જ્યારે જ્યારે પિરામિડની વાત નીકળે ત્યારે ત્યારે આપણને ઇજિપ્તમાં આવેલ ગીઝાના પિરમિડ જ યાદ આવે, પરંતુ તમે ક્યારેય મેક્સિકોમાં આવેલ ગ્રેટ પિરામિડ ઓફ ચોલુલા વિશે સાંભળ્યું છે? મેક્સિકોના આ પિરામિડમાં ઇતિહાસ અને અનેક રહસ્યોનો સંગ્રહ જોવા મળે છે.

પિરામિડનો ઇતિહાસ

મેક્સિકોના ચોલુલા પિરામિડની ગણતરી દુનિયાના સૌથી મોટા પિરામિડોમાં થાય છે. તે ઇજિપ્તના ગીઝાના મહાન પિરામિડ કરતાં ડબલ મોટો છે. મેક્સિકોના પુએબ્લા રાજ્યમાં આવેલો ચોલુલાનો મહાન પિરામિડ આજે એક વિશાળ ટેકરી જેવો દેખાય છે. જેના ઉપર સુંદર સ્પેનિશ ચર્ચ આવેલું છે. તે માનવ ઇતિહાસ, ધર્મ અને ઇજનેરીનો એક અદ્ભુત દાખલો છે. એનું નિર્માણ કોણે કરાવ્યું એ આજે પણ એક રહસ્યનો વિષય છે. ગ્રેટ પિરામિડ ઓફ ચોલુલા મેક્સિકોના દેવતાને સમર્પિત છે. પ્રાચીન સમયમાં તે આસ્થાનું મુખ્ય કેન્દ્ર હતું. મેક્સિકોથી અનેક શ્રદ્ધાળુ પોતાના ભગવાનની પૂજા કરવા માટે અહીં આવતા હતા. પહેલાં પિરામિડની આસપાસ અનેક પ્રાચીન મંદિરો હતાં, પરંતુ વિદ્રોહ થવાને કારણે મંદિરોને તોડી પાડવામાં આવ્યાં. એ પછી સ્પેને ચોલુલાના પિરામિડ ઉપર એક ચર્ચ બનાવ્યું.

પિરામિડનું નિર્માણ

આ પિરામિડનું નિર્માણ કોઈ એક સમયે થયું ન હતું, પરંતુ તે લગભગ 1000 વર્ષના સમયગાળા દરમિયાન વિવિધ સંસ્કૃતિઓ દ્વારા ઘણા તબક્કાઓમાં બાંધવામાં આવ્યો હતો. તેની શરૂઆત ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં થઈ હોવાનું મનાય છે અને તેનું બાંધકામ ઈ.સ. નવમી સદી સુધી ચાલુ રહ્યું. દરેક સભ્યતાએ તેના પર નવા સ્તરો ઉમેર્યા, તેને મોટો અને ભવ્ય બનાવતા ગયા. આ બાંધકામમાં એડોબઇંટો, પથ્થરો અને માટીનો ઉપયોગ થયો હતો. તેની ઊંચાઇ આશરે 25 મીટર છે. જોકે, તે ગીઝાના પિરામિડ જેટલો ઊંચો નથી, પરંતુ તેના પાયાનું ક્ષેત્રફળ અને કુલ કદ તેને વિશ્વનો સૌથી મોટો પિરામિડ બનાવે છે. તેનું કુલ કદ આશરે 4.45 મિલિયન ક્યિૂબિક મીટર છે.

ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ

ચોલુલા એ પ્રાચીન મેસોઅમેરિકામાં એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક અને વેપારી કેન્દ્ર હતું. આ પિરામિડ મુખ્યત્વે દેવતા ક્વેત્ઝાલકોએટલ પીંછાવાળા સર્પદેવતાને સમર્પિત હતો. જે મેસોઅમેરિકન સંસ્કૃતિઓમાં જ્ઞાન, પવન, વરસાદ, સવાર અને તારાના દેવતા તરીકે પૂજવામાં આવતા હતા. આ પિરામિડના બાંધકામમાં વિવિધ સ્વદેશી જૂથોનો પ્રભાવ જોવા મળે છે. જેમ કે, પ્રારંભિક તબક્કાઓ ઓલમેક શૈલીના પ્રભાવ હેઠળ હતા. 12મી સદીમાં ટોલ્ટેક-ચિચીમેકા લોકોએ ચોલુલા પર કબજો કર્યો અને પિરામિડના પછીના ભાગોના નિર્માણમાં ફાળો આપ્યો. સદીઓ સુધી ચોલુલાનો આ પિરામિડ દૂર દૂરથી આવતા યાત્રાળુઓ માટે એક મુખ્ય ધાર્મિક સ્થળ હતું. અહીં ધાર્મિક વિધિઓ અને સમારોહ યોજાતા હતા. પિરામિડમાં ઘણાં બલિદાન સ્થળો પણ મળ્યાં છે, જેમાં માનવ હાડપિંજર અને વિવિધ ભેટો, ખાસ કરીને સિરામિક્સ, મળી આવ્યા છે.

પિરામિડને છુપાવવો

16મી સદીમાં હર્નાન કોર્ટેઝ જ્યારે સ્પેનિશ ઉપર વિજય મેળવીને ચોલુલા પહોંચ્યા, ત્યારે તે મેક્સિકોનું બીજા નંબરનું સૌથી મોટું શહેર હતું. સ્પેનિશ લોકોના આગમન સમયે પિરામિડનો મોટો ભાગ પહેલેથી જ વનસ્પતિથી ઢંકાયેલો હતો અને તે એક વિશાળ ટેકરી જેવો દેખાતો હતો. સ્થાનિકોએ કદાચ તેને સ્પેનિશ લોકોથી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્પેનિશ વિજેતાઓને આ ટેકરી પર તેની ધાર્મિક મહત્ત્વતા વિશે કોઈ જાણ નહોતી.

આધુનિક શોધ અને પુરાતત્ત્વ

19મી સદીના અંત સુધી મોટાભાગના લોકો માટે આ ફક્ત એક કુદરતી ટેકરી હતી. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં પુરાતત્ત્વવિદોએ તેનું ખોદકામ શરૂ કર્યું ત્યારે જ આ વિશાળ માળખાનું અસ્તિત્વ બહાર આવ્યું. આજે પિરામિડના અંદરના ભાગને શોધવા માટે લગભગ આઠ કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે.

આ ટનલો મુલાકાતીઓને પિરામિડના જુદા જુદા બાંધકામના તબક્કાઓ અને અંદરનાં પ્રાચીન ભીંતચિત્રો જોવાની તક પૂરી પાડે છે. જોકે, પિરામિડનો મોટો ભાગ હજુ પણ દટાયેલો છે. તેનું સંપૂર્ણ ખોદકામ ચર્ચના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વને કારણે શક્ય નથી.

ચોલુલાનો મહાન પિરામિડ મેક્સિકોના સૌથી અસાધારણ ઐતિહાસિક સ્થળોમાંનો એક છે, જે પ્રાચીન સંસ્કૃતિઓનો અદ્ભુત નમૂનો છે, એટલે જ નહીં તે એન્જિનિયરિંગની કુશળતા અને તેમની ધાર્મિક શ્રદ્ધાનું એક પ્રભાવશાળી ઉદાહરણ પૂરું પાડે છે.