હું એક સ્માર્ટ ફોન, એટલો સ્માર્ટ કે કોઈના કમાન્ડ વગર હું કંઈ ન કરી શકું. મને યાદ છે, જ્યારે હું પહેલીવાર એક સરસ મજાના ખોખામાંથી બહાર આવ્યો, ત્યારે આપણો એક અલગ જ ઠસ્સો હતો.
મારા સર્જકો મને બેસ્ટ સેલર ગણતા. હું પણ મારી જાતને સિકંદર સમજવા લાગ્યો હતો. મારો જે ભાવ કંપનીએ નક્કી કર્યો હતો, એની પર ઓન બોલાતું અને લોકો મને લેવા પડાપડી કરતા. હું જોરદાર ફોર્મમાં આવી ગયો હતો, પણ મને ક્યાં ખબર હતી કે મારું ભાગ્ય કોઈ એક માણસના હાથમાં, તેના ખિસ્સામાં કે તેની બેગમાં રહેવાનું છે!
મારો પહેલો માલિક મને ઘરે લઈ આવ્યો. પહેલો દિવસ તો હું મૂંઝાઈ ગયો હતો. તેણે મારામાં એક નાનું ચોરસ `સિમકાર્ડ' ખોસ્યું અને પછી તો જાણે મારી દુનિયા જ બદલાઈ ગઈ! હું તેના ફોટા પાડતો, તેના વીડિયો બનાવતો. ધીમે ધીમે તેની આખી દુનિયા, તેના મિત્રો અને પરિવારજનો સાથે મારી અંદર સમાઈ ગયાં. હું તેની જિંદગીનો સૌથી અગત્યનો ભાગ બની ગયો. તે સવારે ઊઠતાંવેંત મને જુએ અને રાત્રે સૂતી વખતે પણ મને જ જુએ. ક્યારેક તો હું તેની અને તેની પત્ની વચ્ચે પ્રેમનો સેતુ બનું, તો ક્યારેક તેમના ઝઘડાનું કારણ પણ.
પછી અચાનક એક દિવસ આવ્યો જેણે મારી દુનિયા બદલી. મારા માલિક પાસે એક બીજો નવો ફોન આવ્યો. મારા માટે આ પહેલો ઝટકો હતો. એ દિવસ પછી હું મોટાભાગે તેની પત્નીના પર્સમાં રહેવા લાગ્યો. બપોરના ભાગે આખો દિવસ ફલાણીએ શું કર્યું અને ઢીંકણીએ શું ન કર્યું? તેની ચેટ ચેટથી હું ભરાઈ પડ્યો રહેતો. થોડા દિવસ થયા ત્યાં તો અચાનક કોરોના આવ્યો અને હું એમનાં બાળકોના હાથમાં એમનો `શિક્ષક' બની ગયો. નવી વાર્તા અને રમતો શીખવી, તો ક્યારેક એમને ખોટે રસ્તે ચઢાવી દેવામાં પણ મારો જ વાંક.
જોકે, તેમની પાસેથી છેલ્લે હું પહોંચ્યો દાદાજી પાસે. અહીં મને થોડી શાંતિ મળી. સવાર-સાંજ મોટા અવાજે મારામાં ભજન વાગે, પણ કોઈનું ધ્યાન ન હોય ત્યારે દાદાજી મારામાં આરતી જુએ. મંદિરવાળી નહીં, ઇન્ટરનેટવાળી! જોકે, એક-બે વખત દાદી જોઈ ગયાં. દાદાની ભૂલની સજા મને મળી. દાદીએ જે છુટ્ટો ઘા કર્યો, મારી આખી બોડી તૂટી ગઈ. એ મારા અસ્તિત્વનો અંતિમ ઘા હતો.
અને હવે... હું એક ટેબલના ખાનામાં, કોઈ ખૂણામાં પડ્યો છું. ધૂળના રજકણો મારા સ્ક્રીન પર જામી ગયા છે. આ માણસ કેમ સમજતો નથી કે જેમ નવી ટેક્નોલોજી આવે છે, એમ એ લોકો ધડ દઈને જૂની, પોતાની સાથે રહેલી ટેક્નોલોજીને ત્યજી દેતા હોય છે? ઈશ્વર પણ નવા માણસ બનાવી જૂના જોડે આમ જ કરે તો?