આપણે ત્યાં ઘણાને શરદી-જુકામની તકલીફ બારે મહિના જોવા મળે છે. ઘણાને વર્ષા, હેમંત અને શિશિર ઋતુમાં શરદી વધુ થાય છે. તો ઘણાને બે ઋતુના સંધિકાળમાં તેની તકલીફ વધતી હોય છે.

આ શરદી-જુકામ થવાનાં મુખ્ય કારણોમાં ભોજનની અનિયમિતતા, અધિક પરિશ્રમ, ચિંતા, પાણીમાં પલળવું, ઠંડી હવામાં સૂવું, અધિક મદ્યપાન તથા મળ, મૂત્રાદી વેગોને રોકવા, ઉજાગરા, ઉપવાસ, બરફવાળાં ઠંડાં પીણાંઓ, ફ્રીઝની ચીજો, દહીં, છાશ, કેળાં, માવાની મીઠાઈઓ, ચોકલેટ, જામફળ, મેંદાની ચીજો, સેન્ટ, અત્તર, ફૂલોની સુગંધ, ફેસ પાઉડર, અગરબત્તીનો ધુમાડો તથા એરકન્ડિશન્ડ કે ઠંડા વાતાવરણમાં રહેવું કે કામ કરવું વગેરે ગણાવી શકાય.

આ શરદી-જુકામના આક્રમણ પૂર્વે બેચેની, ઠંડીની કંપારી આવવી, શિર:શૂળ, અંગોમાં ત્રોડ થવો, કબજિયાત વગેરે થાય છે તથા ત્યાર પછી નાકમાં ખંજવાળ, છીંકો આવવી, નાકમાંથી સતત પાણી પડવું, ઉધરસ આવવી, કાનમાં અને નાકમાં સળવળાટ અને ઠંડીની કંપારી સાથે તાવ આવે છે.

આમ તો આ વ્યાધિ મામૂલી ગણાય, પરંતુ તે વારંવાર થવાથી અનેક ઉપદ્રવો ઉત્પન્ન કરે છે. એટલે આ રોગમાં આરામ કરવો, પેટ સાફ રાખવું, પોષણયુક્ત પૌષ્ટિક અને સુપાચ્ય આહાર લેવો તથા ઉચિત ઔષધોપચાર કરવો જોઈએ.

જેમને વારંવાર શરદી થતી હોય, તેમણે એક નાના પતાસા પર ચાર-પાંચ ટીપાં લવિંગના તેલનાં પાડી સવારે અને રાત્રે લેવું જોઈએ તથા લવિંગનું તેલ માથે- લમણા પર ઘસવાથી અને સૂંઘવાથી છીંકોના વેગ અને નાકમાંથી પાણી દદડવાનું બંધ થાય છે.

નવી શરદીમાં જો ગળું પકડાતું હોય અને અવાજ બેસી ગયો હોય તો દૂધમાં હળદર નાંખીને સવારે અને રાત્રે પીવાથી ખૂબ રાહત થાય છે. પાણીમાં પલળવાથી કે વરસાદથી શરદી થઈ હોય તો લીલી ચામાં સૂંઠ, લવિંગ, કાળાં મરી, ફૂદીનો વગેરે નાંખીને પીવી.

પરંતુ આ શરદી જીર્ણ એટલે જૂની અને કાયમી ઘર કરી જાય, ત્યારે તે અત્યંત ત્રાસદાયક બને છે અને લપની જેમ વળગેલી રહે છે. ચીવટપૂર્વકનો ઉપચાર અને ઉચિત માર્ગદર્શન વગર આ જીર્ણક્રોનિક શરદીમાંથી મુક્ત થવાતું નથી.

આ શરદીનો જો ઉચિત ઉપચાર કરવામાં ન આવે તો તે આગળ જતાં દમ-શ્વાસરોગ પણ ઉત્પન્ન કરે છે. એટલે આ રોગ મામૂલી છે, એમ સમજીને તેની ઉપેક્ષા કરવી નહીં.

 સરળ ઉપચાર

વાસાસવ : અડધા કપની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે લેવો.

બન્ફસાદિ કવાથ : ચારથી છ ચમચી જેટલો ત્રણ વખત લેવો.

તાલીસાદિ ચૂર્ણ પા ચમચી + શીતોપલાદિ ચૂર્ણ પા ચમચી + ત્રિકટુ ચૂર્ણ પા ચમચી + મધ બે ચમચી મિશ્ર કરી સવારે અને રાત્રે લેવું.

વ્યોષાદિવટી અથવા લવંગાદિવટી બે-બે ગોળી દિવસમાં ત્રણ-ચાર વખત ચૂસવી.

ષડબિંદુ તેલનાં ત્રણથી ચાર ટીપાં બંને નસકોરાંમાં સવારે અને રાત્રે પાડવાં.

સૂંઠ નાખીને ઉકાળેલું પાણી જ પીવું.

ઉપરોક્ત રોગો ઉત્પાદક કારણો અને આહારદ્રવ્યોનો ત્યાગ કરવો.