આપણે ત્યાં કોઈ તહેવાર જાણે મીઠાઈ વગર તો અધૂરો જ છે. વળી, દરેક તહેવારમાં મીઠાઈ પણ અલગ-અલગ પ્રકારની ખવાતી હોય છે. જોકે, અમુક મીઠાઈ એવી છે જે બારે માસ ખવાતી હોય છે. તે ગમે તે વાનગી સાથે જોડી જમાવી લે છે. આવી મીઠાઓમાં સૌથી મોખરે આવે છે ગુલાબજાંબુ. આમાં નથી કોઈ ફૂલ કે નથી કોઈ ફળ, છતાં આનું નામ ગુલાબજાંબુ કેમ પડ્યું? ગુલાબજાંબુનો ઇતિહાસ શું છે તે જાણીએ

ગુલાબજાંબુ ખાવાની પરંપરા

ભારત મીઠાઈઓ માટે વિખ્યાત છે. આપણા દેશમાં પ્રદેશ અનુસાર પણ અગણિત મીઠાઈઓ બને છે અને તેનો સ્વાદ માત્ર ભારત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ બીજા દેશોમાં પણ લોકો ભારતીય મીઠાઈઓને પસંદ કરે છે. મીઠાઈઓમાં ગુલાબજાંબુએ એક ખાસ જગ્યા બનાવી છે. લગ્નપ્રસંગ હોય કે કોઈ પણ શુભ અવસર હોય ત્યારે ભોજનની અન્ય વાનગીઓ સાથે ગુલાબજાંબુ ચોક્કસ જોવા મળે છે. આપણે ત્યાં ગુલાબજાંબુ બનાવવાં અને ખાવા-ખવડાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે.

ગુલાબજાંબુ નામ કેવી રીતે પડ્યું?

ગુલાબજાંબુને દૂધમાંથી બનાવવામાં આવે છે. દૂધમાંથી પહેલાં ખોયા (માવો) અને પછી ખોયામાંથી ગુલાબજાંબુ બનાવવામાં આવે છે. આજકાલ તો લોકો દૂધના ખોયાને બદલે મોડર્ન વસ્તુઓ જેમ કે બ્રેડ, દૂધનો પાઉડર વગેરેનો ઉપયોગ કરવા લાગ્યા છે. સ્વાદ વધારવા માટે ગુલાબજાંબુમાં બદામ-કાજુ જેવા સૂકા મેવાથી સજાવવામાં આવે છે. જોકે, એ સવાલ જરૂર થાય કે ગુલાબજાંબુ નામ કેવી રીતે પડ્યું? આ સવાલનો જવાબ ખૂબ જ સરળ છે. વાસ્તવમાં શબ્દ `ગુલાબ' ફારસી શબ્દ `ગુલ' અને `અબ'થી બનેલો છે. ગુલનો અર્થ થાય છે ફૂલ અને અબનો અર્થ થાય છે પાણી, જે ગુલાબજળ કે સુગંધિત સિરપનો સંદર્ભ આપે છે. `જાંબુ' શબ્દ તેની સાથે એટલે જોડાયો, કારણ કે આ મીઠાઈનો આકાર જાંબુના ફળ સાથે મળતો આવતો હતો. આ રીતે નામ પડ્યું ગુલાબજાંબુ.

રસપ્રદ છે ગુલાબજાંબુનો ઇતિહાસ

ઐતિહાસિક રીતે ગુલાબજાંબુની ઉત્પત્તિ સંબંધિત અલગ-અલગ રસપ્રદ કિસ્સાઓ છે. એક પ્રચલિત માન્યતા પ્રમાણે આ મીઠાઈને શાહજહાંના એક શાહી ખાનસામા(રસોઈયો)એ ભૂલથી બનાવી હતી. જોકે, એવું પણ કહેવાય છે કે આ મીઠાઈની પ્રેરણા ફારસી અથવા તૂર્કી પરંપરાઓની મીઠાઈથી મળી હતી. વાસ્તવમાં ફારસી મીઠાઈ `બામીહ' અને તુર્કીની `તુલુમ્બા' બંને સામગ્રી, બનાવટ અને સ્વાદની બાબતમાં ગુલાબજાંબુ જેવી જ છે, પરંતુ આ બંને મીઠાઈઓ ઠંડી પીરસવામાં આવે છે જ્યારે ગુલાબજાંબુ ગરમાગરમ પીરસાય છે. એ વાત અલગ છે કે ઘણા લોકોને તે ઠંડા પણ ભાવે છે.

એક માન્યતા એ પણ છે કે આ મીઠાઓ પરથી જ મુગલોએ પ્રેરણા લીધી. એ તો ઠીક અરબી મીઠાઈ `લુકમત એલ-કાદી' પણ ગુલાબજાંબુ જેવી છે. વિખ્યાત ફૂડ હિસ્ટોરિયન અને લેખક માઈકલ ક્રોન્ડલના પુસ્તક `ધ ડોનટ : હિસ્ટ્રી, રેસિપીઝ એન્ડ લોર ફ્રોમ બોસ્ટન ટુ બર્લિન'માં ઉલ્લેખ છે કે ફારસી લોકો પોતાની સાથે `ગોળ પકોડાં' લાવ્યા હતા, જે આગળ જતાં ગુલાબજાંબુ બની ગયાં.

ઘણી વેરાઇટી જોવા મળે છે

ભારતમાં અલગ-અલગ પ્રદેશોમાં ગુલાબજાંબુની ઘણી વેરાઈટી જોવા મળે છે. તેનો અર્થ એ થયો કે ગુલાબજાંબુ કે જેનાં નામ ભલે અલગ હોય, પરંતુ સ્વાદની બાબતમાં તો બધા એક જેવા જ છે. ગુલાબજાંબુની એક વેરાઇટી છે પશ્ચિમ બંગાળની મીઠાઈ `લેડિકેની'. તે આકારમાં વેલણાકાર હોય છે. ગુલાબજાંબુ અને લેડિકેની વચ્ચે માત્ર આકારનો જ ફરક છે. જોકે, લેડિકેની નામ પાછળ એક રસપ્રદ સ્ટોરી છે.

ઈ.સ. 1850ના દશકામાં કોલકાતાના પ્રતિભાશાળી હલવાઈઓમાંથી એક ભીમચંદ્ર નાગને ગવર્નર જનરલ લોર્ડ ચાર્લ્સ કેનિંગની પત્ની લેડી કેનિંગ માટે એક વિશેષ મીઠાઈ તૈયાર કરવાનું કહેવાયું, જે પોતાના પતિ સાથે ભારત આવી રહી હતી. ભીમચંદ્ર નાગે આ વેલણાકાર મીઠાઈ બનાવી, જે લેડી કેનિંગને બહુ જ પસંદ આવી અને આ જ કારણથી આ મીઠાઈનું નામ લેડીકેની પડી ગયું. નેપાળ અને પાકિસ્તાનમાં આ મીઠાઈ ભારતની જેમ ગુલાબજાંબુના નામથી જ ઓળખાય છે. માલદીવમાં તેને `ગુલાબબુજાનૂ' અને બાંગ્લાદેશ તથા મ્યાનમારમાં `ગુલાબજામ'ના નામથી ઓળખવામાં આવે છે. મોરેશિયસ, ફિજી, મલય પ્રયદ્વીપ, દક્ષિણ આફ્રિકા અને કેરેબિયન દેશો જેમ કે ત્રિનિદાદ અને ટોબેગોમાં પણ ગુલાબજાંબુ ખવાય છે. રસપ્રદ વાત એ છે કે આ બધી જગ્યાએ તેને `રસગુલ્લા' કહેવામાં આવે છે.