કમાલ અમરોહીએ વર્ષો પહેલાં બાળ કલાકાર મીનાજીને એકવાર જોયાં હતાં. 14 વર્ષ પછી તે `તામાશા'ના સેટ્સ પર ફરી મળ્યાં ત્યારે 19 વર્ષનો ફર્ક હોવા છતાં તેઓ મીનાજીના પ્રેમમાં પડી ગયા હતા. અહીં જ તેમણે મીનાને `અનારકલી' ફિલ્મ ઓફર કરી હતી. મીના કુમારીનું પણ એ બદ્નસીબ કે તેઓ પણ એક પરણિત ફિલ્મ નિર્દેશકના મોહપાશમાં બંધાઈ ગયાં.
`તમાશા' ફિલ્મ વખતે મીનાજી એક દમદાર અભિનેત્રી તરીકે સ્થાપિત થઇ ચૂક્યાં હતાં. તેમની પાછળ દસ ફિલ્મો બોલતી હતી. 1952માં તે બીજી એક મોટી ફિલ્મ `બૈજુ બાવરા'માં કામ કરી રહ્યાં હતાં. એટલે મીનાજીના જીવનમાં 1952નું વર્ષ ટર્નિંગ પોઈન્ટ સમાન છે. બે મોટી હિટ ફિલ્મો અને કમાલ અમરોહી સાથે નિકાહ.
`તમાશા' હિટ રહી હતી એટલું જ નહીં, વાર્તા કહેવાની શૈલીમાં તે તેના સમય કરતાં બહુ આગળ હતી. આ ફિલ્મમાં 16 દિવસની વાર્તા હતી. એવું કહેવાય છે કે તે હોલિવૂડની કેમેડી ફિલ્મ `ઈટ સ્ટાર્ટેડ વિથ ઈવ'ની નકલ હતી. ફિલ્મમાં મીના કુમારી સાથે બે મોટા સ્ટાર હતા; દેવ આનંદ અને અશોક કુમાર.
મીના અને દેવ આનંદની એકસાથે આ પહેલી ફિલ્મ. એમાં કિશોર કુમારનો પણ એક કિરદાર હતો. દેવ અને કિશોર સાથે હોય તેવી આ બીજી ફિલ્મ. અગાઉ 1948માં આવેલી `જિદ્દી'માં તે બંને પહેલીવાર ભેગા થયા હતા. `તમાશા' બોમ્બે ટોકીઝની ફિલ્મ હતી અને અશોક કુમાર તેના હીરો હતા. એટલે મોટાભાઈની વગના કારણે કિશોરને આ ફિલ્મ મળી હતી.
`તમાશા'ની વાર્તા રસપ્રદ હતી. દિલીપ (દેવ આનંદ) એક ધનવાન બિઝનેસમેન રાય બહાદુર સાહેબ (બિપીન ગુપ્તા)નો પૌત્ર છે. તે એક નવોદિત અભિનેત્રી નયનતારા (કૌશલ્યા) પાછળ ગાંડો છે અને દાદાની નારાજગી વચ્ચે તેની પાછળ ખૂબ પૈસા ઉડાડે છે. દિલીપ એવું માને છે કે નયનતારા પણ તેને પ્રેમ કરે છે, પરંતુ તે હકીકતમાં તે અશોક કુમાર (અશોક કુમાર) નામના ફિલ્મ સ્ટારના પ્રેમમાં છે અને દિલીપના પૈસે એક ફિલ્મ બનાવવાના ચક્કરમાં છે. અશોક કુમારને આ `ગોઠવણ'ની ખબર છે, પણ તેને વાંધો નથી. તેને તો નયનતારાની ચાલાકી અને સાહસની મજા આવે છે.
દિલીપ તેના દાદાને એવું ભરમાવે છે કે તેને અભિનેત્રીમાં કોઈ રસ નથી અને તે તો કોઈ સુશીલ છોકરીને ઘરની વહુ બનાવવા માંગે છે. દાદા ભોટ નથી. તેમની અનુભવી આંખો બધું પામી જાય છે. તેઓ તેમના પૌત્રને અભિનેત્રીના ચક્કરમાંથી બહાર કાઢવા માટે એક યોજના બનાવે છે. ડોક્ટર મિત્રની મદદથી દાદા બીમાર થઇ જાય છે અને પૌત્રને ઈમોશનલ બ્લેકમેલ કરે છે કે તેઓ મરતા પહેલાં વહુ જોવા માંગે છે.
દિલીપ હવે દાદાને ખુશ કરવા માટે કિરણ (મીના કુમારી) નામની એક સુંદર અને સુશીલ છોકરીને ગર્લફ્રેન્ડ બનવા માટે તૈયાર કરે છે. તે કિરણને એવું સમજાવે છે કે તેના દાદા થોડા દિવસોના મહેમાન છે, તે પછી તે તેને પૈસા આપીને છૂટી કરશે. દિલીપને તો નયનતારાને જ ઘરમાં લાવવી છે એટલે તે વચગાળાના રસ્તા તરીકે કિરણને નાટકમાં સામેલ કરે છે.
એવું બનતું નથી. દિલીપના બદ્નસીબે કિરણના સ્વર્ગસ્થ દાદા તેના દાદાના જૂના મિત્ર નીકળે છે. હવે કિરણને દિલીપનું ઘર પોતાના ઘર જેવું લાગવા માંડે છે. બીજી બાજુ કિરણની સાથે સમય પસાર કરવાથી દિલીપને પણ તે છોકરી ગમવા લાગે છે. આ બધા વચ્ચે દિલીપના મિત્ર રાજુ (કિશોર કુમાર)ની એન્ટ્રી થાય છે. તે તેની ઉટપટાંગ હરકતોથી દિલીપ અને કિરણને એકબીજાની નજીક લાવે છે. દિલીપ હવે નયનતારા અને કિરણ વચ્ચે ફસાઈ જાય છે.
આ ફિલ્મમાં ખેમચંદ પ્રકાશનું સંગીત હતું અને તેમાં સાત ગીતો હતાં. એમાં કિશોર કુમારનું એક ગીત પણ હતું, જે દેખીતી રીતે તેના પર જ ફિલ્માવાયું હતું. આ ગીતના સંગીતનું શ્રેય પાછળથી એક મશહૂર ગાયક બનેલા મન્ના ડેના નામે છે, જે તે જમાનામાં ખેમચંદ પ્રકાશના સહાયક હતા. કેવું કહેવાય કે કિશોર કુમારના ગીતમાં મન્ના ડેનું સંગીત!
ગીત એકદમ બમ્બૈયા ભાષામાં હતું. કદાચ હિન્દી સિનેમાનું આ પહેલું ગીત હતું જેમાં મુંબઈની સડકછાપ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં પથારીમાં આરામ ફરમાવતા દિલીપને ચીડવવા માટે રાજુ નખરાં કરે છે અને ગીત ગાય છે;
ખાલી પીલી કાહે કો અખ્ખા દિન બૈઠ કે બોમ મારતા હૈ
સસ્તે ઉઠકે બાથરૂમ મેં જાકે સ્નાન કર
હમામ લક્સ સે રગડ રગડ બદન કો સાફ કર
ઓ આલસી કાહે કો હિમ્મત હારતા હૈ.
મજાની વાત એ છે કે કિશોર કુમાર ગીતની પહેલી પંક્તિને શાસ્ત્રીય રાગમાં ગાય છે અને પછી તે રંગમાં આવીને જોરશોરથી ગાવા લાગે છે. ખેમચંદ પ્રકાશે મન્ના ડેને જ આ ગીત ગાવાનું કહ્યું હતું, પરંતુ મન્નાએ જ કિશોરનો આગ્રહ કર્યો હતો.
બાય ધ વે, મીના કેમ એક જાજરમાન અભિનેત્રી હતી તેનો પુરાવો `તમાશા' ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે આપેલા એક ઇન્ટરવ્યૂમાં છે. પત્રકારના એક સવાલના જવાબમાં 18 વર્ષની મીનાએ કહ્યું હતું, `હું બિનજરૂરી સેક્સી અને વલ્ગર ન હોય તેવાં કોઇ પણ કિરદાર કરવા માટે તૈયાર છું. હું પગ કે ખભા ઉઘાડા નથી કરતી. મેં (દિલીપ કુમારની) `ફૂટપાથ'માં એક મિનિટનું નહાવાનું દૃશ્ય કરવા હા પાડી હતી, કારણ કે (નિર્દેશક) ઝિયા સરહદીએ તેનાથી ગીતને વાસ્તવિકતાનો સ્પર્શ થશે એમ કહ્યું હતું .'
