લોકો વકીલશ્રી `બચુ બબાલિયા' સાથે ઘર્ષણમાં ઊતરવાનું ટાળતા'તા અને મોટેભાગે એમનાથી આઘા ભાગતા'તા. હવે થયું એવું કે વકીલ બચુભાઈ જ્યાં રહેતા'તા એ મકાનમાં જ પોતાની ઓફિસ પણ ચલાવતા હતા. એમની વકીલાત હવે સારી ચાલવા માંડી'તી. વકીલ તરીકે એ જામી ગયા'તા એટલે એમને ત્યાં ક્લાયન્ટ્સ યાનિ કી અસીલો પણ વધારે આવવા માંડ્યા'તા.

આના લીધે બચુભાઈને પોતાનું મકાન નાનું પડવા માંડ્યું'તું. `બચ્ચનને પોતાનો બંગલો નાનો પડવા માંડ્યો એટલે એણે પોતાના બંગલાની પાછળનો બંગલો ખરીદી લીધો અને એમાં રિનોવેશન કરાવ્યું.' આવી વાત જ્યારે બચુભાઈએ છાપામાં વાંચી ત્યારે એમણે પણ પોતાની બાજુનો જૂનો-ખખડધજ બંગલો ખરીદી લેવાનું વિચાર્યું અને એમના સદ્નસીબે એ બંગલો વેચવાનો જ હતો એટલે એમને એ જૂનો બંગલો વેચાતો મળી પણ ગયો. બચુભાઈએ એ જૂના બંગલામાં તોડફોડ કરાવી એના `રિનોવેશન'નું કામ શરૂ કરાવી દીધું. બચુ બબાલિયા'ના નવા ઘરનું રિનોવેશનનું કામ ચાલતું'તું ત્યારે એક જોરદાર ઘટના `ઘટી.'

બચુભાઈની સોસાયટીમાં એક ભજનગાયક ભગુભઈ ઉર્ફે `ભગા ભગત' રહેતા'તા. એ ભગા ભગતના ઘરે જુદા-જુદા ગાયકો, સંગીતકાર, સાજિંદા-વાજિંદાની અવરજવર રહેતી'તી. (જોકે, પહેલાં તો એ બધા ભગા ભગતના ઘરે ગાઈ વગાડીને ભજનોની પ્રેક્ટિસ પણ કરતા'તા, પરંતુ બચુભઈએ `બબાલ' કરી એમની એ પ્રેક્ટિસ બંધ કરાવી દીધી'તી.) ભગા ભગતને ત્યાં `ભજનમંડળી'ની આવનજાવનથી બધા પરિચિત હતા. એક દિવસ એ ભગા ભગતને ત્યાંથી એક `તબલચી' સ્કૂટર પર એનાં `તબલાં' ગોઠવીને પોતાના ઘરે જવા નીકળ્યો.

હવે થયું એવું કે એ તબલચીને બિચારાને ભરપૂર પ્રમાણમાં `એક નંબર' લાગી'તી. ડેમ છલોછલ ભરાઈ ગયો હતો. ડેમના દરવાજા ખોલવા જ પડે એવી પરિસ્થિતિ હતી. મામલો કાબૂ બહાર જાય એવું લાગતાં એ તબલચીએ બચુભાઈના રિનોવેટ થતાં મકાન પાસે સ્કૂટર રોક્યું અને પછી હળવો `થવા દોડતો અંદર ધસી ગયો. બચુભઈનું રિનોવેટ થતું મકાન ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટવાળું હતું. તબલચી દોડી ગયો ત્યારે એણે ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈક વ્યક્તિને જોઈ એટલે એ પહેલે માળે કૂદકે ને ભૂસકે સીડી ચડી પહોંચી ગયો અને પછી કોઈ એક ખૂણામાં ઊભા રહી જે કામ કરવા માટે ગયો હતો તે કામ કરવા માંડ્યું. તબલચી સંપૂર્ણપણે `હળવો' થયો. મૂશળધાર વરસાદ પછી ઉઘાડ નીકળે એમ એ તબલચીના ચહેરા પર ઉઘાડ નીકળ્યો. એ રિલેક્સ મૂડમાં પાછો ફરવા જતો'તો ત્યાં જ એના કરમની કઠણાઈ શરૂ થઈ.

તલબચી દોડાદોડ જ્યારે મકાનમાં અંદર ઘૂસ્યો ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર એણે જે વ્યક્તિ જોઈ'તી એ બીજું કોઈ નહીં પણ વકીલ બચુભાઈ બબાલિયા હતા. તબલચી `ધબાધબ' પહેલે માળે ધસી ગયો અને પછી ત્યાં હળવો થયો એ બધા અવાજ બચુભાઈએ સાંભળ્યા અને બચુમાં બેઠેલો `બબાલિયો' ઊભો થયો. પોતાના રિનોવેટ થઈ રહેલા મકાનને `ભ્રષ્ટ કરવાના મલીન ઈરાદા' સાથે પ્રવેશેલાને ઝડપી લેવા બચુભાઈએ ત્યાં પડેલી એક પાઈપ ઉઠાવી અને પછી `કોણ છે એ નાલાયક, હરામખોર...' એવી બૂમો પાડતા, પાઈપ પછાડતા બચુભાઈ ઉપરના માળે ધસી ગયા. બચુભાઈની રાડારાડ અને પાઈપ પછાડવાના અવાજ સાંભળી તબલચીના `હાંજા ગગડી ગયા', `મોતિયા મરી ગયા.' એ બરાબરનો છળી મર્યો અને પછી એ ભાગ્યો. એણે પહેલે માળની ગેલેરીમાંથી ભૂસ્કો માર્યો. નીચે રેતીનો ઢગલો હતો એમાં એ પડ્યો ને પછી ત્યાંથી એ ઊભી પૂંછડીએ નાઠો. એ પોતાનું સ્કૂટર-તબલાં લેવા પણ ન રોકાયો ને મૂઠીઓ વાળી ત્યાંથી નાસી છૂટ્યો. બચુભઈએ ખુન્નસથી જાતજાતના સ્વસ્તિ વચનોવાળી બૂમો પાડીને છુટ્ટી પાઈપ પણ ફેંકી, પરંતુ તબલચી તો ત્યારે ઘણો દૂર નીકળી ગયો'તો અને પછી ગાયબ થઈ ગયો'તો.

બચુભઈનો પિત્તો બરાબર છટકેલો હતો. એમણે સીધો પોલીસને ફોન જોડ્યો ને કહ્યું, `મારા ઘરમાં એક ગંભીર બનાવ બન્યો છે, તાત્કાલિક આવો.' અને પછી થોડીવારમાં લોકોનાં ટોળાં વચ્ચે લાલ-પીળી બત્તીઓવાળી પોલીસની જીપ ત્યાં સાયરન વગાડતી ધસી આવી. બચુભઈએ પોલીસને ફરિયાદ કરી કે, `મારા ઘરમાં હું રહેવા જાઉં એ પહેલાં મને પૂછ્યા-ગાછ્યા વગર મારી પહેલાં કોઈ માણસ કુદરતી હાજતે જઈ આવ્યો છે, તમે એને પકડીને સજા કરો.'

બચુભઈને ઓળખતા પોલીસ મૂંઝાયાને એમને સમજાવવાની કોશિશ કરી, પણ બચુભાઈએ `મારા ભાવિ ઘરમાં વર્તમાનમાં અનધિકૃત પ્રવેશ કરનારને પકડી લાવો' એવી બૂમો પાડી. છેવટે પોલીસે તબલચીનું સ્કૂટર અને તબલાં જોયાં. એમણે તરત ભગા ભગતને બોલાવી પેલા તબલચીને ફોન કરવા કહ્યું. ભગા ભગતે તબલચીને ફોન કરી બોલાવ્યો. તબલચી ફફડતો આવ્યો. બચુભઈએ એના પર રાડો પાડી. ડોલ-સાવરણો આપી પાણી રેડાવી ઘર ધોવડાવ્યું. પોલીસે તબલચીને હજાર રૂપિયા દંડ કર્યો. બિચારા તબલચીને બચુભાઈને ત્યાંની `એકી' એક હજારમાં પડી!