આગઠબંધનની રચના છ ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. તેઓ પ્રદેશ પર કબજો કરવા અન્યને મારી નાખવાની આક્રમક યુક્તિઓ માટે જાણીતા હતા. ગઠબંધન શબ્દ કેટલાક દાયકાઓથી ભારતીય રાજકારણમાં સાંભળવા મળે છે અને ઉપરોક્ત શબ્દચિત્ર વાંચી તમને કોઈ એવી ગેંગ કે કોઈ એવા શક્તિશાળી ભાઈઓની અનુભૂતિ થતી હશે જેઓએ કબજો જમાવ્યો હોય.
છ સભ્યનાં નામ હતાં માકુલુ (નેતા), ડ્રેડલોક્સ, પ્રીટી બોય, રાસ્તા, કિંકી ટેઈલ અને મિસ્ટર ટી. આ એક એવા ગઠબંધનની વાત છે જે ગઠબંધનમાંથી એક પણ સામે આવી જાય તો ભલભલાના હાંજા ગગડી જાય અને ક્યારેક તો પેન્ટ પણ ભીનું થઇ જાય. આ ગઠબંધનનું નામ `માપોગો સિંહોનું ગઠબંધન'; માપોગો ફક્ત સિંહોનું એક જૂથ નહોતું, એક મજબૂત ભાઈબંધી હતી. દરેક સિંહનું પોતાનું વ્યક્તિત્વ હતું, પરંતુ સાથે મળીને તેઓ રોકી ન શકાય તેવા ખૂંખાર હતા. માકુલુ સૌથી મોટો અને સૌથી ઉંમરલાયક હતો. કુદરતી રીતે આગેવાની લેતો હતો. વિશાળ અને કાળી કેશવાળી તેને શક્તિશાળી અને નિયંત્રિત દેખાવ આપતી હતી. પ્રીટી બોય સારા દેખાવ અને ભરાવદાર કેશવાળી માટે જાણીતો હતો. તે એક ખડતલ ફાઇટર પણ હતો. મિસ્ટર ટી, જેને `શેતાન' પણ કહેવામાં આવે છે, તે સૌથી આક્રમક અને ભયાનક હતો. ભરાવદાર કેશવાળી તેને વધુ ડરામણો બનાવતી હતી. રાસ્તા પાસે જંગલી, ડ્રેડલોક જેવી કેશવાળી હતી જે તેના મુક્ત-ઉત્સાહી અને બળવાખોર સ્વભાવ સાથે મેળ ખાતી હતી. કિંકી ટેઈલ, એક નિર્ભય અને શક્તિશાળી યોદ્ધા હતો. સાથે મળીને તેઓ ફક્ત સિંહો કરતાં વધુ દંતકથા બન્યા.
આ બધું છ યુવાન નર સિંહોથી શરૂ થયું હતું, જેમને તેમના સ્પાર્ટા પ્રાઈડ (જેને આયરફિલ્ડ પ્રાઈડ પણ કહેવાય છે)માંથી બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા હતા. નાના નર સિંહોને ઘણીવાર બહાર ધકેલી દેવામાં આવતા હોય છે, પાર્ટીમાંથી કાઢી મુકાતા જેમ નેતાઓ ભેગા થઇ બગાવત કરે તેમ આ છએ અલગ અલગ રસ્તે જવાને બદલે, સાથે રહેવાનું નક્કી કર્યું અને સિંહોના ઇતિહાસમાં સૌથી મજબૂત, સૌથી ઘાતકી જોડાણોમાંનું એક બનવાનો પાયો બન્યા. શરૂઆતમાં ખોરાક માટે અન્ય સિંહો સાથે લડીને અને અન્યએ કરેલા શિકાર પર ટકી રહેવું પડતું હતું. સમય જતાં તેઓ મજબૂત અને નિર્ભય બન્યા. 2006 સુધીમાં બહારના સાથે લડાયક સંઘર્ષ કરવાથી, ભૂમિના સાચા રાજાઓ બની ગયા હતા. 2006-2012 વચ્ચે આફ્રિકાના સાબી સેન્ડ્સ રિઝર્વ પર સંપૂર્ણ પ્રભુત્વ સાથે શાસન કર્યું.
એક હિંમતભેર હુમલામાં તેઓએ ઓટાવાના એક નર સિંહને મારી નાખ્યો, જેનાથી બાકીના સિંહોને પોતાનો જીવ બચાવવા માટે ભાગવાની ફરજ પડી, પરંતુ તેઓ ત્યાં અટક્યા નહીં. તેઓએ ઓટાવા પ્રાઇડના પ્રદેશમાં બધાં બચ્ચાંને મારી નાખ્યાં, જેથી તેમને પડકારવા માટે કોઈ આગામી પેઢી ન હોય. સાથે મળીને તેઓએ 100થી વધુ સિંહોને મારી નાખ્યા, જે તેમના માટે ખતરો હતા કે ખતરો થઇ શકે એમ હતા. જેમાં માદા અને બચ્ચાંનો પણ સમાવેશ થાય છે. કોઈ હરીફ બાકી ન રહેતા, સંપૂર્ણ શક્તિ સાથે શાસન કર્યું. લગભગ 70000 હેક્ટર (170000 એકર) વિસ્તાર કબજે કરીને તેના પર પ્રભુત્વ જમાવીને તેમની શક્તિ, સામર્થ્ય અને તાકાત માટે કુખ્યાત બન્યા હતા.
તેઓ સામે મળતા દરેક સિંહને મારી નાખતા હતા. જંગલમાં શક્તિનો અર્થ અસ્તિત્વ ટકાવી રાખવા થાય છે અને આ વાતને માપોગો ગઠબંધન કરતાં વધુ સારી રીતે કોઈ સિંહ સમજી શક્યો નથી. તેઓ જિરાફ, ભેંસ અને હિપ્પો જેવાં મોટાં પ્રાણીઓનો પણ શિકાર કરતા હતા. તેમની શક્તિ ફક્ત શિકાર કરવા પૂરતી નહોતી. તેઓએ સાબી સેન્ડ્સને એવી રીતે બદલી નાખ્યું કે જે ક્યારેય ભૂલી શકાશે નહીં. ડર અને આદર સાથે તેઓ તેમના પ્રદેશ પર શાસન કરતા હતા અને તેમની વાર્તા આજે પણ યાદ કરવામાં આવે છે.