મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને જીવનનાં અનેક પાસાંઓ પર માર્ગદર્શન આપે છે, પરંતુ તેમની એક સલાહ એટલી ગહન છે કે તે આજના સમયમાં પણ લીડરશિપનો પાયો બની શકે છે.

ભીષ્મ કહે છે, `ક્રોધને ટાળવો હોય તો સંન્યાસીની જેમ વિચારતા શીખો.' આ એક વાક્ય નથી, પરંતુ એક દર્શન છે, જે લીડરને તેના આંતરિક શત્રુ ક્રોધથી બચવાનો માર્ગ બતાવે છે. આફ્ટર ઑલ લીડરશિપ એટલે માત્ર ટીમનું નેતૃત્વ કરવું કે નિર્ણયો લેવા નથી, સાથોસાથ લીડરશિપ એટલે એક એવી પર્સનાલિટી રચવી, જે દબાણની ક્ષણે પણ શાંત, ન્યાયી અને સંતુલિત રહે. જોકે, ક્રોધ આ શાંતિનો નાશ કરે છે. તે એક એવી અગ્નિ છે, જે લીડરની બુદ્ધિ, પ્રતિષ્ઠા અને સંબંધોને બાળી નાખે છે, પરંતુ ભીષ્મની આ સલાહ લીડરને એક એવો માર્ગ બતાવે છે, જેના દ્વારા તે પોતાની અંદરની આ અગ્નિને શાંત કરી શકે અને એક સફળ, પ્રભાવશાળી નેતા બની શકે.

ક્રોધ એ લીડરનો સૌથી મોટો શત્રુ છે. જ્યારે લીડર ક્રોધને વશ થાય છે, ત્યારે તેની નિર્ણયશક્તિ ઝાંખી પડે છે. એક નાનકડી ભૂલ કે ટીકા પણ લીડરને ઉશ્કેરી શકે છે અને આ ઉશ્કેરાટમાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે. ઉદાહરણ તરીકે, એક લીડર જો કોઈ ટીમના સભ્યની ભૂલ પર ગુસ્સે થઈ જાય અને અપમાનજનક શબ્દો બોલે, તો તે ટીમનો વિશ્વાસ ગુમાવે છે. આવા ક્ષણિક ગુસ્સાને કારણે લાંબા ગાળાનું નુકસાન થાય છે, ટીમનું મનોબળ ઘટે છે, સંબંધોમાં તિરાડો પડે છે અને લીડરની પ્રતિષ્ઠા પર આંચ આવે છે. શાંતિપર્વમાં ભીષ્મ સમજાવે છે કે ક્રોધ એક એવો દોષ છે, જે લીડરની બુદ્ધિને આવરી લે છે અને તેને એવા નિર્ણયો લેવા મજબૂર કરે છે, જે તેનાં ધ્યેયો અને સંબંધોને નુકસાન પહોંચાડે છે. આજના સમયમાં પણ આ વાત સાચી છે. એક લીડરનો ક્રોધ તેની ટીમની ઉત્પાદકતા, સર્જનાત્મકતા અને એકતાને ખતમ કરી શકે છે.

જોકે, ક્રોધ બાબતે ભીષ્મ જે કહે છે એ સંન્યાસીની જેમ વિચારવું એટલે શું? તો કે સંન્યાસી એ છે, જે સાંસારિક મોહ-માયાથી ઉપર ઊઠે છે. તે અપમાન, ટીકા કે ઉશ્કેરણીને વ્યક્તિગત રીતે લેતો નથી. સંન્યાસીનું મન શાંત હોય છે, કારણ કે તે જાણે છે કે આ બધું ક્ષણિક છે. લીડર માટે આ દર્શન અપનાવવું એટલે પોતાના અહંકારને નિયંત્રણમાં રાખવો. જ્યારે ટીમનો કોઈ સભ્ય ભૂલ કરે, કોઈ સ્પર્ધક ટીકા કરે કે કોઈ પરિસ્થિતિ અનુકૂળ ન હોય, ત્યારે લીડરે પોતાને એક પગલું પાછળ ખેંચીને વિચારવું જોઈએ. આ બધું મારા મનની શાંતિને ડહોળવા દઉં કે નહીં? સંન્યાસીની જેમ વિચારવું એટલે આ બધી બાહ્ય ઘટનાઓને એક નિરપેક્ષ દૃષ્ટિકોણથી જોવી, જેમાં તમે ન તો ખુશીમાં ડૂબી જાઓ, ન તો દુઃખમાં ડૂબો. આ નિરપેક્ષતા લીડરને ક્રોધના બંધનમાંથી મુક્ત કરે છે.

આજના સંદર્ભમાં સંન્યાસીની જેમ વિચારવું એટલે ભાવનાત્મક બુદ્ધિ (Emotional Intelligence)નો ઉપયોગ કરવો. એક લીડરે પોતાની ભાવનાઓને સમજવી અને નિયંત્રિત કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ કોર્પોરેટ લીડરને બોર્ડરૂમમાં ટીકા મળે, તો તેનો પ્રતિકાર કરવાને બદલે શાંત રહીને તે ટીકાનું વિશ્લેષણ કરે, તો તેનો નિર્ણય વધુ સંતુલિત હશે. સંન્યાસીનું મન આવી જ નિરપેક્ષતા ધરાવે છે. તે ન તો પ્રશંસામાં ફૂલે છે, ન તો ટીકામાં ડૂબે છે. લીડરે આ ગુણ અપનાવવો જોઈએ, જેથી તે ક્રોધના બદલે શાંતિથી પરિસ્થિતિનો સામનો કરી શકે.

ભીષ્મની આ સલાહનો અર્થ એ નથી કે લીડરે પોતાની લાગણીઓને દબાવી દેવી. લાગણીઓ મનુષ્યનો સ્વાભાવિક ભાગ છે, પરંતુ ક્રોધને વ્યક્ત કરવાની રીત નિર્ણાયક છે. સંન્યાસીની જેમ વિચારવું એટલે ક્રોધને ઓળખવો, તેનું કારણ સમજવું અને તેને શાંત કરવા માટે યોગ્ય પગલાં લેવાં. આ માટે ભીષ્મ ધ્યાન, આત્મનિરીક્ષણ અને ક્ષમાની વાત પણ કરે છે. ધ્યાન દ્વારા લીડર પોતાના મનને શાંત રાખી શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ પરિસ્થિતિમાં ક્રોધ ઉભરાતો હોય, ત્યારે થોડી ક્ષણો માટે ઊંડો શ્વાસ લેવો, શાંત થવું અને પછી વિચારવું, આ એક આધુનિક સંન્યાસીની રીત છે. આવી નાની ટેવો લીડરને ક્રોધના આવેગથી બચાવે છે.

આખરે ક્રોધનું નુકસાન માત્ર વ્યક્તિગત સ્તરે જ નથી, તે સંગઠનને પણ અસર કરે છે. એક ગુસ્સાવાળો લીડર ટીમનું મનોબળ ઘટાડે છે, નવીનતાને અટકાવે છે અને સંબંધોમાં અંતર લાવે છે. ભીષ્મના મતે ક્રોધ એક એવો દોષ છે, જે લીડરને તેના ધ્યેયથી દૂર લઈ જાય છે. સંન્યાસીની જેમ વિચારવું એટલે આ દોષને ઓળખીને તેના પર વિજય મેળવવો. આજના ઝડપી અને સ્પર્ધાત્મક વિશ્વમાં, જ્યાં દબાણ અને તણાવ સામાન્ય છે, ત્યારે લીડર માટે આ ફિલોસોફીને અપનાવવી અત્યંત જરૂરી છે. વળી, આ કંઈ માત્ર ફિલોસોફી જ નથી, પરંતુ આખેઆખી સ્ટ્રેટેજી છે, જે તેને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવામાં અત્યંત ખપમાં આવે છે.