કુદરત અને પર્યાવરણની વાતો ડોમિનો ઇફેક્ટ જેવી હોય છે. હારબંધ કૂકરીઓ એવી રીતે ગોઠવવામાં આવે, જેથી પ્રથમ કૂકરીને ધક્કો લાગતાં જ એક પછી એક બધી કૂકરીઓ ટપોટપ પડવા માંડે, એને ‘ડોમિનો ઇફેક્ટ’ કહેવાય. અન્ય શબ્દોમાં એને ચેઈન રિએક્શન પણ કહી શકાય. આપણી પૃથ્વીના વાતાવરણમાં જે ડોમિનો ઇફેક્ટ જોવા મળે છે, એમાં ઊંડા ઊતરો તો દંગ રહી જાવ એવી અજાયબીઓથી રૂબરૂ થવા મળે!

સામાન્ય રીતે આપણે પર્યાવરણની વાત કરીએ ત્યારે મોટા ભાગે જમીન અને હવા વિશે જ વધુ વાત થાય છે. પાણી વિશે બહુ બહુ તો માનવસર્જિત જળપ્રદૂષણનો આછોપાતળો ઉલ્લેખ આવે. આ ચર્ચાઓ દરમિયાન આપણે પૃથ્વીની સપાટી પર 71 % જેટલો જંગી હિસ્સો રોકીને બેઠેલા સમુદ્રોને લગભગ ભૂલી જઈએ છીએ! સમુદ્રોય કદાચ આ જ વાતનો ખાર કાઢવા માંગતા હોય એમ માનવજાતનું હોલસેલમાં નિકંદન કાઢવાના પ્લાન બનાવી રહ્યા છે! વાત એન્ટાર્કટિકાની છે, પણ એની ડોમિનો ઇફેક્ટ આખી દુનિયામાં ફેલાશે. પહેલાં જરા ટેક્નિકલ બાબતો સમજી લઈએ.

સમુદ્રી પ્રવાહ (Ocean Current) એ સમુદ્રના પાણીનો સતત અને નિયમિત વહેવાનો પ્રવાહ છે, જે ચોક્કસ દિશામાં ગતિ કરે છે. આ પ્રવાહો વિશ્વના મહાસાગરોમાં પાણીનું પરિભ્રમણ કરે છે અને હવામાન, જળવાયુ અને સમુદ્રી ઇકોસિસ્ટમ પર મોટી અસર કરે છે. જ્યારે ઊંડા પાણીમાં જોવા મળતા પ્રવાહો ઘનતા (density of water) તાપમાન અને ખારાશ (salinity) પર આધારિત હોય છે, જે થર્મોહેલાઇન કરંટ તરીકે પણ ઓળખાય છે.

સમુદ્રી પ્રવાહો ગરમ અને ઠંડા પાણીની હેરફેર દ્વારા વૈશ્વિક તાપમાનનું સંતુલન જાળવી રાખવામાં બહુ મોટી મદદ કરે છે. વળી, ઓશન કરંટ્સ સમુદ્રની અંદર વસતા જીવો માટે ખોરાક-પોષકતત્ત્વો તાણી લાવવાની ‘કુરિયર સર્વિસ’ પણ બખૂબી નિભાવે છે. એક ઔર ફાયદો જો ગણાવવો હોય, તો ઈંધણની બચતનો પણ ગણાવી શકાય. મોટાં જહાજો ઓશન કરંટની દિશામાં હંકારે, તો પ્રમાણમાં ઘણું ઓછું ઈંધણ વાપરીને ગંતવ્ય સ્થાને પહોંચી શકે છે. જોકે, આ કાયમ શક્ય નથી હોતું. જહાજોએ ઘણી વાર સામા પ્રવાહેય તરવું પડે છે.

જો પૃથ્વીનો નકશો લઈને બેસશો અથવા ગૂગલ મેપ ધ્યાનથી જોશો તો સમજાશે કે પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર બરફાચ્છાદિત એન્ટાર્કટિકા ખંડ આવેલો છે, પણ ગ્લોબલ વોર્મિંગને કારણે અહીંનો બરફ ઝપાટાબંધ પીગળી રહ્યો છે. જો આ ક્રમ ચાલુ રહેશે તો આવનારા થોડાં જ વર્ષોમાં એટલો બધો બરફ પીગળી જશે કે વિશ્વભરના તમામ સમુદ્રોની સપાટીમાં અનેક મીટર્સનો વધારો નોંધાઈ શકે છે. ઇન ધેટ કેસ, મુંબઈથી માંડીને શાંઘાઈ, લોસ એન્જલસ, કોપનહેગન, બ્યુએનોસ એરીસ અને ન્યૂયોર્ક જેવાં સંખ્યાબંધ શહેરો ડૂબી મરશે!

લેકિન ઐસા કેસે હો સકતા હૈ? એન્ટાર્કટિકામાં બરફ ઓગળે અને દુનિયાને બીજે છેડે આવેલાં શહેરો ડૂબી જાય? માત્ર ગ્લોબલ વોર્મિંગના પ્રતાપે જ આટલો બધો બરફ ઓગળતો હોય, તો હિમાલય સહિતની પર્વતમાળાઓનો બરફ તો ક્યારનોય ઓગળી જવો જોઈએ, પણ એવું નથી થયું. શરૂઆતમાં કહ્યું એમ આ આખી બાબત ડોમિનો ઇફેક્ટ એટલે કે ચેઈન રિએકશન જેવી છે. આ સમજવા માટે સમુદ્રના ‘રિફ્રેશમેન્ટ’ની પ્રોસેસ સમજવી પડે.

ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં પથરાયેલી બરફની ચાદરો દર વર્ષે અમુક પ્રમાણમાં ઓગળે છે. આ કુદરતી પ્રોસેસ છે. ગ્લોબલ વોર્મિંગને કારણે નિયત કરતાં થોડો વધુ બરફ ઓગળે છે અને અહીંથી શરૂ થાય છે ચેઈન રિએકશન. બરફ ઓગળવાથી જે પાણી બનશે, એ સ્વાભાવિકપણે મીઠું પાણી - એટલે કે મીઠા (નમક) વગરનું પાણી હોવાનું. આ પાણી ગ્રીનલેન્ડને જોડાઈને આવેલ આર્કટિક ઓશન અથવા સાઉથ પોલ સાથે જોડાયેલા સાઉથ એટલાન્ટિક અથવા ઇન્ડિયન ઓશનમાં જઈને ભળશે. આ પ્રોસેસને ‘રિફ્રેશમેન્ટ ઓફ ઓશન’ કહેવાય. હવે જરા પૃથ્વીના સાઉથ પોલ પર ફોકસ કરો. અહીં એન્ટાર્કટિકા ખંડ આવેલો છે. આ એન્ટાર્કટિકા ખંડની આસપાસ દુનિયાનો સૌથો મહત્ત્વનો અને સૌથી શક્તિશાળી સમુદ્રી પ્રવાહ વહે છે, જે ‘એન્ટાર્કટિક સર્કમપોલર કરંટ (ACC)’ તરીકે ઓળખાય છે. આ પ્રવાહ પૂર્વ દિશામાં (પશ્ચિમથી પૂર્વ તરફ) સતત વહે છે અને એટલાન્ટિક, પેસિફિક અને હિંદ મહાસાગરોને જોડે છે. ‘સમુદ્રનું એન્જિન’ તરીકે ઓળખાતો ACC ગ્લોબલ ઓશન કરંટ્સ અને જળવાયુ બેલેન્સમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ACC દર સેકન્ડે લગભગ 100-150 મિલિયન ઘનમીટર પાણી ખસેડે છે,

જે વિશ્વની તમામ નદીઓના પ્રવાહ કરતાં ઘણું વધારે છે. વળી, તે અનેક ખંડોની વચ્ચે થઈને વહે છે અને પૃથ્વીના તમામ સમુદ્રોને પ્રભાવિત કરે છે. ઇન શોર્ટ, ACCમાં કંઈ પણ ગરબડ થાય તો એની અસર બધે દેખાય.

ગ્લોબલ વોર્મિંગને કારણે જ્યારે એન્ટાર્કટિકાનો બરફ નિયત કરતાં વધુ પ્રમાણમાં ઓગળે, ત્યારે રિફ્રેશમેન્ટને કારણે ACCના ખારા પાણીમાં તાજું (નમક વિનાનું) પાણી મોટા પ્રમાણમાં ઉમેરાય. જેના પગલે ACCના પાણીની ઘનતા ઘટે છે. (પાણીની ઘનતા એમાં રહેલા નમકની સાંદ્રતા - Salinity પર આધાર રાખતી હોય છે.) પાણીની ઘનતા ઘટવાથી ACCનો વેગ પણ ઘટે અને ACC જેવા જાયન્ટિક પ્રવાહની ગતિ ઘટે, એટલે દુનિયાના તમામ સમુદ્રી પ્રવાહોની ગતિ ઘટે, સાથે જ સમુદ્રના સ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાય! સમુદ્ર કિનારે વસેલાં શહેરો પર જે ખતરો મંડરાઈ રહ્યો છે, તે આ જ કારણે! (સાથે આપેલ ઈમેજમાં વિવિધ ઓશન કરંટ્સ અને એમના પરિભ્રમણની દિશા દર્શાવેલ છે.)