જ્યારે પણ મોંઘી વસ્તુઓની વાત આવે તેમાં સૌથી મોખરે હીરા, પ્લેટિનિયમ કે સોના-ચાંદીનું નામ આવે છે, પરંતુ આ બધાં કરતાં મોંઘી વસ્તુમાં એક વૃક્ષનું લાકડું આવે છે,
જે હીરા કરતાં પણ મોંઘું છે. આ વૃક્ષનું નામ `અગરવૂડ' છે. અગરવૂડને હિન્દીમાં `અગરબત્તીની લાકડી' અથવા `ઉદ' પણ કહેવામાં આવે છે. અગરવૂડના લાકડાની ખુશબૂ એટલી દમદાર હોય છે કે દુનિયાનાં મોંઘામાં મોંઘાં કહેવાતાં પરફ્યૂમમાં અને મોંઘી કહેવાતી અગરબત્તીમાં તેનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. અગરવૂડને કેટલાક લોકો `વૂડ ઓફ ગોડ' એટલે કે દેવતાઓનું લાકડું તરીકે પણ ઓળખાવે છે. વિશ્વભરમાં અગરવૂડનાં લાકડાંની ભારે માંગ છે. અગરવૂડની કિંમત તેની ગુણવત્તા અને તેના પ્રકારથી નક્કી થાય છે. અગરવૂડનાં લાકડાંની કિંમત પ્રતિ કિલો અંદાજિત રૂપિયા 80 લાખથી દોઢ કરોડ સુધીની આંકવામાં આવી છે. અલબત્ત, અગરવૂડના તેલની કિંમત પણ પ્રતિ લિટર 5થી 20 લાખ રૂપિયા સુધીની જોવા મળે છે. આપણા ભારત દેશના અસમ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં અગરવૂડનાં વૃક્ષ સૌથી વધુ જોવા મળે છે. આ સિવાય દુનિયાભરમાં બાંગ્લાદેશ, ભુતાન, થાઇલેન્ડ, વિયેતનામ અને કંબોડિયા ઉપરાંત ઈન્ડોનેશિયામાં અગરવૂડનાં વૃક્ષો મોટી સંખ્યામાં જોવા મળે છે.
જો ઘરમાં એ.સી. નથી તો કોળું તો છેને?
હાલમાં સમગ્ર એશિયા ખંડ ગરમીથી પરેશાન છે. તેથી ગરમીને દૂર કરવા એશિયાના લોકો ઘરમાં એ.સી. અથવા તો કૂલર લગાવવાનું વિશેષ પસંદ કરે છે, પરંતુ જો એ.સી. ઘરમાં લગાવવામાં આવે છે તો એ.સી.નું બિલ પણ અધધ આવે છે. તેથી ઘણા લોકો એ.સી.ની જગ્યાએ કૂલર વાપરવાનું પસંદ કરે છે, તો કેટલાક ટેબલ પંખાની સામે પાણી ભરેલાં ટબ મૂકીને ગરમીમાં ઠંડક મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ચીનના કેટલાક લોકો તો આ બધી વસ્તુઓને બાદ કરતાં એટલે કે એ.સી.ના પર્યાય તરીકે કોળાની પસંદગી કરે છે. હાલ ચીનમાં કેટલાક લોકો કોળાને લઇને સૂઇ જાય છે. ચીનના આ લોકોના કહેવા પ્રમાણે જો કોળાને તમે બાથમાં લઇને સૂઇ જાઓ છો તો તમને અનેરી ઠંડકનો અહેસાસ થાય છે અને એ.સી.ની જરૂર પડતી નથી. પ્રાચીન ચીની નુસખા તરીકે પણ કોળાને બાથમાં લઇને સુવાથી ઠંડક પ્રાપ્ત થાય છે, એવું જણાવવામાં આવ્યું છે, કારણ કે કોળામાં 95% જેટલું પાણી હોય છે અને તેના સંપર્કથી તે ગરમીને અવશોષિત કરવામાં વિશેષ મદદરૂપ નીવડે છે. પારંપરિક ચીની ચિકિત્સા (TCM)માં પણ શરીરની ગરમી દૂર કરવા માટે આ શાકની છાલ ખાવાની સલાહ આપવામાં આવી છે.
ઈંડાં રાખવાના કપનો પણ વર્લ્ડ રેકોર્ડ છે!
કેટલાક લોકો કોફી માટેના આકર્ષક મગ ભેગા કરતા હોય છે, તો કેટલાક લોકો કોલ્ડ કોફી કે વાઈન કે શરબત માટેના કાચના અવનવા આકાર ધરાવતા ડ્રિંકિંગ ગ્લાસ કે કપને શોખ તરીકે ભેગા કરતા હોય છે. અલબત્ત, ઠંડા કે ગરમ પીણાં માટે કાચના પાત્ર જોવા મળે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ઈંડાં રાખવા માટેનાં પણ અલગ પાત્ર આવે છે. કદાચ તમે તેને કોઇના ઘરે શોકેસમાં કે ફ્રીઝ ઉપર સાદા આકારમાં જોયા હશે, પરંતુ સ્પેનમાં રહેતી મારિયા જોસ ફસ્ટરે તો 15,000થી પણ વધુ ઈંડાના અવનવા આકારના કપ ભેગા કરીને સૌથી વધુ કપ એકઠા કરવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. તેઓ છેલ્લાં 50 વર્ષથી ઈંડાં મૂકવાના કપ એકત્ર કરી રહ્યાં છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે, તેમને ઈંડાં ખાવાનું સહેજેય પસંદ નથી, પરંતુ તેના કપ ખૂબ જ પસંદ છે. અત્યાર સુધી તેમણે 15,485 કપ ભેગા કર્યા છે અને હજી પણ તેઓ નવા નવા કપ એકત્ર કરી રહ્યાં છે. તેમની પાસેના કેટલાક કપનું સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે.