દરેક શિક્ષકની ક્લાસરૂમમાં ભણાવવાની પોતાની એક આગવી પદ્ધતિ હોય છે અને દરેક શિક્ષક પોતાની એ આગવી સ્ટાઈલ માટે પ્રખ્યાત-કુખ્યાત હોય છે.

અમારા એક શિક્ષક પ્રકાશભાઈને ક્લાસરૂમની છત પર લટકતા પંખાને જોઇને ભણાવાની આદત હતી. અમે એનું નામ `પકો પંખો' પાડ્યું હતું. અમારા બીજા એક ગણિતના શિક્ષક ભરતભાઈને વારેવારે મોટેથી `ભોન પડી?' એવું પૂછવાની આદત હતી. અમે એનું નામ `ભરત ભોન પડી' એવું પાડી દીધું હતું. વગર કારણે વારંવાર ગુસ્સે થયાં કરતાં અમારાં ચંદ્રિકાબહેનને અમે `ચંડિકાબહેન' કહેતા હતા. ટૂંકમાં, દરેક શિક્ષકને પોતાની આગવી ઓળખ અપાવનારા `ટ્રેડમાર્ક' વાક્યો કે આદતો હોય જ છે, પરંતુ આ સિવાય અમુક ચોક્કસ શબ્દો કે વાક્યો એવાં છે જે મોટાભાગે દરેક ક્લાસમાં દરેક શિક્ષક અચૂક બોલતા હતા, બોલે છે અને બોલતા રહેશે.

આખી દુનિયાના દરેક ક્લાસમાં શિક્ષક જ્યારે ભણાવતા હોય ત્યારે છોકરાઓ વાતો કરે એ એમને જરા પણ ગમતું નથી હોતું. ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓ વાતો કરે તો ટીચર તરત જ રાડ પાડીને એક `બ્રહ્મવાક્ય' બોલતા હોય છે, `આ ક્લાસરૂમ છે, મચ્છી માર્કેટ નથી.' અને તો પણ વિદ્યાથીઓ વાતો કરતા ન અટકે તો શિક્ષક ભેદી ધમકી આપતા હોય છે, `હવે કોઈ વાતો કરશે તો એને બારીની બહાર ફેંકી દઈશ.' ચાલુ ક્લાસે વિદ્યાર્થીને અચાનક ઊભા કરી, એમને ગેબી સવાલો પૂછવાની શિક્ષકોને અજબગજબની હોબી હોય છે. એકદમ ગોફણની જેમ ફેંકાયેલા સવાલથી મૂંઝાયેલો વિદ્યાર્થી ત... ત... 5... પ... કરીને ધીમા અવાજે જવાબ આપવાનું શરૂ કરે ત્યાં શિક્ષક મોટા અવાજે એને ધમકાવે છે, `કેમ લ્યા? ધીમે ધીમે કેમ બોલે છે? ઘરે ખાતો પીતો નથી? મોટેથી બોલ.'

ક્લાસમાં બેધ્યાન રહેનારા વિદ્યાર્થીઓને પકડવામાં તો શિક્ષકોએ જબરી મહારત હાંસલ કરેલી હોય છે. કોઈ બેધ્યાન વિદ્યાર્થી પર શિક્ષકનું ધ્યાન જાય કે તરતજ એ કોઈ અગમ વાક્ય બોલે છે, `અલ્યા, તારું શરીર અહીંયાં હાજર છે, પણ ભેજું તો ક્યાંક બીજે જ ભમી રહ્યું છે.' ઘણીવાર શિક્ષકો આખા ક્લાસ માટે એક સાર્વજનિક વાક્યપ્રયોગ કરતા હોય છે, `બધા ક્લાસોમાં સૌથી ખરાબમાં ખરાબ ક્લાસ હોય તો એ આ જ ક્લાસ છે.' (અને આવું વાક્ય એ દરેક ક્લાસમાં બોલતા હોય છે).

ઘણા શિક્ષકો ઓપ્શન આપતા હોય એવું વાક્ય પણ બોલતા હોય છે. `જેને મારા ક્લાસમાં ભણવું ન હોય એ અત્યારે ને અત્યારે બહાર જઈ શકે છે.' અમુક શિક્ષકો તો વિદ્યાર્થીઓની પરવાનગી માગતા હોય એવું વાક્ય પણ બોલતા હોય છે, `ભઇ, તમારા લોકોની વાતો પતી જાય એટલે કહેજો હોં. પછી હું ભણાવવાનું શરૂ કરીશ.' અમુક વખત વિદ્યાર્થીઓને અંદર અંદર હસાહસી કરતા જોઈ શિક્ષક એવું પણ કહેતા હોય છે, `લ્યા, શેની હસાહસી ચાલે છે? કોઈ જોક-બોક હોય તો અમને પણ કહો, અમે પણ હસીએ.' સતત પાંચ-સાત પિરિયડ ભણી-ભણીને કંટાળી ગયેલા, `ચણીબોર' થયેલા વિદ્યાર્થીઓ ક્લાસમાં જરાક આરામથી બેઠા હોય તો શિક્ષક તરત તાડૂકતા હોય છે, `અલ્યા સરખા બેસો, આ ક્લાસરૂમ છે, બાવાનો બગીચો નથી.' જો કોઈ વિદ્યાર્થી નોટ લાવવાનું ભૂલી ગયો હોય તો શિક્ષક એને ટપારતા હોય છે, `કેમ ભઈ? નોટ કેમ ભૂલી ગયો? ઘરે જમવાનું ભૂલી જાય છે?'

ઘણીવાર શિક્ષકો વિદ્યાર્થીનાં મા-બાપને ઉદ્દેશીને એમના `પાલ્ય'નાં પરાક્રમોની ફરિયાદવાળી ચિઠ્ઠી પણ લખતા હોય છે અને પછી વિદ્યાર્થીને ધમકી આપતા હોય છે, `આના પર તારા વાલીની સહી કરાવતો આવજે મવાલી, નહીંતર એમને સ્કૂલમાં બોલાવીશ.' અને એક અલ્ટિમેટ વાક્ય તો જગતના દરેક ક્લાસરૂમમાં દરેક શિક્ષક બોલે જ છે, `મને મારા ક્લાસમાં પિન ડ્રોપ સાયલન્સ જોઈએ.' બોલો, આવાં બધાં વાક્યો તમે ક્લાસમાં સાંભળ્યાં છેને?

અંતમાં એક અગત્યનો સવાલ ક્રિકેટ રમનાર માટે ક્રિકેટર શબ્દ બન્યો છે, એક્ટિંગ કરનારા માટે એક્ટર શબ્દ બન્યો છે તો વિદ્યાર્થીઓને ટીચનાર માટે ટીચર શબ્દ બન્યો હશે? હેં?

ચતુર કરો વિચાર.