કોઇ પણ માણસને ફિટ રહેવા માટે હંમેશાં 7થી 8 કલાકની ઊંઘની જરૂરિયાત હોય છે, પરંતુ જાપાનમાં 41 વર્ષીય ડાયસૂકે હોરી નામના બિઝનેસમેન છેલ્લાં તેર વર્ષથી માત્ર 30 મિનિટ જ ઊંઘ લે છે અને તે સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત પણ છે.

તેના જણાવ્યા પ્રમાણે તેણે પોતાના શરીર અને મગજને એ રીતે ટ્રેઇન કર્યું છે કે તેને દરરોરજ માત્ર 30 મિનિટથી વધુ ઊંઘવાની જરૂર પડતી જ નથી. તેણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, 24 કલાકમાં 30 મિનિટ ઊંઘવાનો નિર્ણય મેં મારી ક્ષમતા વધારવા માટે લીધો છે. વાતના અંતે તેણે એમ પણ જણાવ્યું હતું કે કેટલાક કલાકોની ઊંઘ કરતાં વધુ જરૂરી છે થોડા સમય માટે સારી ઊંઘ લેવી! ડાયસૂકે હોરીના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી તમે સ્પોર્ટ્સ અને એક્સરસાઇઝ સાથે સંકળાયેલા છો તો તમને કોઇ પણ પ્રકારની પરેશાની થતી નથી. ડાયસૂક દરરોજ બે કલાક જિમ માટે પણ ફાળવે છે અને ભોજન લેતા પહેલાં તે કોફી પીવાનું પસંદ કરે છે. આમ કરવાથી તેમને ઊંઘ અને થાક અનુભવાતો નથી. ડાયસૂકે વર્ષ 2016થી જાપાન શોર્ટ સ્લીપર્સની ટ્રેનિંગ પણ ચાલુ કરી છે. જ્યાં તે ઊંઘ અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા ક્લાસ આપે છે.

આ નવા બ્લડ ગ્રૂપ વિશે તમે સાંભળ્યું છે?

આપણે મોટાભાગે A, B, AB અને O બ્લડ ગ્રૂપ વિશે સાંભળ્યું છે. અલબત્ત, હવે તો બોમ્બે બ્લડ ગ્રૂપ વિશે પણ સૌ કોઇ માહિતગાર છે, પરંતુ શું તમે ગ્વાડા નેગેટિવ (Gwada Negative) બ્લડ ગ્રૂપ વિશે સાંભળ્યું છે? તાજેતરમાં જ કેરેબિયનના હગ્વાડેલૂપમાં રહેતી એક મહિલાનું બ્લડ ગ્રૂપ ગ્વાડા આવ્યું છે, જે દુનિયાના 48માં બ્લડ ગ્રૂપમાં સામેલ કરવામાં આવ્યું છે. આ બ્લડ ગ્રૂપની શોધ ફ્રાંસની રાષ્ટ્રીય રક્ત સેવાએ (Etablissement français du sang) કરી છે અને તેને International Society of Blood Transfusion - ISBT એ મિલાન (ઇટલી)માં આયોજિત પોતાના સંમેલનમાં ઔપચારિક માન્યતા પણ આપી છે. નોંધનીય છે કે, ISBT એ તે પહેલાં 47 ખાસ કહેવાતા બ્લડ ગ્રૂપ સિસ્ટમની ઓળખ કરી હતી. આ શોધ ઘણા લાંબા સમય બાદ આવી છે. આ પહેલાં જ ઓસ્ટ્રેયાઇ-અમેરિકન જીવવિજ્ઞાન કાર્લ લેન્ડસ્ટિનરે વર્ષ 1901માં પહેલીવાર ABO બ્લડ ગ્રૂપ સિસ્ટમની શોધ કરી હતી, જે માટે તેમને નોબલ પુરસ્કાર પણ મળ્યો હતો. ખેર, હવે જોવું રહ્યું કે ગ્વાડા નેગેટિવ બ્લડ ગ્રૂપ ધરાવતા અન્ય લોકો છે કે નહીં?

3200 મેગા પિક્સલનો કેમેરો પણ હોય છે!

આજકાલ સ્માર્ટ ફોનમાં 150થી લઇને 200 મેગા પિક્સલ સુધીના કેમેરા જોવા મળતા હોય છે. તેમજ ડીએસએલઆર કેમેરામાં 400 મેગા પિક્સલ સુધીના કેમેરા જોવા મળે છે. તો કેટલાક એવા કેમેરા પણ હોય છે જે અંતરીક્ષની તસવીરો ખેંચવા માટે ઉપયોગમાં આવે છે. આ કેમેરા 1000 મેગા પિક્સલ સુધીના હોય છે, પરંતુ અમેરિકાના ઊર્જા વિભાગ એટલે કે, સ્ટેનફર્ડ લિનિયર એક્સલરેટર સેન્ટર નેશનલ લેબે(SLAC National Laboratory) કુલ 3200 મેગા પિક્સલનો કેમેરો એટલે કે આ કેમેરાનું રિઝોલ્યુશન (resolution) 3200 મેગા પિક્સલ છે. જોકે, આ કેમેરો અંતરીક્ષની તસવીરો ખેંચવા માટે છે નહીં કે તેને ગળે લટકાવીને ફરવા માટે! અલબત્ત, આ કેમેરો ખૂબ જ વિશાળ છે અને તેનું વજન 2800 કિલોગ્રામ છે. આ કેમેરાનો ઉપયોગ વેરા સી રૂબિન ઓબ્ઝરવેટરીમાં ટેલિસ્કોપ સાથે જોડીને રાખવામાં આવે છે. આ કેમેરો બનાવવા માટે 4000 કરોડ રૂપિયાનો ખર્ચો આવ્યો છે અને તેને બનાવવામાં વીસ વર્ષ લાગ્યાં હતાં. આ કેમેરામાં જે લેન્સ લગાડવામાં આવ્યો છે તે 1.5 મીટર ધરાવે છે. આ કેમેરાથી અંતરીક્ષ, સૂર્ય, ચંદ્ર કે ગેલેક્સીની સચોટ તસવીરો લઇ શકાય છે. મૂળ આ કેમેરો આવનારાં વર્ષોમાં દરરોજની એક હજાર તસવીરો ખેંચશે.