હિન્દી સિનેમાના ઈતિહાસમાં 1970નો દાયકો સીમાચિહ્ન રૂપ છે. આ એ સમય હતો, જ્યારે મોટાભાગે રોમેન્ટિક વાર્તાઓ પર ધબકતા બોલિવૂડમાં ક્રાઈમ થ્રિલરનો પ્રવેશ થયો હતો અને જેણે ફિલ્મ નિર્માણમાં એક અલગ જ મોડ આપ્યો હતો.

જેમ કે, ફિરોઝ ખાનની ધર્માત્મા, ઋષિ કપૂરની બારૂદ, રાજેશ ખન્નાની રાજા-રાની, વિનોદ ખન્નાની મેરા ગાંવ મેરા દેશ, ધર્મેન્દ્રની શાલીમાર અને લોફર, વિનોદ ખન્નાની અચાનક, અમિતાભ બચ્ચનની ઝંજીર, દીવાર અને શોલે, સુનીલ દત્તની રેશ્મા ઔર શેરા અને શશી કપૂરની ફકિરા.

આ દાયકાની શરૂઆત આનંદ બંધુઓ, દેવ અને વિજયની `જોની મેરા નામ'થી થઇ હતી. દેવ આનંદે અગાઉ (બ્લેક એન્ડ વ્હાઈટ) ક્રાઈમ થ્રિલર ફિલ્મો કરી હતી હતી અને તે પણ મોટાભાઈ વિજય આનંદના નિર્દેશનમાં, પરંતુ `મેરા નામ જોની'માં અસલી અર્થમાં આધુનિક ક્રાઈમ થ્રિલર, આઈટમ નંબર, ઉત્કૃષ્ઠ વેશભૂષા, મધુર સંગીત, ખૂબસૂરત લોકેશન્સ અને સુંદર સિનેમેટોગ્રાફીના સહારે એક એવી ફિલ્મ પેશ કરવામાં આવી હતી, જેમાં નવા જમાનાના દર્શકોને `આંતરરાષ્ટ્રીય ફિલ્મ'નો અનુભવ થયો હતો.

હિન્દી સિનેમાના ઈતિહાસમાં દરેક વિતરણ ક્ષેત્રમાં 50 લાખ રૂપિયા કે તેથી વધુનો બિઝનેસ કરનારી આ પહેલી ફિલ્મ છે. તે જમાનામાં સિનેમા ટિકિટના ભાવ 50 પૈસા, 1.5 રૂપિયા અને 2.5 રૂપિયા હતા. `જોની મેરા નામ' `નવેમ્બર, 1970માં રજૂ થઈ હતી અને શોમેન રાજ કપૂરની ફિલ્મ' `મેરા નામ જોકર' તે પછીના મહિને રજૂ થઈ હતી. જોકર બોક્સ ઓફિસ પર ધોવાઇ ગયો અને જોની તરી ગયો.

બંને ફિલ્મોનાં નામમાં સરખાપણું છે એટલું જ નહીં, રાજ કપૂરે એક જ પાર્ટીમાં દેવ આનંદના મિત્ર અને નવકેતન ફિલ્મ્સના વિતરક ગુલશન રાયને એવો ટોણો માર્યો હતો કે વિતરકો માત્ર વેપારી છે અને તેમને ફિલ્મ નિર્માણમાં સમજ ન પડે. દેવ અને ગુલશન રાયે આ `ચેલેન્જ' ઉપાડી લીધી અને નિર્માતા તરીકે એવી ફિલ્મ બનાવી કે તે માત્ર ટ્રેડસેટર સાબિત થઇ એટલું જ નહીં, ગુલશન રાયને પણ મોટા ગજાના નિર્માતા તરીકે

સ્થાપિત કરી ગઈ.

`જોની મેરા નામ' બે ભાઈઓની વાર્તા છે. એક પોલીસ અધિકારીના પિતાના આ બે પુત્રો, સોહન અને મોહન બાળપણમાં અલગ થઈ જાય છે અને મોટા થાય છે ત્યારે સોહન ઉર્ફે જોની (દેવ) સીઆઈડી ઇન્સ્પેક્ટર બને છે અને મોહન ઉર્ફે મોતી (પ્રાણ) ગેંગસ્ટર. સીઆઈડી ઇન્સ્પેક્ટર હોવાથી વેશપલટો કરવો, ઓળખ છુપાવી અને ગુનેગારોની ગેંગમાં ઘૂસવું તે સોહનના કામનો એક ભાગ છે. આ કામમાં તેને એક સુંદર અને સ્માર્ટ છોકરી રેખા (હેમા માલિની)નો સાથ મળે છે.

વિજય આનંદ સ્ટાઇલિશ ફિલ્મ નિર્દેશક હતા. તેમની ગાઈડ, તીસરી મંજિલ, જ્વેલ થીફ અને જોની મેરા નામ તેની ગવાહ છે. મસાલા ફિલ્મોના દાયરાને તોડીને વાર્તા કહેવાની તેમની રીત અનોખી હતી. તેઓ એટલી સરળતાથી એક જટિલ પ્લોટને પડદા પર પાથરતા હતા કે અશક્ય લાગતી વાત આનંદદાયક બની જતી.

`જોની મેરા નામ'માં એ બધું જ હતું, જે એક હિટ ફિલ્મ માટે જરૂરી હોય. કલ્યાણજી-આનંદજીનું ઉત્તેજક સંગીત તેનું એક મહત્ત્વનું પાસું હતું. ફિલ્મની શરૂઆતમાં જ `નંબરિયાં' વખતે તેમણે જે બેકગ્રાઉન્ડ સંગીત રચ્યું હતું, તેના પરથી જ દર્શકોને અંદેશો આવી જતો હતો કે `જોની મેરા નામ' એક વિશેષ ફિલ્મ સાબિત થશે. એ બેકગ્રાઉન્ડ સંગીત આજે પણ ભારતનાં બેન્ડવાજાંવાળાઓનું ગમતું થીમ મ્યુઝિક છે.

ફિલ્મમાં કુલ છ ગીતો હતાં અને બધાં જ લોકપ્રિય થયાં હતાં, પણ તેમાંથી બે, `પલ ભર કે લિયે કોઈ હમેં પ્યાર કર લે' અને `ઓ મેરે રાજા, ખફા ના હોના' તેના અસાધારણ ફિલ્માંકન માટે આજે પણ યાદગાર છે.

એકમાં વિજય આનંદે હેમા માલિનીને એક રૂમમાં પૂરીને તેની બારીઓમાં દેવ આનંદને ગીત ગાતો અને હેમાને પજવતો બતાવ્યો હતો. કાશ્મીરના બગીચાઓમાં હીરો-હિરોઈનને જોવા ટેવાયેલા દર્શકો માટે આ એક નવો જ અનુભવ હતો, જેમાં હિરોઈન મેકઅપ કરતી હોય અને હીરો ડોકિયાં કરતો હોય.

બીજું ગીત બિહારમાં નાલંદાના ખંડેરમાં શૂટ થયું હતું. એ પણ અનોખું હતું. દેવ અને હેમાને ખંડેરોની છત અને દીવાલો પર ચડાવીને ગીત ગાતા બતાવાનું અને પાછી જગદીશ રાજની `મૂર્ખ' પોલીસ તેમનો પીછો કરતી હોય, તેવી અકલ્પનીય સિચ્યુએશનને પણ વિજય આનંદે દિલચસ્પ બનાવી દીધી હતી. બ્લેક શિફોન સાડી પહેરેલી હેમા એ ગીતમાં બેહદ ખૂબસૂરત લાગતી હતી. દેવ અને હેમાની સજોડે આ પહેલી ફિલ્મ.

જોકે, પદ્મા ખન્નાનું ગરમાગરમ `હુસ્ન કે લાખ રંગ' તે સમયના કિશોર દર્શકો માટે સૌથી મોટું આકર્ષણ સાબિત થયું હતું. આશા ભોંસલેનાં સૌથી કામુક ગીતોમાંના એક, આ ગીતને ખન્નાએ દિલથી ન્યાય આપ્યો હતો. આ પાત્ર પરથી જ સલીમ-જાવેદે ફિલ્મ `ડોન'માં હેલનની ભૂમિકા લખી હતી.

વિજય આનંદ પર અનિતા પાધ્યે તેમના મરાઠી પુસ્તક `એક હોતા ગોલ્ડી'માં લખે છે કે એ ગીતમાં પ્રેમનાથના હાવભાવ એટલા વાસ્તવિક હતા કે વિજય આનંદને ચિંતા હતી કે પ્રેમનાથ સાચે જ વાસનામાં દોરવાઈને ખન્નાને ભેટી પડશે! આ ફિલ્મથી પ્રેમનાથને ચારિત્ર્ય અભિનેતા તરીકે નવું જીવન મળ્યું હતું.

ફિલ્મમાં યશ જોહરના કોમેડિયન ભાઈ આઈ.એસ. જોહરની ત્રણ ભૂમિકાઓ દર્શકો માટે નવાઈ હતી. હીરોના ભાઈની ભૂમિકામાં પ્રાણનું પાત્ર પણ એટલું જ દમદાર હતું, તો તેના રિંગ લીડર તરીકે જીવણ પણ બહુ અસરકારક હતા.

દેવ આનંદ તેમાં સીઆઈડી ઇન્સ્પેક્ટર તરીકે પોતાની ઓળખ બદલે છે. (જોની, ઉસ્માન અલી, જુગલકિશોર) એ પણ દર્શકોમાં એક પ્રકારનો સસ્પેન્સનો ભાવ પેદા કરે તેવી વાત હતી. બે ભાઈઓ નાનપણમાં વિખૂટા પડી ગયા હોય તે વાત સાવ નવી ન હોવા છતાં ફિલ્મના આરંભે, બંને તેમની કિશોર અવસ્થામાં બોક્સિંગ રિંગમાં એકબીજાને મુક્કા મારતા હોય અને ફિલ્મના અંતે પ્રતિદ્વંદ્વી તરીકે ભટકાઈને એકબીજાને મુક્કા મારીને જ અસલી ઓળખાણ પાછી મેળવે એ જોવાનો અનુભવ સાવ જ નવો હતો. `બોલ, ક્યા નામ હૈ તેરા?' એવું જ્યારે મોતી પૂછે અને `જોની મેરા નામ હૈ' એવો જવાબ મળે, ત્યારે દર્શકોને ફિલ્મના ટાઈટલનો અસલી અર્થ સમજમાં આવે.