મોંઉઘાડું રાખી શારદા વહુ ગામના ચોરાનું પગથિયું ચઢ્યાં. ત્યાં ચોરાની પાળી પર ઝૂલતા પગ રાખીને બેઠેલા નાગજી ડોસા સજ્જડબંબ થઇ ગયા. કાબરચીતરા નેણની ઢીંગલીઓ કબૂતરની ડોક જેમ ઊંચીનીચી થઇ.
હળખેડ કરેલા ખેતર જેવું મોં વિખેરાઈ ગયું. છતાંય પળ બેપળ પોતાની ઝાંખીપાંખી નજર વડે વહુ સામે જોઈ લીધું. એક ક્ષણે તો ગમ્યું, પણ કોઈ જોઈ જશે ને કહેશે: `એ... લાજો, લાજો ભાભા, બાયુ માણા હામે જોવો છો તે! `નાગજી ડોસાએ ખભા પર હતું તે ફાળિયું પોતાના મોં પર ઓઢી લઇ, રીતસર લાજ કાઢ્યા જેવું કર્યું. પછી સૌ કોઈનું ધ્યાન ખેંચવા ઊંચા સાદે બોલ્યા: `એ વવે લાજશરમ નેવે મૂકી તે હવે અમે લાજ કાઢવાનું શરૂ કર્યું, બીજું શું થાય?' પછી ઢઢળતા સ્વરે કહે: `એ અમને તો બાપ-દાદાની કાં'ક લાજ-મર્યાદા આડી આવેને?' આગળ ઉમેર્યું: `એ જાતી જિંદગીએ ધોળામાં ધૂડ પડી કે'વાય!'
વનરાઈના વંઠેલ વાંદરા જેવો વનેચંદ બહુ જ નજીવા સમયમાં આખી ઘટનાને પામી ગયો હતો. તે ઠાવકાઇથી બોલ્યો: `ઓય ધાડેના, આ ભાભાએ ખરા ટાણે રોન કાઢી લાગે છે, રંગમાં ભંગ નો પડાવે તો સારું.' પણ સમય પારખી સઘળું ગળા હેઠે ઉતારીને સૌ સાંભળે એમ મરમમાં બોલ્યો: `હા બાપા, આવે આવે હો સાડી સત્તરવાર શરમ આવે!' પછી પાસે આવીને મોઢામોઢ કહે: `આખા ગામમાં તમે એક જ લાજ -શરમવાળા છો, બાકીના બધા નલાજા ને નશરમા છે બરાબરને!'
શારદા વહુની પાછળ સબોસબ ચોરાનાં પગથિયાં ચઢેલા સૌની નજર વનેચંદ ને નાગજી ડોસા તરફ ખેંચાઇ. ડોસાને થયું, વનેચંદ મારો બેટો મારાં વખાણ કરે છે કે પછી મારી ઠેકડી ઉડાડે છે! ભલું પૂછવું વનકાનું, ક્યાં તો ચણાના ઝાડ પર ચઢાવી દે નહિતર લાખમાંથી કાંખના કરી નાખે. ફાળિયા વડે મોં પર કાઢેલી લાજ ડોસાએ આઘી કરી નાખી ને ઘી વગરની લાપસી જેવું મોં કરતાં સૌ સામે જોવા લાગ્યા.
ઘણા ખરાને સમજાઈ ગયું હતું કે શારદા વહુ ઉઘાડા મોંએ ચોરાનું પગથિયું ચઢ્યાં તેના સામે ડોસાએ આવો ફજેતો કર્યો છે. કોઈના મોંએ આવી ગયું: `વહુ લાજ નો કાઢે એમાં તમારા બાપનું શું જાય છે?' ત્યાં વળી કોઈએ ટોણો માર્યો: `એ જગત બદલાણું પણ આ ડોસો નો બદલાયો હોં.'
શારદા વહુ સરપંચ તરીકે બહુમતીથી ચૂંટાઈ આવ્યાં છે. તેમના સત્કાર સમારોહ જેવું ચોરા પર ગોઠવવામાં આવ્યું છે. ગામના લાગતાવળગતા લોકો ભેગા થયા છે. ગામના વિકાસ અંગેની વાતો થશે. તેમાં શારદા વહુ પણ માઇક સામે ઊભાં રહી ભાષણ કરશે. હવે આમ થવું તે કંઈ નવું નથી. બધે થાય છે.
ચોરાની મોટી પડથાર પર હજુ બધું ગોઠવાઇ રહ્યું હતું. તે દરમ્યાન વનેચંદ નાગજી ડોસા પાસે બેસી ગયો. ડોસાએ બોલવું શરૂ કરી દીધું: `એક વખતે ગામનો સરપંચ થાવા કોઈ તૈયાર થાતું નો'તું. ભાઈને કવ, પાયની પેદાશ નય ને ઘડીની નવરાશ ન મળે. વળી, અમલદારોનો ઘસારો કેટલો? સામે વનેચંદે વાત માંડી: `હવે પેલા જેવું નથી. રાજકારણમાં પ્રવેશવાનું આ પહેલું પગથિયું છે ને ધારે તો લોકસેવા કરવાનો રૂડો અવસર પણ છે.' ત્યાં ડોસાએ વનેચંદને રોક્યો: `તું કે'છો પણ આ બાઇમાણા છે. ઇનાથી શું થશે?' વનેચંદને બરાબરનું મોં પર સોપડાવી દીધું: `તમારા ઘરેથી મારાં કાકી છે, એનાથી શું નથી થાતું ઈ મને ક્યો?' પછી ઊંચા સાદે કહી દીધું: `નો કરવાનું બધું જ કરે છેને!' આવું સાંભળી ડોસાની બોલતી બંધ થઇ ગઈ, પણ નાક જાતા હોઠ રાખવો હોય એમ કહે: `પણ ભાઈને કવ, હું તો આ લાજ નો કાઢી એની વાત કરતો'તો.' વનેચંદે મોં ફેરવી પડથાર પર નજર નાખી લીધી. ત્યાં તખતો તૈયાર થવામાં હતો.
`ગામમાં નવી બાયુ લાજ જ કાઢતી નથી.' વનેચંદે કહ્યું: `ગામડામાં રહે છે તેમાં મોટાભાગની બાયુ બીજા રાજ્યની છે. નાત-જાત કે એવું કંઈ પૂછવા જેવું નથી. તેમાં લાજ કાઢવાનું ક્યાં કહો છો?' વનેચંદે ડોસા સામે રીતસરનો મોરચો માંડ્યો: `ને ગામમાંથી સુરત રહેવા ગયેલી કેટલી બાયુ લાજ કાઢે છે? ને કાઢે પણ શું કરવા?' ડોસા રીતસરના ડઘાઈ ગયા. વનેચંદને લાગ્યું, હવે બહુ થઇ ગયું. તે દાંત કાઢતો આ તરફ આવ્યો, જ્યાં શારદાનું સરપંચ તરીકે સન્માન થઇ રહ્યું હતું. આખા કાર્યક્રમમાં શારદાના પતિ જ છવાઈ રહ્યા હતા. તે જોઈ કોઈ બોલ્યું પણ ખરું: `આ વહુ તો નામ પૂરતાં સરપંચ, કારોબાર તો છગનલાલ જ કરશે.' ત્યાં વળી સામેથી મમરો મૂક્યો: `સ્ત્રીનું નામ ને પુરુષ કરે એનું કામ.'
છેવટે શારદા વહુ ઊભાં થઈ માઈકમાં બોલ્યાં: `ગામના સરપંચ તરીકે મારે લાજ કાઢવાની ન હોય, પણ લાજ રાખવાની હોય.' આટલું બોલે ત્યાં નાગજી ડોસો રીતસરના ધસી આવીને વચ્ચે બોલ્યા: `પણ વહુબેટા, વહીવટ તમે કરજો હોં.' ઘડીભરની સ્તબ્ધતા પછી તાળીઓનો ગડગડાટ થવા લાગ્યો.