માછલી તો ગરીબોથી માંડીને શ્રીમંતોનો આહાર છે, તેથી તેની કિંમત અધધ હોય એવો અંદાજ આવતો નથી, પરંતુ દુનિયામાં પાંચ એવી માછલીઓ છે, જેની કિંમત લાખોમાં બોલાતી હોય છે અને એ પણ માંડ પાંચસો ગ્રામ કરતાં ઓછા વજનની માછલીનો!

માંસાહારી લોકોમાં ચિકન કે બીજાં પ્રાણીઓ ખાનારા હોય, તો કેટલાક એવા હોય કે જેને ફક્ત સી ફૂડ જ પસંદ હોય છે. એમ તો સમુદ્ર અનેક જાતની માછલીઓની સૃષ્ટિ સાચવીને બેઠો છે. અનેક પ્રજાતિની માછલીઓ સમુદ્રમાં મળી રહે, તો કેટલીક નદીઓમાં પણ મળી રહે, પરંતુ બહુધા મત્સ્યોદ્યોગ તો સમુદ્રમાં જ ચાલતો હોય છે. આધુનિક માછીમારીને કારણે દરરોજ ટનબંધી માછલાં જાળમાં પકડીને બજારમાં વેચાવા આવતાં હોય છે. શોખીનો તેમના શોખ પ્રમાણે એ માછલાંમાંથી પસંદ કરતા હોય છે. કેટલાકને ઝિંગા પસંદ હોય તો કેટલાકને કટલા પસંદ હોય છે. જોકે એ પ્રજાતિ મોટા પ્રમાણમાં મળતી હોય, તેથી તેનો ભાવ સામાન્ય લોકોને પરવડે એવો પણ હોય છે, પરંતુ કેટલીક માછલી એવી હોય છે કે જે ફક્ત શ્રીમંતોને જ પોસાય એવી હોય છે.

એવી માછલીઓમાં દુનિયામાં સૌથી મોંઘી માછલી ગણાય છે બ્લૂફિન ટુના માછલી! ટૂના પ્રજાતિની માછલીમાં આ બ્લૂફિન ટૂના સૌથી મોટું કદ ધરાવે છે. તે સમુદ્રમાં ખૂબ ઝડપથી તરતી હોય છે. તેનો આકાર સબમરીનમાંથી છૂટતા ટોર્પિડો જેવો હોય છે. એ આકારને કારણે જ તે સમુદ્રમાં લાંબા અંતર સુધી ઝડપથી તરી શકે છે. એ ખૂબ સ્વાદિષ્ટ લાગતી હોવાને કારણે તેનો શિકાર ખૂબ જ થાય છે. હવે તે વિલુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે અને તેથી જ તેના ઊંચા દામ બજારમાં મળે છે. એક પાઉન્ડ એટલે કે 0.454 કિલોગ્રામ એટલે કે લગભગ પાંચસો ગ્રામ બ્લૂફિન ટૂના માછલીના 4.20 લાખ રૂપિયા ઊપજે છે.

બ્લૂફિન ટૂના કરતાં સસ્તી કહેવાય એવી માછલી ગ્લાસ ઈલ માછલી છે. અમેરિકાના ઉત્તર પૂર્વ કિનારે આ માછલીની પ્રજાતિ મળી આવે છે. એ પણ વિલુપ્ત થવાને આરે છે. આ માછલી એક સાપ જેવી દેખાય છે. તેની કિંમત 0.454 કિલોગ્રામના 2.52 લાખ રૂપિયા હોય છે.

દુનિયાની સૌથી મોંઘી માછલીમાં પફર માછલીનું નામ જોતાં જ છળી પડાય એવું છે. પફર માછલી ખરેખર તો ખૂબ જ ઝેરી માછલી છે, તેથી તે માછલી પણ લોકો ખાય એ જાણીને જ નવાઈ લાગે એવું છે. જોખમ જણાય એટલે દડા જેવી થઈ જતી આ માછલીના શરીર પર કાંટા હોય છે. એ કાંટા ઝેરી હોય છે. કાળા માથાનો માનવી ધારે તે કરી શકતો હોય છે, તેથી જ એ પફર ઝેરી હોવા છતાં કેટલાક ખાસ રેસ્ટોરાંમાં તે ભોજનમાં પીરસાતી હોય છે. ખાસ કરીને અમેરિકાના આંગળીના વેઢે ગણાય એટલી રેસ્ટોરાંમાં પફરનું ભોજન પીરસાતું હોય છે. પફરનો ભાવ પાંચસો ગ્રામના 17 હજાર રૂપિયા હોય છે. પફરની જેમ અમેરિકામાં રેસ્ટોરાંની ડિશમાં કિંગ સેલ્મનનું નામ પણ જોવા મળે છે. અમેરિકાના અલાસ્કાના સમુદ્રમાં મળી આવતી આ માછલી તેના નામ પ્રમાણે સૌથી મોટી સેલ્મન માછલી છે. તેને વાઈલ્ડ અલાસ્કાના નામે પણ ઓળખવામાં આવે છે. તેના સ્વાદ અને આકારને કારણે લોકોમાં ખૂબ જ પ્રિય છે. વળી, બ્લૂફિન ટૂનાની સરખામણીએ સાવ સસ્તી કહેવાય એવી કિંગ સેલ્મનને ઘણા લોકો પસંદ કરે છે. છતાં તેને સાવ સસ્તી તો ન જ કહેવાય. તેનો ભાવ પણ 0.454 કિલોગ્રામના 5884 રૂપિયા હોય છે.

નામ પ્રમાણે તલવાર જેવા મોંને કારણે સ્વૉર્ડ ફિશ તરીકે જાણીતી માછલી એટલાન્ટિક મહાસાગરમાં મળે છે. તેનું મોં તલવાર જેવું લાંબું અને આગળથી તીણું હોય છે. એક માછલી 100 કિલોગ્રામની હોય છે. એ માછલી 5100 રૂપિયે લગભગ અડધો કિલોગ્રામ મળે છે. એ દુનિયાની સૌથી પાંચ મોંઘી માછલીઓમાં સૌથી સસ્તી ગણાય છે.

જોકે, સી ફૂડના દીવાના આ તમામ પ્રકારની માછલીઓ પોતાની હેસિયત પ્રમાણે ખાતા જ રહે છે. તેના ભાવ ઊંચા હોવાને કારણે માછીમારી કરનારાઓ પણ એ માછલી જાળમાં ફસાય એ માટે આતુર હોય છે. એ કારણે તેનો શિકાર પણ ઘણો થાય છે. આપણે ત્યાં નર્મદા નદીમાં ચોમાસામાં મળતી હિલ્સા એટલે કે મોદાર માછલીના પણ એ જ હાલ છે. ખરેખર તો એ નદીના મુખમાં બચ્ચાં પેદા કરવા માટે આવતી હોય છે, પણ તેના ભાવ વધુ મળતા હોવાથી તેની માછીમારી પણ ખૂબ થાય છે. તેને કારણે તેની વસ્તી પણ ઘટતી જાય છે, પરંતુ બીજાં પ્રાણીઓને બચાવવા માટે જેટલી ચિંતા માણસજાત કરે છે, એટલી ચિંતા માછલી તથા બીજી પ્રજાતિ માટે થતી નથી.