મૂળ શબ્દ હતો : માશી. મા-શી એટલે મા જેવી. તેનો ઉચ્ચાર અપભ્રંશ થતાં થતાં માસી થઈ ગયો. જે મા નથી, પણ મા જેવી જ પ્રેમાળ, હેતાળ, વહાલી, હૂંફ આપનારી છે
તે માસી છે. માતૃભાષા જો આપણી ગુજરાતી હોય તો બહુધા ગુજરાતીઓ માટે હિન્દી માસીના કુળમાં આવતી ભાષા જેવી લાગે. હાથવગી, હૂંફ આપનારી, સરળ, સહજ અને સુપ્રાપ્ય, પણ હવે કોઈ પણ પારકી સ્ત્રી આપણી માની પરાણે મા બનવા આવે તો એ સ્ત્રી સાવકી મા જેવી જ લાગે, કડવી અને અણગમતી.
બ્રિટનમાંથી બેરિસ્ટર થનારા, આફ્રિકામાં વીસ-વીસ વર્ષ રહેનારા અને આખું ભારત પગપાળા અથવા તો ટ્રેનના થર્ડ ક્લાસ ડબ્બામાં મુસાફરી કરીને અનુભવનારા મોહનદાસ કરમચંદ ગાંધીએ ભાષાની બાબતે એ મતલબનું સ્પષ્ટ કહ્યું હતું કે માતૃભાષામાં શિક્ષણ લેવું બેહતર છે અને કોઈએ પણ પોતાની માતૃભાષાને લઈને સંકોચ કે છોછ અનુભવવો ન જોઈએ. તેની સાથે સાથે ભાષાને થોપવી ન જોઈએ. ગાંધીજીનો ઈંગ્લિશ ભાષા ઉપરનો કાબૂ સારો હતો. તેઓ અંગ્રેજો સાથે ઈંગ્લિશમાં વાતચીત કરતા અને પત્રવ્યવહાર પણ કરી શકતા. આ અંગ્રેજોએ જ્યારે ભારતમાં પગ મૂક્યો ત્યારે તેઓ ચોંકી ઊઠ્યા હતા કે એક જ દેશમાં આટલી બધી ભાષાઓ બોલાય છે! તેઓને મોટો આંચકો વૈવિધ્ય કરતાં કરોડો લોકો વચ્ચેની એકતાનો લાગ્યો હતો. માટે જ આપણી ઉપર રાજ કરવા માટે ભાગલા પાડવાની નીતિ અપનાવી (અને તેઓ ગજબનાક સફળ થયા.)
ભારતમાં પ્રાચીન એક જ ભાષા ન હતી. ઘણી ભાષાઓ અને લિપિથી આ દેશ સમૃદ્ધ હતો. સિંધુ ખીણની સંસ્કૃતિની ભાષા સંસ્કૃત ન હતી. ઘણું ખરું હિન્દુ સાહિત્ય સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયું છે. બાકી માગધી, અર્ધ માગધી, પ્રાકૃત એવી ઘણી વેરાયટી ભારતના ભવ્ય ભૂતકાળે જોઈ છે. ખુદ સમ્રાટ અશોકે તેના શિલાલેખમાં એક કરતાં વધુ ભાષા કે લિપિનો પ્રયોગ કર્યો છે. સમય જતાં આ બધી ભાષાઓનો ઉપયોગ ઓછો થતો ગયો અને હિન્દી-ગુજરાતી જેવી ભાષાઓ વિકસી. અતિ સમૃદ્ધ એવી સંસ્કૃતનો પટ્ટ પણ કેમ સંકોચાઈ ગયો એ ઊંડા અભ્યાસનો વિષય છે. પણ લોકોને જે સરળ ને સહજ લાગ્યું એ અપનાવ્યું. એ રીતે જોવા જઈએ તો માતૃભાષા તરીકે હિન્દી-ગુજરાતી બહુ ઇઝી લેંગ્વેજ કહી શકાય. ભાષાશાસ્ત્રના જાણકારો પણ કહેતા હોય છે કે દરેક ભાષા થોડું એનું નસીબ લઈને આવતી હોય છે, પણ જો એ ભાષાને અમરપટ્ટો આપવો હોય તો એને સાવ છૂટી મૂકી દો, તો એ ક્યારેય વિલુપ્ત નહીં થાય. ગાંધીજીએ સામાન્ય નાગરિક માટે હિન્દુસ્તાની ભાષા સૂચવી હતી. હિન્દુસ્તાની એટલે દેવનાગરી લિપિમાં લખાતી ફિલ્મી ભાષા, જેમાં હિન્દી-ઉર્દૂ મિશ્ર હોય. હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા સાઉથ ઇન્ડિયાની નથી પણ બંગાળી છે. બંગાળી ફિલ્મો, બંગાળી ગીતો, બંગાળી વાનગીઓ સહિત સમસ્ત બંગાળી સંસ્કૃતિનું બંગાળી ભાષામાં યોગદાન છે.
જ્યોર્જ ઓરવેલ કહેતા કે વિચારો પણ ભાષાને વિકૃત કરી શકે એમ ભાષા પણ વિચારોને વિકૃત કરી શકે. કટ્ટરવાદીઓ જાણીજોઈને ભાષાને તોડી મરોડીને રજૂ કરતા હોય છે કે કોઈ પર થોપતા હોય છે. જેમ કે, યહૂદીઓની કત્લેઆમ માટે હિટલર અને એના પ્રચારક હિમલરે શબ્દપ્રયોગ યોજ્યો હતો - ફાઇનલ સોલ્યુશન. યહૂદીઓને મરવા માટે જ્યાં ગોંધી રાખવામાં આવતા એ જગ્યાને નામ અપાયેલું - પ્રોટેક્ટિવ કસ્ટડી. અમેરિકાએ વિયેતનામ સામે જે યુદ્ધ કર્યું એને ઘણી વખત `ફ્રેન્ડલી ફાયર' તરીકે ઓળખવાની કોશિશ કરી. ઇઝરાયેલ પણ યુદ્ધને વોરને બદલે મિલિટરી ઓપરેશન તરીકે ઓળખાવે છે. ભાષાને વિકૃત કરવાનો કારસો ઘણા સત્તાશીધો કરતા હોય છે એનાં આ ચંદ ઉદાહરણો છે. ભાષા સાથે બંધન રાખવાની ગુસ્તાખી ભૂતકાળમાં જેટલી વખત થઈ છે એ બેકફાયર થઈ છે. જેમ કે, ફ્રેન્ચ પ્રત્યે દુરાગ્રહ રાખતા ફ્રેન્ચ લોકોએ સદીઓ પહેલાંથી ફ્રેન્ચ એકેડેમી પ્યુરિટી લોઝ હેઠળ ફ્રેન્ચ ભાષાનો આગ્રહ કરેલો, પણ ફ્રેન્ચ લોકોને જ એ ફાવ્યું નહીં. જ્યારે યુરોપનો જ સ્વિટ્ઝર્લેન્ડ દેશ જે છેલ્લાં ચારસો વર્ષથી તટસ્થ છે, ખૂબ સમૃદ્ધ છે, તે દેશમાં ચાર ભાષા બોલાય છે અને તે લોકોએ સ્વિસ ભાષા કોઈ ઉપર પણ થોપી નથી.
આપણા મહાન સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોરના શબ્દો છે કે ભાષાને માતાના ખોળામાં બાંધી ન રાખો, તેને દુનિયાભરની ભાષાની વહેતી નદીઓ સાથે હિલ્લોળા લેવા દો. ઈંગ્લિશ માટે જ સતત સમૃદ્ધ થતી જતી ભાષા છે. ઈંગ્લિશે કેટલીયે ભાષાઓમાંથી પોતાનામાં શબ્દો અપનાવ્યા છે. ગુજરાતી પ્રજા એક અલગ પડે છે. બોલચાલની ગુજરાતી ભાષામાં તો બીજી ભાષાના શબ્દો વણાઈ ગયા છે, પણ ગુજરાતી લોકો બહુ ફ્લેક્સિબલ રહ્યા છે.
માટે આ વેપારી પ્રજાનો વિશ્વ આંખામાં ડંકો વાગે છે. ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણે વસીને જે સમૃદ્ધ થયા છે એવી બીજી કોઈ જાતિ સફળ થઈ નથી. જડતાનો અભાવ અને વિશાળ દિલ તેનાં કારણો છે. અકબરે મહાભારતનું પર્શિયન ભાષામાં રૂપાંતર કરાવેલું. કન્ટેન્ટમાં દમ હોય તો ભાષાનું માધ્યમ નડે નહીં. પોતાની મા ભગવાન લાગતી હોય તો પણ પડોશના બાળકને એમાં પોતાની મા દેખાય નહીં. પરાણે સાવકી મા બનાવવાના પ્રયત્નો માટે કેટલી નવરાશ જોઈએ?
