એક અંદાજ મુજબ વિશ્વમાં દર વર્ષે સાડા ત્રણ અબજ જેટલા એક્સ-રે લેવામાં આવે છે! આ આંકડો અધધ કહેવાય એવડો મોટો છે. દુનિયાભરમાં અનેક દર્દીઓ એવા છે જેમના શરીરના આંતરિક અવયવો તપાસવા માટે વર્ષ દરમિયાન એકાધિક વખત એક્સ-રે લેવો પડે છે.

હવે જરા વિચાર કરો કે કોઈક જીવની ચામડી જ એવી પારદર્શક હોય કે એના આંતરિક અવયવો નરી આંખે જોઈ શકાય, તો આ જીવને એક્સ-રેનો ખર્ચો કરવાની ચિંતા જ નહિને! આવો જ એક દેડકો કોસ્ટા રિકા, પનામા, કોલમ્બિયા, ઇક્વાડોર અને અન્ય દક્ષિણ અમેરિકન દેશોના ભેજવાળાં જંગલોમાં જોવા મળે છે. કાચ જેવી પારદર્શક ચામડી હોવાને કારણે આ દેડકાના ફોઈબાએ એને `ગ્લાસ ફ્રોગ' જેવું રૂપકડું નામ પાડી આપ્યું છે. સાયન્સની સફરમાં ક્યારેક આપણી જીવસૃષ્ટિના મનુષ્યેતર જીવોનીય ભાળ મેળવતા રહેવું જોઈએ. તો ચાલો આજે આ ગ્લાસ ફ્રોગની વાત કરીએ.

ચોમાસાની ઋતુ જેમ જેમ નજીક આવતી જાય, તેમ તેમ તમને પેલો ડ્રાઉં... ડ્રાઉં...નો `કર્ણપ્રિય' અવાજ યાદ આવવા માંડે. મોટાભાગે ચીકણી ચામડીવાળા દેડકાને જોઈને ચીતરી ચડતી હોય છે, પણ `ગ્લાસ ફ્રોગ' તરીકે ઓળખાતા દેડકાની વાત જુદી છે. એને જોયા પછી તમને `વધારે પડતી' ચીતરી ચડી જાય એમ બને, કારણ કે પારદર્શક ચામડીને કારણે એના આંતરિક અવયવો જેવા કે, હૃદય, યકૃત અને આંતરડાનો દર્શનલાભ અનાયાસે મળતો રહે છે.

ગ્લાસ ફ્રોગ માંસાહારી છે અને તેમનો મુખ્ય ખોરાક નાનાં જંતુઓ જેમ કે, કીડી, માખીઓ, ઝીણાં જંતુઓ અને મંકોડા છે. શિકાર માટે તે બીજા દેડકાઓની માફક જ પોતાની લાંબી જીભનો ઉપયોગ કરે છે. તેની ત્વચા સામાન્ય રીતે લીલી અથવા આછા લીલા રંગની હોય છે, જે તેમને વૃક્ષોનાં પાંદડાંઓ સાથે ભળી જવામાં મદદ કરે છે. બીજા દેડકાઓની સરખામણીએ ટચુકડા ગણાતા ગ્લાસ ફ્રોગનું કદ સામાન્ય રીતે 2 થી 7.5 સેન્ટિમીટર લંબાઈ જેવડું જ હોય છે.

પ્રજનન ક્રિયાની વાત કરીએ તો ગ્લાસ ફ્રોગનું પ્રજનન વરસાદી મોસમ દરમિયાન થાય છે. માદા દેડકી એવી વનસ્પતિઓનાં પાંદડાં પર ઈંડાં મૂકવાનું પસંદ કરે છે, જે નદી કે ઝરણાં ઉપર ઊગી નીકળી હોય. નર દેડકો ઇંડાંની રક્ષા કરે છે અને તેમને ભેજયુક્ત રાખવામાં મદદ કરે છે. ઇંડાંમાંથી બહાર નીકળ્યા બાદ નાના ટેડપોલ્સ (એટલે કે નવજાત દેડકા) પાંદડાં પરથી સરીને પાણીમાં પડે છે અને પાણીમાં જ વિકાસ પામે છે.

ગ્લાસ ફ્રોગ વિશે હજી કેટલીક રસપ્રદ બાબતો જાણવા જેવી છે. ગ્લાસફ્રોગની 160 ઉપરાંત પ્રજાતિઓ છે. મૂળ દક્ષિણ અમેરિકાનો આ જીવ પાછળથી મધ્ય અમેરિકન પ્રદેશોમાં પણ ફેલાયો. ઉપર જણાવ્યું એમ આ દેડકાઓની ત્વચા એટલી હદે પારદર્શક છે કે એનું હૃદય ધબકતું હોય એ સ્પષ્ટપણે દેખાય! ગ્લાસ ફ્રોગની આંખો શરીરના પ્રમાણમાં સહેજ મોટી અને ચમકદાર હોય છે, જે તેમને રાત્રિના સમયે શિકાર શોધવામાં મદદ કરે છે. વનસ્પતિનાં પર્ણોની નીચેની તરફ બેસવાનું પસંદ કરતા આ નાનકડા દેડકાઓ સ્વભાવે પાછા બહુ શરમાળ હોય છે. એટલે દિવસ દરમિયાન બહાર બહુ ડોકિયા નથી કરતા. હવે મૂળ વાત, કે કુદરતે આ દેડકાઓને આવી સાવ પારદર્શક ત્વચા કેમ આપી?

ગ્લાસ ફ્રોગની ત્વચામાં પિગ્મેન્ટ સેલ્સ (chromatophores) ઓછા હોય છે, ખાસ કરીને પેટના ભાગમાં. આનાથી ત્વચા પારદર્શક દેખાય છે. વળી, કેટલીક પ્રજાતિઓમાં પેરિટોનિયમ (અવયવોને ઢાંકતી પટલ) પણ પારદર્શક અથવા આછી હોય છે, જે પારદર્શિતામાં વધારો કરે છે.

કુદરતે દરેક સજીવને જે તે વાતાવરણને અનુલક્ષીને શારીરિક ક્ષમતાઓ કે લાક્ષણિકતાઓ આપી છે. આ લાક્ષણિકતાઓ શિકાર કરવામાં અને બીજાનો શિકાર થતા બચવામાં બહુ કામ આવે છે. સાથે જ વાતાવરણ સામે ટકી રહેવામાં પણ એ ઉપયોગી નીવડે છે. આપણે કુદરતની આ ભેટને `અનુકૂલન' નામે ઓળખીએ છીએ. જે જીવ પોતાની આસપાસના વાતાવરણ-ઈકોસિસ્ટમને અનુકૂળ થઈને રહે (અનુકૂલન સાધે) એ ઉત્ક્રાંતિના સતત ફરતા ચક્રમાં ટકી જાય. ગ્લાસ ફ્રોગની પારદર્શકતા પણ ઉત્ક્રાંતિનું જ પરિણામ છે. જ્યાં તેઓ રહે છે એ ઉષ્ણ કટિબંધીય જંગલોમાં શિકારીઓની સંખ્યા વધુ હોય છે.

જે દેડકા પોતાને વધુ સારી રીતે છુપાવી શક્યા, તેઓ ટકી રહ્યા અને આ લક્ષણ આગળની પેઢીઓમાં સ્થાનાંતરિત થયું.

ગ્લાસ ફ્રોગની પારદર્શક ત્વચા તેમને લગભગ `અદૃશ્ય' બનાવે છે, જેનાથી તેઓ વૃક્ષોનાં પાંદડાં કે અન્ય પૃષ્ઠભૂમિ સાથે ભળી જાય છે. પરિણામે પક્ષીઓ, સાપ અને અન્ય શિકારીઓથી બચવું સરળ બને છે. ગ્લાસ ફ્રોગની ત્વચા પ્રકાશને એવી રીતે વેરવિખેર કરે છે કે તે પર્યાવરણ સાથે ભળી જાય. આ પ્રકાશના વક્રીભવન (refraction) અને પરાવર્તન(reflection)ને કારણે થાય છે, જે તેમને શિકારીઓની નજરથી બચાવે છે.

તાજેતરના અધ્યયનો દર્શાવે છે કે ગ્લાસ ફ્રોગની પારદર્શકતા માત્ર ત્વચાને જ નહીં, પરંતુ લોહીના પ્રવાહ અને અવયવોની ગોઠવણીને પણ લગતી હોય છે. કેટલીક પ્રજાતિઓમાં લોહીના કોષો પણ ઓછા રંગીન હોય છે, જે પારદર્શિતામાં વધારો કરે છે. સાચું પૂછો તો આ પારદર્શકતા એક જટિલ જૈવિક પ્રક્રિયા છે, જે હજુ પણ વૈજ્ઞાનિકોને પૂરેપૂરી સમજાઈ નથી!

આવા યુનિક અનુકૂલન બાદ પણ ગ્લાસ ફ્રોગની અનેક પ્રજાતિઓ નષ્ટ થવાને આરે છે. હાલમાં જે ક્લાઇમેટ ચેન્જ થઇ રહ્યું છે, એ ગ્લાસ ફ્રોગ સહન નથી કરી શકતા. સદીઓથી અદૃશ્ય બનીને જીવતા આ જીવનેય પ્રદૂષણનો રાક્ષસ કેવો આભડી ગયો, નહિ?