1978ની કલ્ટ ક્લાસિક ફિલ્મ `ડોન'ના નિર્દેશક ચંદ્ર બારોટનું અવસાન થયું છે. તેઓ 78 વર્ષના હતા અને ફેફસાંની બીમારી, પલ્મનરી ફાઈબ્રોસિસથી પીડાતા હતા. 20મી જુલાઈએ સવારે મુંબઈમાં તેમનું અવસાન થઇ ગયું. `મેં એક જ ફિલ્મ બનાવી હતી ડોન અને લોકો મને તેના માટે યાદ રાખશે,' એવું તેમણે થોડા વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.

સાચી વાત છે. તેમણે અમિતાભ બચ્ચન સાથે `ડોન' પછી હિન્દીમાં બીજી કોઈ ફિલ્મ બનાવી નહોતી, પરંતુ ડોન એટલી જબરદસ્ત હિટ થઇ હતી અને અમિતાભને એક એવો યાદગાર કિરદાર આપ્યો હતો કે ચંદ્ર બારોટનું નામ ફિલ્મ ઈતિહાસમાં અંકિત થઇ ગયું હતું.

`લાંબી વાત છે,' તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, `ડોન પછી મને નિર્માતાઓ તરફથી 52 ફિલ્મોની ઓફર મળી હતી. મેં બે ફિલ્મો પસંદ કરી હતી, પણ પૂરી કરી ન શક્યો. મેં દિલીપ કુમાર સાથે `માસ્ટર' અને સારિકા સાથે `તિતલી' નામની ફિલ્મ શરૂ કરી હતી. એ પૂરી ન થઇ અને સારિકાએ લગ્ન કરી લીધાં. મેં બંગાળીમાં એક ફિલ્મ બનાવી હતી, જે 69 અઠવાડિયાં ચાલી હતી.'

`ડોન' અમિતાભ બચ્ચન અને સલીમ-જાવેદની ફિલ્મોગ્રાફીમાં એક વિશેષ ફિલ્મ છે. ફિલ્મમાં તે તેમના બહુ જાણીતા વિજયના કિરદારમાં જ હતા, પરંતુ તેના લેખકો સલીમ-જાવેદે આ વખતે તેને અગાઉની ત્રિશૂલ, દીવાર, ઝંજીરના એન્ગ્રી યંગ મેનથી વિપરીત હોલિવૂડના જેમ્સ બોન્ડ જેવું સોફિસ્ટિકેટેડ અને કૂલ વ્યક્તિત્વ આપ્યું હતું.

છેલ-છબીલો, રમકડાની જેમ પિસ્તોલ ચલાવતો અને જાસૂસ જેવો સૂટેડબૂટેડ ગેંગસ્ટર દર્શકોએ હિન્દી સિનેમામાં જોયો નહોતો. અમિતાભ બચ્ચ્ચને એકવાર તેમના વ્લોગમાં લખ્યું હતું કે, `માર્કેટમાં તે વખતે કોઈને `ડોન' ટાઈટલ ગમ્યું નહોતું. ફિલ્મમેકર્સને સમજાતું નહોતું કે આવા નામનો શું અર્થ થાય. તેમને થતું હતું કે હિન્દી ફિલ્મનું આવું નામ તે હોતું હશે! અમુક લોકોને તો એ `ડોન' બનિયનની બ્રાંડ જેવું

લાગતું હતું.'

કદાચ એટલે જ તે વખતના મોટા અભિનેતાઓએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. તે સમયના અભિનેતાઓ તેમની ઈમેજ બાબતે બહુ સાવધાન રહેતા હતા. એમાં આ ડોન તો પાછો વિલન જેવો હીરો હતો! સલીમ-જાવેદે બહુ હોશિયારીપૂર્વક એક એવા `વિજય'નું પાત્ર રચ્યું હતું, જે અપરાધી અને સદાચારી એવી બેવડી ભૂમિકામાં છે. અપરાધી વિજય તો થોડા સમય માટે જ પડદા પર હોય છે અને તેના મૃત્યુ પછી તેના જેવો જ દેખાવવાળો સદાચારી વિજય `ડોન'નો વેશ ધારણ કરે છે. મોટો હીરો ન મળે તો નિર્માતાઓ પૈસા રોકવા તૈયાર નહોતા.

સલીમ-જાવેદની કારકિર્દી પર `રિટન બાય સલીમ-જાવેદ' નામના પુસ્તકમાં પત્રકાર દિપ્તકીર્તિ ચૌધરી `ડોન'ની સફળતાનું શ્રેય વિજયના કિરદાર અને અમિતાભના અભિનયને આપે છે. તે લખે છે કે ફિલ્મની સૌથી મોટી તાકાત ડોનનું ઠંડું કલેજું છે. અંગ્રેજી ફિલ્મો જોવાવાળાઓએ જેમ્સ બોન્ડમાં આવી કૂલનેસ જોઈ હતી. સલીમ-જાવેદ અનેક વિદેશી ફિલ્મોની વિશેષતાઓને હિન્દીમાં લઇ આવ્યા હતા. `ડોન'

તેમાંથી એક છે.

`ડોન' ચંદ્ર બારોટ પાસે કેવી રીતે આવી તેની પણ વાર્તા દિલચસ્પ છે. આગળ કહ્યું તેમ, સલીમ-જાવેદ પાસે `ડોન'ની સ્ક્રિપ્ટ હતી, પણ કોઈ નિર્માતા પૈસા લગાવવા તૈયાર નહોતા. તેમણે તેમની `ત્રિશૂલ'માં અમિતાભની માતાનો કિરદાર કરનાર વહીદા રહેમાનને તેમની મુશ્કેલીની વાત કરી. વહીદાએ સિનેમેટોગ્રાફર અને નિર્માતા નરિમાન ઈરાનીને `ડોન'ની વાત કરી. નરિમાન ઈરાનીએ આગલા જ વર્ષે રાજેશ ખન્નાની `છૈલા બાબુ' અને તે પહેલાં મનોજ કુમારની `રોટી, કપડા ઔર મકાન' અને ગોવિંદ સરૈયાની `સરસ્વતીચંદ્ર'નું કેમેરા વર્ક કર્યું હતું.

દિપ્તકીર્તિ ચૌધરી લખે છે કે નરિમાન ઈરાનીની પત્ની સલમા વહીદા રહેમાનની હેરડ્રેસર હતી. તેણે વહીદાને વિનંતી કરી કે તમે સલીમ ખાનના કાને વાત નાખો. સલીમ ખાને રસ બતાવ્યો એટલે ઈરાની અને ચંદ્ર બારોટ સલીમ-જાવેદને મળવા ગયા. સલીમ ખાને તેમને પહેલાંથી જ ચેતવ્યા કે તેમની પાસે એક સ્ક્રિપ્ટ છે, પણ દેવ આનંદ, ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર જેવા હીરો તેને ઠુકરાવી ચૂક્યા છે. `ચલેગા?' સલીમ ખાને ઈરાની અને બારોટને પૂછ્યું હતું. બંનેએ માથું હલાવ્યું, `ચલેગા.' સલીમ ખાને જાવેદ અખ્તર તરફ જોયું અને કહ્યું, `આમને ડોનની સ્ક્રિપ્ટ આપીએ.'

ચંદ્ર બારોટ મૂળ ગુજરાતી હતા અને તાન્ઝાનિયામાં જન્મ્યા અને મોટા થયા હતા. તે ત્યાં દારા-એસ-સલામમાં બાર્કલે બેંકમાં કામ કરતા હતા, પણ 1969માં વંશીય તોફાનો થતાં લંડન સ્થાયી થવાનું વિચારતા હતા, પણ મુંબઈમાં તેમની બહેન કમલ બારોટની ખબર જોવા આવ્યા હતા. કમલે લક્ષ્મીકાંત-પ્યારેલાલની પહેલી ફિલ્મ `પારસમણી' (1963)માં લતા મંગેશકર સાથે સુપરહિટ ગીત `હંસતા હુઆ નૂરાની ચહેરા' ગાયું હતું.

કમલના કારણે ચંદ્ર બીજા એક ગુજરાતી સંગીતકાર કલ્યાણજી-આનંદજીના પરિચયમાં આવ્યા. ત્યારે તેઓ મનોજકુમારની `ઉપકાર' (1967) માટે કામ કરી રહ્યા હતા. એટલે તેમની મારફતે તેઓ મનોજ કુમારના સંપર્કમાં આવ્યા. મનોજ કુમારે ચંદ્રમાં ટેલેન્ટ જોઈ હતી અને મહિને 450 રૂપિયાના પગારે નોકરીમાં રાખી લીધા હતા. મનોજ કુમાર પાસે જ ચંદ્રએ ફિલ્મ બનાવવાની આવડત કેળવી હતી. ચંદ્રએ તેમની ઘણી ફિલ્મોમાં સહાયકનું કામ કર્યું હતું.

`રોટી, કપડા ઔર મકાન'ના શૂટિંગ વખતે ચંદ્રનો ઘરોબો ફિલ્મના સિનેમેટોગ્રાફર નરિમાન ઈરાની, અમિતાભ બચ્ચન અને ઝિનત અમાન સાથે થયો હતો. એટલે ઈરાની પાસે `ડોન'ની ઓફર આવી એટલે તેમણે ચંદ્રને યાદ કર્યા અને કહ્યું કે હું પૈસા રોકું છું, તું નિર્દેશન કર.

`ડોન' બહુ ટાઈટ બજેટમાં બનાવવામાં આવી હતી. તેમની પાસે તેની પબ્લિસિટીના પૈસા પણ નહોતા. અધૂરામાં પૂરું, `ડોન' રિલીઝ થઇ તેના થોડા દિવસ પહેલાં જ એક ફિલ્મના સેટ પર અકસ્માતમાં એક બાળકને બચાવવા જતાં નરિમાન ઈરાની જખમી થઇ ગયા અને જીવ ગુમાવી બેઠા. ફિલ્મ જ્યારે હિટ સાબિત થઇ ત્યારે ચંદ્રએ તેની કમાણી ઈરાનીની પત્નીને આપી હતી, જેથી તેઓ દેવું દૂર કરી શકે.

`ડોન'ની સફળતામાં ચંદ્ર બારોટના ગુરુ મનોજ કુમારનું પણ આડકતરું યોગદાન છે. સલીમ-જાવેદે જેમ્સ બોન્ડની ફિલ્મોની તર્જ પર એક ટાઈટ અને ફાસ્ટ વાર્તા લખી હતી અને ચંદ્રએ તેનું શબ્દશઃ પાલન કર્યું હતું. ફિલ્મની કાચી પ્રિન્ટ તૈયાર થઇ અને ચંદ્રએ મનોજ કુમારને બતાવી તો તેમણે સૂચન કર્યું કે ઇન્ટરવલ પછી ફિલ્મ વધુ પડતી `ટાઈટ' છે અને દર્શકોને થોડો આરામ આપવા માટે ઓછામાં ઓછાં બે ગીતો મૂકવાની જરૂર છે.

સલીમ-જાવેદ એક પણ ગીત વગરની ફાસ્ટ ફિલ્મ ઇચ્છતા હતા, પરંતુ મનોજ કુમારનો તર્ક ગળે ઊતર્યો એટલે એક ગીત માટે તૈયાર થયા અને `ખાઈ કે પાન બનારસ વાલા' ઉમેરવામાં આવ્યું. એ જ ગીત `ડોન'ની ધાંયધાંય સફળતા માટે કારણ બન્યું.

`અમે ફિલ્મ બનાવવા પાછળ 84 લાખ ખર્ચ્યા હતા અને આજ દિન સુધીમાં તેણે અમને 310 કરોડ કમાવી આપ્યા છે, પણ તે પછી નસીબે મને એવો સાથ ન આપ્યો,' એવું ચંદ્ર બારોટે 2012માં કહ્યું હતું.